Home તાજા સમાચાર gujrati પહેલાં બાળકો, પછી મહિલાઓ અને અંતે પુરુષો… ધર્મના નામે જોતજોતામાં 400 લોકો...

પહેલાં બાળકો, પછી મહિલાઓ અને અંતે પુરુષો… ધર્મના નામે જોતજોતામાં 400 લોકો મોતના મોંમાં કઈ રીતે હોમાઈ ગયા?

3
0

Source : BBC NEWS

400થી વધુ મૃતદેહો મળ્યા; કેન્યાના 'ડૂમ્સડે' સંપ્રદાયના ધર્મગુરુ, નાના બાળકો સહિત અનેક લોકોના મોત પાછળ જવાબદાર

(સૂચના: આ સમાચારની કેટલીક માહિતી તમને વિચલિત કરી શકે છે.)

કેન્યાની એક અદાલતે ખ્રિસ્તી ધર્મના ‘ડૂમ્સડે’ (પ્રલયકાળ અથવા દુનિયાનો અંત) સંપ્રદાયના નેતાને 123 અનુયાયીઓનાં મૃત્યુ માટે દોષિત ઠેરવ્યો છે.

મોમ્બાસાની કોર્ટે પૉલ મૅકેન્ઝીને દોષિત ઠેરવ્યો છે. જાન્યુઆરી 2021થી સપ્ટેમ્બર 2023 દરમિયાન તેણે પોતાના પુખ્ત વયના અનુયાયીઓને દરિયાકિનારા નજીક આવેલા શાકાહોલા જંગલમાં ભૂખ્યા રહીને મરી જવાનો આદેશ આપ્યો હતો.

આ જ સામૂહિક હત્યાકાંડમાં 191 લોકોની હત્યાના કેસમાં આ મહિનાની શરૂઆતમાં મૅકેન્ઝીને 200 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. મૃતકોમાં એક વ્યક્તિ સિવાય બાકીનાં બધાં નાનાં બાળકો હતાં.

મૅકેન્ઝીએ સાપરાધ મનુષ્યવધના આરોપોને નકારી કાઢ્યા હતા. સમાચાર સંસ્થા રૉયટર્સના જણાવ્યા અનુસાર, તેના એક વકીલે કહ્યું છે કે આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ તેઓ સજા સામે અપીલ કરશે.

કોર્ટે આ કેસમાં મૅકેન્ઝીનાં પત્ની રોડા મુંબુઆ માવેઉ સહિત અન્ય 29 લોકોને પણ સાપરાધ મનુષ્યવધના ગુનામાં દોષિત ઠેરવ્યા છે.

આ કેસના 60 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જોકે, ફરિયાદી પક્ષે જણાવ્યું છે કે તેઓ તેમના નિર્દોષ છૂટવાના નિર્ણય સામે અપીલ કરશે.

એકસાથે જીવન સમાપ્ત કરવાનો નિર્ણય

હિંદ મહાસાગરના કિનારે આવેલા શાકાહોલા જંગલમાં કબરોમાંથી 400થી વધુ મૃતદેહો મળી આવ્યા બાદ 2023માં પોતાને ધર્મગુરુ ગણાવનાર આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે કહ્યું છે કે મૅકેન્ઝીએ અનુયાયીઓને ‘ભૂખ્યા રહીને મૃત્યુ પામવા માટે રીતસર પ્રેરિત કર્યા હતા’.

કેન્યાની સરકારી વકીલ કચેરી (ફરિયાદી પક્ષે) એક નિવેદનમાં જણાવ્યું છે કે શુક્રવારે (27 નવેમ્બર) આપવામાં આવેલો આ ચુકાદો તેની સામેના કેસોમાં ‘અંતિમ ચુકાદો’ છે.

સરકારી વકીલ કચેરીએ જણાવ્યું કે, “આ યોજના મુજબ સૌથી પહેલાં બાળકોએ, ત્યારબાદ મહિલાઓએ અને અંતે પુરુષોએ ભૂખ્યા રહીને પોતાનો જીવ આપવાનો હતો. સૌથી છેલ્લે મૅકેન્ઝી પોતે મૃત્યુ પામવાનો હતો.”

સરકારી પક્ષે કોર્ટમાં જણાવ્યું કે, ‘ઈસુને મળવા માટે’ ભૂખ્યા રહીને મૃત્યુ પામવાની યોજના (સુસાઇડ પૅક્ટ) મૅકેન્ઝી અને તેના સાથીદારોએ મળીને બનાવી હતી. આ યોજના મુજબ બધાએ સાથે મળીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું.

સાક્ષીઓએ પોતાની જુબાનીમાં કહ્યું કે, મૅકેન્ઝી પોતાના અનુયાયીઓને કહેતો હતો કે શિક્ષણ મેળવવું, દવાઓનો ઉપયોગ કરવો અને ઘરેણાં પહેરવાં એ પાપનાં કામો છે.

400થી વધુ મૃતદેહો મળ્યા; કેન્યાના 'ડૂમ્સડે' સંપ્રદાયના ધર્મગુરુ, નાના બાળકો સહિત અનેક લોકોના મોત પાછળ જવાબદાર

191 લોકોની હત્યાના કેસના ચુકાદા મુજબ, મૅકેન્ઝીના ઉપદેશોનો વિરોધ કરનારાઓને માર મારીને તેમની હત્યા કરી દેવામાં આવતી હતી.

જોકે, બચાવ પક્ષે એવો દાવો કર્યો હતો કે મૃતકોએ પોતાની મરજીથી ઉપવાસ કરીને પોતાનો જીવ આપ્યો હતો.

આ અઠવાડિયાની શરૂઆતમાં મૅકેન્ઝીને અન્ય કેટલાક ગુનાઓમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જેમાં નીચેના ગુનાઓનો સમાવેશ થાય છે:

  • માર મારીને ઇજા પહોંચાડવી અને બાળકો સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરવાના પાંચ ગુના.
  • સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવું.
  • કટ્ટરતા.
  • આતંકવાદી હુમલો કરવામાં મદદ કરવી.
  • કેન્યાના 2012ના આતંકવાદ-વિરોધી કાયદા હેઠળ ગુના સંબંધિત વસ્તુઓ પાસે રાખવી.

શિક્ષણ અને તબીબી સારવારનો વિરોધ

મૅકેન્ઝીએ 2003માં ‘ગુડ ન્યૂઝ ઇન્ટરનેશનલ મિનિસ્ટ્રીઝ’ નામના ચર્ચની સ્થાપના કરી હતી. આગામી 16 વર્ષમાં આ ચર્ચની લોકપ્રિયતા વધી અને કેન્યાના વિવિધ ભાગોમાં તેના અનુયાયીઓની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ.

પર્યટન માટે પ્રખ્યાત માલિન્દી શહેરમાં આવેલા તેના ચર્ચમાંથી આપવામાં આવતાં પ્રવચનો ‘ટાઇમ્સ ટીવી’ નામની ચેનલ પર પ્રસારિત થતાં હતાં.

દુનિયાના અંત અંગેના તેના પ્રવચનોમાં અનેક કાવતરાંના દાવા કરવામાં આવતા હતા. તે શિક્ષણને ‘ખરાબ’, આરોગ્ય સેવાઓને ‘સિદ્ધાંતોની વિરુદ્ધ’ અને ડિજિટલ ઓળખપત્રોને ‘શેતાનની નિશાની’ કહેતો હતો.

2019માં મુખ્ય ચર્ચ બંધ થયા પછી મૅકેન્ઝી શાકાહોલા જંગલમાં રહેવા ગયો. તેણે પોતાના અનુયાયીઓને પણ પોતાની સાથે ત્યાં આવવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ સમુદાયના લોકો જંગલના વિશાળ વિસ્તારમાં ઠેર-ઠેર બનાવેલાં માટીનાં ઘરોમાં રહેતા હતા.

આ ઘટનામાંથી બચી ગયેલા પીટર શુક્રાનીએ જણાવ્યું, “અમે શાંતિથી સામાન્ય જીવન જીવી રહ્યા હતા. થોડા દિવસો ઉપવાસ કરતા હતા અને ત્યારબાદ થોડું ભોજન લેતા હતા.” બીમાર પડ્યા બાદ તેમને ત્યાંથી બચાવી લેવામાં આવ્યા હતા.

400થી વધુ મૃતદેહો મળ્યા; કેન્યાના 'ડૂમ્સડે' સંપ્રદાયના ધર્મગુરુ, નાના બાળકો સહિત અનેક લોકોના મોત પાછળ જવાબદાર

કબરો મળી આવ્યા બાદ તેમાંથી મૃતદેહો બહાર કાઢવાના અત્યંત મુશ્કેલ અને ભયાનક કામ માટે સ્થાનિક પુરુષોને કામે રાખવામાં આવ્યા હતા.

મશીનથી કબર ખોદવાનું કામ કરનાર જૅમ્સે બીબીસીને જણાવ્યું, “અમને મળેલી દરેક કબરમાં ઓછામાં ઓછા 3 મૃતદેહો હતા. કેટલાક મૃતદેહો તો થોડાં અઠવાડિયાંનાં નાનાં બાળકોના પણ હતા.”

“એકવાર અમને એક કબરમાં નાનાં બાળકોના 12 મૃતદેહો એક હરોળમાં મળી આવ્યા હતા. તે એક મોટી કબર હતી. કપડાંનો ઢગલો કર્યો હોય તેમ એકની ઉપર એક મૃતદેહો રાખવામાં આવ્યા હતા.”

કબર ખોદનારાઓએ જણાવ્યું કે, કેટલાંક બાળકોના હાથ-પગ બાંધેલા હતા અને તેમના મૃતદેહો ચાદરમાં વીંટાળેલી હાલતમાં હતા.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ, ઘણા લોકોનાં મૃત્યુ ભૂખને કારણે થયાં હતાં. જ્યારે કેટલાક મૃતદેહોનાં માત્ર હાડકાં જ બચ્યાં હતાં, જેના કારણે તેમનાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.

48 વર્ષીય સ્ટીફન મ્વિટીએ જણાવ્યું કે, આ સંપ્રદાયને કારણે તેમણે પોતાના છએ છ બાળકો ગુમાવ્યાં છે. મૅકેન્ઝી સાથે હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા લોકોમાં તેમનાં પૂર્વ પત્નીનો પણ સમાવેશ થાય છે.

ગયા મહિને કોર્ટની બહાર બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “બધા આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે, તેનો મને આનંદ છે.”

“મારાં છએ છ બાળકો શાકાહોલા જંગલમાં મૃત્યુ પામ્યાં. તેમાંથી મને માત્ર મારા દીકરા સેમ્યુઅલના જ અવશેષો મળ્યા અને હું તેની દફનવિધિ કરી શક્યો.”

આ મૃત્યુની ઘટનાઓએ બિનઅધિકૃત ધાર્મિક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવામાં રહેલી ખામીઓ અને આટલાં વર્ષો સુધી આ પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલતી રહી, તે તરફ ધ્યાન દોર્યું છે.

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ તપાસ પંચની રચના કરી હતી. જોકે, બાદમાં આ પંચને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS