Home તાજા સમાચાર gujrati “મારો પક્ષ સાંભળ્યા વિના કોર્ટે આદેશ આપી દીધો” – બિલકીસબાનોએ બે દોષિતોને...

“મારો પક્ષ સાંભળ્યા વિના કોર્ટે આદેશ આપી દીધો” – બિલકીસબાનોએ બે દોષિતોને છોડી દેવાના આદેશ વિશે શું કહ્યું?

5
0

Source : BBC NEWS

બિલકીસબાનો

  • વાંચવાનો સમય: 4 મિનિટ

2002ના ગુજરાત રમખાણો દરમિયાન સામૂહિક બળાત્કારનો ભોગ બનેલાં બિલકીસબાનોએ સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ સામે કાનૂની લડાઈ લડવાની વાત કરી છે. તેમણે વકીલ શોભા ગુપ્તા મારફતે તેમનું નિવેદન જાહેર કર્યું છે.

સુપ્રીમ કોર્ટે 28 ઑક્ટોબરના રોજ આ કેસના 11 દોષિતોમાંથી બેની આજીવન કેદની સજા સ્થગિત કરીને તેમને જામીન આપ્યા છે.

જોકે, આ ચુકાદા વિશે વાત કરતાં 16 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરેલા નિવેદનમાં બિલકીસબાનોએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આદેશ પસાર કરતાં પહેલાં તેમને જાણ કરી નહોતી અને તેમનો પક્ષ સાંભળવાની તક પણ આપવામાં આવી નહોતી.

આરોપીના વકીલ સાથે અમે આ મામલે વાત કરવાની કોશિશ કરી તો તેમણે કોઈ વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

તેમણે કહ્યું, “મારા માટે એ માનવું અત્યંત મુશ્કેલ છે કે બીજી વખત સુપ્રીમ કોર્ટે મને બોલાવ્યા વિના અને મારો પક્ષ સાંભળ્યા વિના આદેશ પસાર કર્યો છે. મને આ અંગેની જાણ અખબારોમાં આવેલા અહેવાલો દ્વારા થઈ. મારી સાથે કોઈ સત્તાવાર ન્યાયિક સંદેશાવ્યવહાર થયો નથી.”

બિલકીસબાનોએ વધુમાં કહ્યું હતું કે, “આજે મને એવું લાગી રહ્યું છે કે જે ન્યાય મેળવવા માટે મેં આટલો લાંબો સંઘર્ષ કર્યો, એ જ ન્યાય ફરી મારી પાસેથી છીનવાઈ રહ્યો છે. જૂના ભય ફરી સપાટી પર આવી રહ્યા છે. હું ફરી ડરી રહી છું. મારા માટે, મારા પરિવાર માટે અને મારા બાળકો માટે.”

તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે લડવાનો સંકલ્પ વ્યક્ત કરતાં કહ્યું, “હું આ આદેશ સામે લડીશ. મારે લડવું જ પડશે. હું મારા બાળકો માટે, મારી ત્રણ વર્ષની દીકરી સાલેહાની યાદ માટે અને દરેક મહિલા માટે આ લડાઈ લડીશ. હું આ લડત સમગ્ર વિશ્વની મહિલાઓ માટે લડી રહી છું.”

બિલકીસબાનોએ સવાલ ઉઠાવ્યો હતો કે તેમની સાથે બળાત્કાર અને તેમના પરિવારજનોની હત્યાના ગુનામાં દોષિત ઠરેલા પુરુષોની સજા સ્થગિત કરતાં પહેલાં તેમને જાણ કેમ કરવામાં આવી નહીં અને અદાલતમાં તેમનો અવાજ સંભળાય તેની ખાતરી કેમ ન કરવામાં આવી.

બે દોષિતોને જામીન કેમ મળ્યા?

બિલકીસબાનોની એક ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાળેની ખંડપીઠે 28 ઑક્ટોબર, 2026ના રોજ આ આદેશ આપ્યો હતો.

આ કેસના બે દોષિતો બિપિનચંદ્ર કનૈયાલાલ જોશી અને પ્રદીપ રામનલાલ મોઢિયાએ બૉમ્બે હાઈકોર્ટના 4 મે, 2017ના ચુકાદા સામે અપીલ કરી હતી. બૉમ્બે હાઈકોર્ટે તેમની દોષિત ઠરાવવાની અને આજીવન કેદની સજાને યથાવત્ રાખી હતી.

દોષિતો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ દલીલ કરી હતી કે બંને 17 વર્ષથી વધુ સમયથી જેલમાં છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બંને પૈકી એકનું નામ એફઆઈઆરમાં નહોતું અને ઘટનાના લગભગ ત્રણ વર્ષ બાદ તેને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો.

જોકે, બીબીસી ગુજરાતીએ આ વિશે જ્યારે તેમની સાથે વાત કરી તો તેમણે કેસ વિશે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

જોકે, કોર્ટના ઑર્ડર પ્રમાણે, એડિશનલ સોલિસિટર જનરલ રાજા ઠાકરેએ જામીનની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે તમામ સંબંધિત પુરાવાઓની તપાસ કર્યા બાદ ચુકાદો આપ્યો હતો.

પોતાના ઑર્ડરમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે બંને દોષિતો 17 વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને તેમાંથી એક ગંભીર શારીરિક અક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, અપીલમાં કાયદાકીય અને હકીકતલક્ષી કેટલાક મુદ્દાઓની તપાસ કરવાની બાકી છે.

આ આધારે કોર્ટે બંનેની સજા સ્થગિત કરીને સંબંધિત ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવનારી શરતોને આધીન જામીન આપવાનો આદેશ કર્યો હતો.

અહીં એ નોંધવું જોઈએ કે તેમની દોષિત ઠરાવવાની સામેની અપીલ પર સુનાવણી થવાની બાકી છે. એટલે કે, આ આદેશથી તેઓ દોષિત ઠરેલા છે એ વાત રદ થઈ નથી.

2024માં પણ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો નિર્ણય રદ કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

બિલકીસબાનો કેસમાં આ પહેલી વખત નથી બન્યું જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશને કારણે દોષિતોની મુક્તિનો મુદ્દો ચર્ચામાં આવ્યો હોય.

ઑગસ્ટ 2022માં ગુજરાત સરકારે આ કેસના તમામ 11 દોષિતોને સજામાંથી મુક્તિ આપીને જેલમાંથી છોડી મૂક્યા હતા. જેલની બહાર આવતાં તેમનું કેટલાક લોકોએ ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ નિર્ણય સામે દેશભરમાં વિરોધ થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી.

જાન્યુઆરી, 2024માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો સજામાફીનો નિર્ણય રદ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હોવાથી દોષિતોને સજામાંથી મુક્તિ આપવાનો અધિકાર ગુજરાત સરકારને નહોતો.

ત્યારબાદ તમામ 11 દોષિતોને જેલમાં પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

હવે આ 11 પૈકીના બે દોષિતોને અલગ કાનૂની પ્રક્રિયા હેઠળ સુપ્રીમ કોર્ટમાંથી સજા સ્થગિત કરાવીને જામીન મળ્યા છે. આથી 2024નો સજામાફીનો નિર્ણય અને 2026માં મળેલા જામીન બંને અલગ કાનૂની બાબતો છે.

શું હતો બિલકીસબાનો કેસ?

માર્ચ 2002માં ગુજરાતમાં રમખાણો દરમિયાન બિલકીસબાનો પોતાના પરિવારના સભ્યો સાથે રણધીકપુરથી ભાગી રહ્યાં હતાં. એ વખતે તેઓ પાંચ મહિનાનાં ગર્ભવતી હતાં અને તેમની ઉંમર 19 વર્ષની હતી.

પંચમહાલ જિલ્લાના રણધીકપુર નજીક ટોળાએ તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહા સહિત પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટના બાદ બિલકીસબાનોએ ન્યાય માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી. તેમણે હુમલાખોરોને ઓળખ્યા હતા, પરંતુ આ કેસમાં તપાસ દરમિયાન પોલીસની કામગીરી અને પુરાવાઓ સાથે ચેડાં થયાના આક્ષેપો પણ થયા હતા.

સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. ત્યાર બાદ કેસની સુનાવણી ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

વર્ષ 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે 11 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ 2017ના રોજ બૉમ્બે હાઈકોર્ટે પણ તેમની સજા યથાવત્ રાખી હતી.

બિલકીસબાનો અને તેમના પરિવારે આ કેસમાં ન્યાય મેળવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે. તેમનું કહેવું છે કે તેઓ છેલ્લાં 24 વર્ષથી તેઓ પોતાના માટે જ નહીં, પરંતુ અન્ય મહિલાઓ માટે પણ ન્યાયની લડાઈ લડી રહ્યાં છે.

હવે સુપ્રીમ કોર્ટના બે દોષિતોને જામીન આપવાના તાજેતરના આદેશ બાદ તેમણે ફરી એક વખત કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે.

તેમના નિવેદનના અંતમાં તેમણે કહ્યું હતું કે, “કોઈ પણ મહિલા, હિંસામાંથી બચી ગયેલી વ્યક્તિ કે નાગરિકે આખી જિંદગી પોતાના અસ્તિત્વ અને સમાનતાની કસોટીમાંથી પસાર થવું ન પડે અને જીવનભર ન્યાય માટે તેને લડવું ન પડે એવી સ્થિતિ ન થવી જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS