Home તાજા સમાચાર gujrati ભારત પુષ્કળ ગ્રીન એનરજીનું ઉત્પાદન કરી રહ્યું છે, પરંતુ મોટા ભાગની વેડફાઈ...

ભારત પુષ્કળ ગ્રીન એનરજીનું ઉત્પાદન કરી રહ્યું છે, પરંતુ મોટા ભાગની વેડફાઈ રહી છે

2
0

Source : BBC NEWS

ભારતમાં વીજ ઉત્પન્ન કરવાની કુલ ક્ષમતા 552 ગીગાવૉટ છે. તેમાં રિન્યૂએબલ એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોનો હિસ્સો લગભગ 54 ટકા છે

આ વર્ષે જુલાઈની એક ગરમ બપોરે, પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી ઉત્પન્ન થયેલી વીજળીએ થોડા સમય માટે ભારતની સૌથી વધુ વીજમાગના અડધાથી વધારે ભાગને પૂરો કર્યો હતો. આવું બીજી વખત બન્યું. પહેલી વખત એક વર્ષ પહેલાં, લગભગ આ જ સમયગાળામાં બન્યું હતું.

સૌર, પવન, જળ અને પરમાણુ ઊર્જાસ્રોતોમાંથી ઉત્પન્ન થયેલી વીજળીએ કોલસા આધારિત વીજ ઉત્પાદનને થોડા સમય માટે પાછળ પાડી દીધું હતું. તેમ છતાં, આ એક મોટું સીમાચિહ્ન હતું, જે છેલ્લા એક દાયકામાં દેશના વીજ ઉત્પાદનમાં ઇંધણ આધારિત ઊર્જાના આશ્ચર્યજનક વધારાને દર્શાવતું હતું.

ભારતની સૌથી મોટી અને નાસ્ડેકમાં નોંધાયેલી સ્વચ્છ ઊર્જા કંપનીઓમાંની એક ‘રિન્યૂ પાવર’ના સીઈઓ સુમંત સિંહાએ બીબીસીને જણાવ્યું કે, “આનાથી સાબિત થયું કે પુનઃપ્રાપ્ય ઊર્જા હવે વીજ વ્યવસ્થાના ક્ષેત્રે મામૂલી ઊર્જાસ્રોત નથી.”

એ વાત સાચી છે કે કોલસા આધારિત વીજમથકો હજુ પણ ભારતમાં સરેરાશ 70 ટકા વીજળીનું ઉત્પાદન કરી રહ્યાં છે, કારણ કે તેઓ સૌર કે પવન ઊર્જાની સરખામણીએ વધારે ક્ષમતાથી અથવા વધુ કલાકો સુધી કામ કરે છે. તેમ છતાં સ્વચ્છ ઊર્જાને આગળ વધારવાના ભારતના પ્રયાસો હવે એક મહત્ત્વપૂર્ણ વળાંકે પહોંચ્યા હોય એમ લાગે છે.

એક દાયકા પહેલાં ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા માંડ 4 ગીગાવૉટ હતી. હવે તે વધીને 300 ગીગાવૉટ થઈ ગઈ છે, જે દેશની કુલ 552 ગીગાવૉટ વીજક્ષમતાના 54 ટકા છે. આ લક્ષ્ય નક્કી કરેલા સમય કરતાં પાંચ વર્ષ વહેલું પ્રાપ્ત કરવામાં આવ્યું છે.

લાંબા સમયથી પ્રદૂષણ ફેલાવતા કોલસા પર નિર્ભર દેશ તરીકે જોવામાં આવતા ભારત માટે આ ઝડપી પરિવર્તન કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં એક નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.

જોકે, આ સિદ્ધિઓની સાથે કેટલાક ગંભીર પડકારો પણ છે.

વીજળીના ટ્રાન્સમિશનની ક્ષમતાની અછત

બીબીસી ગુજરાતી

આ પડકારોમાં સૌથી મોટો પડકાર વીજળીના ટ્રાન્સમિશન માટેની ક્ષમતાની અછતનો છે. પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન જે ઝડપથી વધ્યું છે, તેની સરખામણીએ વીજળી પહોંચાડવા માટેનું માળખું વિકસ્યું નથી. નીતિ ઘડનારાઓ માટે આ એક મોટી ચિંતાનો વિષય છે.

વૈશ્વિક ઊર્જા સંશોધન સંસ્થા ‘એમ્બર’ના જણાવ્યા અનુસાર, “2026ના પ્રથમ ત્રણ મહિનામાં ટ્રાન્સમિશનની મર્યાદાઓને કારણે લગભગ 300 ગીગાવૉટ-કલાક (GWh) પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ થઈ શક્યો નહોતો. આ સમયગાળા દરમિયાન ઉપયોગ ન થઈ શકેલી કુલ પુનઃપ્રાપ્ય ઊર્જાનો હિસ્સો લગભગ બે તૃતીયાંશ હતો.”

સરળ શબ્દોમાં કહીએ તો, ભારતમાં ઉત્પન્ન થયેલી સ્વચ્છ ઊર્જાનો મોટો હિસ્સો વેડફાઈ ગયો, કારણ કે દેશની વીજ ટ્રાન્સમિશન લાઇનોનું કામ નક્કી કરેલા લક્ષ્ય પ્રમાણે આગળ વધી શક્યું નથી. રાજ્યો વચ્ચે વીજળી પહોંચાડવાના દર ચાર પ્રોજેક્ટમાંથી એક પ્રોજેક્ટમાં એક વર્ષ કરતા પણ વધારે વિલંબ થયો છે.

સિંહાના જણાવ્યા પ્રમાણે, મુશ્કેલી એ છે કે વીજ ઉત્પાદનના પ્રોજેક્ટ જેટલી ઝડપથી તૈયાર થાય છે, એટલી ઝડપથી વીજળી પહોંચાડવા માટેનું ગ્રીડ તૈયાર થતું નથી.

તેઓ કહે છે, “વીજ ઉત્પાદનના પ્રોજેક્ટ 18થી 24 મહિનામાં તૈયાર થઈ શકે, પરંતુ ટ્રાન્સમિશનનું કામ ઘણો વધારે સમય લઈ શકે છે, કારણ કે તેમાં વીજલાઇન માટે માર્ગ મેળવવો, જમીન સંપાદન, મંજૂરીઓ મેળવવી અને અનેક સરકારી એજન્સીઓ વચ્ચે સંકલન કરવું પડે છે.”

“આ કામના અમલીકરણ સાથે જોડાયેલી સમસ્યા છે અને જેમ જેમ વીજ વ્યવસ્થા મોટી થતી જાય તેમ તેમ આ સમસ્યા પણ મોટી થતી જાય છે.”

ઇન્સ્ટિટ્યૂટ ફૉર એનર્જી ઇકોનૉમિક્સ ઍન્ડ ફાઇનાન્શિયલ ઍનાલિસિસનાં વિભૂતિ ગર્ગ પણ આ સમસ્યા માટે ‘નબળા આયોજન’ને જવાબદાર ગણાવે છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે જ્યાં સુધી ભારતમાં દર વર્ષે 10થી 15 ગીગાવૉટ નવી વીજ ઉત્પાદન ક્ષમતા ઉમેરાતી હતી, ત્યાં સુધી વીજ ગ્રીડ આ નવી ક્ષમતાને સંભાળી શકતું હતું. પરંતુ હવે આ ગતિમાં ખૂબ વધારો થયો છે. ગયા વર્ષે 51 ગીગાવૉટ નવી ક્ષમતા ઉમેરાઈ અને હાલનું માળખું તેને સંભાળી શકતું નથી.

પુનઃપ્રાપ્ય ઊર્જાના મોટા ભાગના પ્રોજેક્ટ ઉત્તર-પશ્ચિમ રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં હોવાને કારણે પણ સમસ્યા વધી છે. ગ્રીડની ક્ષમતાની અછતને લીધે આ રાજ્યોમાં ઉત્પન્ન થતી વીજળી અન્ય વિસ્તારો સુધી પહોંચાડવી વધુ મુશ્કેલ બની છે.

એમ્બરના વિશ્લેષકો હવે માને છે કે ઝડપથી આગળ વધી રહેલા વીજ ઉત્પાદન પ્રોજેક્ટ્સ અને ધીમી ગતિએ વિકસી રહેલા ટ્રાન્સમિશન માળખા વચ્ચે વધતું આ અંતર, 2030 સુધીમાં 500 ગીગાવોટ (GW) ઊર્જાથી વીજળી ઉત્પન્ન કરવાની દેશની ક્ષમતાના લક્ષ્ય માટે સૌથી ગંભીર જોખમ સાબિત થશે.

આ અંતરને દૂર કરવાનો એક ઝડપી ઉપાય એ હતો કે પુનઃપ્રાપ્ય ઊર્જાના વીજસંગ્રહ કેન્દ્રો પર બેટરી સ્ટોરેજ સિસ્ટમ બનાવવામાં આવે, જેથી ઉત્પન્ન થયેલી વીજળીને ગ્રીડ સાથે જોડી શકાય.

ગર્ગ કહે છે કે, “જો આવું થયું હોત, તો ભારત આ ઊર્જાનો સંગ્રહ કરી શક્યું હોત અને તેને વેડફવાને બદલે તેનો ઉપયોગ કરી શક્યું હોત.”

પરંતુ બેટરીના ભાવમાં ભારે વધારો, મધ્યપૂર્વમાં યુદ્ધને કારણે કાચા માલની અછત અને ભારતીય ચલણના મૂલ્યમાં ઘટાડાને કારણે ઊર્જાસંગ્રહની ક્ષમતા વધી શકી નહીં. ભારતીય ચલણના મૂલ્યમાં ઘટાડાથી ભારતીય કંપનીઓ માટે નાણાં મેળવવાનો ખર્ચ પણ વધી ગયો છે.

ગર્ગ ઉમેરે છે કે, “તેના પરિણામે શરૂ થનારા ઘણા ઊર્જાસંગ્રહ પ્રોજેક્ટ્સ આગળ વધી શક્યા નહીં.”

લક્ષ્ય પૂરું કરવા માટેનું ભંડોળ મેળવવાની મુશ્કેલી

બીબીસી ગુજરાતી

જોકે, નાણાંની સમસ્યા માત્ર ઊર્જાસંગ્રહના પ્રોજેક્ટ્સ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ઉદ્યોગની સમસ્યા છે.

વિકસિત દેશોમાં સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધવા માટે દુનિયાભરમાં પૂરતું ભંડોળ ઉપલબ્ધ છે. પરંતુ પુનઃપ્રાપ્ય ઊર્જાનાં લક્ષ્યોની દિશામાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી હોવા છતાં, ભારતની સ્વચ્છ ઊર્જા કંપનીઓ માટે આ ભંડોળ મેળવવું હજુ પણ સંઘર્ષભર્યું રહ્યું છે.

એક અંદાજ મુજબ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની 500 ગીગાવૉટ ક્ષમતાનું લક્ષ્ય પૂરું કરવા માટે ભારતને 400થી 500 અબજ ડૉલરની જરૂર પડશે. પરંતુ સરકારના આર્થિક સર્વેક્ષણ મુજબ, હાલમાં ભારતમાં જળવાયુ પરિવર્તનની અસરો ઘટાડવા માટે મળતા ભંડોળમાંથી લગભગ 83 ટકા ભંડોળ દેશની અંદરથી જ આવે છે.

પેરિસ કરાર હેઠળ વિકસિત દેશોએ વિકાસશીલ દેશોને જળવાયુ પરિવર્તન સામે પગલાં લેવા માટે 2025 સુધી દર વર્ષે 100 અબજ ડૉલરની નાણાકીય સહાય આપવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ આ ભંડોળ મેળવવું ખૂબ મુશ્કેલ છે.

સિંહા કહે છે કે, “ચીન સિવાયની ઊભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં દુનિયાની લગભગ બે તૃતીયાંશ વસ્તી રહે છે, તેમ છતાં તેમને સ્વચ્છ ઊર્જામાં થતા વૈશ્વિક રોકાણનો માત્ર લગભગ 15 ટકા હિસ્સો જ મળે છે.”

તેમના જણાવ્યા પ્રમાણે, સ્વચ્છ ઊર્જા તરફના ભારતનાં સમગ્ર પરિવર્તનનો ખર્ચ વિકસિત દેશો જ ઉઠાવે એ જરૂરી નથી. પરંતુ ઓછા વ્યાજે લોન, નાણાકીય ગેરંટી અને ચલણના મૂલ્યમાં ઘટાડાથી થતા નુકસાન સામે રક્ષણની મદદ પણ જરૂરી છે, જેથી ખાનગી રોકાણકારોને આ ક્ષેત્રમાં વધુ નાણાં રોકવા માટે પ્રોત્સાહન મળે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નાણાં, વીજ ટ્રાન્સમિશન માળખું અને ઊર્જાસંગ્રહ સાથે જોડાયેલી આ મહત્ત્વની ખામીઓને દૂર કરવી અત્યંત જરૂરી છે, કારણ કે સ્વચ્છ ઊર્જા તરફનું આ પરિવર્તન એક નિર્ણાયક સમયે થઈ રહ્યું છે.

બીબીસી ગુજરાતી

ગ્રીનહાઉસ ગેસનું સૌથી વધુ ઉત્સર્જન કરતા દેશોમાં ભારત દુનિયામાં ત્રીજા સ્થાને છે. તેની સાથે દેશમાં વીજળીની માગ પણ ઝડપથી વધી રહી છે. દર વર્ષે ચક્રવૃદ્ધિ દરે તેમાં 7 ટકાથી વધુનો વધારો થયો છે.

ડેટા સેન્ટર અને ચિપ ઉત્પાદન જેવા ઉદ્યોગોનો વિસ્તાર થવાની સાથે વીજળીની માગ હજુ વધુ ઝડપથી વધવાની ધારણા છે.

આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીનો અંદાજ છે કે 2035 સુધીમાં ભારતમાં વીજળીની માગ 80 ટકા વધશે. ઊભરતી અર્થવ્યવસ્થાઓમાં આ સૌથી મોટો વધારો હશે.

એજન્સીના જણાવ્યા પ્રમાણે, ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઝડપથી થઈ રહેલો વિસ્તાર આ વર્ષે વૈશ્વિક ઉત્સર્જનના વધારાને ધીમો કરવામાં પણ મહત્ત્વનું યોગદાન આપી રહ્યો છે.

બીજી તરફ 1990ના દાયકા પછી પહેલી વખત વિકસિત અર્થવ્યવસ્થાઓમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં વધુ ઝડપથી વધારો થયો છે.

આથી, ભારત પોતાનાં લક્ષ્યો સમયસર પ્રાપ્ત કરવામાં કેટલું સફળ રહે છે તેની અસર, દુનિયા પોતાનાં જળવાયુ લક્ષ્યો હાંસલ કરવામાં કેટલી સફળ થાય છે તેના પર પણ પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS