Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Alamy
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ
11મી સદીની આ શ્રેષ્ઠ કૃતિમાં રાજગાદી માટેની સ્પર્ધાની કથા છે. હવે તેને બ્રિટનમાં પ્રદર્શિત કરવામાં આવશે. તેમાં પુરુષત્વને સત્તા સાથે—અને સૌથી મોટા તથા સૌથી ગર્વભેર દર્શાવાતા પુરુષ જનનાંગ સાથે સાંકળવામાં આવ્યું છે. તેની કહાણીમાં આજના સમયની પણ ઝલક જોવા મળે છે.
ઇંગ્લૅન્ડ પર નોર્મન વિજયની લોહિયાળ અને ક્યારેક અશ્લીલ પણ બની જતી કહાણી બેયો ટેપેસ્ટ્રી રજૂ કરે છે. આ જટિલ અને કલાત્મક કૃતિ 70 મીટર (77 યાર્ડ) લાંબા શણના કાપડ પર ભરતકામથી તૈયાર કરવામાં આવી છે. તેમાં વચનભંગની, લોભ અને આક્રમકતાની કહાણી ગૂંથવામાં આવી છે, જે આખરે હેસ્ટિંગ્સના યુદ્ધમાં રાજા હેરોલ્ડ બીજાના મૃત્યુ સુધી પહોંચે છે.
લગભગ 1,000 વર્ષ પછી આ પ્રસિદ્ધ કલાકૃતિ ફ્રાન્સના નૉર્મેન્ડીથી ફરી ઇંગ્લૅન્ડ પરત આવી રહી છે. 1070ના દાયકામાં તેને ઇંગ્લૅન્ડમાં જ કુશળતાપૂર્વક ભરતકામથી તૈયાર કરવામાં આવી હતી. હવે આ સપ્ટેમ્બરથી તે બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.
આ કલાકૃતિમાં આજના ડિજિટલ ‘મૅનોસ્ફિયર’નું મધ્યયુગીન સ્વરૂપ જોવા મળે છે—એવી દુનિયા, જ્યાં અતિશય પુરુષત્વ અને પુરુષોના અનુભવો કેન્દ્રસ્થાને છે. અને એવી દુનિયા, જ્યાં કદ મહત્ત્વ ધરાવે છે.
ટેપેસ્ટ્રીમાં દર્શાવવામાં આવેલા 11મી સદીના સમાજમાં પુરુષોની ભૂમિકા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં દર્શાવેલા પુરુષોમાંથી એક તૃતીયાંશ લોકો હથિયારોથી સજ્જ છે, જ્યારે બીજા કેટલાક વૃક્ષો કાપવા, હોડીઓ બનાવવા અને બાંધકામનાં કામમાં પૂરા જોશથી રોકાયેલા છે.
એક કઠિયારો લાકડાના થડ પર બેઠો છે અને કુહાડી ચલાવવા તૈયાર છે, જ્યારે શિકારીઓ પોતાના શિકારનો પીછો કરતાં માથે મોટા દંડા વીંઝી રહ્યા છે. બે ‘આલ્ફા પુરુષો’—નૉર્મેન્ડીના ડ્યૂક વિલિયમ અને હેરોલ્ડ ગૉડવિન્સન—વચ્ચે થનારી સંભવિત અથડામણ પહેલાંના તંગ માહોલને આ બધું વધુ ઘેરો બનાવે છે. મધ્યયુગીન ઇંગ્લૅન્ડના સાંસ્કૃતિક ઇતિહાસકાર ડૉ. ક્રિસ્ટોફર મોન્ક કહે છે,
“આના કરતાં વધુ મર્દાનગીથી છલકાતું દૃશ્ય શોધવું મુશ્કેલ.”
પુરુષત્વના આ દેખાડાભર્યા અને મર્દાનગીથી છલકાતા પ્રદર્શનમાંથી એવા મધ્યયુગીન સમાજની ઝલક મળે છે, જે પુરુષો માટે અને પુરુષો દ્વારા ઘડાયેલો હતો. અહીં હિંસા દ્વારા વિવાદોનો ઉકેલ આવતો અને પુરુષોની મસ્તીખોર મજાક દ્વારા રાજકીય ફાયદો મેળવાતો.
હથિયારોથી સજ્જ લૂંટારાઓ હેસ્ટિંગ્સમાં ધમાલ મચાવે છે. નીચેની ધારે પડેલા સૈનિકોનાં બખ્તર કાઢવા માટે તેમનાં કપડાં પણ ઉતારી લેવામાં આવ્યાં છે. ઉપર માર્યા ગયેલા હેરોલ્ડ પાસેથી રાજગાદી પરનો તેનો હક પણ છીનવી લેવામાં આવ્યો હોય તેમ દર્શાવવામાં આવ્યું છે.
વારંવાર દેખાતું પુરુષ જનનાંગ
આ પ્રસિદ્ધ કલાકૃતિમાં વારંવાર જોવા મળતું કોઈ પ્રતીક હોય, તો એ છે પુરુષ જનનાંગ. 2018માં બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીના મધ્યયુગીન ઇતિહાસના પ્રોફેસર જ્યોર્જ ગાર્નેટે આ ભરતકામમાં આવા 93 નમૂના ગણ્યા હતા—એમાંના મોટા ભાગના ઉત્તેજિત અવસ્થામાં દર્શાવાયેલા હતા.
તેમાંથી 88 ઘોડાનાં હતાં અને બીજા પાંચ પુરુષોનાં. જો કે, નીચે લટકતા તલવારના મ્યાનને તેમણે આ ગણતરીમાંથી બાકાત રાખ્યાં હતાં અને તેને લઈને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા થઈ હતી.
“બેયો ટેપેસ્ટ્રીમાં કદ મહત્ત્વનું છે,” એમ જાનિના રામિરેઝ પોતાના પુસ્તક ‘ફેમિના: અ ન્યૂ હિસ્ટરી ઑફ ધ મિડલ એજિસ, થ્રૂ ધ વિમેન રિટન આઉટ ઑફ ઇટ'(2022)માં નોંધે છે.
તેઓ જણાવે છે કે સિંહાસન માટેની સ્પર્ધાની આ કથામાં પુરુષત્વને સત્તા સાથે સરખાવવામાં આવ્યું છે. સૌથી મોટું તથા સૌથી ગર્વભેર દર્શાવાયેલું અંગ “યુદ્ધની પૂર્વસંધ્યાએ વિલિયમને ભેટમાં આપવામાં આવેલા સુંદર નર ઘોડાનું છે.” બીજા ક્રમે રાજા હેરોલ્ડનો ઘોડો આવે છે, “જેનો અર્થ એવો થાય છે કે તે પણ યોગ્ય હરીફ છે.”
ઇમેજ સ્રોત, Alamy
11મી સદીની કલા પરંપરાઓમાં શરીરને ખુલ્લું દર્શાવવું સામાન્ય બાબત હતી અને એ પણ શક્ય છે કે આ પુરુષ જનનાંગોના ભરતકામ નન (સાધ્વીઓ) દ્વારા કરવામાં આવ્યાં હોય.
“તેમાંથી મધ્યયુગીન ઉચ્ચ વર્ગના સમાજની એક સામાન્ય વાસ્તવિકતા જોવા મળે છે—મોટા ભાગે પુરુષો જ રાજકીય સત્તાના મુખ્ય સંચાલક હતા.” મોન્ક બીબીસીને કહે છે.
તેઓ કહે છે કે “માનવનું હોય કે ઘોડાનું, પુરુષ જનનાંગ અહીં રાજકીય મર્દાનગીનું પ્રતીક છે. મધ્યયુગીન ઇંગ્લૅન્ડમાં નવા એન્ગ્લો-નોર્મન વિશ્વ તરફ થઈ રહેલા પરિવર્તનના સંદર્ભે તેનો આ અર્થ થાય છે.”
ટેપેસ્ટ્રીમાં સ્ત્રીઓની ભૂમિકા ઓછી જોવા મળે છે, તેનું મુખ્ય કારણ એ છે કે “આ કથાનું કેન્દ્ર પુરુષોની કામગીરી છે,” એમ બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના મધ્યયુગીન ઇતિહાસના વ્યાખ્યાતા ડૉ. એમિલી જોન વૉર્ડ બી.બી.સી.ને કહે છે. “મોટા ભાગે તેમાં લશ્કરી કામગીરીમાં સક્રિય પુરુષોનાં ચિત્રો છે અને એવાં યુદ્ધનાં દૃશ્યોમાં સ્ત્રીઓ હોવાની અપેક્ષા ન રખાય.”
દર 100 પુરુષોની સામે માત્ર એક સ્ત્રીનું દર્શાવેલું પ્રમાણ તમને હજુ પણ અસંતુલિત લાગે, તો કદાચ આ કલાકૃતિ કોના માટે બનાવવામાં આવી હતી એ જાણવાથી તેનું કારણ સમજાય. ઇતિહાસકારો માને છે કે આ ટેપેસ્ટ્રીના સંભવિત આશ્રયદાતા વિલિયમના સાવકા ભાઈ અને બેયોના બિશપ ઓડો હતા.
ટેપેસ્ટ્રીમાં તેમનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. કદાચ વિલિયમને રાજગાદીનો યોગ્ય હકદાર સાબિત કરવાની ઝુંબેશમાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા દર્શાવવા માટે તેમણે આ ટેપેસ્ટ્રીનો ઉપયોગ કર્યો હોઈ શકે.
ટેપેસ્ટ્રીમાં તેમનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે અને એમ માનવામાં આવે છે કે વિલિયમના યોગ્ય રાજગાદી પરના હક માટેની ઝુંબેશમાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવા માટે તેમણે આ ટેપેસ્ટ્રીનો ઉપયોગ કર્યો હોઈ શકે.
ઇમેજ સ્રોત, Alamy
“આમાંની સામગ્રી કદાચ તેમને અને તેમના નજીકના સામાજિક વર્તુળને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી. આ વર્તુળમાં મોટા ભાગે પુરુષો જ હતા,” વૉર્ડ કહે છે.
નૉર્મન આશ્રયદાતા હોવાથી, તેમાંનો સંદેશ પણ તેમની છબીને અનુરૂપ હોવો જરૂરી હતો. તેઓ ઉમેરે છે, “કથામાં ઘણી બધી સ્ત્રીઓને સામેલ કરવી ખરેખર થોડું જોખમી હતું.” “વિલિયમ માતૃપક્ષના સંબંધને આધારે રાજગાદી પર પોતાનો હક સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેથી કદાચ કલાકાર કે આશ્રયદાતા એવું ચિત્ર રજૂ કરવાથી સાવચેત રહ્યા હશે, જે વિલિયમના આ નબળા હકના દાવા તરફ વધારે ધ્યાન ખેંચે.”
ટેપેસ્ટ્રીમાં છ સ્ત્રીઓ
મુખ્ય કથામાં આવતી સ્ત્રીઓ મોટા ભાગે, મોન્કના શબ્દોમાં કહીએ તો, કથામાં “લાગણીસભર ક્ષણો” ઉમેરે છે.
દરબારી રાજકારણમાં અત્યંત પ્રભાવશાળી એવી રાણી એડિથ, પોતાનો પતિ એડવર્ડ ધ કન્ફેસર મૃત્યુશય્યા પર હોય ત્યારે સ્કાર્ફના છેડાથી આંસુ લૂછતી જોવા મળે છે.
બીજી તરફ, નૉર્મન સૈનિકો ઘર સળગાવી રહ્યા હોય છે ત્યારે એક સ્ત્રી અને તેનું બાળક ભયભીત થઈને ત્યાંથી ભાગી રહ્યાં છે. ચહેરાના વિચિત્ર હાવભાવ અને શરીરના અસંગત પ્રમાણને બાજુ પર રાખીએ તો, વૉર્ડ કહે છે કે “આ દૃશ્ય આપણને યાદ અપાવે છે કે યુદ્ધ માત્ર પુરુષોનું ક્ષેત્ર નથી અને તેની અસર માત્ર યુદ્ધના મેદાન પૂરતી સીમિત નથી.”
તેઓ ઇતિહાસકાર કૅથરીન કાર્કોવનો ઉલ્લેખ કરે છે. કાર્કોવનું નિરીક્ષણ છે કે ટેપેસ્ટ્રીના મુખ્ય પટ્ટામાં સ્ત્રીઓ એવે સમયે દેખાય છે, જ્યારે સત્તાના સંબંધોમાં પરિવર્તન આવી રહ્યું હોય. વૉર્ડ કહે છે, “આપણે તેને આ રીતે જોઈએ, તો ટેપેસ્ટ્રીમાં સ્ત્રીઓને ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા મળે છે.”
ઇમેજ સ્રોત, Alamy
ટેપેસ્ટ્રીની ઉપર અને નીચેની શણગારેલી કિનારીઓ આપણને એવી દુનિયામાં લઈ જાય છે, જ્યાં મુખ્ય પાત્રોની છૂપી ટીકા કરવામાં આવે છે- ઘણી વાર દંતકથાઓ દ્વારા. આ જ ભાગમાં ત્રણ સ્ત્રીઓ જોવા મળે છે.
નીચેની કિનારીમાં એક સ્ત્રી તેની તરફ જાતીય હુમલો કરવા આગળ વધતા એક પુરુષથી ગભરાઈને પાછળ હટી રહી છે. એમ મનાય છે કે એ પુરુષ તેનો પિતા હતો. પાછળથી, ઉપરની કિનારીમાં બે નગ્ન સ્ત્રીઓ નગ્ન પુરુષો તરફ ઇશારા કરતી જોવા મળે છે.
એમ મનાય છે કે આ દૃશ્યો એવી સ્ત્રી અને એક વેશ્યાની કથાઓ સાથે જોડાયેલા છે, જેમણે પોતાનાં શરીરથી પુરુષોને મોહિત કરીને તેમને છેતર્યા હતા. આ રીતે હેરોલ્ડે આપેલી પ્રતિજ્ઞા પાળી ન હોવાનું સૂચવવામાં આવ્યું છે.
વિલિયમની પુત્રી નૉર્મેન્ડીની અગાથા અહીં જોવા મળતી નથી. તાજના બદલામાં તેને હેરોલ્ડ સાથે પરણાવવાની વાત હતી. વૉર્ડ નોંધે છે કે ટેપેસ્ટ્રીમાં વિલિયમનું ભવ્ય મુખ્ય યુદ્ધજહાજ ‘મોરા’ દર્શાવવામાં આવ્યું છે. નૉર્મન કાફલામાં તે સૌથી મોટું અને ઝડપી જહાજ હતું. પરંતુ તેની શક્તિશાળી પત્ની ફ્લૅન્ડર્સની મટિલ્ડા જોવા મળતી નથી. લશ્કરી સફળતા મેળવવામાં મદદરૂપ બને અને તેના પગલે તે રાણી બની શકે એ હેતુથી જહાજનો ખર્ચ મટિલ્ડાએ ઉઠાવ્યો હતો.
મધ્યયુગીન ‘મી-ટૂ ક્ષણ’
જો કે, એક રહસ્યમય લાંબું વસ્ત્ર ઓઢેલી વ્યક્તિનો નામોલ્લેખ થાય છે: એલ્ફગિવા.
લીલા ઝભ્ભામાં એક પાદરી જાણે કે કામુક રીતે એલ્ફગિવાના ચહેરા તરફ હાથ લંબાવે છે. કિનારીમાં અતિશય મોટું જનનાંગ ધરાવતો એક નગ્ન પુરુષ પણ પાદરીની એ જ મુદ્રાની નકલ કરતો જોવા મળે છે.
તે કોણ છે અને અહીં શા માટે છે એ અંગે અનેક મત છે. ધ સ્ટોરી ઑફ ધ બેયો ટેપેસ્ટ્રી (2026)ના સહલેખક ડૉ. ડેવિડ મસગ્રોવના મતે, પાદરી દ્વારા થતી જાતીય સતામણીને અહીં ઉજાગર કરવામાં આવી છે—એક “મધ્યયુગીન મી-ટૂ ક્ષણ” તરીકે. આ અર્થઘટન બંધબેસતું લાગે છે.
ઇમેજ સ્રોત, Getty Images
જો કે, કેટલાક લોકોએ આ દૃશ્યને વધુ હળવાશથી લીધું છે. 20મી સદીના એક ઇતિહાસકારે ટિપ્પણી કરી હતી: “કથામાં ગૂંચાવાડો ઊભો કરવા સિવાય તેનું બીજું કશું પ્રદાન નથી, તેથી તેને છોડી દેવામાં અમને વાંધો ન હતો.”
સાધુઓ હસ્તપ્રતોની કિનારીઓમાં ચિત્રો ઉમેરતા હતા, તેમ શક્ય છે કે આ ભરતકામ કરતી મહિલાઓને પણ મુખ્ય કથાની આ રહસ્યમય કિનારી-ટિપ્પણીઓમાં થોડી સર્જનાત્મક સ્વતંત્રતા આપવામાં આવી હોય.
“તેઓ ચોક્કસ કોઈ નકશા કે નમૂનાને અનુસરીને કામ કરતા હશે,” એવું મોન્ક બીબીસીને કહે છે. “પરંતુ એનો અર્થ એવો નથી કે તેઓ માત્ર બીજાની સૂચના પ્રમાણે જ કામ કરતા હતા કે દરેક વિગત તેમને ઉપરથી કહીને કરાવવામાં આવતી હતી.”
કદાચ આ કિનારીમાં આ કલાકૃતિ પાછળ રહેલી અદૃશ્ય સ્ત્રીઓએ અંતે પુરુષો પર કટાક્ષ કરવાનો મોકો મેળવી લીધો હતો. “શું તે યુદ્ધખોર પુરુષો પ્રત્યેનો અણગમો વ્યક્ત કરવાની રીત હતી, કે પછી પોતાના પરાધીન જીવનથી કંટાળેલી અંગ્રેજ સ્ત્રીઓની વ્યથા વ્યક્ત કરવાની? શું તેમાં ખાસ કરીને વિલિયમની ઠેકડી ઉડાવવાનો કોઈ ભાવ છે? કે પછી સમય પસાર કરવા માટે તેઓ નિખાલસ અને થોડી અશ્લીલ મજાક કરી રહ્યાં હતાં? મોન્ક પૂછે છે.
“કદાચ આ સવાલોના જવાબ આપવાનું શક્ય નથી. પરંતુ એટલું તો વિચારવા જેવું છે કે બેયો ટેપેસ્ટ્રી અસ્તિત્વમાં છે એનું શ્રેય સ્ત્રીઓના કુશળ અને બુદ્ધિશાળી પરિશ્રમને જાય છે.”
ઇમેજ સ્રોત, Getty Images
આખરે વિક્ટોરિયન યુગની માનસિકતાએ મૂળ ટેપેસ્ટ્રીની મર્દાનગીના કેટલાક અંશોને ઢાંકી દીધા.
1885માં લીક એમ્બ્રોઇડરી સોસાયટી સાથે સંકળાયેલી 35 સ્ત્રીઓએ મૂળ કૃતિની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી હતી, જે હાલમાં રીડિંગ મ્યુઝિયમમાં પ્રદર્શિત છે. તેમાં આગળ વધતી સેનાઓમાં પુરુષ સૈનિકો જ જોવા મળે છે. પરંતુ ઘોડાઓનાં મોટા કદનાં જનનાંગો હવે ગાયબ છે. આશ્ચર્યજનક રીતે, કિનારીમાં પાદરીની મુદ્રાની નકલ કરતો અતિશય મોટું જનનાંગ ધરાવતો નગ્ન પુરુષ નવા સંસ્કરણમાં ટૂંકું વસ્ત્ર પહેરેલો જોવા મળે છે.
પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે 1885ની પ્રતિકૃતિમાં એક વધારાની કિનારી ઉમેરવામાં આવી હતી, જેમાં ભરતકામ કરનારી દરેક મહિલાએ પોતાનું નામ સીવીને મૂક્યું હતું. આ રીતે 1885ની આ આવૃત્તિએ તેને બનાવનારી સ્ત્રીઓને શ્રેય આપવા ઊપરાંત કિનારીમાં તેમનાં નામ સીવીને તેમની હાજરી પણ નોંધાવી.
રામિરેઝ જણાવે છે તેમ: “વૅન ગૉગના ઉલ્લેખ વિના કોઈ ‘સ્ટારી નાઈટ’ની ચર્ચા કરવાનું વિચારી પણ ન શકે…પરંતુ બેયો ટેપેસ્ટ્રીની ચર્ચા વખતે બહુ ઓછા લોકો તેને બનાવનારી મહિલાઓ વિશે વિચારે છે.”
આધુનિક હોય કે મધ્યયુગીન, મૅનોસ્ફિયર પુરુષોની સત્તાની જ વાત કરે છે. પરંતુ તેનું અસ્તિત્વ કદાચ એ જ સ્ત્રીઓ પર નિર્ભર છે, જેમને તે પોતાની કથામાં સ્થાન આપતું નથી..
ધ બેયો ટેપેસ્ટ્રીનું પ્રદર્શન 10 સપ્ટેમ્બરથી 11 જુલાઈ 2027 સુધી લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં યોજાશે. 1885ની પ્રતિકૃતિ રીડિંગ મ્યુઝિયમમાં કાયમી ધોરણે પ્રદર્શિત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




