Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હેલ્થ, કૅન્સર

ઇમેજ સ્રોત, Getty Images

હેડ ઍન્ડ નેક કૅન્સર એટલે કે માથા અને ગળાના કૅન્સરના કેસોની સંખ્યા વધી રહી છે, પણ વધારે ચિંતાજનક હકીકત એ છે કે આ કૅન્સરનું પ્રમાણ યુવાનોમાં પણ વધી રહ્યું છે.

તમાકુ અને દારૂની સંયુક્ત અસરથી કૅન્સરનું જોખમ વધે છે.

એચપીવી સંબંધી ગળાના કૅન્સરના કેસો દુનિયાભરમાં અને ખાસ કરીને યુવાનોમાં વધી રહ્યા છે.

કેટલાક પ્રકારના એચપીવીથી ગળા અને કાકડાના કૅન્સરનો ચેપ લાગે છે, જે સમય જતાં કૅન્સરનું જોખમ વધારે છે. તેથી એચપીવી રસીકરણ અને સલામત સ્વાસ્થ્ય માટેની કેટલીક ટેવો વિશે જાગૃતિ લાવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

બદલાયેલી જીવનશૈલી, ફાસ્ટ ફૂડ, તણાવ અને ધૂમ્રપાન કે વેપિંગની વધતી જતી આદતને લીધે યુવાનોમાં કૅન્સરનું જોખમ વધી રહ્યું છે. આ કૅન્સરનાં પ્રારંભિક લક્ષણો સાદાં લાગે છે. તેમાં મોઢામાં ન રૂઝાતા ઘા, ગળામાં પીડા અને અવાજમાં ફેરફારનો સમાવેશ થાય છે.

આવાં લક્ષણોને અવગણવામાં આવે છે, પરંતુ યોગ્ય સમયે તેનું નિદાન થાય તો આ કૅન્સર સંપૂર્ણપણે મટી શકે છે. તેમાં વિલંબ થાય તો સારવાર મુશ્કેલ બની જાય છે. તેથી જાગૃતિ અને વહેલું નિદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

હેડ ઍન્ડ નેક કૅન્સર એક વ્યાપક પ્રકાર છે. તેમાં ઓરલ કૅન્સરનો પણ સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતોના મતાનુસાર, હેડ ઍન્ડ નેક કૅન્સરના દર્દીઓની વધતી જતી સંખ્યા માટે અનેક પરિબળો જવાબદાર છે. સૌથી મોટું કારણ વિવિધ પ્રકારની તમાકુ, સિગારેટ, બીડી, ગુટખા અને પાન છે.

આ બધા પદાર્થોને કૅન્સર સાથે સીધો સંબંધ છે. વળી, જો તમે દારૂ પણ પીતા હો તો જોખમમાં વધારો થાય છે અને આ બધાને સૌથી ખતરનાક સંયોજન માનવામાં આવે છે.

ઉપરાંત, એચપીવીનો ચેપ વધે છે તેમ-તેમ, ખાસ કરીને ગળાના કૅન્સરમાં વધારો થાય છે. એક અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં હેડ ઍન્ડ નેક કૅન્સરના લગભગ 33 ટકા દર્દીઓમાં એચપીપી જોવા મળે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Prashanth Vishwanathan/Bloomberg via Getty Images

હાલ 20થી 40 વર્ષની વયના યુવાઓમાં અને ખાસ કરીને પુરુષોમાં આ ટ્રેન્ડ વધતો જોવા મળી રહ્યો છે.

તેથી તમાકુના સેવન સંપૂર્ણપણે ત્યાગ, મર્યાદિત મદ્યપાન, એચપીવી રસીકરણ, નિયમિત તબીબી તપાસથી અને સ્વસ્થ જીવનશૈલી જેવા નિવારક પગલાં કૅન્સર સામે મોટા પ્રમાણમાં રક્ષણ આપી શકે છે.

હેડ ઍન્ડ નેક કૅન્સરનાં લક્ષણો

  • બે-ત્રણ અઠવાડિયાં સુધી નહીં મટતા મોઢામાંનાં ચાંદાં કે અલ્સર.
  • ગળામાં સતત દુખાવો
  • અવાજમાં ફેરફાર કે કર્કશતા
  • ગળવામાં મુશ્કેલી કે પીડા
  • મોઢામાં લાલ કે શ્વેત ડાઘ દેખાવા
  • ગરદન કે જડબા પાસે ગઠ્ઠો
  • કાનમાં પીડા
  • મોં કે ગળામાંથી લોહી નીકળવું
  • વજનમાં અચાનક ઘટાડો

ભારતમાં શું પરિસ્થિતિ છે?

ભારતમાં યુવાનોમાં હેડ ઍન્ડ નેક કૅન્સરના વધતા પ્રમાણનું સૌથી મોટું કારણ નાની વયે તમાકુના વિવિધ સ્વરૂપોનું વધતું જતું સેવન છે. તેમાં ધૂમ્રપાન, ગુટખા, પાન મસાલા અને ધૂમ્રપાન રહિત તમાકુ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

એ ઉપરાંત અયોગ્ય આહારપદ્ધતિ, સતત તણાવ, અપૂરતી ઊંઘ, દારૂનું સેવન અને સમયસર તબીબી સલાહ ન લેવા જેવા જીવનશૈલી સંબંધી પરિબળો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વધતી જતી જાગૃતિ અને નિદાનની સુધારિત ટૅક્નૉલૉજીને લીધે યુવાનોમાં આ કૅન્સરના વધુને વધુ કેસીસ બહાર આવી રહ્યા છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

હેડ ઍન્ડ નેક કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એચએનસીઆઈઆઈ)માં કન્સલ્ટન્ટ કૅન્સર સર્જન તરીકે કાર્યરત ડૉ. મોહસિન શેખે આ બાબતે બીબીસીને વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તમાકુ અને ગુટખા ભારતમાં હેડ ઍન્ડ નેક કૅન્સર સાથે સંકળાયેલા મુખ્ય જોખમી પરિબળો છે.

તેમણે કહ્યું હતું કે “ધૂમ્રરહિત તમાકુ અને સોપારીના નિયમિત સેવનથી મોઢાના કૅન્સરનું જોખમ ખૂબ જ વધી જાય છે. ખાસ કરીને વયસ્ક યુવાનોમાં મોઢાના કૅન્સરનું જોખમ ખૂબ જ વધી જાય છે. તમાકુની સાથે દારૂ પણ પીવાથી જોખમમાં ઉમેરો થાય છે. ધૂમ્રરહિત ઉપકરણોનો ઉપયોગ પણ ચિંતાનો વિષય છે, કારણ કે નિકોટિન અને રાસાયણિક ઉત્તેજકોના દીર્ઘકાલીન સંપર્કથી મોઢાના આંતરિક અસ્તરને નુકસાન થાય છે. આ સંદર્ભે ભારતીય લોકો સંબંધી દીર્ઘકાલીન અભ્યાસ ચાલી રહ્યો છે.”

શું બદલાતી જીવનશૈલી, તણાવ અને ફાસ્ટ ફૂડ કલ્ચરને કારણે કૅન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે, એવા સવાલના જવાબમાં ડૉ. શેખે કહ્યું હતું કે, “જીવનશૈલી સંબંધી પરિબળોથી સીધું કૅન્સર થતું નથી, પરંતુ તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી થવાથી જોખમ વધે છે. અપૂરતો પૌષ્ટિક આહાર, પ્રોસેસ્ડ ફૂડનું સેવન, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, નબળી રોગપ્રતિકારક શક્તિ, ક્રોનિક સ્ટ્રેસ, મદ્યપાન અને અનિયમિત ઊંઘ – આ બધી બાબતો શરીરના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે તથા કૅન્સરના કોષો સામે રક્ષણની શરીરની ક્ષમતા ઘટાડે છે. તમાકુ સાથે આ પરિબળોનું સંયોજન કૅન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે.”

તેમણે કહ્યું હતું કે, “તેનાં પ્રારંભિક લક્ષણોમાં ન મટતા મોંમાંનાં ચાંદાં, ગળવામાં તકલીફ, અવાજમાં કર્કશતા, ગરદન પર અકારણ સોજો, મોંમાં સફેદ કે લાલ ફોડલીઓ, ગળામાં વારંવાર થતી પીડા, મોંમાંથી લોહી આવવું, જડબામાં દુખાવો અને વજનમાં અચાનક ઘટાડાનો સમાવેશ થાય છે. યુવાનો આવાં લક્ષણોની અવગણના કરતા હોય છે, પરંતુ તેના નિદાનમાં વિલંબ કરવાથી જટિલ સમસ્યા સર્જાઈ શકે છે.”

આ કૅન્સરને સંપૂર્ણપણે મટાડી શકાય?

હેડ ઍન્ડ નેક કૅન્સરનું પ્રારંભિક તબક્કામાં જ નિદાન કરવામાં આવે તો તેની સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે અને ઉત્તમ પરિણામ મેળવી શકાય છે. વહેલા નિદાનથી દર્દીના આયુષ્યમાં જ નહીં, પરંતુ બોલવા, ગળવા અને દર્દીના જીવનની એકંદર ગુણવત્તા જેવાં મહત્ત્વપૂર્ણ કાર્યો ટકાવવામાં પણ મદદ મળે છે. તેથી જાગૃતિ અને સમયસરની તબીબી સલાહ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

મુંબઈ નજીકના થાણેની કિમ્સ હૉસ્પિટલ્સમાં હેડ ઍન્ડ નેક ઑન્કોલોજી વિભાગમાં કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત ડૉ. હિતેશ સિંઘવીએ કહ્યું હતું કે, “હેડ ઍન્ડ નેક કૅન્સરનું પ્રારંભિક તબક્કામાં જ નિદાન થઈ જાય તો તે અત્યંત સાધ્ય છે અને ઘણી વખત દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે. તેથી વહેલું નિદાન કરાવવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વહેલું નિદાન થઈ જાય તો ઉપચાર ઓછો આક્રમક હોય છે. દર્દી વહેલો સાજો થઈ જાય છે અને બોલવા તથા ગળવા જેવાં મહત્ત્વપૂર્ણ કાર્યો જળવાઈ રહે તેવી શક્યતા વધારે રહે છે. ભારતમાં આનું મોડું નિદાન હજુ પણ એક મોટો પડકાર છે.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

આ કૅન્સર સંદર્ભે ભારતમાં ક્યા-ક્યા ઉપચાર ઉપલબ્ધ છે તેની માહિતી આપતાં ડૉ. સિંઘવીએ કહ્યું હતું કે, “આજે તો તેની સારવાર ખૂબ જ અદ્યતન અને વ્યક્તિગત સ્વરૂપની બની ગઈ છે. કૅન્સરના તબક્કા અને સ્થાનના આધારે મિનિમલ ઈન્વેઝિવ સર્જરી, રૉબોટિક સર્જરી, રેડિયેશન થેરાપી, કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. ઑન્કોલોજિસ્ટ, સર્જન, રેડિયેશન નિષ્ણાતો, પોષણશાસ્ત્રીઓ અને પુનર્વસન નિષ્ણાતોની સંયુક્ત ઉપચાર પદ્ધતિને પરિણામે જીવનની ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “બોલવા, ચાવવા, ગળવા અને શ્વાસ લેવાં જેવાં મૂળભૂત કાર્યો પર કૅન્સરને લીધે ગંભીર અસર થઈ શકે છે. દર્દીઓને પીડા થઈ શકે છે. તેમને ખાવામાં મુશ્કેલી થઈ શકે છે. તેમનું વજન ઘટી શકે છે અને તેમણે માનસિક તણાવનો સામનો કરવો પડે તે શક્ય છે. જોકે, આધુનિક રિકન્સ્ટ્રક્શન સર્જરી, સ્પીચ થેરાપી, પુનર્વસન અને સહાયક ઉપચારની મદદથી ઘણા દર્દીઓ ફરીથી આત્મવિશ્વાસ સાથે સામાન્ય જીવન જીવી શકે છે.”

આ કૅન્સરને રોકવા માટે શું કરી શકાય?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, Getty Images

  • તમાકુનું સેવન મર્યાદિત કરો અથવા સંપૂર્ણપણે ટાળો.
  • મોઢું સ્વચ્છ રાખો.
  • દારૂનું સેવન મર્યાદિત કરો અથવા સંપૂર્ણપણે ટાળો.
  • ફળો અને શાકભાજીથી ભરપૂર સંતુલિત આહાર લો.
  • નિયમિત કસરત કરો અને તણાવને નિયંત્રણમાં રાખો.
  • જાતે દવા લેવાનું ટાળો.
  • કોઈ લક્ષણ લાંબા સમય સુધી ચાલુ રહે તો તબીબી સલાહ લો.
  • આરોગ્યની નિયમિત તપાસ કરાવતા રહો.

તમે તમારી જીવનશૈલીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવા ઈચ્છતા હો, તમારા આહારમાં ફેરફાર કરવા ઈચ્છતા હો, દવા લેવાના હો અથવા શારીરિક વ્યાયામ શરૂ કરવાના હો તો ડોક્ટર તથા લાયક ટ્રેનરની મદદ લેવી જરૂરી છે.

ડૉક્ટર દ્વારા તમારાં શરીર અને લક્ષણોની યોગ્ય રીતે તપાસ કરાવવી તથા તેમની સલાહ અનુસાર જ જીવનશૈલીમાં ફેરફાર કરવો શ્રેષ્ઠ છે. ડૉક્ટરની સલાહ લીધા વિના જાતે જ ઉપચાર કરવો જોખમી સાબિત થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS