Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ગયા અઠવાડિયે ફિજીમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. એ સાથે ફિજી દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલા એચઆઈવીના રોગચાળાનાં કેન્દ્રોમાંનું એક બન્યું છે.
આ સ્થિતિ એ વાતની ગંભીર યાદ અપાવે છે કે દુનિયાભરમાં થયેલી પ્રગતિ છતાં કેટલાક વિસ્તારોમાં એચઆઈવી અને એઇડ્સનો ખતરો હજુ પણ મોટો છે. અને રોગચાળો ઝડપથી કાબૂ બહાર જઈ શકે છે.
પ્રશાંત મહાસાગરમાં આવેલા આ ટાપુસમૂહના દર 60 પુખ્ત લોકોમાંથી આશરે એક વ્યક્તિ હવે એચઆઈવીથી ચેપગ્રસ્ત છે. પાંચ વર્ષ પહેલાં આ પ્રમાણ દર 167 પુખ્ત વ્યક્તિએ એકનું હતું. સંયુક્ત રાષ્ટ્રની એઇડ્સ એજન્સી યુ.એન.એઇડ્સના અંદાજ મુજબ, દુનિયાભરમાં આશરે 4.1 કરોડ લોકો એચઆઈવી સાથે જીવી રહ્યા છે.
આ તાજી કટોકટીને વધુ ગંભીર બનાવતી બાબતોમાં સોય વહેંચવાની એક ચિંતાજનક પ્રથા પણ છે. ડ્રગ્સ લેનારા કેટલાક લોકોમાં જોવા મળતી આ પ્રથાને ‘બ્લૂટૂથિંગ’ કહેવામાં આવે છે.
આમાં ડ્રગ્સનો ડોઝ લઈ ચૂકેલી વ્યક્તિના શરીરમાંથી લોહી કાઢીને બીજી વ્યક્તિના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે.
આમ કરવાથી બીજી વ્યક્તિને પણ ડ્રગ્સની થોડી અસર થાય છે. આ રીતે ઇન્ટ્રાવેનસ ડ્રગ્સ લાંબો સમય ચાલે અને પૈસા બચે એવું વપરાશકર્તાઓ માને છે.
આ પ્રથા લેસોથો, ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા સહિતના આફ્રિકાના દેશોમાં પણ જોવા મળી છે.
આ પ્રથા કેટલી વ્યાપક છે અને ફિજીમાં સર્જાયેલી કટોકટી માટે તેને કેટલી હદે જવાબદાર ગણી શકાય, તે અંગે મતભેદ છે. પરંતુ આ ક્ષેત્રમાં કામ કરતા કાર્યકરો કહે છે કે આ એક વાસ્તવિક સમસ્યા છે.
તેઓ વિશ્વભરની સરકારો તથા આરોગ્ય સંસ્થાઓને આ મુદ્દાને ગંભીરતાથી લેવા અપીલ કરી રહ્યા છે.
“ખરેખર કંઈક પગલું લઈએ એ પહેલાં આપણે હજી કેટલી જિંદગીઓ ગુમાવવી પડશે?” ફિજીની ‘ડ્રગ ફ્રી ફિજી’ નામની એનજીઓનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાલેસી વોલાતાબુ પૂછે છે.
‘બ્લૂટૂથિંગ’ આટલું જોખમી કેમ છે?
એચઆઈવી લોહી દ્વારા ફેલાતો રોગ છે. તેથી ડ્રગ્સના અંશ ધરાવતું લોહી એક વ્યક્તિના શરીરમાંથી બીજી વ્યક્તિના શરીરમાં પહોંચાડવાથી સોય વહેંચનારા લોકોમાં પણ એચઆઈવી ફેલાવાનું જોખમ રહે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) કહે છે કે આ પ્રથાને કારણે હેપેટાઇટિસ બી અને સી સહિતના અન્ય ચેપ ફેલાવાનું જોખમ “અસાધારણ રીતે ઊંચું” રહે છે. ગંભીર બેક્ટેરિયલ ચેપનું જોખમ પણ રહે છે.
ફિજીમાં સોય વહેંચવી પહેલેથી જ સામાન્ય પ્રથા છે. ડ્રગ્સ લેનારા લોકોને ડ્રગ્સ લેવા માટે વપરાતાં સ્ટરાઇલ સાધનો સરળતાથી મળતાં નથી. પરંતુ હવે ‘બ્લૂટૂથિંગ’ જેવી પ્રથા જોવા મળે એ સૂચવે છે કે આ જોખમી પ્રથા પાછળ ગરીબી પણ એક મહત્ત્વનું કારણ હોઈ શકે છે.
વોલાતાબુ કહે છે કે તેમણે પહેલી વાર આ પ્રથા પોતાની સગી આંખે જોઈ ત્યારે પોતે ચોંકી ગયાં હતાં.
તેઓ બીબીસી વર્લ્ડ સર્વિસને કહે છે, “પાંચ-છ લોકો ઇન્જેક્શન લેવા માટે આસપાસ ઊભા હતા.”
“એ રીતે તેઓ બીજા પાંચ લોકોને ચેપ લગાડી શકે છે. એટલે પાંચમાંથી જોતજોતામાં 25થી 30 લોકો થઈ જાય છે. આટલી સરળતાથી આ ચેપ ફેલાઈ શકે છે.”
ઇમેજ સ્રોત, Getty Images
2024માં ફિજીના આરોગ્ય મંત્રાલયે પણ ‘બ્લૂટૂથિંગ’ને દેશમાં એચઆઈવીના કેસ વધવા માટેનાં કારણોમાંનું એક ગણાવ્યું હતું.
જાન્યુઆરીમાં મંત્રાલયે એચઆઈવીના ફેલાવાને “રાષ્ટ્રીય કટોકટી” ગણાવી હતી અને આ સ્થિતિનો સામનો કરવા માટે સિરીંજ અને સોયનો કાર્યક્રમ શરૂ કરવાની વાત કરી હતી.
ગયા ડિસેમ્બરમાં ઝડપી મૂલ્યાંકન કર્યા પછી ડબલ્યુ.એચ.ઓ.એ કહ્યું હતું કે ફિજીમાં ‘બ્લૂટૂથિંગ’ વ્યાપક પ્રમાણમાં થતું હોવાના પુરાવા બહુ ઓછા છે.
ડબલ્યુ.એચ.ઓ.ના અહેવાલ મુજબ, સંસ્થાએ ડ્રગ્સ ઇન્જેક્ટ કરતા 56 લોકો સાથે વાત કરી હતી.
તેમાંથી માત્ર બે લોકોએ ‘બ્લૂટૂથિંગ’માં સામેલ હોવાનું જણાવ્યું હતું, જ્યારે ચાર લોકોએ આ પ્રથા પોતાની આંખે જોઈ હોવાનું કહ્યું હતું.
પરંતુ વોલાતાબુ કહે છે તેમણે સગી આંખે આ પ્રથા જોઈ નહોતી ત્યાં સુધી તેમને પણ કોઈ ખરેખર આવું કરતું હશે એવું માનવામાં ખચકાટ થતો હતો.
તેમનું એમ પણ માનવું છે કે ઇન્ટ્રાવેનસ ડ્રગ્સના ઉપયોગ સાથે સંકળાયેલા કલંક અને શરમને કારણે ફિજીની સરકાર આ સમસ્યા બાબતે પગલાં લેવામાં ખચકાતી રહી છે.
તેઓ કહે છે, “મને ખબર હતી કે સુનામી આવવાનું છે. આપણે આજે જે પરિસ્થિતિમાં આવી પહોંચ્યા છીએ, ત્યાં સુધી વાત ન પહોંચે એવું હું ઇચ્છતી હતી.”
દુનિયાભરમાં એચઆઈવીની શું સ્થિતિ છે?
ઇમેજ સ્રોત, Getty Images
એચઆઈવી એક એવો વાયરસ છે, જે રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર કોષોને નુકસાન પહોંચાડે છે. તેના કારણે શરીરની રોજબરોજના ચેપ અને બીમારીઓ સામે લડવાની ક્ષમતા નબળી પડે છે.
એચઆઈવી શરીરના પ્રવાહી દ્વારા ફેલાય છે. તે ઘણી વાર અસુરક્ષિત જાતીય સંબંધો દરમિયાન ફેલાય છે.
શરીર પરના કાપા દ્વારા અથવા એક જ સોયનો ઉપયોગ કરીને ડ્રગ્સ લેવાને કારણે પણ તેનો ચેપ લાગી શકે છે. ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને સ્તનપાન દરમિયાન પણ માતા પાસેથી બાળકમાં એચઆઈવી ફેલાઈ શકે છે.
એચઆઈવીના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિને ગંભીર નુકસાન થાય છે. ત્યાર પછી અનેક ગંભીર ચેપ અને બીમારીઓ થઈ શકે છે, જે જીવલેણ પણ બની શકે છે. આ સ્થિતિને એઇડ્સ (ઍક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી ડિસીઝ) કહે છે.
છેલ્લા કેટલાક દાયકામાં એચઆઈવીની સારવારમાં થયેલી પ્રગતિને કારણે એચઆઈવી ધરાવતા લોકોનું આયુષ્ય નોંધપાત્ર રીતે વધ્યું છે.
ડબલ્યુ.એચ.ઓ. અનુસાર, 2025માં દુનિયાભરમાં આશરે 5.7 લાખ લોકો એચઆઈવી સંબંધિત કારણોથી મૃત્યુ પામ્યા હતા. 2004માં મૃત્યુનો આંકડો ટોચે પહોંચ્યો હતો, તેની સરખામણીએ 2025માં આ સંખ્યા 73 ટકા ઓછી હતી.
હવે ભલામણ કરવામાં આવતી સારવારમાં એન્ટિરેટ્રોવાયરલ થેરપી (એ.આર.ટી,)નો સમાવેશ થાય છે. આ સારવાર સામાન્ય રીતે શરીરમાં રહેલા વાયરસનું પ્રમાણ એટલું ઘટાડી દે છે કે તે તપાસમાં પણ દેખાતું નથી. તેનાથી રોગપ્રતિકારક શક્તિનું રક્ષણ થાય છે અને જાતીય સંપર્ક દ્વારા વાયરસ ફેલાતો અટકે છે.
જોકે, ગયા વર્ષે યુ.એન.એઇડ્સનાં વડાં વિન્ની બાન્યિમાએ કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી સહાયને રોકવાનો નિર્ણય લીધો હોવાથી દરરોજ 2,000 નવા એચઆઈવી ચેપ લાગી શકે છે અને આગામી ચાર વર્ષમાં વધુ 60 લાખ લોકોનાં મૃત્યુ થઈ શકે છે.
યુ.એન.એઇડ્સ મુજબ, 2025માં ત્રણ પ્રદેશો અને 21 દેશોમાં એચઆઈવીના નવા ચેપમાં વધારો થયો હતો. તેમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા, નેપાળ, કેન્યા, સુદાન, બ્રાઝિલ, પાકિસ્તાન, યમન, ઇજિપ્ત, સેનેગલ અને ફિલિપાઇન્સનો સમાવેશ થાય છે.
બીજે ક્યાં ક્યાં ‘બ્લૂટૂથિંગ’ થાય છે?
ઇમેજ સ્રોત, Ponto Tumisi
ડબલ્યુ.એચ.ઓ. મુજબ, લેસોથોમાં એચઆઈવીનું પ્રમાણ વિશ્વમાં બીજા ક્રમે છે અને મહિલાઓમાં મૃત્યુનું મુખ્ય કારણ એચઆઈવી છે.
લેસોથોમાં ‘બ્લૂટૂથિંગ’ની સમસ્યાનો સામનો કરવા માટે કામ કરતી એક સંસ્થા છે ‘મોખોસીઓઆમંગોઆના’ અથવા ‘એ મધર્સ ક્રાય’. આ જૂથની મહિલાઓ પોતાનાં બાળકોને ડ્રગ્સના વ્યસનની સમસ્યા થઈ હોય તેના અનુભવો એકબીજા સાથે વહેંચે છે.
તેમને દક્ષિણ આફ્રિકામાં આમ થતું હોવાની જાણ હતી. પરંતુ 2024માં તેમને ખબર પડી કે આ પ્રથા પોતાના દેશ સુધી પણ પહોંચી ગઈ છે-ખાસ કરીને ‘ટ્રેપ હાઉસ’માં.
‘ટ્રેપ હાઉસ’ એટલે એવી ખાલી અથવા ખાનગી ઇમારતો, જ્યાં ડ્રગ્સનો ઉપયોગ કરનારા લોકો ભેગા થઈને ડ્રગ્સ વેચી, ખરીદી અને લઈ શકે છે.
પોન્ટો તુમિસીની દીકરી ક્રિસ્ટલે મેથામ્ફેટામિન લેવાનું શરૂ કર્યું એ પહેલાં અભ્યાસમાં હંમેશાં ખૂબ સારા ગુણ મેળવતી હતી. તુમિસી કહે છે કે લોકો જ્યારે થોડા પ્રમાણમાં ડ્રગ્સ એકબીજા સાથે વહેંચવા માગે છે ત્યારે ‘બ્લૂટૂથિંગ’ થાય છે.
તેઓ કહે છે, “તેમને પોતાનાં બ્લડ ગ્રૂપ એકબીજા સાથે મેળ ખાય છે કે નહીં, તેમના લોહી દ્વારા કયા રોગો ફેલાઈ શકે છે તેની જાણ હોવી ન હોવી, એ બધું તેમના માટે મહત્ત્વનું રહેતું નથી.”
તુમિસી કહે છે કે આરોગ્યકર્મીઓએ તેમને કહ્યું હતું કે આવી પ્રથા અસ્તિત્વમાં જ નથી, કારણ કે લોહી એકબીજા સાથે વહેંચવાથી કોઈ વ્યક્તિ જીવિત રહી શકે નહીં.
ઇમેજ સ્રોત, Ponto Tumisi
ડ્રગ્સ ઇન્જેક્ટ કરનારા લોકોમાં સીધા લોહીની આપ-લે કરવાની આ પ્રકારની પદ્ધતિનાં અન્ય ઉદાહરણો પણ અલગ-અલગ નામે નોંધાયા છે. યુ.એન.એઇડ્સના પ્રાદેશિક નિયામક ઇમોન મર્ફી કહે છે કે તાન્ઝાનિયામાં ડ્રગ્સ ઇન્જેક્ટ કરનારા લોકો તેને ‘ફ્લેશબ્લડ’ કહે છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે આ “દુનિયાભરમાં વ્યાપક પ્રથા નથી.”
પરંતુ તુમિસીને ચિંતા છે કે ડ્રગ્સ લેવાની આવી નવી અને ઓછી જાણીતી રીતો અન્ય દેશોમાં પણ આવી પદ્ધતિઓ ધ્યાન બહાર રહી શકે છે.
તેઓ ડ્રગ્સના વ્યસનની સૌથી વધુ અસર ભોગવી રહેલા લોકોને સાવચેત રહેવા અને શરૂઆતના ચેતવણીરૂપ સંકેતો વિશે માહિતગાર રહેવાની અપીલ કરે છે.
“તમે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હો, તમે માતા-પિતા છો તો તમે એક માણસ છો. એનો અર્થ એ છે કે તમે પણ જોખમમાં છો. ડ્રગ્સનું વ્યસન હોય ત્યારે કંઈ પણ થઈ શકે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




