Source : BBC NEWS
Pavan Jaishwal/BBC
-
વાંચવાનો સમય: 4 મિનિટ
“મેરુ માલણ” ફિલ્મ 1985માં રજૂ થઈ, ત્યારે થિયેટરોમાં લોકો ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય…’, ‘તું મારો મેરુ, તું મારી માલણ…’ જેવાં ગીતો પર છૂટા પૈસા બૅલ્કનીમાંથી ફેંકતા હતા. તેથી ગીત આવે ત્યારે થિયેટરમાં આગલી હરોળ (અપર સ્ટૉલ)ના દર્શકો થોડા આઘા-પાછા થઈ જતા કે, ઉપરથી પૈસા ફેંકાશે અને માથામાં અથડાશે. ફિરોઝ ઈરાની બોલે કે, ‘આ માણકાનો ઘા પાણકા જેવો હોય…’ એટલે દર્શકોમાં તાળી અને સીટીનું મોજું ફરી વળે.
હિતુ કનોડિયા આવું કહીને જણાવે છે કે, “એ ગીતો અને ડાયલૉગ્સ ફરી સિનેમાના રૂપેરી પડદે જીવંત થવાનાં છે, કારણ કે 9 નવેમ્બરથી ‘મેરુ માલણ’ ફિલ્મ સિનેમાઘરોમાં ફરી રજૂ થઈ છે.”
ફિલ્મની રી-રિલીઝ પહેલાં અમદાવાદના એક સિનેમાઘરમાં 4 નવેમ્બરે ‘મેરુ માલણ’નો સ્પેશિયલ શો યોજાયો હતો, જે નિહાળવા હિતુ કનોડિયા, મોના થીબા વગેરે કલાકારો આવ્યાં હતાં.
હિતુ કનોડિયાએ બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે, “‘મેરુ માલણ’ જેવી ખૂબ વખણાયેલી ફિલ્મ જ્યારે ફરી રિલીઝ થઈ રહી હોય, ત્યારે એ હિન્દી સિનેમામાં જેમ ‘મુઘલ-એ-આઝમ’ કે ‘શોલે’ જેવી ફિલ્મ ફરી રિલીઝ થતી હોય, તેના જેવો અવસર છે.”
આ ગુજરાતી ફિલ્મ ‘શોલે’ને ટક્કર આપી હતી?
Pavan jaishwal/BBC
80નો દાયકો ગુજરાતી સિનેમાનો મહત્ત્વનો મુકામ હતો. એ વખતે સ્નેહલતા, નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, ફિરોઝ ઈરાનીની ફિલ્મોએ ટિકિટબારી પર ટંકશાળ પાડી હતી.
એ જ દાયકામાં ‘મેરુ માલણ’ રજૂ થઈ અને ગુજરાતનાં ગામે-ગામથી લોકો તે ફિલ્મ જોવા થિયેટરોમાં પડાપડી કરતા હતા. ખાસ કરીને ગામડાના દર્શકોએ ફિલ્મને ખૂબ વધાવી હતી.
હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, “એ વખતે તો દરેક પાસે પોતાનું વાહન નહોતું, તેથી લોકો ગાડાં અને ટ્રેક્ટરો ભરીને સાગમટે થિયેટરોમાં આવતા હતા. ફિલ્મ એટલી હાઉસફુલ જતી કે, ક્યારેક રજા કે તહેવારના દિવસે તો શૉ પણ વધારવા પડતા હતા.”
ફિલ્મના ડિરેક્ટર મેહુલકુમારે બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે, “ફિલ્મ ઘણે ઠેકાણે સિલ્વર જ્યુબિલી થઈ હતી. નોંધપાત્ર બાબત એ હતી કે, રાજકોટમાં તો ‘શોલે’ની લગોલગ ‘મેરુ માલણ’નો વકરો હતો.”
41 વર્ષ અગાઉ જ્યારે ફિલ્મ સિનેમાના પડદે રજૂ થઈ હતી, ત્યારે હિતુ કનોડિયાએ તેમાં બાળકલાકારની ભૂમિકા ભજવી હતી. ‘તું મારો મેરુ, તું મારી માલણ…’ ગીત તેમના અને બાળકલાકાર વનિતા પર ફિલ્માવાયેલું હતું. હાલમાં જ્યારે સ્પેશિયલ શો જોવા હિતુ કનોડિયા આવ્યા, ત્યારે દર્શકો સાથે તેમણે સિનેમાહૉલમાં તે ગીત પર ફરી ડાન્સ કરીને યાદો વાગોળી હતી.
હિતુ કનોડિયાએ કહ્યું હતું કે, “‘તું મારો મેરુ, તું મારી માલણ…’ ગીતના શૂટિંગ વખતે મને તાવ હતો. શૂટિંગ રાતભર થયું હતું. ડિરેક્ટર મેહુલકુમાર મારી ખૂબ સંભાળ લેતા હતા. શૂટિંગ વડોદરા પાસે હાલોલમાં ‘લકી સ્ટુડિયો’માં હતું. અભિનેતા કિરણકુમાર ત્યાં અન્ય કોઈ ફિલ્મના શૂટિંગ માટે આવ્યા હતા. મારી તબિયત વિશે જાણીને તેઓ પણ મારું ધ્યાન રાખવા આખી રાત બેસી રહ્યા હતા.”
મેરુ માલણનો ‘ક્રાંતિવીર’, ‘તિરંગા’ જેવી ફિલ્મો સાથે શો સંબંધ?
Mehta Films
હિન્દીમાં ‘ક્રાંતિવીર’, ‘તિરંગા’ જેવી હિટ ફિલ્મો બનાવનારા ગુજરાતી ડિરેક્ટર મેહુલકુમારે ‘મેરુ માલણ’ ડિરેક્ટ કરી હતી.
ફિલ્મ 41 વર્ષે ફરી રજૂ થઈ રહી છે, ત્યારે રાજીપો પ્રગટ કરતા તેમણે બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે, “આટલાં વર્ષ પછી કોઈ ફિલ્મ સિનેમાઘરમાં ફરી રજૂ થતી હોય, તો નાનું બાળક જવાન થઈ ગયું હોય તેવી લાગણી મને થાય છે. આ ઘટના મારા માટે વિશેષ એટલા માટે પણ છે કે, મારા હોમ પ્રોડક્શનની તે પ્રથમ ફિલ્મ હતી. હું પ્રોડ્યુસર તરીકે આગળ વધી શક્યો અને આગળ જઈને ‘તિરંગા’, ‘ક્રાંતિવીર’ સહિતના મનપસંદ વિષયોની ફિલ્મો બનાવી શક્યો, તેનો આત્મવિશ્વાસ મને ‘મેરુ માલણ’ના સુપરહિટ જવાથી મળ્યો હતો.”
આજે પણ ફિલ્મના ડાયલૉગ્સ ખૂબ લોકપ્રિય છે. ફિલ્મમાં ખલનાયકનો રોલ ફિરોઝ ઈરાનીએ ભજવ્યો છે. ‘આ માણકાનો ઘા તો પાણકા જેવો, એક પડશે ને તો પાણીય નહીં માગે…’ એ ડાયલૉગની ફરમાઈશ ફિરોઝ ઈરાનીને જાહેર કાર્યક્રમોમાં આજે પણ થાય છે.
મેહુલકુમાર જણાવે છે કે, તે વખતે કૅસેટ્સનો જમાનો હતો. ફિલ્મનાં ગીતોની કૅસેટ્સ તો ખૂબ વેચાઈ હતી, પણ ફિલ્મના ડાયલૉગ્સની કૅસેટ્સ પણ ધૂમ વેચાઈ હતી.
રી-રિલીઝ માટે કેમ ‘મેરુ માલણ’ જ કેમ?
Mehulkumar
1985માં મેહુલકુમારે જ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરેલી ‘મેરુ માલણ’ હવે મહેતા ફિલ્મ્સના નેજા તળે રજૂ થઈ છે.
સ્નેહલતા, નરેશ કનોડિયાની જોડીવાળી તો અન્ય પણ કેટલીક ફિલ્મો હિટ નીવડી છે, પછી રી-રિલીઝ માટે કેમ ‘મેરુ માલણ’ પર પસંદગી ઉતારવામાં આવી?
એ સવાલનો જવાબ આપતા મહેતા ફિલ્મ્સના સંચાલક જિતુભાઈ મહેતાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “આ ફિલ્મ ગુજરાતી સિનેમાનો સીમાસ્તંભ છે. આ ફિલ્મનો ઑક્યુપન્સી રેટ ખૂબ સારો હતો. ઑક્યુપન્સી રેટ એટલે એક સિનેમાઘરમાં 200 સીટ હોય અને તેમાંથી 150 ટિકિટ્સ વેચાય, તો તેનો ઑક્યુપન્સી રેટ 75 ટકા થયો કહેવાય. 5માંથી 4 સીટ ભરાઈ ગઈ કહેવાય. તેથી ‘મેરુ માલણ’ની પસંદગી કરવામાં આવી. હું માનું છું કે, આ તો શરૂઆત છે. આગળ જતાં નરેશ કનોડિયાની અન્ય ફિલ્મો પણ ફરી રૂપેરી પડદે રજૂ થશે.”
જિતુભાઈની વાતમાં સૂર પુરાવતા હિતુ કનોડિયાએ કહ્યું હતું કે, “આ ફિલ્મ વ્યક્તિગત રીતે મારા માટે મહત્ત્વપૂર્ણ એટલે છે કે મારા પિતા નરેશ કનોડિયા થિયેટર્સમાં ફરી પાછા આવી ગયા છે. જેન-ઝી અને જેન-આલ્ફાએ તેમના વિશે જાણ્યું હશે, માણ્યા નહીં હોય. તેથી તેમને માણવાની આ તક છે. ફિલ્મનો તે વખતનો બિઝનેસ આજની તારીખે ગણવા બેસીએ, તો 100 કરોડ કરતાં પણ વધારે કહી શકાય.”
ફિલ્મના સંગીતકાર મહેશ-નરેશ છે. ફિલ્મના ‘તું મારો મેરુ, તું મારી માલણ…’ ગીતમાં એક કડી છે કે,
‘નાના છીએ મોટા થઈશું, તોય કદી ના છેટા રહીશું,
સાથે હરશું, સાથે ફરશું, સાથે જીવશું, સાથે મરશું.’
હિતુ કનોડિયાએ આ શબ્દો યાદ કરીને કહ્યું હતું કે, “આ શબ્દો મહેશ-નરેશે વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યા હતા.”
25 ઑક્ટોબર, 2020ના રોજ મહેશ કનોડિયાનું નિધન થયું હતું. તે પછી 27 ઑક્ટોબર, 2020ના રોજ નરેશ કનોડિયાનું નિધન થયું હતું.
SOURCE : BBC NEWS




