Source : BBC NEWS
Lexington County Sheriff’s Department
નોંધ- અહેવાલના અમુક અંશો વિચલિત કરી શકે છે.
અમેરિકાના સાઉથ કૅરોલિના રાજ્યમાં 11 મહિનાના એક બાળકને જીવતો દાટી દેવામાં આવ્યો હતો. સત્તાવાળાઓએ જણાવ્યા મુજબ તેના પિતાએ તેને એક બૉક્સમાં પૂરીને જમીનમાં દાટી દીધો હતો. આ બાળકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો છે.
લેક્સિંગ્ટન કાઉન્ટી શેરિફની ઑફિસના જણાવ્યા અનુસાર, કોઆહ શાર્પ નામનો આ બાળક સોમવારથી ગુમ હતો. તેના 25 વર્ષના પિતા માઇકલ કોમર તેને પોતાની સાથે લઈને ગયા હતા.
સોમવારે સાંજે ચોરીના એક કેસમાં કોમરની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે વખતે બાળક તેની સાથે નહોતો.
લેક્સિંગ્ટન કાઉન્ટીના શેરિફ જે કૉને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મંગળવારે બાળક તેના પિતાના ઘરની નજીક એક બૉક્સમાં ‘જીવતો દટાયેલો’ મળી આવ્યો હતો. તે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો.
અધિકારીઓનું માનવું છે કે બાળકને લગભગ 24 કલાક પહેલાં દાટવામાં આવ્યો હતો.
શેરિફ જે કૉને જણાવ્યું હતું કે બાળકને હાલ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જવાની આશા છે.
બાળકના પિતા સામે હવે કયા વધારાના આરોપો મૂકવા તે અંગે પોલીસ વિચારણા કરી રહી છે.
11 મહિનાના કોઆહની શોધ સોમવારે શરૂ થઈ હતી. એ દિવસે તેના પિતા તેને તેની માતાના ઘરેથી લઈ ગયા હતા.
શેરિફ જે કૉનના જણાવ્યા અનુસાર, એ વખતે બાળકની સંભાળ કોમરની માતા રાખી રહી હતી. તે થોડા સમય માટે બાળકને કોમર પાસે મૂકીને ગઈ હતી, પરંતુ કોમર અચાનક બાળકને લઈને ત્યાંથી નીકળી ગયો હતો.
કોમરને જુદાં જુદાં સ્થળોએ બાળક વિના જતાં જોવામાં આવ્યો હતો. ત્યાર બાદ લેક્સિંગ્ટન કાઉન્ટીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
Getty Images
શેરિફે જણાવ્યું હતું કે એ પછી પોલીસ અને ફાયર વિભાગના કુલ 100 કર્મચારીઓની ટીમ બાળકની શોધ માટે મોકલવામાં આવી હતી.
તપાસકર્તાઓએ કોમરને તેના પુત્ર વિશે પૂછ્યું ત્યારે તેણે બાળક ક્યાં છે તે અંગે ખાસ કંઈ જણાવ્યું નહોતું.
શેરિફ જે કૉને જણાવ્યું હતું કે, બચાવકર્મીઓ કોમરના ઘરની નજીકના જંગલ વિસ્તારમાં શોધખોળ કરી રહ્યા હતા. એ દરમિયાન તેમને જમીનનો એક એવો હિસ્સો જોવા મળ્યો, જ્યાં તાજેતરમાં ખોદકામ કરવામાં આવતું હતું.
તેમણે ખોદવાનું શરૂ કર્યું ત્યારે તેમને બાળકના રડવાનો અવાજ સંભળાયો. શેરિફે આ અવાજને ‘જીવનનો સૌથી આનંદદાયક અવાજ’ ગણાવ્યો હતો.
તેમણે કહ્યું, “એ પછી બધા દોડવા લાગ્યા. દરેક જણ બાળકને બહાર કાઢવા મથતું હતું.”
તેમના જણાવ્યા અનુસાર, બૉક્સને એક ટુવાલમાં વીંટાળવામાં આવ્યું હતું. કદાચ આને કારણે બાળકને પૂરતી હવા મળતી રહી અને તેનો જીવ બચી ગયો. હવામાન ઠંડું હોવાથી બાળકને વધુ પડતી ગરમીનો સામનો કરવો પડ્યો નહીં હોય.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS




