Home તાજા સમાચાર gujrati રાજકોટ : જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન નાસ્તા સહિતનાં ‘બૉગસ બિલો’ મામલે કેટલા લાખનો...

રાજકોટ : જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન નાસ્તા સહિતનાં ‘બૉગસ બિલો’ મામલે કેટલા લાખનો ‘ગોટાળો’ બહાર આવ્યો?

3
0

Source : BBC NEWS

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મહાનગરપાલિકા, ગોટાળો, બીબીસી સૌરાષ્ટ્ર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

  • વાંચવાનો સમય: 8 મિનિટ

રાજકોટ મહાનગરપાલિકા જંગલેશ્વર ખાતેની મેગા ડિમોલિશન ડ્રાઇવમાં ખાનગી પેઢીઓએ ખરેખર થયેલા ખર્ચ કરતાં રૂ. 18.72 લાખના ‘વધારાના બિલો’ રજૂ કરીને ‘ગડબડ’ કરી હોવાનો ઘટસ્ફોટ તપાસ સમિતિના અહેવાલમાં થયો છે.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તપાસ સમિતિનાં આ ‘તારણો’ જાહેર કરીને ખાનગી પેઢીઓ દ્વારા કરાયેલી વધારાની ચૂકવણીની માગણી અટકાવવાની માહિતી આપી છે.

બીજી તરફ, બીબીસી ગુજરાતીને મળેલી વિગતો અનુસાર જંગલેશ્વરમાં હાથ ધરાયેલી આ સમગ્ર ડિમોલિશન ડ્રાઇવ પાછળ પાલિકાને કુલ રૂ. 2.73 કરોડ જેટલો જંગી ખર્ચ થયો છે.

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં ડિમોલિશન ડ્રાઇવના ખર્ચ અંગે નીમાયેલી તપાસ સમિતિના અહેવાલનાં તારણો જાહેર કર્યાં હતાં.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, “તપાસ સમિતિએ પોતાના અહેવાલમાં સ્પષ્ટ નોંધ્યું છે કે ડિમોલિશનના કામ માટે ખાનગી પેઢીઓ પાસેથી લેવામાં આવેલી વિવિધ સેવાઓ બદલ આ પેઢીઓએ ખરેખર થયેલા ખર્ચ કરતાં રૂપિયા 18.72 લાખનાં ‘વધારાનાં બિલો’ રજૂ કરીને ચૂકવણીની માગણી કરી હતી.”

ડિમોલિશન ડ્રાઇવના ખર્ચમાં ‘ગોટાળા’ના આક્ષેપો ઊઠતાં પાલિકા દ્વારા 7 સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.

શરૂઆતમાં આ તપાસ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીને સોંપાઈ હતી. પરંતુ નિષ્પક્ષતા અને સ્થાપિત હિતોના પ્રશ્નો ઊભા થતાં આ તપાસ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ના તત્કાલીન મૅનેજિંગ ડિરેક્ટર અને IAS (આઈએએસ) અધિકારી કે. પી. જોશીની અધ્યક્ષતા વાળી સમિતિને સોંપવામાં આવી હતી.

કે. પી. જોશીની બદલી થતાં તેમના અનુગામી મહિપાલસિંહ ચુડાસમા આ તપાસ સમિતિના અધ્યક્ષ બન્યા હતા, જેમની આગેવાનીમાં આ અહેવાલ સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર ‘કૌભાંડ’નો વિવાદ જુલાઈ મહિનામાં ત્યારે સામે આવ્યો હતો, જ્યારે ડિમોલિશનની કામગીરી કરનાર સ્ટાફને ભોજન પૂરું પાડવા માટે થયેલા રૂપિયા 27 લાખના ખર્ચનું બિલ પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયું હતું.

સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ એવું કારણ આપીને નામંજૂર કર્યું હતું કે, આ ખર્ચ કરતાં પહેલાં નિયમ મુજબ જરૂરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં ન હતાં.

ત્યારથી ડિમોલિશન પાછળ કરાયેલા ખર્ચનો મુદ્દો જાહેર ચર્ચાનો વિષય બન્યો હતો. વિપક્ષ કૉંગ્રેસે સત્તાધારી ભાજપના શાસનમાં ‘ભ્રષ્ટાચાર’ થઈ રહ્યો હોવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. જેની સામે ભાજપે પોતાનું શાસન ‘પારદર્શક’ હોવાનો દાવો કરીને આ તપાસ સમિતિ નીમી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શહેરના જંગલેશ્વર વિસ્તારમાં એક મેગા ડિમોલિશન અભિયાન હાથ ધર્યું હતું.

આ કામગીરી દરમિયાન કથિત રીતે ગેરકાયદે બાંધવામાં આવેલાં 1,500થી વધુ મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.

દરમિયાન બીબીસીને જાણવા મળ્યું છે કે, આ આખી મેગા ડિમોલિશન ડ્રાઇવ પાછળ રાજકોટ મહાનગરપાલિકાને કુલ રૂપિયા 2.73 કરોડ જેટલો ખર્ચ થયો છે.

‘ગોટાળા’નો વિવાદ શું છે?

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મહાનગરપાલિકા, ગોટાળો, બીબીસી સૌરાષ્ટ્ર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલિશન ડ્રાઇવના ખર્ચમાં ચા-નાસ્તા અને વાહનોનાં ભાડાંનાં બિલોમાં ‘ગેરરીતિ’ થઈ હોવાનું તપાસ સમિતિના અહેવાલમાં સામે આવ્યું છે.

રિપોર્ટની માહિતી આપવા માટે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સને સંબોધતાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ડિમોલિશનની કામગીરી માટે રોકાયેલા સ્ટાફ અને અધિકારીઓનાં લંચ, ચા-નાસ્તા તેમજ લીંબુ શરબતનાં બિલોમાં ‘ગેરરીતિ’ આચરવામાં આવી હોવાનું તારણ તપાસ સમિતિએ આપ્યું છે.

કોઠારિયા રોડ પર આવેલા વિનોદભાઈ શેઠ કૉમ્યુનિટી હૉલ ખાતે સ્થપાયેલા કન્ટ્રોલ રૂમ અને સ્થળ પરના સ્ટાફ માટે શહેરની એક જાણીતી હોટલે ચા-નાસ્તો પૂરો પાડ્યો હતો અને તેનું બિલ પાલિકાને મોકલ્યું હતું. જોકે, ‘ગેરરીતિ’ના આરોપો થતાં મહાનગરપાલિકાએ હોટેલે માગેલી રકમમાંથી રૂપિયા 57,420ની ચૂકવણી અટકાવી દીધી હતી.

આ ઉપરાંત, ડિમોલિશન માટે સ્ટાફ અને મશીનરીને એકત્ર કરવા 80 ફીટ રોડ પર અન્ય એક કન્ટ્રોલ રૂમ ઊભો કરાયો હતો. ત્યાંથી માણસોને જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાં પહોંચાડવા માટે ભાડે રખાયેલાં ખાનગી વાહનોનાં બિલો પણ ખરેખર થયેલા ખર્ચ કરતાં વધારે હોવાનું તપાસ સમિતિએ નોંધ્યું છે.

કમિશનર તુષાર સુમેરાએ ઉમેર્યું હતું કે, ખાનગી વાહનો પૂરાં પાડનાર રાજકોટની પેઢીને અગાઉ રજૂ કરેલા બિલની રકમ ચૂકવી દેવાઈ હતી. પરંતુ તપાસમાં ‘ગોટાળો’ સામે આવતાં હવે તે પેઢી પાસેથી રૂપિયા 1.28 લાખથી વધુની રકમની રિકવરી કરવામાં આવશે, એટલે કે તે રકમ પાછી મેળવવામાં આવશે.

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મહાનગરપાલિકા, ગોટાળો, બીબીસી સૌરાષ્ટ્ર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલિશન ડ્રાઇવના ખર્ચમાં લાઇટિંગ, એલઇડી ટીવી, મંડપ, વીડિયોગ્રાફી અને ડ્રૉન સર્વેલન્સનાં બિલોમાં પણ ગંભીર ‘ગડબડ’ થઈ હોવાનું તપાસ સમિતિના અહેવાલમાં બહાર આવ્યું છે.

તપાસ સમિતિના અહેવાલને ટાંકીને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ડિમોલિશન સ્થળે લાઇટની સુવિધા પૂરી પાડવા માટે એક ખાનગી પેઢીએ રજૂ કરેલાં બિલોમાં પણ ક્ષતિઓ જણાતાં મહાનગરપાલિકાએ તેમાંથી રૂપિયા 1.02 લાખની ચૂકવણી અટકાવી દીધી છે.

તેમણે ઉમેર્યું હતું કે, ડિમોલિશન કામગીરીની વીડિયોગ્રાફી કરી તેને કોઠારિયા રોડ પરના કન્ટ્રોલ રૂમ ખાતે દર્શાવવા માટે LED (એલઇડી) ટીવી મૂકવાની કામગીરીના બિલમાં પણ ‘ગોટાળા’ ધ્યાને આવ્યા છે. તેના પરિણામે, આ ટીવી પૂરાં પાડનાર પેઢીએ બિલો રજૂ કરીને માગેલી કુલ રકમમાંથી મહાનગરપાલિકાએ રૂપિયા 3,977 ચૂકવ્યા નથી.

આ ઉપરાંત, 80 ફીટ રોડ પરના કન્ટ્રોલ રૂમ ખાતે તેમજ ડિમોલિશન કામગીરીમાં જોડાયેલા સ્ટાફને ભોજન વગેરે પીરસવા માટે જંગલેશ્વર મેઇન રોડ પર મહાનગરપાલિકાની શાળા નંબર-70ના આંગણામાં બાંધવામાં આવેલા મંડપનાં બિલોમાં પણ ‘ક્ષતિ’ઓ જોવા મળી હતી. આથી, મંડપ બાંધનાર એજન્સીએ બિલો રજૂ કરીને માગેલી રકમમાંથી મહાનગરપાલિકાએ રૂપિયા 11.65 લાખથી વધુની કપાત કરી છે.

મ્યુનિસિપલ કમિશનરે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, વીડિયોગ્રાફી અને ડ્રૉન સર્વેલન્સ માટે રજૂ થયેલા ખર્ચનાં બિલોની ચૂકવણી મહાનગરપાલિકાએ અગાઉ કરી દીધી હતી. પરંતુ તેમાં પણ હવે ‘ગોટાળા’ સામે આવતાં આ કામગીરી કરનાર પેઢીઓ પાસેથી મહાનગરપાલિકા અનુક્રમે રૂપિયા 3.17 લાખ અને રૂપિયા 97,600ની રિકવરી કરશે, એટલે કે તે નાણાં પરત મેળવશે.

કમિશનરે એ પણ જણાવ્યું હતું કે, ડિમોલિશનમાં રોકાયેલા સ્ટાફને પીવાનું પાણી પૂરું પાડવાની કામગીરીના બિલમાં પણ ‘અનિયમિતતાઓ’ સામે આવી છે.

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મહાનગરપાલિકા, ગોટાળો, બીબીસી સૌરાષ્ટ્ર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

મ્યુનિસિપલ કમિશનરે આપેલી માહિતી મુજબ, ભોજન, ચા-નાસ્તો, મંડપ સર્વિસ, લાઇટ, પીવાનું પાણી અને LED (એલઇડી) ટીવી પૂરાં પાડનાર ચાર એજન્સીઓને ચૂકવવાની રકમમાંથી રૂપિયા 13.29 લાખ મહાનગરપાલિકા દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે.

કમિશનર તુષાર સુમેરાએ ઉમેર્યું હતું કે, ખાનગી વાહનો, વીડિયોગ્રાફીના કૅમેરા અને ડ્રૉન પૂરાં પાડનાર અન્ય ત્રણ એજન્સીઓને પાલિકાએ અગાઉ ચૂકવેલી રકમમાંથી રૂપિયા 5.43 લાખની રિકવરી કરવામાં આવશે, એટલે કે તે નાણાં પરત મેળવવામાં આવશે.

આમ, બિલોમાંથી કરાયેલી રૂપિયા 13.29 લાખની કપાત અને રૂપિયા 5.43 લાખની રિકવરીનો કુલ સરવાળો રૂપિયા 18.72 લાખ જેટલો થાય છે.

કઈ રીતે ‘ગેરરીતિ’ આચરવામાં આવી?

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મહાનગરપાલિકા, ગોટાળો, બીબીસી સૌરાષ્ટ્ર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

મ્યુનિસિપલ કમિશનરે આ અંગે વધુ વિગતો આપી ન હતી કે ન તો તપાસ સમિતિનો અહેવાલ જાહેર કર્યો હતો.

પરંતુ આ સમગ્ર પ્રકરણથી માહિતગાર એક અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “ડિમોલિશનની કામગીરીમાં આશરે 2,000 જેટલો સ્ટાફ જોડાયો હતો. તેમના લંચ માટે ડિશ દીઠ રૂપિયા 120 અને છાશ માટે પ્રતિ બૉટલ રૂપિયા 20ના ભાવે બિલો રજૂ થયાં હતાં. આ સેવા શહેરની એક જાણીતી ધાર્મિક સંસ્થાએ પૂરી પાડી હતી. આથી, ભાવમાં કશું અજુગતું ન હતું. પરંતુ કર્મચારીઓની સંખ્યા અને પીરસાયેલી લંચ ડિશની સંખ્યામાં મોટી વિસંગતતા ધ્યાને આવી છે.”

અધિકારીએ આગળ વાત વધારતાં કહ્યું હતું કે, “પીવાનું પાણી 200 મિલીલિટરની બૉટલોમાં પૂરૂં પાડવામાં આવ્યું હતું. એ બૉટલોના ભાવ તો રેટ કૉન્ટ્રૅક્ટ મુજબ જ હતા. પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો કામગીરીમાં જોડાયેલા હોવાથી 200 મિલીલિટરની બૉટલોને બદલે જો મોટી બૉટલો કે પાણીના કૅરબા મંગાવ્યા હોત તો ખર્ચ ઘણો ઓછો થાત. પરંતુ જવાબદાર અધિકારીએ એવી કાળજી રાખી ન હતી.”

અધિકારીએ ઉમેર્યું હતું કે, વાહનોની બાબતમાં પણ અલગ પ્રકારની વિસંગતતા સામે આવી છે. “કામે લગાડેલા કર્મચારીઓને લાવવા-લઈ જવા માટે જે પ્રકારની બસો પૂરી પાડવામાં આવી હતી, તેના બદલે બિલમાં અલગ પ્રકારની મોંઘી વ્યવસ્થા દર્શાવીને વધારે ખર્ચ લખાવાયો હતો. આ ઉપરાંત વીડિયોગ્રાફીના બિલમાં જે દર્શાવવામાં આવ્યું છે તેવા કૅમેરાથી ખરેખર વીડિયોગ્રાફી થઈ જ ન હતી તેવું ધ્યાને આવ્યું છે.”

આ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, ત્રણેક દિવસ ચાલેલી ડિમોલિશન ડ્રાઇવ અને ત્યારબાદ એકાદ અઠવાડિયા સુધી ચાલેલી કાટમાળ હટાવવાની કામગીરી પાછળ રાજકોટ મહાનગરપાલિકાને રૂપિયા 2.73 કરોડ કરતાં પણ વધારે ખર્ચ થયો છે.

રાજકોટ મહાનગરપાલિકાએ જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લીધાં?

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મહાનગરપાલિકા, ગોટાળો, બીબીસી સૌરાષ્ટ્ર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા અનુસાર, મંડપ, લાઇટિંગ, LED (એલઇડી) ટીવી, વીડિયોગ્રાફી, ડ્રૉન સર્વેલન્સ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિકાસ વિભાગને સોંપવામાં આવી હતી.

આ કામગીરીમાં “બિલમાં ક્ષતિ” અને “રેટ કરેક્શન” (ભાવોમાં ફેરફાર) જેવી બાબતોના લીધે મહાનગરપાલિકાને રૂપિયા 16.86 લાખ કરતાં પણ વધુ રકમનું નુકસાન થવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. તેના પગલે આ વિભાગના મૅનેજર કૌશિક ઉનાવાને સસ્પેન્ડ કરીને તેમની સામે ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

તે જ રીતે, સ્ટાફ માટે ભોજન, નાસ્તા અને લીંબુ શરબતની વ્યવસ્થા કરવાની જવાબદારી આરોગ્ય વિભાગને સોંપવામાં આવી હતી.

આ કામગીરીમાં “પ્રોસિજરલ લેપ્સ” એટલે કે કાર્યપદ્ધતિમાં ગંભીર ક્ષતિના કારણે મહાનગરપાલિકાએ એક ખાનગી એજન્સીને રૂપિયા 57,420 જેટલી વધારાની રકમ ચૂકવવી પડી હતી. આના પરિણામે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણી સામે પણ ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

ડિમોલિશન માટે વાહનોની વ્યવસ્થા કરવાની જવાબદારી મહાનગરપાલિકાના સેન્ટ્રલ વર્કશૉપને સોંપાઈ હતી. પરંતુ સુવિધા પૂરી પાડનાર એજન્સીને “ઓવરપેમેન્ટ” એટલે કે વધુ રકમ ચૂકવાઈ જતાં મહાનગરપાલિકાને રૂપિયા 1.28 લાખ કરતાં વધુ રકમનું નુકસાન થયું હતું.

આ નાણાકીય નુકસાન બદલ સેન્ટ્રલ વર્કશૉપના નાયબ કાર્યપાલક ઇજનેર જગદીશ શીંગાળા સામે પણ ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મહાનગરપાલિકા, ગોટાળો, બીબીસી સૌરાષ્ટ્ર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

તપાસ સમિતિનો અહેવાલ જાહેર થયા પછી અને સસ્પેન્શન તેમજ ખાતાકીય તપાસના આદેશો બાદ સંબંધિત અધિકારીઓ અને ઇજનેરોની પ્રતિક્રિયાઓ સામે આવી છે.

સાંસ્કૃતિક વિકાસ વિભાગના મૅનેજર કૌશિક ઉનાવાએ બુધવારે સાંજે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “રિપોર્ટ આજે જાહેર થયો છે તેવી માહિતી મને મીડિયા મારફતે મળી છે. હજુ સુધી અમને કોઈ સત્તાવાર (ઑફિશિયલ) માહિતી મળી નથી.”

તેમણે આગળ ઉમેર્યું હતું કે, “અમારી સામે પગલાં લેવાની વાત છે તેવું જાણવા મળ્યું છે, પરંતુ તેમાં શું વિગતો છે તેનો કોઈ ખ્યાલ નથી. દરેક વસ્તુના રેટ હતા. તેના ભાવ નિયત જ હોય છે અને ત્યાં જે કામગીરી કરવામાં આવી હતી તે મુજબનાં બિલો લેવામાં આવ્યાં હતાં. બીજી કોઈ વાત નથી.”

કૌશિક ઉનાવાએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, “હજુ અહેવાલ હાથમાં નથી આવ્યો. એક વાર રિપોર્ટનો અભ્યાસ કરી લઈએ પછી જ ખ્યાલ આવશે કે તેમાં શું છે અને કઈ રીતે આગળ વધી શકાય.”

બીજી તરફ, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો.

જ્યારે સેન્ટ્રલ વર્કશૉપના નાયબ કાર્યપાલક ઇજનેર જગદીશ શીંગાળાએ જણાવ્યું હતું કે, “હજુ સુધી રિપોર્ટ અમારી પાસે આવ્યો નથી. સમિતિ કઈ રીતે ઓવરપેમેન્ટ ગણે છે તે અહેવાલ જોયા પછી જ ખબર પડે.”

કૌભાંડના કેવા પડઘા પડ્યા?

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મહાનગરપાલિકા, ગોટાળો, બીબીસી સૌરાષ્ટ્ર બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષનાં નેતા દીપ્તિબહેન સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે, તપાસ “યોગ્ય” રીતે થઈ નથી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “જે રીતે તપાસના આદેશ થયા હતા અને ત્યાર પછી જે પ્રકારે કાર્યવાહી થઈ તે શંકાસ્પદ લાગે છે. મોટાં માથાંને છાવરવામાં આવી રહ્યાં હોય અને નાના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો હોય તેવું લાગે છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અહેવાલની વિગતો જાહેર કરીને મહાનગરપાલિકા જનતાને બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે કંઈક કામગીરી થઈ રહી છે. આ સમગ્ર ડિમોલિશન કામગીરી પર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની પણ દેખરેખ હતી. શું તેમની કોઈ જવાબદારી નથી? તેથી જ લાગે છે કે આ તપાસ યોગ્ય રીતે કરવામાં આવી નથી.”

વિપક્ષી નેતાએ સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, “જો બધું પારદર્શક રીતે થયું હોય અને તપાસ પણ પારદર્શકતા માટે જ કરાઈ હોય, તો આખો અહેવાલ જાહેર કરીને જનતા સમક્ષ ખુલ્લો મૂકો. આ તો અમે ભારે હોબાળો (હો-હલ્લા) કર્યો ત્યારે આટલી વિગતો બહાર આવી છે, બાકી તેમને તો ઢાંકપિછોડો જ કરવો હતો.”

બીજી તરફ, બીબીસી ગુજરાતીએ રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લનો ગુરુવારે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, “મેયરોની એક આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં હાજરી આપવા માટે હું આજે મુંબઈમાં છું. હું આવતી કાલે રાજકોટ પરત આવીશ.”

મેયરે વધુમાં ઉમેર્યું હતું કે, “મ્યુનિસિપલ કમિશનરે મને એક સીલબંધ કવરમાં તપાસ અહેવાલ મોકલી આપ્યો છે. હું રાજકોટ પરત આવીને એ અહેવાલ વાંચીશ, ત્યાર પછી જ તેના વિશે કશુંક કહી શકીશ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS