Home તાજા સમાચાર gujrati ફિફા વર્લ્ડકપ વિશ્વની સૌથી મોટી સટ્ટેબાજી ઇવેન્ટ કેમ કહેવાઈ રહી છે?

ફિફા વર્લ્ડકપ વિશ્વની સૌથી મોટી સટ્ટેબાજી ઇવેન્ટ કેમ કહેવાઈ રહી છે?

2
0

Source : BBC NEWS

ફિફા વર્લ્ડકપ 2026ની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ફિફા મૅન્સ વર્લ્ડકપ અત્યાર સુધીની સૌથી મોટી સટ્ટાબાજીની ઇવેન્ટ બની શકે છે. તેમાં વૈશ્વિક સ્તરે 50 અબજ ડૉલર (37.4 અબજ પાઉન્ડ) કરતાં પણ વધારે દાવ લાગે તેવી સંભાવના છે.

નાણાકીય સેવાઓ આપતી કંપની મૅક્વેરીના અંદાજ મુજબ, ટૂર્નામેન્ટની દરેક મૅચ પર સરેરાશ લગભગ 50 કરોડ ડૉલરના દાવ લગાવવામાં આવશે.

આ રીતે કુલ 50 અબજ ડૉલરની સટ્ટાબાજી થવાનો અંદાજ છે, જે 2022માં કતારમાં યોજાયેલા વર્લ્ડકપ દરમિયાન લાગેલા 35 અબજ ડૉલરના દાવ કરતાં ઘણો વધારે છે.

જુગાર અંગે જાગૃતિ ફેલાવતી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે વર્લ્ડકપ દરમિયાન સટ્ટો રમનારા લોકો વધુ લત લાગે તે પ્રકારની સટ્ટાબાજી તરફ આકર્ષાઈ શકે છે. જોકે, બ્રિટનની સટ્ટાબાજી ઉદ્યોગની સંસ્થાનું કહેવું છે કે નિયમન હેઠળ કાર્યરત્ કંપનીઓ પાસે ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટેના અનેક ઉપાયો છે.

અમેરિકામાં વિકસી રહેલું સટ્ટેબાજીનું બજાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મૅક્વેરીના વિશ્લેષક ચેડ બેન્યોનના જણાવ્યા મુજબ, આ વર્ષે સટ્ટાબાજીમાંથી થનારી આવકમાં અપેક્ષિત વધારો થવાનું મુખ્ય કારણ ટુર્નામેન્ટમાં ભાગ લેતી ટીમોની સંખ્યામાં થયેલો વધારો છે. આ વખતે ટીમોની સંખ્યા 32થી વધારીને 48 કરવામાં આવી છે.

તેના પરિણામે, છ અઠવાડિયાં સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 100થી વધુ મૅચ રમાશે, જ્યારે 2022માં કતારમાં યોજાયેલા વર્લ્ડકપમાં કુલ 64 મૅચ રમાઈ હતી.

બેન્યોને વધુમાં જણાવ્યું કે અમેરિકા, કૅનેડા અને મૅક્સિકો જેવા યજમાન દેશોના અનુકૂળ સમયપત્રકને કારણે વિશ્વભરમાં વધુ લોકો મૅચો જોઈ શકશે. તેના કારણે યુરોપ, લેટિન અમેરિકા અને આફ્રિકાના સટ્ટાબાજોમાં પણ દાવ લગાવવાની હોડ વધવાની શક્યતા છે.

આ વધારાનું બીજું મહત્ત્વનું કારણ અમેરિકામાં ઝડપથી વિકસી રહેલું રમતગમત પરની સટ્ટાબાજીનું બજાર છે. હાલમાં અમેરિકાની અંદાજે 65 ટકા વસ્તીને રમતગમત પર કાયદેસર સટ્ટો રમવાની મંજૂરી છે, જ્યારે 2022માં આ આંકડો લગભગ 40 ટકા હતો.

આનો અર્થ એ છે કે આ પ્રથમ એવો વર્લ્ડકપ હશે, જેના પર અમેરિકાની અડધાથી વધુ વસ્તી કાયદેસર રીતે સટ્ટો રમી શકશે.

જોકે, બેન્યોને ચેતવણી આપી હતી કે જો સટ્ટાબાજી કંપનીઓ એક વખત માટે દાવ લગાવનારા લોકોને નિયમિત રીતે વિવિધ રમતો પર સટ્ટો રમતા નહીં કરી શકે, તો આ ટુર્નામેન્ટથી મળતો મોટો ઉછાળો તેમના માટે ક્ષણિક સાબિત થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે જેમની વેબસાઇટ પર કૅસિનો પ્લૅટફૉર્મ પણ ઉપલબ્ધ છે, તેમને આ વધારાનો સૌથી વધુ લાભ મળશે.

‘સ્ટોપ પ્રિડેટરી ગેમ્બલિંગ’ સંસ્થાના રાષ્ટ્રીય નિયામક લેસ બર્નાલે ચેતવણી આપી હતી કે વર્લ્ડકપ દરમિયાન થનારી સટ્ટાબાજીને કારણે “વિશ્વભરમાં લાખો લોકો, ખાસ કરીને યુવાન પુરુષો, જીવન બદલી નાખે એવા દેવા અને ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ જશે.”

બર્નાલે કહ્યું: “લાંબા ગાળે રમતગમત પર સટ્ટો રમનારા દર 100માંથી 99 લોકો પૈસા ગુમાવે છે… વ્યાવસાયિક રમતગમતમાં સટ્ટાબાજી કરતી કંપનીઓનો સમગ્ર વ્યવસાય એવા લોકો પર આધારિત છે, જેમને સટ્ટાના વ્યસની બનાવી દેવામાં આવ્યા છે. આ એવું વ્યસન છે, જેના કારણે પીડિતોમાં આત્મહત્યાનો દર અન્ય કોઈપણ વ્યસન કરતાં વધારે જોવા મળે છે.”

તેમણે વિશ્વભરના રાજકારણીઓને અપીલ કરી હતી કે તેઓ વ્યસનકારક પ્રકારની સટ્ટાબાજી પર અંકુશ લાવવા માટે પગલાં ભરે અને વર્લ્ડકપ દરમિયાન ગ્રાહકોને લૂંટાતા અટકાવે.

બ્રિટનમાં પણ સટ્ટેબાજી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનમાં જુગાર સુધારણા માટે અભિયાન ચલાવતા મેટ ઝાર્બ-કઝિને જણાવ્યું હતું કે વર્લ્ડકપ પર સટ્ટો રમનારા લોકોને વધુ લત લાગે તેવી કૅસિનોની રમતો તરફ આકર્ષવા માટે પણ સતત પ્રચાર કરવામાં આવશે.

‘નૅશનલ સેન્ટર ફૉર સોશિયલ રિસર્ચ’ના એક અહેવાલ મુજબ, બ્રિટનમાં જુગાર કંપનીઓની કુલ કમાણીમાંથી 79 ટકા આવક માત્ર સૌથી વધુ ખર્ચ કરનારા ટોચના 10 ટકા ગ્રાહકો પાસેથી આવે છે. આ એવા લોકો છે, જેઓ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 5,639 પાઉન્ડના દાવ લગાવે છે.

જોકે, બ્રિટનની સટ્ટાબાજી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી ‘બૅટિંગ ઍન્ડ ગેમિંગ કાઉન્સિલ’ના પ્રવક્તાએ જણાવ્યું હતું: “બ્રિટનમાં જુગાર સંબંધિત નિયમો અને ગ્રાહકોના રક્ષણ માટેની વ્યવસ્થાઓ વિશ્વની સૌથી કડક વ્યવસ્થાઓમાંની એક છે. તેમાં વયની ચકાસણી, થાપણની મર્યાદા, સ્વૈચ્છિક પ્રતિબંધ યોજનાઓ, ઑનલાઇન રમતો પર સતત નજર રાખવાની વ્યવસ્થા તેમજ જોખમમાં રહેલા ગ્રાહકો માટે વધારાના સુરક્ષાત્મક પગલાંનો સમાવેશ થાય છે.”

“એટલા માટે જ એ અત્યંત જરૂરી છે કે બ્રિટનના ગ્રાહકો બ્રિટિશ નિયમન હેઠળના સટ્ટાબાજી બજારમાં જ રહે અને ગેરકાયદેસર સટ્ટાબાજી ચલાવતી કંપનીઓ તરફ ન વળે, કારણ કે ત્યાં ગ્રાહકોના રક્ષણ માટે આવી કોઈ સુરક્ષાત્મક વ્યવસ્થા હોતી નથી,” તેમણે જણાવ્યું.

આગાહી કરતાં બજારોનું નિયમન

મૅક્વેરીનો આ અહેવાલ એવા સમયે આવ્યો છે, જ્યારે અમેરિકામાં ઑનલાઇન પ્રેડિક્શન માર્કેટ્સને લગતા નિયમો વધુ કડક બનવાની તૈયારીમાં છે.

બુધવારે અમેરિકાની પ્રેડિક્શન માર્કેટ્સ તેમજ તેલ અને અન્ય કૉમોડિટી બજારોનું નિયમન કરતી સંસ્થા ‘કૉમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન (CFTC)’એ “આતંકવાદ, હત્યા, યુદ્ધ, જુગાર અથવા ફેડરલ કે રાજ્યના કાયદા હેઠળ ગેરકાયદેસર ગણાતી કોઈપણ પ્રવૃત્તિ” અંગે લગાવવામાં આવતા દાવ પર નિયંત્રણ લાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

પ્રેડિક્શન માર્કેટ્સ વિવાદમાં એટલા માટે રહ્યા છે કે તેમાં લોકો ઈરાન યુદ્ધ કે યુક્રેન યુદ્ધ જેવા વિષયો પર એકબીજા સામે બજારની પદ્ધતિથી દાવ લગાવી શકે છે.

વિવાદ વધ્યા બાદ પ્રેડિક્શન માર્કેટ ચલાવતી કંપની ‘કલ્શી’એ આવા વિષયો પરના બજારો હવે બંધ કરી દીધા છે.

તેની હરીફ કંપની ‘પૉલિમાર્કેટ’ હજુ પણ આવા બજારો ચલાવે છે, પરંતુ તેમાંથી કોઈ ફી વસૂલતી નથી. કંપનીએ અગાઉ બીબીસીને જણાવ્યું હતું કે આવા બજારો બંધ કરી દેવાથી સંબંધિત વાસ્તવિક ઘટનાઓ પર કોઈ અસર થવાની નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS