Home તાજા સમાચાર gujrati લખનૌમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ – ન્યૂઝ અપડેટ

લખનૌમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

લખનૌના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

ઉત્તર પ્રદેશના લખનૌમાં એક ખાનગી કોચિંગ સેન્ટરમાં આગ લાગી હતી. આ ઘટના અલીગંજના પુરાનિયા વિસ્તારમાં બની હતી.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠકે કહ્યું છે કે, “કોચિંગ સેન્ટરની અંદર ભારે ધુમાડાને કારણે, બચાવ કાર્ય માટે દીવાલ તોડી નાખવામાં આવી હતી અને શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.”

તેમણે અંદર ફસાયેલા લોકોની સંખ્યા અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી.

તેમણે કહ્યું હતું કે, “અલીગંજના કોચિંગ સેન્ટરમાં આગ લાગી છે. બધાં બાળકોને સુરક્ષિત રીતે બચાવવાની પ્રાથમિકતા છે. મોટા ભાગનાં બાળકોને બહાર કાઢવામાં આવ્યાં છે. ફક્ત બે-ત્રણ કે ત્રણ-ચાર બાળકો જ બચ્યાં છે. બાળકોના મિત્રો કહે છે કે તેઓ વોશરૂમની અંદર બંધ હતાં.”

એએનઆઈ સાથે વાત કરતાં એક પ્રત્યક્ષદર્શીએ એમ પણ જણાવ્યું હતું કે તેમણે કેટલાક લોકોને કૂદતાં જોયા.

જોકે, આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે તહેનાત છે.

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી

યુકેના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, PA Media

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે કહ્યું છે કે તેઓ વડા પ્રધાનપદેથી રાજીનામું આપી દેશે. તેમણે આ સાથે જ લેબર પાર્ટીના વડા તરીકે પણ પદ છોડવાની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું છે કે તેમનો પક્ષ તેમને પ્રશ્ન પૂછી રહ્યો હતો કે આગામી સામાન્ય ચૂંટણી માટે પક્ષને નેતૃત્વ પૂરું પાડવા માટે તેઓ સક્ષમ છે કે નહીં.

સ્ટાર્મરનું કહેવું છે કે તેમણે તેમના પક્ષનો જવાબ પણ સાંભળ્યો છે અને તેનો તેઓ સ્વીકાર કરે છે.

સ્ટાર્મરે કહ્યું હતું કે, “હું જે નિર્ણય લઉં છું કે મારા દેશ પ્રત્યેના પ્રેમને આગળ રાખીને લઉં છું. હું લેબર પાર્ટીના નેતા તરીકે પણ રાજીનામું આપી દઈશ.”

રાજીનામું આપતાં પહેલાં સ્ટાર્મરે કહ્યું હતું કે તેમને લેબર પાર્ટી રાજકીય રીતે, આર્થિક રીતે તથા મૂલ્યોની રીતે અતિશય ખરાબ અવસ્થામાં મળી હતી. તેમને કહેવાતું હતું કે આ પાર્ટી ખતમ થઈ ગઈ છે.

જોકે, કિએર સ્ટાર્મરનું કહેવું છે કે તેમણે આવું કહેનારા લોકોને ખોટા સાબિત કર્યા છે.

તેમણે કહ્યું હતું કે, “મેં અર્થતંત્ર, સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે લોકોનો ભરોસો પુન: સ્થાપિત કર્યો છે.”

સ્ટાર્મરનું કહેવું છે કે તેમણે સોમવારે સવારે કિંગ સાથે વાત કરીને તેમને પોતાના રાજીનામા વિશે અવગત કર્યા હતા.

તેમણે લેબર પાર્ટીની નૅશનલ ઍક્ઝિક્યૂટિવ કમિટીને કહ્યું છે કે તેઓ એક સમયપત્રક નક્કી કરે જેમાં લીડરશિપના નૉમિનેશન 9મી જુલાઈથી શરૂ થાય અને તેની પ્રક્રિયા ગરમીની રજાઓ સુધીમાં પૂર્ણ થઈ જાય.

તેનો અર્થ એ થાય છે કે સપ્ટેમ્બરમાં સંસદ શરૂ થાય તે પહેલાં એક નવા નેતા મળી જશે. તેમણે કહ્યું કે આ પ્રક્રિયા સુધી તેઓ વડા પ્રધાનપદ પર બની રહેશે.

તામિલનાડુ : એમોનિયા ગૅસ લીક થવાને કારણે પાંચ લોકોનાં મોત

તામિલનાડુ : એમોનિયા ગૅસ લીક થવાને કારણે પાંચ લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Handout

તામિલનાડુના તિરુવલ્લૂર પાસે એક ખાનગી કંપનીમાંથી એમોનિયા ગૅસ લીક થવાને કારણે મરનારાની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.

તામિલનાડુ વિધાનસભામાં આ જાણકારી આપતા શ્રમ મંત્રી પરવેઝે કહ્યું કે તમામ મૃતક કર્મચારીઓ મહિલા હતાં.

મંત્રીએ જણાવ્યું કે એમોનિયા ગૅસ લીક થવાને કારણે 74 લોકોને અસર થઈ હતી જે પૈકી 42 લોકોને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કતારના ગૅસ પ્લાન્ટમાં વિસ્ફોટ, 54 ઘાયલ, 18 લાપતા

કતારના ગૅસ પ્લાન્ટમાં વિસ્ફોટ, 54 ઘાયલ, 18 લાપતા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં સ્થિત એક ગૅસ પ્લાન્ટમાં મોટો વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 54 લોકો ઘાયલ થયા છે અને 18 લોકો લાપતા છે.

કતાર પ્રશાસનના મત અનુસાર રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં એક વિસ્ફોટ થયો છે અને મોટા પ્રમાણમાં આગ ફાટી નીકળી છે. ઇમર્જન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

કતારના ગૃહ મંત્રાલય અનુસાર, વિસ્ફોટ ‘ટૅક્નિકલ કારણો’ને લઈને થયો હતો. તેનાથી ગૅસ લીકેજ નથી થયો.

ગૃહ મંત્રાલયે કહ્યું, “કતાર ઇન્ટરનૅશનલ સર્ચ ઍન્ડ રૅસ્ક્યૂ ગ્રૂપ, સિવિલ ડિફેન્સ ટીમો સાથે મળીને લાપતા લોકોની તલાશ કરવામાં આવી રહી છે.”

સ્વિટ્ઝર્લૅન્ડમાં ઈરાન-અમેરિકા વચ્ચેની વાતચીતમાં શું નક્કી થયું?

સ્વિટ્ઝર્લૅન્ડ, ઈરાન-અમેરિકા, પાકિસ્તાન, લેબનોન, કતાર, બીબીસી, ન્યૂઝ, બીબીસી સમાચાર

ઇમેજ સ્રોત, Fabrice Coffrini / POOL / AFP via Getty Images

સ્વિટ્ઝર્લૅન્ડના બર્ગેનસ્ટૉક રિસૉર્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ માટે વાતચીત ચાલી રહી છે. કતાર અને પાકિસ્તાન મધ્યસ્થની ભૂમિકા ભજવે છે. આ બેઠકને ‘લેક લ્યૂસર્ન સમિટ’ કહેવામાં આવે છે. હવે તેને લઈને કતાર અને પાકિસ્તાને સંયુક્ત નિવેદન જારી રહ્યું છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી જારી આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉચ્ચસ્તરીય વાતચીતનું પહેલું સત્ર પૂર્ણ થયું છે.

સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું, “સમજૂતીના આધારે સૌએ મળીને નક્કી કહ્યું કે એક હાઈ લેવલની કમિટી બનાવવામાં આવે, જે આખી વાતચીત પર નજર રાખશે. તે આ વાતચીત યોગ્ય દિશામાં જઈ રહી છે કે નહીં તેના પર પણ નજર રાખશે. વાતચીતમાં ભાગલેનારા આ કમિટીને સતત રિપોર્ટ આપશે. સાથે અલગ-અલગ ટીમો બનાવવામાં આવશે. જે ખાસ મુદ્દા પર કામ કરશે. જેમકે- પરમાણુ કાર્યક્રમ, ઈરાન પર લાગેલા પ્રતિબંધો, નિયંત્રણ અને વિવાદ ઉકેલવાની રીત.”

સ્વિટ્ઝર્લૅન્ડ, ઈરાન-અમેરિકા, પાકિસ્તાન, લેબનોન, કતાર, બીબીસી, ન્યૂઝ, બીબીસી સમાચાર

ઇમેજ સ્રોત, X/foreignofficepk

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “નક્કી કરવામાં આવ્યું છે કે આવતા 60 દિવસોમાં અંતિમ સમજૂતી સુધી પહોંચવા માટે એક યોજના બનાવવામાં આવશે. આ યોજનાના આધારે તરત જ ટૅકનિકલ વાટાઘાટો શરૂ થશે. તમામ પક્ષો વચ્ચે સીધી વાતચીત લાઇન (કૉમ્યુનિકેશન લાઇન) સ્થાપિત કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ ગેરસમજ કે સંઘર્ષ ટાળવાનો અને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જહાજોને સુરક્ષિત રીતે પસાર થવા દેવાનો છે.”

બંને દેશોએ તેમના સંયુક્ત નિવેદનમાં માહિતી આપી હતી કે બધા દેશોએ સાથે મળીને નિર્ણય લીધો છે કે ‘ડિ-કૉન્ફ્લિક્ટ’ સેલની રચના કરવામાં આવશે.

તેમાં લેબનોન પણ સામેલ થશે અને તે કતાર અને પાકિસ્તાન જેવા મધ્યસ્થી દેશો દ્વારા ચલાવવામાં આવશે. તેનું કાર્ય એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે લેબનોનમાં લડાઈનો અંત લાવવા માટે થયેલા કરારનો યોગ્ય રીતે અમલ થાય.

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફે કેવી પ્રતિક્રિયા આપી

ઈરાન, અમેરિકા, યુદ્ધવિરામ, લેબનોન, ઇઝરાયલ, વાટાઘાટ, બીબીસી, સમાચાર, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, URS FLUEELER / POOL / AFP via Getty Images

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે સ્વિટ્ઝર્લૅન્ડમાં વાટાઘાટો ચાલી રહી છે. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી, જેના પર ઈરાનના મુખ્ય વાટાઘાટકાર અને સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગર ગાલિબાફે પ્રતિક્રિયા આપી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, “જો ઈરાન લેબનોનમાં ઇઝરાયલ સામે લડી રહેલા હિઝબુલ્લાહને રોકશે નહીં, તો અમેરિકા હુમલો કરશે.”

ઈરાને આ ચેતવણીનો જવાબ આપ્યો અને કહ્યું કે તે લડવા માટે તૈયાર છે.

ઈરાનના મુખ્ય વાટાઘાટકાર અને સંસદના સ્પીકર મોહમ્મદ બઘર ગાલિબાફે ટ્રમ્પને જવાબ આપતા કહ્યું, “શું તેમને લાગે છે કે જો તેમની ધમકીઓની કોઈ અસર થતી હોત, તો તેઓ આજે આ હાલતમાં હોત? ભલે તેઓ ગમે તેટલી વાતો કરે, વાસ્તવમાં કાર્યવાહી અમે જ કરીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારમાં લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ બંધ કરવાની શરત હતી. તેમ છતાં, દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયેલી સેના વચ્ચે લડાઈ વધુ તીવ્ર બની છે.

લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ડઝનબંધ લેબનીઝ નાગરિકો માર્યા ગયા હતા.

વધતા તણાવ વચ્ચે, અમેરિકાએ શુક્રવારે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે નવું યુદ્ધવિરામ જાહેર કર્યું. જોકે, અથડામણો અને હવાઈ હુમલા ચાલુ રહેતાં ઈરાને શનિવારે જાહેરાત કરી કે તેણે હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દીધી છે. જોકે, જહાજોની અવરજવરના આંકડાઓ દર્શાવે છે કે જહાજો હજુ પણ ત્યાંથી પસાર થઈ રહ્યાં છે.

બીજી તરફ, અમેરિકાના રાજદ્વારીએ રવિવારે રાત્રે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડમાં બંને પક્ષોની ચર્ચાનો હેતુ ઈરાનની અસ્પષ્ટતાઓને સ્પષ્ટ કરવાનો હતો, જેમાં હોર્મુઝની સામુદ્રધુની ખોલવા, લેબનોનમાં યુદ્ધ રોકવા અને પરમાણુ કરારનાં અમુક પાસાંઓનો અમલ કરવાનો સમાવેશ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS