Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI/FB
વાંચવાનો સમય: 3 મિનિટ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તેમની નવી ટીમની જાહેરાત કરી દીધી છે.
આ ટીમમાં થયેલી નિમણૂકોમાં મોટા પાયે પરિવર્તનો થયા છે અને અનેક નવા ચહેરાઓને ભાજપની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
રાજસ્થાનનાં પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરારાજે સિંધિયાને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. સ્મૃતિ ઈરાનીને ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યાં છે.
નીતિન નબીનની આ નવી ટીમમાં ગુજરાતના પણ ઘણા લોકોને સ્થાન મળ્યું છે.
ગુજરાતથી વઢવાણનાં પૂર્વ ધારાસભ્ય વર્ષાબહેન દોશીને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. એ સિવાય જગદીશ પટેલ અને રોહન ગુપ્તાને ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે.
ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીને નીમવામાં આવ્યા છે. ગુજરાતના આ નીમાયેલા સભ્યો કોણ છે?
ઉપાધ્યક્ષ પદે નીમાયેલાં વર્ષા દોશી કોણ છે?
ઇમેજ સ્રોત, Varsha Doshi/FB
વર્ષાબહેન દોશી ભાજપ સાથે લાંબા સમયથી જોડાયેલા મહિલા નેતા છે.
તેઓ બે વખત વઢવાણ વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે.
2007માં તેમણે વઢવાણ બેઠક 6902 મતે તથા 2012માં 17 હજાર કરતાં વધુ મતે જીતી હતી.
તેઓ આ પહેલાં ગુજરાત ભાજપનાં ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.
યુવા મોરચાના અધ્યક્ષ નીમાયેલા હેમાંગ જોશી કોણ છે?
ઇમેજ સ્રોત, Dr.Hemang Joshi/FB
35 વર્ષીય હેમાંગ જોશીને ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
તેઓ વડોદરાના લોકસભા સાંસદ છે.
વડોદરા બેઠક પરથી તેમની 5.82 લાખ મતે 2024ની લોકસભા ચૂંટણીમાં જીત થઈ હતી.
ડૉ. હેમાંગ જોશીને લોકસભાની ચૂંટણીના ઉમેદવાર બનાવાયા તે પહેલાં તેઓ સ્થાનિક સ્તરે રાજકારણમાં સક્રિય હતા. તેઓ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચૅરમૅન હતા.
તેમણે વડોદરાસ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બૅચલર ઑફ ફિઝિયૉથૅરપી (વર્ષ 2015) અને માસ્ટર ઑફ હ્યુમન રિસોર્સ મૅનેજમૅન્ટનો (વર્ષ 2016) અભ્યાસ કર્યો છે. તેમણે લીડરશિપમાં પીએચ.ડી. પણ કર્યું છે.
રાષ્ટ્રીય મંત્રી બનાવાયેલા જગદીશ પટેલ કોણ છે?
ઇમેજ સ્રોત, Jagdish Patel/FB
જગદીશ પટેલ એ પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય છે.
2019માં અમદાવાદની અમરાઈવાડી બેઠક પર થયેલી પેટાચૂંટણીથી તેઓ ધારાસભ્ય બન્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ભાજપને ટિકિટ આપી નહોતી.
તેઓ પાવર-ગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.
તેઓ પણ લાંબા સમયથી ભાજપના સંગઠનમાં કામ કરતા આવ્યા છે.
કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને પણ મળ્યું પદ
ઇમેજ સ્રોત, BJP/FB
રોહન ગુપ્તાને પણ ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે.
રોહન ગુપ્તા લગભગ 13 વર્ષ સુધી કૉંગ્રેસમાં રહ્યા હતા અને પછી ભાજપમાં સામેલ થયા હતા.
તેમને કૉંગ્રેસે 2024ની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવાર પણ જાહેર કર્યા હતા પરંતુ તેમણે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તરફથી અપમાન થતું હોવાનો આરોપ લગાવીને રાજીનામું આપી દીધું હતું. પછી તેઓ ભાજપમાં જોડાયા હતા.
રોહન ગુપ્તા ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટિના પ્રવક્તા હતા. તેઓ ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટિના સોશિયલ મીડિયા વિભાગના ચૅરમૅન તરીકે પણ કામ કરતા હતા.
ગુજરાતના પીઢ કૉંગ્રેસ નેતા રાજકુમાર ગુપ્તાના પુત્ર રોહન ગુપ્તાએ પૂણેની ખાનગી કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેઓ 2012માં કૉંગ્રેસમાં સામેલ થયા હતા અને ત્યારબાદ વિવિધ હોદ્દાઓ પર રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી તેઓ ભાજપના પ્રવક્તા તરીકે ટીવી ડિબેટ્સમાં સામેલ થતા હતા.
અમિત માલવીયને પણ હઠાવાયા
ઇમેજ સ્રોત, Amit Malviya/X
ભાજપમાં કુલ 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની નિમણૂક થઈ છે. તેમાં વસુંધરા રાજે, રામ માધવ, જય પાંડા વગેરે મુખ્ય નામ છે.
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તરીકે બી.એલ.સંતોષની નિમણૂક થઈ છે.
સ્મૃતિ ઈરાનીની રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે. કુલ આઠ રાષ્ટ્રીય મહામંત્રી બનાવાયા છે.
પીયૂષ ગોયલને ભાજપના રાષ્ટ્રીય ખજાનચી બનાવવામાં આવ્યા છે.
ભાજપના સોશિયલ મીડિયા સંયોજક અમિત માલવીયને પણ હઠાવી દેવામાં આવ્યા છે અને દીપક મ્હસ્કે નવા સોશિયલ મીડિયા સંયોજક બનશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




