Home તાજા સમાચાર gujrati પૂરમાં ઘરને નુકસાન થાય તો કેટલો વીમો મળે, કેવી રીતે રકમ ક્લેમ...

પૂરમાં ઘરને નુકસાન થાય તો કેટલો વીમો મળે, કેવી રીતે રકમ ક્લેમ કરી શકાય?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સુરત અમદાવાદ વરસાદ પૂર વીમો ઈન્શ્યોરન્સ

ઇમેજ સ્રોત, Rupesh Sonvane

ગુજરાતમાં તાજેતરમાં સુરત, અમદાવાદ, નવસારી, વલસાડ સહિતનાં શહેરોમાં ભારે વરસાદના કારણે મકાનો અને મિલકતોને ભારે નુકસાન થયું છે.

ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાય દિવસો સુધી ઘરોમાં ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાયેલું રહ્યું હતું, જેના કારણે લોકોને ફર્નિચર, વીજળીનાં ઉપકરણો સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

ભારે પૂર અથવા વરસાદ વખતે મકાનોને માત્ર બાહ્ય નુકસાન નથી થતું, પરંતુ કેટલીક વખત મકાનનો કોઈ ભાગ ધસી પડે એવું પણ બને છે. આવામાં મકાનમાલિકે મોટો ખર્ચ ઉઠાવવો પડે છે.

રાજ્ય સરકારે કેટલાક વિસ્તારોમાં આર્થિક સહાયની જાહેરાત કરી છે, પરંતુ લોકોના મત અનુસાર ઘરોને થયેલા નુકસાન સામે આ રકમ બહુ મામૂલી છે.

તેથી સવાલ થાય છે કે પૂર, આગ, ભૂકંપ કે બીજી કોઈ કુદરતી આફતના કારણે મકાનોને ભારે નુકસાન થાય તો તેની સામે આર્થિક વળતર કેવી રીતે મેળવવું અને મકાનો માટે વીમો ખરીદતી વખતે કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.

બીબીસીએ આ વિશે વીમા ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાત કરીને મકાનોનો વીમો ઉતરાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, કઈ કઈ ચીજોને કવર કરવી અને છેલ્લે ક્લેમ કેવી રીતે કરવો તેની જાણકારી મેળવી હતી.

ઘરનો વીમો ક્યારે ઉતરાવવો જોઈએ?

બીબીસી ગુજરાતી સુરત અમદાવાદ વરસાદ પૂર વીમો ઈન્શ્યોરન્સ

ઇમેજ સ્રોત, Getty Images

સુરતસ્થિત ઇન્શ્યૉરન્સ ઍક્સપર્ટ જિગર લાખાણી કહે છે કે “વરસાદ કે પૂરનાં પાણી ભરાવાથી મકાનને નુકસાન થવાની ઘટનાઓ એટલી વધી ગઈ છે કે ઘણા લોકો બીજાનું નુકસાન જોઈને પણ પોતાના ઘરનો વીમો ઉતરાવવા લાગ્યા છે.”

તેઓ કહે છે કે, “નવું અથવા જૂનું ઘર ખરીદતી વખતે જ પૂર સામે રક્ષણ માટે વીમો ઉતરાવવો હિતાવહ છે. જો તે વખતે રૂપિયા હાથમાં ન હોય તો પાછળથી પણ પૂર સામે વીમો ઉતરાવી શકાય છે.”

“મકાન કેટલા ચોરસ ફૂટનું છે, જે તે વિસ્તારમાં બાંધકામનો ભાવ શું ચાલે છે તેના પરથી પ્રીમિયમ નક્કી થાય છે.”

“તેમાં સિમેન્ટ, રેતી, સ્ટીલ, સર્વેયર કૉસ્ટ, ઍન્જિનિયરની ફી, લેબર ખર્ચ વગેરેના રેટના આધારે બાંધકામ ખર્ચનો અંદાજ કાઢીને પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે.”

તેઓ કહે છે કે “પૂર, આગ, ભૂકંપ વગેરે માટે વીમો ઉતરાવતી વખતે મકાનમાલિકે તમામ વિગતો ડિકલેર કરવી પડે. ત્યાર પછી મકાનનો વીમો ઉતરાવવો કે નહીં તે વીમા કંપની નક્કી કરતી હોય છે.”

“કેટલાક કિસ્સામાં પહેલેથી જ વીમો ઉતારવાની ના પાડી શકે છે. ધારો કે પૂર અથવા આગની સંભાવના બહુ વધારે હોય ત્યારે વીમાની પ્રપોઝલ રિજેક્ટ થઈ શકે અથવા પ્રીમિયમ ઊંચું આવી શકે છે.”

અમદાવાદસ્થિત વીમા નિષ્ણાત વૈભવ શાહે બીબીસીને જણાવ્યું કે, “સામાન્ય રીતે પ્રૉપર્ટીને થતા નુકસાન માટે જનરલ ઇન્શ્યૉરન્સમાં આગ, પૂર, ભૂકંપ અને ત્રાસવાદની ઘટનાઓ સામે રક્ષણનો આગ્રહ રખાય છે.”

“ભારે વરસાદ અથવા પૂરના કારણે થતા નુકસાનને તેમાં કવર કરી લેવામાં આવે છે. આ ઉપરાંત શૉર્ટ સર્કિટ કે બીજાં કારણોથી ઘરમાં આગ લાગી હોય તેની સામે વીમો મળે છે.”

“રમખાણો કે બીજી હિંસક ઘટનાઓને પણ આ વીમામાં કવર કરવામાં આવે છે. જોકે, આપણે ત્યાં સામાન્ય રીતે બહુ ઓછા લોકો ટેરરિઝમ સામે વીમો ખરીદતા હોય છે.”

વીમાનું પ્રીમિયમ કઈ રીતે નક્કી થાય?

બીબીસી ગુજરાતી સુરત અમદાવાદ વરસાદ પૂર વીમો ઈન્શ્યોરન્સ

ઇમેજ સ્રોત, ANI

વીમા નિષ્ણાત વૈભવ શાહ કહે છે કે, “તમારું મકાન કઈ જગ્યાએ આવેલું છે, તેની સાઇઝ અને બજારભાવ પ્રમાણે તેનું પ્રીમિયમ અલગ અલગ હોઈ શકે.”

“આ ઉપરાંત જે શહેરો અથવા વિસ્તારોમાં વારંવાર પૂર આવવાની શક્યતા વધુ હોય ત્યાં ફ્લડ ઇન્શ્યૉરનન્સનું પ્રીમિયમ વધારે ઊંચું હોય છે.”

“કેટલાંક મકાનો એવી જગ્યાએ આવેલાં હોય જ્યાં પાણી ભરાવાનું અને નુકસાન થવાનું નક્કી જ હોય ત્યારે વીમા કંપની પહેલેથી જ વીમો ઉતારવાની ના પાડી શકે અથવા ઊંચું પ્રીમિયમ રાખી શકે છે.”

“તેની સામે જ્યાં પૂર આવવાની શક્યતા બહુ ઓછી હોય તેવી જગ્યાએ પ્રીમિયમ ઓછું હોય છે.”

આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફ્લેટ, બંગલા કે ટેનામેન્ટના પ્રીમિયમ અને ઉપરના માળે આવેલાં મકાનોના પ્રીમિયમ પણ અલગ હોઈ શકે છે. તેવી જ રીતે જે તે શહેરમાં બાંધકામનો ખર્ચ કેટલો ચાલે છે તે પણ જોવામાં આવે છે.

સુરતસ્થિત ઇન્શ્યૉરન્સ ઍક્સપર્ટ જિગર લાખાણી કહે છે કે “પૂર, ભૂકંપ વગેરેના વીમા માટે મકાન કયા ઝોનમાં આવે છે તે જોવામાં આવે છે.”

“ધારો કે ભૂકંપ સામે વીમો જોઈતો હોય તો સુરત કરતા અમદાવાદ અને કચ્છમાં પ્રીમિયમ વધુ આવશે કારણ કે ત્યાં ભૂકંપની શક્યતા વધારે રહે છે.”

તેમના કહેવા મુજબ વીમા કંપનીઓ એ પણ જુએ છે કે વરસાદના પાણી ભરાય એવી જગ્યાથી ઘર કેટલું દૂર છે. ઉદાહરણ તરીકે નદી, તળાવ, નહેર અથવા ખાડી નજીકનાં મકાનો માટે વીમાનું પ્રીમિયમ વધુ હોય છે.

આ ઉપરાંત નજીકનું ફાયર સ્ટેશન કેટલું દૂર છે તે પણ જોવામાં આવે છે. ફાયર સ્ટેશન દૂર હોય તો પ્રીમિયમ વધી જાય છે.

આ બધી જાણકારી પિનકોડ નંબરના આધારે વીમા કંપનીઓ પાસે હોય જ છે, છતાં તમારે વીમાની પ્રપોઝલમાં આ વાત જાહેર કરવી જરૂરી છે, નહીંતર ક્લેમ નકારી શકાય છે.

તેઓ કહે છે કે, “આખેઆખી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી માટે વીમો ખરીદવો હોય તો તેમાં કૉમન યુટિલિટી, લિફ્ટ, ગાર્ડન વગેરેને થતું નુકસાન કવર થાય છે. તમે પૂરનું પાણી કાઢવા ડિવૉટરિંગ પંપ રાખ્યા હોય અથવા આગને ડામવા માટે અગ્નિશામક યંત્રો ગોઠવ્યા હોય તો વીમાના પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે.”

ઘરનો વીમો ઉતરાવતાની સાથે જ કવરેજ ચાલુ થઈ જાય છે એવું નથી. મોટા ભાગે 30 દિવસનો વેઇટિંગ પિરિયડ હોય છે. તેથી 30 દિવસ પછી પૂરના કારણે નુકસાન થાય તો જ વીમો મળે તેવી શરતો ઘણી કંપનીઓ રાખે છે.

ફર્નિચરને થયેલું નુકસાન કવર થાય?

બીબીસી ગુજરાતી સુરત અમદાવાદ વરસાદ પૂર વીમો ઈન્શ્યોરન્સ

ઇમેજ સ્રોત, Getty Images

પૂરના સંજોગોમાં લોકોને સૌથી વધારે નુકસાન ફર્નિચરને લગતું હોય છે. આ ઉપરાંત દીવાલોના રંગને પણ નુકસાન થાય છે.

આ વિશે વીમા નિષ્ણાત વૈભવ શાહે જણાવ્યું કે “માત્ર પૂર સામે ઘરનો વીમો ઉતરાવો ત્યારે તેમાં મકાનના બાંધકામને થયેલું નુકસાન જ કવર થાય છે. જો તમારે ફર્નિચર કે ટીવી, ફ્રિજ તથા બીજા સામાનને થયેલું નુકસાન કવર કરવું હોય તો તેના માટે કન્ટેન્ટ પૉલિસી અલગથી લેવી પડે.”

“પૂરના કારણે મકાન આખું પડી ગયું હોય, દીવાલોને નુકસાન થયું હોય, રંગ ખરાબ થઈ ગયો હોય, નવું કન્સ્ટ્રક્શન કરવું પડે તો તે કવર થાય છે.”

“તેઓ કહે છે કે આગથી લાગેલા વીમામાં પણ ઘરના સામાનને કવર કરવા માટે તે ચીજ વસ્તુઓનાં અસલી બિલ સાચવી રાખવાં જરૂરી છે.”

જિગર લાખાણી કહે છે કે, “પૂરના કારણે ફર્નિચરને થયેલું નુકસાન પણ વીમામાં ઉમેરી શકાય છે, પરંતુ તેમાં પ્રીમિયમ વધી જાય છે. તમારે સોફા, કબાટ, અન્ય ફર્નિચરના બિલ અને તેના ફોટા આપીને વેલ્યૂ નક્કી કરાવવી પડે છે.”

તેમણે જણાવ્યું કે, “ઘણી કંપનીઓ ‘એગ્રીડ વેલ્યૂ’પર મકાનની કિંમત પણ નક્કી કરે છે, ઉદાહરણ તરીકે ઑનલાઇન પ્રૉપર્ટી પ્લૅટફૉર્મ પર જે તે વિસ્તારમાં પ્રૉપર્ટીના ભાવ ચાલતા હોય તે પ્રમાણે વેલ્યૂ નક્કી કરીને નુકસાની ચૂકવવામાં આવે છે. પણ આ માટે પહેલેથી શરતો સમજી લેવી જરૂરી છે.”

વીમાનો ક્લેમ કેવી રીતે કરવો?

બીબીસી ગુજરાતી સુરત અમદાવાદ વરસાદ પૂર વીમો ઈન્શ્યોરન્સ

ઇમેજ સ્રોત, Getty Images

પૂરના કારણે મકાનને નુકસાન થાય ત્યાર પછી ક્લેમ કરવાની પ્રક્રિયા સમજવી પણ જરૂરી છે. જિગર લાખાણી કહે છે કે, “પૂરના કારણે નુકસાન થયું હોય ત્યાર પછી ચોવીસ કલાકમાં જ વીમા કંપનીને આની જાણ કરો.”

“પૂરનાં પાણી ભરાયેલાં હોવાથી વીમા કંપનીના સર્વેયર આવી શકે તેમ ન હોય તો પણ કંપનીને જાણ કરવામાં મોડું ન કરો. આમાં વિલંબ થાય તો સબ-સ્ટાન્ડર્ડ સેટલમેન્ટ થઈ શકે છે.”

“મકાનમાં આગ લાગી હોય તો એફઆઈઆર કરવી ફરજિયાત છે. પરંતુ માત્ર પાણીના કારણે નુકસાન થયું હોય તો એફઆઈઆર જરૂરી નથી.”

“કેટલીક વીમા કંપનીઓ છેલ્લાં ત્રણ વર્ષના આઈટીઆર (ઇન્કમટૅક્સ રિટર્ન) પણ માગશે જેથી તમે પ્રૉપર્ટી સામે કેટલું ડેપ્રિશિયેશન ક્લેમ કર્યું છે તે જાણી શકાય.”

આ ઉપરાંત મકાનના દસ્તાવેજ, આધારકાર્ડ, પાન કાર્ડ, ચેક, લાઇટબિલ, વેરા બિલની નકલ જેવા ડૉક્યુમેન્ટ આપવા પડશે.

પૂરની ઘટનામાં તમામ ડૉક્યુમેન્ટ આપ્યા પછી દોઢથી બે મહિનામાં ક્લેમ મંજૂર થઈ શકે છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં પૂર આવ્યા હોય અને મોટા પાયે નુકસાન થયું હોય તો ત્રણથી ચાર મહિના લાગી જાય છે.

તેઓ કહે છે કે, “આવા ક્લેમમાં ડૉક્યુમેન્ટેશનની કામગીરી સૌથી મહત્ત્વની હોય છે. એક પણ કાગળ બાકી હશે ત્યાં સુધી ક્લેમનો ચેક નહીં મળે.”

“કેટલીક વખત વીમા કંપનીને ક્લેમ અંગે શંકા હોય અથવા ફ્રૉડની શક્યતા લાગતી હોય તો તે તપાસ કરાવી છે અને તેમાં વધુ ત્રણ મહિના લાગી શકે છે.”

તેમની સલાહ છે કે બને ત્યાં સુધી રજિસ્ટર્ડ વેલ્યૂઅરની મદદથી પહેલાં મકાનનું વેલ્યૂએશન કરાવો અને પછી વીમો ખરીદો. તેના કારણે વધારે ઝડપથી ક્લેમ મંજૂર થશે અને વધારે રકમ પણ મળી શકે છે.

વીમાનો ક્લેમ ક્યારે રિજેક્ટ થઈ શકે?

બીબીસી ગુજરાતી સુરત અમદાવાદ વરસાદ પૂર વીમો ઈન્શ્યોરન્સ

ઇમેજ સ્રોત, Getty Images

તમે મિલકતનો વીમો ઉતરાવ્યો હોય એટલે વીમો મંજૂર થઈ જ જાય તેવું જરૂરી નથી.

વૈભવ શાહ કહે છે કે, “વીમા કંપનીને તમે મકાન વિશે અપૂરતી માહિતી આપી હોય, માહિતી છુપાવી હોય ત્યારે વીમાનો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે અથવા ઓછી રકમ મળી શકે છે.”

તેઓ કહે છે કે “ધારો કે મકાનનો બજાર ભાવ બે કરોડ રૂપિયા હોય, પરંતુ તમે પ્રીમિયમમાં બચત કરવા માટે તેની વેલ્યૂ એક કરોડ દર્શાવી હોય તો પૂરથી નુકસાની વખતે તમને ઓછી રકમ મળશે. ઘણી વખત તમે બેઝમેન્ટમાં કોઈ સામાન રાખ્યો હોય અને તેમાં પાણી ભરાયું હોય તો વીમા કંપની તેનો દાવો રિજેક્ટ કરી શકે છે.”

વૈભવ શાહ કહે છે કે “મકાનને પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે અને તેનું વીમો ક્લેમ મંજૂર થવામાં કેટલીક વખત ચારથી છ મહિના લાગી શકે છે.”

“ક્લેમ કર્યા પછી વીમા કંપનીના સર્વેયરો ચકાસણી માટે આવે છે, ટેકનિકલ ઍનાલિસિસ પણ કરવામાં આવે છે. કેટલીક વખત ફ્રૉડની આશંકા હોય તો વીમા કંપની વધારે ચકાસણી કરે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS