Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters
વાંચવાનો સમય: 2 મિનિટ
રશિયા સાથે અમેરિકાની ડીઝલ સોદાની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આલોચના કરી હતી. આ આલોચનાનો જવાબ આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમને લાગે છે કે “યુક્રેનને નવા રાષ્ટ્રપતિ મળવાનો સમય આવી ગયો છે.”
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે, લાખો ટન રશિયન ડીઝલ અમેરિકા મોકલવાના નવા સોદાથી મૉસ્કોને તેમના રાષ્ટ્ર સામેના યુદ્ધ ચાલુ રાખવા માટે પૈસા મળશે. આ સોદાને ઝેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટેની ભેટ ગણાવી.
ટ્રમ્પે શનિવારે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, “ઝેલેન્સ્કી રશિયાની રિફાઇનરીઓ પર હુમલાની મંજૂરી આપીને દુનિયા માટે સમસ્યા ઊભી કરવા માગે છે.”
“તેમણે આ બધું બંધ કરી દેવું સારું રહેશે,” ટ્રમ્પે કહ્યું.
તેમણે વધુમાં કહ્યું કે “યુક્રેનને નવા નેતા મળવા જોઈએ જે સોદો કરી શકે.”
ટ્રમ્પે કહ્યું કે અમે તેમને (યુક્રેનને) કહ્યું કે તમે રશિયા સાથે જે ઇચ્છો તે કરી શકો, રિફાઇનરી પર હુમલો ન કરો, કારણકે તે એક વૈશ્વિક સમસ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા શરૂ કરાયેલા ઈરાન સામેના યુદ્ધને કારણે ડીઝલ સહિત વૈશ્વિક ઈંધણ પુરવઠો ભારે મર્યાદિત બન્યો છે, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટને અસરકારક રીતે બંધ કરવામાં આવ્યો હતો, જેના મારફતે વિશ્વનાં ઑઇલ ઉત્પાદનોનો લગભગ પાંચમા ભાગની અવરજવર થાય છે.
રશિયા અને યુક્રેનએ તાજેતરમાં એકબીજાનાં ઊર્જા માળખા અને પરિવહન સુવિધાઓ પરના હુમલાઓને વધુ તીવ્ર બનાવ્યા છે, જેના કારણે ઊર્જા બજારો પર વધુ દબાણ આવ્યું છે.
સાઉદી અરેબિયાના રિયાધ ઍરપૉર્ટ પર ભીષણ હુમલો, 12 લોકોનાં મોત અને 300થી વધુ ઘાયલ
ઇમેજ સ્રોત, AFP via Getty Images
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધસ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર થયેલા હુમલામાં 12 લોકોનાં મોત થયાં છે, જ્યારે 309 લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર છે. હુમલા બાદ ઍરપૉર્ટ પરની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.
બીજી તરફ, ઉડ્ડયન ટ્રેકિંગ વેબસાઇટ ‘ફ્લાઇટરાડાર’ અનુસાર, રિયાધ આવતી તમામ ફ્લાઇટ્સને અન્ય સ્થળે મોકલી દેવામાં આવી છે અથવા રદ કરી દેવામાં આવી છે.
સાઉદી સિવિલ ઍવિએશન ઑથોરિટીના જણાવ્યા મુજબ, મૃતકોમાં ચાર સાઉદી નાગરિકો, બાંગ્લાદેશના બે નાગરિકો અને અમેરિકા, જૉર્ડન, પેલેસ્ટાઇન, સીરિયા, સુદાન અને ઇજિપ્તના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ જણાવ્યું કે ઍરપૉર્ટને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને આ હુમલા માટે યમનના હૂતી વિદ્રોહીઓને જવાબદાર ઠેરવ્યા છે. ગઠબંધને આ હુમલાને ‘યુદ્ધ અપરાધ’ ગણાવતા જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે.
ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-મલિકીએ કહ્યું કે ઍરપૉર્ટના મુસાફર ટર્મિનલ પર થયેલા હુમલામાં સામાન્ય મુસાફરો અને ઍરપૉર્ટના કર્મચારીઓનાં મોત થયાં છે તેમજ ઘણા લોકો ઘાયલ થયા છે. તેમણે આ હુમલાને ગંભીર યુદ્ધ અપરાધ ગણાવ્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




