Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
વાંચવાનો સમય: 3 મિનિટ
બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે કહ્યું છે કે તેઓ વડા પ્રધાનપદેથી રાજીનામું આપી દેશે. તેમણે આ સાથે જ લેબર પાર્ટીના વડા તરીકે પણ પદ છોડવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું છે કે તેમનો પક્ષ તેમને પ્રશ્ન પૂછી રહ્યો હતો કે આગામી સામાન્ય ચૂંટણી માટે પક્ષને નેતૃત્વ પૂરું પાડવા માટે તેઓ સક્ષમ છે કે નહીં.
સ્ટાર્મરનું કહેવું છે કે તેમણે તેમના પક્ષનો જવાબ પણ સાંભળ્યો છે અને તેનો તેઓ સ્વીકાર કરે છે.
સ્ટાર્મરે કહ્યું હતું કે, “હું જે નિર્ણય લઉં છું કે મારા દેશ પ્રત્યેના પ્રેમને આગળ રાખીને લઉં છું. હું લેબર પાર્ટીના નેતા તરીકે પણ રાજીનામું આપી દઈશ.”
રાજીનામું આપતાં પહેલાં સ્ટાર્મરે કહ્યું હતું કે તેમને લેબર પાર્ટી રાજકીય રીતે, આર્થિક રીતે તથા મૂલ્યોની રીતે અતિશય ખરાબ અવસ્થામાં મળી હતી. તેમને કહેવાતું હતું કે આ પાર્ટી ખતમ થઈ ગઈ છે.
જોકે, કિએર સ્ટાર્મરનું કહેવું છે કે તેમણે આવું કહેનારા લોકોને ખોટા સાબિત કર્યા છે.
તેમણે કહ્યું હતું કે, “મેં અર્થતંત્ર, સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે લોકોનો ભરોસો પુન: સ્થાપિત કર્યો છે.”
સ્ટાર્મરનું કહેવું છે કે તેમણે સોમવારે સવારે કિંગ સાથે વાત કરીને તેમને પોતાના રાજીનામા વિશે અવગત કર્યા હતા.
બ્રિટનમાં છેલ્લાં 14 વર્ષથી કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર હતી. પરંતુ ગત વર્ષે થયેલી ચૂંટણીમાં લેબર પાર્ટીએ ભવ્ય જીત મેળવી હતી અને સત્તામાં પુનરાગમન કર્યું હતું. ત્યારબાદ કિએર સ્ટાર્મર વડા પ્રધાન બન્યા હતા.
સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને 412 બેઠકો મળી છે. સંસદમાં બહુમતી માટે 326 બેઠકોની જરૂર હોય છે.
શા માટે સ્ટાર્મરે રાજીનામું આપ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
મૅકરફિલ્ડ પેટાચૂંટણીમાં ઍન્ડી બર્નહામની જંગી જીત બાદ, કિએર સ્ટાર્મરને વડા પ્રધાનપદેથી તેમના પ્રસ્થાન માટે ટાઇમટૅબલ નક્કી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
વધુને વધુ લેબર પક્ષના સાંસદો કીએર સ્ટાર્મરને કહી રહ્યા છે કે તેઓ ગ્રેટર માન્ચેસ્ટરના ભૂતપૂર્વ મેયરને સત્તા સોંપવાની શરૂઆત કરે.
પરંતુ વડા પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ કોઈપણ પડકારનો સામનો કરશે અને “પીછેહઠ કરશે નહીં.”
આગામી લેબર નેતા માટે કોઈ ચૂંટણી થશે કે કેમ તે સ્પષ્ટ નથી.
ઉદાહરણ તરીકે, જો ઍન્ડી બર્નહામને 9 જુલાઈના રોજ કોઈ પડકાર ન ફેંકે તો, નૉમિનેશન પૂર્ણ થયા પછી તે લેબર પક્ષના નેતા બની શકે છે.
કિએર સ્ટાર્મર એપ્રિલ 2020 માં લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા હતા અને લેબર પાર્ટીની સામાન્ય ચૂંટણીમાં જીત બાદ 5 જુલાઈ 2024 ના રોજ વડા પ્રધાન બન્યા હતા.
તેમના રાજીનામાના નિર્ણયનો અર્થ એ છે કે 2016 પછી બ્રિટનને ટૂંક સમયમાં સાતમા વડા પ્રધાન મળશે.
કિઅર સ્ટાર્મર કોણ છે?
ઇમેજ સ્રોત, Reuters
61 વર્ષની વયના કિઅર સ્ટાર્મરે લીડ્સ અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
તેમણે ઑક્યુપેશનલ થેરપિસ્ટ વિક્ટોરિયા ઍલેકઝાન્ડર સાથે લગ્ન કર્યાં હતાં. તેમના પરિવારમાં પત્ની અને એક દીકરો તથા દીકરી એમ બે સંતાનોનો સમાવેશ થાય છે.
તેમનો સંસદીય મતવિસ્તાર 2015થી હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ છે.
લેબર પાર્ટીના આ નેતા પોતાનો ઉલ્લેખ ‘શ્રમજીવી વર્ગની પશ્ચાદભૂ’ ધરાવતી વ્યક્તિ તરીકે વારંવાર કરે છે અને ઘણીવાર તેઓ જ્યાં મોટા થયા હતા તે ઑક્સ્ટેડ, સરેના “પેબલ-ડેશ સેમી”નો સંદર્ભ આપે છે.
તેમના પિતા ટૂલમેકર હતા અને માતા નર્સ તરીકે કામ કરતાં હતાં. તેમનાં માતા સ્ટીલ ડિસીઝથી પીડિત હતાં. તે એક દુર્લભ ઑટોઈમ્યુન સ્થિતિ છે. તેના કારણે તેમના માતાના બોલવા કે ચાલવા અસમર્થ થઈ ગયાં હતાં.
તેમણે રીગેટ ગ્રામર સ્કૂલમાં પ્રારંભિક અભ્યાસ કર્યો હતો. તેઓ જોડાયાનાં બે વર્ષ પછી એ સ્કૂલ ખાનગી શાળા બની હતી. તેઓ 16 વર્ષના હતા ત્યાં સુધી તેમની ફી સ્થાનિક કાઉન્સિલ ચૂકવતી હતી.
શાળા અભ્યાસ પછી તેઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયેલા તેમના પરિવારના પ્રથમ સભ્ય બન્યા હતા. તેમણે લીડ્સ યુનિવર્સિટીમાં અને બાદમાં ઑક્સફોર્ડમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો.
1987માં તેઓ બૅરિસ્ટર અને માનવાધિકાર કાયદાના નિષ્ણાત બન્યા. તેમનું કામ તેમને કૅરેબિયન અને આફ્રિકા લઈ ગયું હતું. ત્યાં તેમણે મૃત્યુદંડનો સામનો કરી રહેલા કેદીઓનો બચાવ કર્યો હતો.
1990ના દાયકાના અંતમાં તેમણે કહેવાતા મૅકલિબેલ કર્મશીલોને મફતમાં સેવા આપી હતી. ફાસ્ટ ફૂડ ક્ષેત્રની દિગ્ગજ કંપનીના પર્યાવરણ સંબંધી દાવાઓ વિશે સવાલ ઉઠાવતી પત્રિકાઓના વિતરણ બદલ મૅકડોનાલ્ડ્સ આ કર્મશીલોની પાછળ પડી હતી.
2008માં તેમને ઇંગ્લૅન્ડ અને વૅલ્સના ડિરેક્ટર ઑફ પબ્લિક પ્રૉસિક્યુશન્શ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા.
સત્તા સુધીનો માર્ગ
ઇમેજ સ્રોત, Reuters
2015માં તેઓ સેન્ટ પેનક્રાસ અને હોલબોર્નના સંસદસભ્ય બન્યા હતા.
તેમણે લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા જૅરેમી કૉર્બિનની ફ્રન્ટબેચ ટીમમાં તેમના શેડો બ્રેક્ઝિટ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. તેમણે એ વખતે કહ્યું હતું કે બીજો યુરોપિયન યુનિયન જનમત યોજવાની વિચારણા કરવી જોઈએ.
2019ની સંસદીય ચૂંટણીમાં તેમના પક્ષની કારમી હાર બાદ સર કિઅર સ્ટાર્મર નેતાપદની ચૂંટણી લડ્યા હતા. એપ્રિલ, 2020માં યોજાયેલી એ ચૂંટણી તેમણે જીતી હતી.
તેમના વિજય ભાષણમાં તેમણે લેબર પાર્ટીને “આત્મવિશ્વાસ અને આશા સાથેના નવા યુગમાં” દોરી જવાનું વચન આપ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




