Home તાજા સમાચાર gujrati યુસુફ પઠાણને પ્લૉટ આપવાને મામલે વડોદરા કૉર્પોરેશનમાં હોબાળો, કૉંગ્રેસે કર્યો વિરોધ –...

યુસુફ પઠાણને પ્લૉટ આપવાને મામલે વડોદરા કૉર્પોરેશનમાં હોબાળો, કૉંગ્રેસે કર્યો વિરોધ – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

યુસુફ પઠાણ યુસુફ પઠાણને પ્લૉટ આપવાને મામલે વડોદરા કૉર્પોરેશનમાં હોબાળો, કૉંગ્રેસે કર્યો વિરોધ – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી બરોડા ગુજરાત ન્યૂઝ અપડેટ સમાચાર

વાંચવાનો સમય: 6 મિનિટ

વડોદરા મહાનગરપાલિકામાં લાંબા સમયથી વિવાદોની વચ્ચે રહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને સાંસદ યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના મુદ્દે આજે અંતિમ નિર્ણય લેવાઈ ગયો છે.

મહાનગરપાલિકાની સ્ટૅન્ડિંગ કમિટીએ આ પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે.

જોકે, આ નિર્ણય સામે વિપક્ષ કૉંગ્રેસે આક્રમક વલણ અપનાવી પાલિકા સંકુલમાં જોરદાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

‘એક વોટની કિંમત 15 કરોડ’, ‘VMCના જમાઈ યુસુફ પઠાણ’, ‘વોટ ચોર, પ્લૉટ ચોર, નોટ ચોર’ના નારા સાથે કૉંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું.

વડોદરા શહેર કૉંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોષીએ કહ્યું હતું કે, “ભાજપે આ પ્લૉટ યુસુફ પઠાણને મફતમાં આપી દીધો. 14 વર્ષથી તેમણે આ જમીનનો કબજો કરેલો હતો. ભાજપના નેતાઓએ જ પઠાણ સામે લૅન્ડ ગ્રેબિંગનો કેસ કરવાની વાત કરી હતી અને આજે પ્લૉટ કેમ આપી દીધો? ક્રિકેટર રાધા યાદવે ઍકેડમી ખોલવા માટે જમીન માગી તોપણ સરકારે ન આપી. તો આવી લહાણી કેમ?”

આ મામલે સ્ટૅન્ડિંગ કમિટીનાં ચૅરપર્સન વર્ષાબહેન વ્યાસે મીડિયા સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “ગુજરાત સરકાર તરફથી આ ઠરાવ આવ્યો હતો અને સ્ટૅન્ડિંગ કમિટીએ તેને મંજૂરી આપી છે. લૅન્ડ ઍન્ડ ડિસ્પોઝલ ઍક્ટ હેઠળ સ્પેશિયલ કેસમાં આ મંજૂરી અપાઈ છે. રાધા યાદવની માગણી અમારા સુધી પહોંચી નથી. લૅન્ડ ઍન્ડ ડિસ્પોઝલ ઍક્ટ હેઠળ અમે તેમની વાત પણ સાંભળીશું અને વિચાર કરીશું.”

એસઆઈઆરને લઈને દિલ્હીમાં ફરી પ્રદર્શનો, પોલીસે અનેક લોકોને હિરાસતમાં લીધા

દિલ્હીમાં એસઆઈઆર રદ કરવાની માંગ સાથે ફરી પ્રદર્શન શરૂ થયું. એસઆઈઆરને લઈને દિલ્હીમાં ફરી પ્રદર્શનો, પોલીસે અનેક લોકોને હિરાસતમાં લીધા – ન્યૂઝ અપડેટ

‘પીપલ અગેઇન્સ્ટ એસઆઈઆર’ના બેનર હેઠળ 23 ઑક્ટોબરના રોજ દેશના વિવિધ ભાગોમાં વિરોધપ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે.

દિલ્હીમાં એસઆઈઆરના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓ, ખેડૂતો, મજૂરો અને કાર્યકરો બપોરે લગભગ એક વાગ્યે બંગલા સાહિબ ગુરુદ્વારા નજીક એકત્ર થયા.

આ પ્રદર્શનમાં આઈસા, એઆઈએસએફ, એસએફઆઈ અને કેએવાયએસ સહિતનાં અનેક વામપંથી વિદ્યાર્થી સંગઠનો જોડાયાં હતાં.

તે ઉપરાંત ખેડૂત અને મહિલા સંગઠનોના સભ્યોએ પણ તેમાં ભાગ લીધો હતો.

પ્રદર્શનકારીઓએ ચૂંટણી પંચના કાર્યાલય સુધી માર્ચ કાઢવાનું આહ્વાન કર્યું હતું. તેમની મુખ્ય માંગણીઓમાં એસઆઈઆરને પાછું ખેંચવાની અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સામેલ હતી.

આ દરમિયાન દિલ્હી પોલીસ સતત જાહેરાત કરી રહી હતી કે, નવી દિલ્હી વિસ્તારમાં બીએનએસએસની કલમ 163 લાગુ છે અને ત્યાં લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ છે.

પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટી જવાની અપીલ કરી હતી. જોકે, પ્રદર્શનકારીઓ પોતાની માંગણીઓ પર અડગ રહ્યા, ત્યારબાદ પોલીસે અનેક લોકોને હિરાસતમાં લીધા.

ગ્રાહકોની સુરક્ષાને લઈને એસબીઆઈએ પોતાના ગ્રાહકોને ચેતવ્યા, આ સલાહ આપી

ગ્રાહકોની સુરક્ષાને લઈને એસબીઆઈએ પોતાના ગ્રાહકોને ચેતવ્યા, આ સલાહ આપી – ન્યૂઝ અપડેટ

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ)એ જણાવ્યું છે કે, ડાર્ક વેબ પર જેમના જે ગ્રાહકોની માહિતી મળી છે, તેમના ખાતામાં રહેલી રકમ અને ફંડ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

એસબીઆઈએ ઍક્સ પર પોસ્ટ કરેલા એક અપડેટમાં લખ્યું છે, “તાજેતરની સાયબર ઘટનાના પછી બૅન્કે એવા તમામ ગ્રાહકોને જાણકારી મોકલી છે, જેમનો ડેટા ડાર્ક વેબ પર મળ્યો છે. તેમને ઈ-મેઇલ અને વૉટ્સઍપ મારફતે તેની માહિતી આપવામાં આવી છે.”

“અમે ફરી એક વાર સ્પષ્ટ કરવું ઇચ્છીએ છીએ કે તેમનું એકાઉન્ટ બૅલેન્સ અને ફંડ્સ અમારી પાસે સુરક્ષિત છે.”

“બૅન્ક ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સુરક્ષિત બૅન્કિંગ પદ્ધતિઓનું પાલન કરે. પોતાના ઓટીપી, પિન અથવા પાસવર્ડ કોઈપણ વ્યક્તિ સાથે શૅર ન કરે. સાથે જ શંકાસ્પદ ફોન કૉલ, સંદેશા અથવા ઈ-મેઇલ અંગે સતર્ક રહે.”

બે દિવસ પહેલાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના હજારો ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થયાના સમાચાર સામે આવ્યા હતા.

બૅન્કે જણાવ્યું હતું કે ડાર્ક વેબ પર લીક થયેલા ડેટામાંથી 3,897 ગ્રાહક રેકૉર્ડમાં પર્સનલી આઇડેન્ટિફાયેબલ ઇન્ફોર્મેશન (પીઆઈઆઈ) મળી આવી હતી. પીઆઈઆઈનો અર્થ એ છે કે તેમાં નામ, મોબાઇલ નંબર, ઈ-મેઇલ, સરનામું, આધાર નંબર અથવા બૅન્ક સીઆઈએફ નંબર જેવી વિગતો સામેલ હોય છે.

એશિયન પૅરાગેમ્સ 2026 માં ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ મેડલ સાથે રેકૉર્ડ તોડ્યા

ભારતીય તીરંદાજ મોના અગ્રવાલે સ્વીડનનાં અન્ના બેંસનનો રેકૉર્ડ તોડ્યો

એશિયન પૅરાગેમ્સ 2026ના છઠ્ઠા દિવસે ભારતીય પૅરાઍથ્લેટિક્સે ગોલ્ડ મેડલ જીતવાની સાથે કેટલાક વિશ્વ રેકૉર્ડ પણ તોડ્યા છે.

સંદીપકુમાર, તીરંદાજ મોના અગ્રવાલ અને પૅરા ઍથ્લીટ હનીએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે વર્લ્ડ રેકૉર્ડ પણ તોડ્યા છે.

સંદીપકુમારે પુરુષોની 400 મીટર ટી64 સ્પર્ધા 52.28 સેકંડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો અને વર્લ્ડ રેકૉર્ડ પણ બનાવ્યો છે.

આ સ્પર્ધામાં ભારતના અજયકુમારે બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.

ભારતીય તીરંદાજ મોના અગ્રવાલે 10 મીટર ઍર સ્ટૅન્ડિંગ એસએચ એક સ્પર્ધામાં 357.5 અંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

આ સાથે જ મોનાએ સ્વીડનની અન્ના બેંસનનો 356 પૉઇન્ટનો રેકૉર્ડ તોડી દીધો છે.

જ્યારે 333.2 પૉઇન્ટ સાથે અવનિ લેખરા ચોથા ક્રમે રહ્યાં.

જેવલિન થ્રોમાં પૅરા ઍથ્લીટ હનીએ પણ વર્લ્ડ રેકૉર્ડ તોડતાં ગોલ્ડ મેડલ જીત્યો. હનીએ F37/38 જેવલિન થ્રો સ્પર્ધામાં 60.49 મીટર થ્રો કરીને આ રેકૉર્ડ બનાવ્યો છે.

એશિયન પૅરા ગેમ્સ જાપાનના આઈચી-નાગોયા શહેરમાં 18 ઑક્ટોબરથી 24 ઑક્ટોબર સુધી ચાલશે.

તિબેટમાં શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત

તિબેટમાં શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત - ન્યૂઝ અપડેટ

બીબીસી ચીન સંવાદદાતા લોરા બિકર અને હેરી સેકુલિચે આપેલી માહિતી અનુસાર ચીનના સરકારી મીડિયાના અહેવાલ પ્રમાણે તિબેટના એક પહાડી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર સાતની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે.

આ ભૂકંપમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત નિપજ્યાં છે અને સેંકડો લોકોને ઈજા થઈ છે.

શિન્હુઆએ સ્થાનિક ઇમરજન્સી મૅનેજમેન્ટ બ્યૂરોને ટાંકીને જણાવ્યું કે ગુરુવારે રાતે નાગકુ ક્ષેત્રના બાકેન કાઉન્ટીમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું.

1950ના દાયકામાં ચીને તિબેટને પોતાના નિયંત્રણમાં લીધા પછી તેને સ્વાયત્ત પ્રાંત તરીકે ઓળખાવે છે. બાકેન કાઉન્ટી તિબેટની રાજધાની લ્હાસાથી 400 કિલોમીટર ઉત્તર પૂર્વમાં સ્થિત છે.

અધિકારીઓએ ઇમરજન્સીની જાહેરાત કરીને અસરગ્રસ્ત ક્ષેત્રમાં બચાવદળ મોકલ્યા છે, જ્યાં બીજા 32 લોકોને પણ ઇજા થઈ છે.

સ્થાનિક અહેવાલો પ્રમાણે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને 339 ઘર ધ્વસ્ત થયા છે.

ચૂંટણીપંચ વિરુદ્ધ પ્રદર્શનો અને રાહુલ ગાંધી વિશે વડા પ્રધાન મોદીએ શું કહ્યું

ચૂંટણી પંચ વિરુદ્ધ પ્રદર્શનો અને રાહુલ ગાંધી વિશે વડા પ્રધાન મોદીએ શું કહ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા છે.

ગુરુવારે સાંજે એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે “દુનિયા જ્યારે એક નવી વ્યવસ્થાની શોધ કરી રહી છે, ત્યારે કેટલાક લોકો ભારતમાં અવ્યવસ્થાના સપના જુએ છે. આ લોકો ભારતની છબી બગાડવા મથે છે.”

“તેઓ વિદેશ જઈને ભારતને બદનામ કરે છે અને બીજા દેશના લોકોને આપણા આંતરિક મામલામાં દખલ દેવાની અપીલ કરે છે.”

પીએમ મોદીએ કહ્યું કે, “સવાલ એ છે કે પોતાની નિષ્ફળ પ્રોડક્ટને લૉન્ચ કરવાના સતત પ્રયાસમાં કૉંગ્રેસ ક્યાં સુધી દેશને દાવ પર લગાવતી રહેશે.”

“એક વર્ષમાં શ્રીહરિકોટાસ્થિત અંતરિક્ષ કેન્દ્રથી જેટલા લૉન્ચ થાય છે, તેનાથી ઓછી વખત કૉંગ્રેસ પોતાના નેતાને લૉન્ચ કરવાનો નિષ્ફળ પ્રયાસ નથી કરતી.”

તેમણે કહ્યું કે, “કૉંગ્રેસને પોતાનો વિનાશ કરવો હોય તો તે આવું કરવા સ્વતંત્ર છે. તેનાથી અમારે કોઈ લેવા દેવા નથી.”

“પરંતુ પોતાના પરિવારને મળતી નિષ્ફળતાના કલંકથી બચવાના પ્રયાસમાં કૉંગ્રેસ હવે ભારતની સિદ્ધિઓ, તેની ખૂબીઓ અને તેની પ્રગતિ પર જ સવાલ ઉઠાવે છે.”

તાઇવાનમાં આજે શક્તિશાળી વાવાઝોડું ચંપી ત્રાટકશે, એકનું મોત

તાઇવાનમાં આજે શક્તિશાળી વાવાઝોડું ચંપી ત્રાટકશે, એકનું મોત

તાઇવાનમાં આજે શક્તિશાળી વાવાઝોડું ચંપી ત્રાટકવાનું છે જેમાં 173 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું તાઇવાન પહોંચે તે અગાઉ ઝડપી પવનના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને કેટલાય ડઝન લોકોને ઇજા થઈ છે. આ દરમિયાન પૂર્વ એશિયામાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

સરકારે જણાવ્યું કે એક હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાઇવાન સરકારે લોકોને દરિયાકિનારા અને પર્વતોથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વમાં એક મોટા ડૅમ પાસે રહેતા લોકોને સલામત જગ્યાએ લઈ જવાઈ રહ્યા છે.

આ વિસ્તારમાં તાજેતરનાં વર્ષોમાં વાવાઝોડાની સંખ્યામાં વધારો થયો છે.

ચંપી એ ચાલુ વર્ષમાં જાપાનનું 30મું ટાઇકૂન વાવાઝોડું છે અને 2013 પછી પહેલી વખત અહીં આટલી મોટી સંખ્યામાં વાવાઝોડા આવ્યા છે.

ફિલિપાઇન્સમાં આ વાવોઝોડું રોસલ તરીકે ઓળખાય છે. વાવાઝોડાની સંખ્યામાં આટલા ઝડપી વધારા માટે અલ નીનો જવાબદાર માનવામાં આવે છે.

વૈજ્ઞાનિકો માને છે કે ચાલુ વર્ષમાં વધુ વાવાઝોડાં આવી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS