Source : BBC NEWS
ઇમેજ સ્રોત, NCERT
મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’ આજકાલ સમાચારોમાં ચમકી રહી છે.
કાંસામાંથી બનેલી આ નગ્ન મૂર્તિ સિંધુ ખીણ સભ્યતાના મુખ્ય પુરાવશેષોમાં એક ગણાય છે.
રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એનસીઇઆરટી)એ તાજેતરમાં જ કળાનું પુસ્તક ‘મધુરિમા’ પ્રકાશિત કર્યું હતું.
તેમાં સાડા ચાર હજાર વર્ષ જૂની આ કાંસ્ય પ્રતિમાના નગ્ન શરીરના ધડ અને ઉપરના ભાગને ડિજિટલ શેડિંગ અને રંગોનો ઉપયોગ કરીને ઝાંખાં કરી દેવાયાં હતાં.
ત્યાર પછી આ બાબતે ઘણી ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
કલા અને ઇતિહાસના નિષ્ણાતોની ટીકાઓ પછી એનસીઇઆરટીએ આ તસવીરને તેના મૂળ સ્વરૂપમાં રાખવાની જાહેરાત કરી.
નર્તકી છે કે નહીં?
ઇમેજ સ્રોત, ANI
મોહેં-જો-દડોની ‘ડાન્સિંગ ગર્લ’ની આ નાની-શી મૂર્તિ લગભગ 10 સેન્ટિમીટરની છે.
કાંસાથી બનેલી આ મૂર્તિ એક એવી કિશોરીની છે, જેના ડાબા હાથમાં બંગડી છે અને જમણો હાથ થાપા પર રાખેલો છે. તેના બંને પગ ઘૂંટણથી થોડા વળેલા છે અને આગળની તરફ નીકળેલા છે.
કદાચ મૂર્તિના આ જ દેખાવના કારણે પુરાતત્ત્વવિદ જૉન માર્શલે તેને ‘ડાન્સિંગ ગર્લ’ નામ આપ્યું હતું. સાડા ચાર હજાર વર્ષ પછી પણ આ મૂર્તિની ઓળખ આજ સુધી એક રહસ્ય છે.
આ વિશે લાહૌર મ્યૂઝિયમમાં ક્યૂરેટર એહતશામ અઝીઝ કહે છે, “આ છોકરીની મૂર્તિને જોઈએ, તો લાગે છે કે તે નૃત્ય કરી રહી છે. નૃત્ય ધાર્મિક પ્રવૃત્તિઓનો ભાગ રહ્યું છે, ખાસ કરીને હિંદુ ધર્મમાં. તમે ગમે તે દેવી-દેવતા જુઓ, તેમને ઘણી વાર નૃત્ય કરતાં કે આવી જ મુદ્રામાં જોવા મળશે. નૃત્ય ધાર્મિક માન્યતાઓનો ભાગ રહ્યું છે.”
ઇતિહાસકાર ગ્રેગરી એલ પૉસેલે તેમના પુસ્તક ‘ધ ઇન્ડસ સિવિલાઇઝેશન’માં લખ્યું છે કે આ મૂર્તિ કોઈ નર્તકીનું પ્રતિનિધિત્વ નથી કરતી. બીજા ઘણા ઇતિહાસકારોએ પણ તેને નર્તકી માનવાનો ઇન્કાર કર્યો છે.
‘એ ન્યૂ હિસ્ટરી ઑફ ઇન્ડિયા’નાં લેખક આર મુખર્જી, શોભિતા પૂંજા અને ટોબી સિંક્લેયર લખે છે, “આ છોકરીની મૂર્તિને કદાચ તેના ઊભા રહેવાની મુદ્રાના આધારે ‘ડાન્સિંગ ગર્લ’ કહેવામાં આવી, પરંતુ હકીકત એ છે કે તેની સાચી ઓળખ આજે પણ ઇતિહાસકારો માટે એક કોયડો છે.”
જાણીતા ઇતિહાસકાર એએલ બાશમે તેમના પુસ્તક ‘ધ વંડર ધૅટ વૉઝ ઇન્ડિયા’માં લખ્યું છે, “કેટલાક ઇતિહાસકારોએ એ જણાવવાની કોશિશ કરી છે કે આ ડાન્સિંગ ગર્લ મંદિરોની નર્તકી કે દેવદાસીવર્ગનું પ્રતિનિધિત્વ કરે છે; પરંતુ આ વાતને ઐતિહાસિક રીતે સાબિત ન કરી શકાય. એ સ્પષ્ટ નથી કે આ છોકરી ખરેખર નર્તકી છે; અને મંદિરની નર્તકી હોવાનો દાવો તો વધારે અવિશ્વાસનીય છે.”
આ મૂર્તિ ભારત કઈ રીતે પહોંચી?
ઇમેજ સ્રોત, DeAgostini/Getty Images
ડાન્સિંગ ગર્લની આ મૂર્તિ અત્યારે નવી દિલ્હીમાં સ્થિત નૅશનલ મ્યૂઝિયમમાં રાખવામાં આવી છે. મર્ટિમર વ્હીલર 1944થી 1948 સુધી ભારતીય પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ હતા.
તેઓ આઝાદી પહેલાં મોહેં-જો-દડો અને હડપ્પાથી લગભગ 12 હજાર પુરાવશેષ અને નમૂના પ્રદર્શન માટે લાહૌર મ્યૂઝિયમમાંથી દિલ્હી લઈ આવ્યા હતા.
ભારતના ભાગલા પછી મોહેં-જો-દડો અને હડપ્પા જેવાં પ્રાચીન સ્થળ પાકિસ્તાનમાં જતાં રહ્યાં, જ્યારે ગુજરાતનું લોથલ, રાજસ્થાનનું કાલીબંગન અને ધોળાવીરા જેવાં કેટલાંક સ્થળ ભારતનો ભાગ બન્યાં, જે હડપ્પા સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતાં હતાં.
પંજાબ યુનિવર્સિટીના ઇતિહાસકાર આશિષકુમારે પોતાના એક સંશોધન-લેખમાં લખ્યું છે, “વિભાજન સમયે સિંધુ ખીણના મોટા ભાગના પુરાવશેષ દિલ્હીમાં રાખ્યા હતા. જોકે, તે બધા પાકિસ્તાનના વિસ્તારમાંથી શોધવામાં આવ્યા હતા, તેથી પાકિસ્તાને તેને પાછા આપવાની માગ કરી. 1950ના દાયકામાં મર્ટિમર વ્હીલરની મદદથી આ પુરાવશેષોનો અડધો ભાગ પાકિસ્તાનને આપવાની સમજૂતી થઈ.”
તેમણે લખ્યું કે પાકિસ્તાન ‘પ્રીસ્ટ કિંગ’ (પુરોહિત રાજા) અને ‘ડાન્સિંગ ગર્લ’ની મૂર્તિઓ પાછી લેવાં માગતું હતું, પરંતુ ભારત તેમાંથી માત્ર એક પાકિસ્તાનને આપવા તૈયાર થયું.
કેટલાક ઇતિહાસકારો અનુસાર, પાકિસ્તાની અધિકારીઓએ એમ વિચારીને ‘પ્રીસ્ટ કિંગ’ લેવાનો નિર્ણય કર્યો કે ડાન્સિંગ ગર્લની નગ્ન મૂર્તિ વિવાદનું કારણ બની શકે છે.
પરંતુ, આ મામલો આટલે જ સમાપ્ત ન થયો.
લાહૌર હાઈકોર્ટમાં 2016માં એક અરજી દાખલ કરવામાં આવી, જેમાં અદાલતને વિનંતી કરવામાં આવી કે કે પાકિસ્તાન સરકારને ડાન્સિંગ ગર્લની મૂર્તિ ભારત પાસેથી પાછી લાવવાની સૂચના આપે.
અરજીમાં કહેવાયું હતું કે આ મૂર્તિ 1926માં મોહેં-જો-દડોમાંથી મળી હતી એટલા માટે આ પ્રાચીન ધરોહરનું ખરું વારસદાર પાકિસ્તાન છે.
તે સમયે ભારતના કેટલાક ઇતિહાસકારોએ એવી દલીલ કરી કે પાકિસ્તાન એકલું હડપ્પા સભ્યતાનું વારસદાર નથી, બલકે તે આખા દક્ષિણ એશિયાનો સંયુક્ત વારસો છે.
ઑડ્રે ટ્રશકે તેમના પુસ્તક ‘ઇન્ડિયા: ફાઇવ થાઉઝન્ડ યર્સ ઑફ હિસ્ટરી’માં લખે છે કે સિંધુ ખીણની સભ્યતા ઇજિપ્ત, મેસોપોટેમિયા અને ચીનની સાથે પ્રાચીન કાળની ચાર મોટી સભ્યતાઓમાંની એક હતી. ભૌગોલિક દૃષ્ટિએ સિંધુ ખીણનું ક્ષેત્ર ઇજિપ્ત અને મેસોપોટેમિયાના સંયુક્ત ક્ષેત્ર કરતાં મોટું હતું અને કદાચ તેની વસ્તી પણ વધારે હતી.
તેઓ લખે છે કે સિંધુ ખીણના ઉત્ખનનમાં મળેલી હજારો વસ્તુઓ પર અજ્ઞાત લિપિમાં કશુંક લખ્યું છે. એ જ કાળની મળેલી મહોરો પર લખેલું લખાણ આજ સુધી વાંચી નથી શકાયું.
આ બધી ચર્ચાઓ સાથે સિંધુ ખીણની સભ્યતાની જેમ ડાન્સિંગ ગર્લ પણ એક કોયડો બની ગઈ છે.
તે કોણ હતી, તેને કોણે બનાવી હતી, તે કોનું પ્રતિનિધિત્વ કરતી હતી અને શું તે ખરેખર નર્તકી હતી?
આવા સવાલ આજે પણ જવાબ શોધી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




