Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Sajjad HUSSAIN / AFP via Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ
જાપાનના સાનો ખાતે મંગળવારે રમાયેલી ટી20 મૅચમાં ફૉર્મેટના વર્લ્ડ ચૅમ્પિયન એવી ભારતની ટીમ હારની સાવ નિકટ આવીને જીત મેળવવામાં સફળ રહી હતી.
જાપાન અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંને દેશો વચ્ચે આ મુકાબલાનું આયોજન કરાયું હતું.
જોકે, 20-20 ઓવરનો આ મુકાબલો મૅચના અધિકારીઓ અને ભારતીય ટીમના પ્લેયર્સ ટ્રાફિકને કારણે મોડા પડતાં અને બાદમાં ભીના મેદાનને કારણે ખૂબ મોડો શરૂ થયો હતો, અને બાદ આ મૅચની ઓવરો ઘટાડીને પાંચ-પાંચ કરી દેવાઈ હતી.
ભારતીય ટીમે આ મૅચ જાપાનની ટીમને બે રનથી હરાવીને કબજે તો કરી હતી, પરંતુ જાપાનની ટીમે પણ વિશ્વવિજેતા ભારતીય ટીમને હારની સાવ નિકટ લાવી દીધી હતી. જોકે, આ મુકાબલામાં જોવા મળેલી રસાકસી કરતાં પણ વધુ ચર્ચા મૅચની અંતિમ ઓવરની થઈ રહી છે. જેમાં ભારતીય ટીમના બૉલર અક્ષર પટેલે ફેંકેલા બે વાઇડ બૉલમાંથી એક વાઇડ બૉલનો નિર્ણય અમ્પાયરે ફેરવી નાખ્યો હતો.
ભારતીય ટીમનો દેખાવ
ઇમેજ સ્રોત, KIKUCHI / AFP via Getty Images
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમ પાંચ ઓવરની આ મૅચમાં ચાર વિકેટ ગુમાવીને માત્ર 32 રન જ બનાવી શકી હતી.
ભારતીય ટીમ વતી કપ્તાન શ્રેયસ અય્યર 12 બૉલ રમીને સૌથી વધુ 16 રન બનાવી શક્યા હતા. જ્યારે સંજુ સેમસન, ઈશાન કિશન અને તિલક વર્મા અનુક્રમે નવ, ત્રણ અને એક રન બનાવી શક્યા હતા.
તેમજ ઓપનર અભિષેક શર્મા પ્રથમ જ બૉલ પર આઉટ થઈને ખાતું પણ નહોતા ખોલાવી શક્યા.
ભારતીય ટીમના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો પાંચ ઓવરની મૅચમાં 33 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી જાપાનની ટીમ ભારતીય બૉલરોના આક્રમણ સામે 30 રન જ બનાવી શકી હતી અને બે રને હારી હતી.
ભારતની છેલ્લી ઓવરમાં સર્જાયેલો ‘ડ્રામા’
ઇમેજ સ્રોત, Sajjad HUSSAIN / AFP via Getty Images
ચાર ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 25 રનના સ્કોરે રમી રહેલી જાપાનની ટીમને જીત માટે આઠ રનની જરૂર હતી ત્યારે અક્ષર પટેલને અંતિમ ઓવર ફેંકવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
જાપાન તરફથી બેન્જામિન ઇટો-ડૅવિસ અને સિરાઇ પાટમોર બંને બૅટ્સમૅન મેદાન પર હતા.
અક્ષર પટેલના પ્રથમ બૉલ પર ઇટો-ડેવિસ કોઈ રન લઈ ન શક્યા, જોકે, બીજા બૉલ પર મોટો શૉટ ફટકારવાના પ્રયાસ છતાં તેમણે એક રનથી સંતોષ માનવો પડ્યો.
ત્યાર બાદ સ્ટ્રાઇક પર આવેલા ડાબોડી સિરાઇ-પાટમોરને ત્રીજો બૉલ નાખતી વખતે ઓફ સાઇડ પર વાઇડ અપાયો, જોકે, આ નિર્ણય થોડા વિલંબ બાદ અપાયો હતો. પાટમોરે ડાબોડીમાંથી જમણા હાથના બૅટ્સમૅન તરીકે સાઇડ સ્વિચ કરીને આ બૉલ રમવાનો પ્રયાસ કર્યો હતો.
એ બાદના બૉલ પર ફરીથી બૅટરે રિવર્સ સ્ટાન્ઝમાં આવી મોટો શૉટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ મિસ કરી ગયા અને અમ્પાયરને લાગ્યું કે આ બૉલ વાઇડમાં સ્પિન કરી ગયો છે. સ્ટમ્પ્સની પાછળ સંજુ સેમસન અને તેની આગળ બૉલર અક્ષર પટેલ નારાજ દેખાયા. કપ્તાન અય્યર અમ્પાયર સાથે વાત કરવા પહોંચી ગયા. કૉમેન્ટરી પ્રમાણે, બૅટર ખૂબ જલદી પોતાનો સ્ટાન્સ બદલતા દેખાયા હતા, પરંતુ શું અક્ષર પટેલના હાથમાંથી બૉલ છૂટ્યા પહેલાં સ્ટાન્સ બદલાઈ ચૂક્યો હતો કે કેમ એ વાતે વિવાદ થયો છે.
અમ્પાયર ક્રિસ થરગેટે આ બૉલ વાઇડ જાહેર કરતાં જાપાનને જીત માટે ચાર બૉલમાં માત્ર પાંચ રનની જરૂર હતી. જોકે, ભારતીય ખેલાડીઓએ આની સામે વાંધો ઉઠાવ્યો. ત્યારે જ સ્ક્વેર લેગ પરના અમ્પાયર ક્રિસ બ્રાઉને હસ્તક્ષેપ કર્યો અને થરગેટને તેમનો આ વાઇડનો નિર્ણય બદલવા સમજાવ્યા અને એવું થયું પણ ખરું.
આ નિર્ણય પલટાતાં જાપાનની ટીમને જીત માટે ત્રણ બૉલમાં છ રનની જરૂર હતી. જોકે, એ બાદના ત્રણ બૉલમાં બૅટરોના ઘણા પ્રયાસ છતાં પછીના ત્રણ બૉલમાં ટીમ માત્ર ત્રણ રન જ બનાવી શકી અને બે રને જાપાનની ટીમે હારનો સામનો કરવો પડ્યો.
જોકે, વિશ્વવિજેતા ટીમ ભારતને છેલ્લા બૉલ સુધી જીત માટે હંફાવી દેવાના કારણે તેમજ વાઇડ બૉલના આ ‘ડ્રામા’ના કારણે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં આ મૅચ ચર્ચાસ્પદ બની હતી.
સફેદ બૉલ ક્રિકેટમાં ડાઉન ધ લેગ સાઇડ પર ફેંકેલો કોઈ પણ બૉલ વાઇડ ગણવામાં આવે છે. પરંતુ ટી20 ઇન્ટરનૅશનલ મૅચમાં જો બૅટર તેની પૉઝિશન બદલીને રિવર્સ શૉટ મારવાનો પ્રયાસ કરે છે તો માર્ગદર્શિકા પ્રમાણે વિકેટની બંને બાજુ ઑફ સાઇડ ગણાય છે.
એટલે આ નિયમની જો વાત કરીએ તો આખરી નિર્ણય યોગ્ય રીતે લેવામાં આવ્યો હતો. પરંતુ મૅચ માટે જ્યારે કોઈ ડીઆરએસ સિસ્ટમ એટલે કે નિર્ણય સમીક્ષા સિસ્ટમ ન હોવા છતાં અમ્પાયરે આ નિર્ણય કેમ બદલ્યો તેની ચર્ચા છે. કારણકે રમતની પરિસ્થિતિઓમાં ક્રિકેટની ભાવનાનો પણ ઉલ્લેખ છે. જેમાં અમ્પાયરના નિર્ણયનો સ્વીકાર કરવો એ નિયમ ન હોવા છતાં પણ સ્પૉર્ટમૅનશિપની ભાવના છે.
ક્રિકેટ મૅગેઝિન વિઝ્ડન અનુસાર ક્રિકેટના નિયમો હેઠળ અમ્પાયરોને કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાની છૂટ છે. પરંતુ વિઝ્ડનના મૅનેજિંગ ઍડિટર બૅન ગાર્ડનરે આ ઘટનાને શરમજનક ગણાવી હતી. તેમનું કહેવું હતું કે, “ક્રિકેટ ઇતિહાસના સૌથી મોટા અપસેટમાં તમારે જીતવા માટે ચાર બૉલમાં પાંચ રનની જરૂર છે પરંતુ ભારતે અમ્પાયરો પર નિર્ણય પાછો ખેંચવા દબાણ સર્જ્યું હતું.”
ભારતના ક્રિકેટ નિષ્ણાત વિક્રાંત ગુપ્તાએ સોશિયલ મીડિયા પર જાપાનની ટીમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેણે વર્લ્ડ ચૅમ્પિયનને કડક ટક્કર આપી.
હવે, જાપાનની ટીમના બૅટિંગ પ્રદર્શનની વાત કરીએ તો કપ્તાન કૅન્ડલ કાડોવાકી-ફ્લેમિંગ સૌથી વધુ 12 રન બનાવવામાં સફળ રહ્યા હતા. જોકે, ટીમના અન્ય બૅટર્સ બે રનનો આંકડો વટાવી શક્યા નહોતા.
જાપાનની ટીમના બૉલિંગ પ્રદર્શન અંગે જણાવીએ તો બૉલર ચાર્લી હારા-હિન્ઝ, ઇબ્રાહીમ તાકાહાશી, બેન્જામિન ઇટો-ડૅવિસ અનુક્રમે બે અને એકેક વિકેટ ખેરવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




