Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Mohar Singh Meena
રાજસ્થાનના ચુરુ જિલ્લાના સુજાનગઢથી આગળ ચારિયા ગામ તરફ જઈએ તો રસ્તો ધીમે ધીમે સાંકડો થતો જાય છે.
આગળ રેતાળ પગદંડી અને તેની આસપાસ રાજસ્થાનનાં ગામડાંમાં જોવા મળતો એ જ જાણીતો સન્નાટો. પરંતુ આ સન્નાટાની વચ્ચે એક ત્રણ ઓરડાનું ઘર આજે અનેક લોકોનું આકર્ષણ બન્યું છે, જ્યાં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે.
અમે ત્યાં પહોંચ્યા ત્યારે ઘરની બહાર ઘણા લોકો હાજર હતા. કોઈ સેલ્ફી લેવા માટે રાહ જોઈ રહ્યું હતું, તો કોઈ માત્ર તે બાળકને રૂબરૂ જોવા આવ્યું હતું, જેના વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર જોયા હતા.
હકીકતમાં આ સમગ્ર ભીડ મોતી મેઘવાળ માટે એકત્ર થઈ રહી છે, જેમને સોશિયલ મીડિયા પર લોકો ‘ઍલિયન સ્ટાર’ તરીકે ઓળખે છે.
મોતી વિશે સાંભળીને સૌપ્રથમ મનમાં પ્રશ્ન થાય કે આખરે આ બાળકમાં એવું શું ખાસ છે કે લોકો તેમને મળવા માટે આવી રહ્યા છે?
તેનો જવાબ તેમના ચહેરાથી શરૂ થાય છે અને તેમની કહાણી પર ખતમ થાય છે. મોતીને ગામલોકો અને તેમના શાળાના વિદ્યાર્થીઓ તેમની અસામાન્ય ભમ્મર (આઇબ્રો)ને લીધે ‘ઍલિયન’ કહીને ચીડવતા હતા.
બીબીસી સાથેની વાતચીતમાં મોતી મેઘવાળ કહે છે કે પહેલાં તેમને આ વાતનું ઘણું દુઃખ લાગતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે એ જ લોકો ‘ઍલિયન સ્ટાર’ સાથે ફોટો પડાવવા માટે રાહ જુએ છે.
મોતી કહે છે, “પહેલાં જ્યારે લોકો મને ‘ઍલિયન’ કહેતા, ત્યારે ખરાબ લાગતું હતું. હવે લોકો મને પ્રેમથી ‘ઍલિયન સ્ટાર’ કહે છે, ત્યારે ખૂબ આનંદ થાય છે.”
સોશિયલ મીડિયા પર તેમના એક વીડિયોને લગભગ 18.6 કરોડ વખત જોવાયો છે.
તેમના અન્ય એક વીડિયોને લગભગ 10 કરોડ વ્યૂઝ મળ્યા છે, જ્યારે તેમના લગભગ દરેક વીડિયોને લાખો અને કરોડો દર્શકો મળ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર તેમના આશરે 19 લાખ ફોલૉઅર્સ છે, જ્યારે ફેસબુક પર તેમના લગભગ 11 લાખ ફોલૉઅર્સ છે.
મોતીએ મજાકને જ પોતાની ઓળખ બનાવી દીધી
ઇમેજ સ્રોત, Mohar Singh Meena
પરંતુ મોતી મેઘવાળની કહાણી માત્ર કરોડો વ્યૂઝ અને લાખો ફોલૉઅર્સ સુધી સીમિત નથી. આ એક એવા બાળકની કહાણી છે, જેમની મજાક ઉડાવાતી હતી, તેને જ પોતાની ઓળખમાં બદલી નાખી.
પહેલાં વર્ગમાં મિત્રો નહોતા, હવે બધા સેલ્ફી લેવા ઉત્સુક છે.
બાર વર્ષીય મોતી મેઘવાળ હાલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. તેમનાં માતાપિતા ખેતી કરે છે અને પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત સામાન્ય છે.
મોતી છેલ્લા લગભગ એક વર્ષથી વીડિયો બનાવી રહ્યા છે.
શરૂઆતમાં તેમના વીડિયો પર લોકો ખાસ ધ્યાન આપતા નહોતા, પરંતુ પછી એક વીડિયોમાં તેમણે બોલેલો એક ડાયલૉગ લોકોનું ધ્યાન ખેંચવાનું શરૂ કર્યું.
મોતી પોતાનો પ્રથમ લોકપ્રિય ડાયલૉગ આ રીતે બોલે છે: “લોકો કહેતા હતા કે તું કંઈ કરી શકશે નહીં, અને હવે એ જ લોકો કહે છે કે તું બહુ આગળ વધીશ.”
એક વીડિયોએ જિંદગી બદલી નાખી
ઇમેજ સ્રોત, Mohar Singh Meena
મોતી મેઘવાળ જણાવે છે કે તે સમયે તેમના લગભગ અઢી લાખ ફોલૉઅર્સ હતા. ત્યાર બાદ 15 ઑગસ્ટે બનાવેલા એક વીડિયોએ તેમની જિંદગી બદલી નાખી.
વીડિયોમાં શાળાના એક શિક્ષક કહે છે કે જે વિદ્યાર્થી સારાં કપડાં પહેરીને આવશે, તેને બે લાડુ આપવામાં આવશે. બીજા દિવસે મોતી શેરવાની પહેરીને શાળાએ પહોંચ્યા.
આ વીડિયો થોડા જ સમયમાં વાઇરલ થઈ ગયો. મોતીના જણાવ્યા મુજબ, આ વીડિયોને અત્યાર સુધીમાં 18.6 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ પછી તેમણે બનાવેલા મોટા ભાગના વીડિયોને મિલિયન વ્યૂઝ મળ્યા છે.
મોતી કહે છે કે આજે તેમના ઇન્સ્ટાગ્રામ પર 19 લાખ અને ફેસબુક પર 11 લાખ ફોલૉઅર્સ છે. તેમણે હવે યૂટ્યૂબ પર પણ કામ શરૂ કર્યું છે.
પરંતુ મોતી માટે સૌથી મોટો બદલાવ ફોલૉઅર્સની સંખ્યામાં વધારો નથી.
તેઓ કહે છે, “પહેલાં મારા વર્ગમાં કોઈ મિત્ર નહોતો. કોઈ મારી સાથે વાત પણ કરતું નહોતું. બધા મને ચીડવતા હતા, પરંતુ હવે મિત્રો પણ બની ગયા છે અને બધા મારી સાથે સેલ્ફી લે છે.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ‘ઍલિયન સ્ટાર’ નામ કેમ રાખ્યું, ત્યારે મોતી હસતાં હસતાં કહે છે, “હું ઍલિયન જેવો જ લાગું છું.”
મોતી જણાવે છે કે તેમને મળવા માટે દરરોજ અલગ-અલગ સ્થળોથી આશરે 100થી 200 લોકો આવે છે.
મોટા થઈને શું બનવું છે? આ પ્રશ્નના જવાબમાં મોતી કહે છે, “ભણવું પણ છે, વીડિયો પણ બનાવવા છે અને હીરો બનવું છે.”
વીડિયો બનાવવામાં પરિવારનો સંપૂર્ણ સહયોગ
ઇમેજ સ્રોત, Mohar Singh Meena
મોતીની લોકપ્રિયતા સાથે તેમના પરિવારની વિચારસરણીમાં પણ મોટો બદલાવ આવ્યો છે. મોતી જણાવે છે કે પહેલાં ઘરના લોકો તેમને ભણવામાં ધ્યાન આપવાનું કહેતા, પરંતુ હવે પરિવારજનો કહે છે કે વીડિયો બનાવો.
પહેલાં મોતી પાસે સામાન્ય ફોન હતો, પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા બાદ તેમના પિતા નિંબારામ મેઘવાળે લગભગ છ મહિના પહેલાં તેમને નવો ફોન ખરીદી આપ્યો હતો.
જ્યારે નિંબારામ મેઘવાળને પૂછવામાં આવ્યું કે સામાન્ય રીતે માતાપિતા બાળકોને મોબાઇલથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે, ત્યારે તમે પોતે જ તેમને ફોન કેમ અપાવ્યો?
તેના જવાબમાં તેઓ કહે છે, “તે સારું કામ કરી રહ્યો છે, તેથી કોઈ મુશ્કેલી નથી.”
તેઓ વધુમાં કહે છે કે મોતી અભ્યાસમાં પણ સારો છે. ભણે છે અને સાથે વીડિયો પણ બનાવે છે.
નિંબારામ મેઘવાળના જણાવ્યા મુજબ, પંજાબ, ચંડીગઢ, હરિયાણા અને ઇન્દોર સહિત અનેક સ્થળોથી લોકો મોતીને મળવા માટે આવે છે. તેઓ કહે છે કે ગામલોકો પણ ખૂબ ખુશ છે.
સોશિયલ મીડિયામાંથી થતી આવક અંગે નિંબારામ મેઘવાળ કહે છે કે હાલમાં તેનાથી ઘરનો ખર્ચ નીકળી જાય છે. આખો પરિવાર અને ગામ મોતીને સહયોગ આપે છે.
કન્યાકુમારીથી શ્રીનગર સુધીના લોકો અમારા ગામે આવે છે
ઇમેજ સ્રોત, Mohar Singh Meena
મોતી પણ જણાવે છે કે સોશિયલ મીડિયાથી હવે થોડી કમાણી થવા લાગી છે અને પ્રમોશન માટે પણ લોકો આવવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયા બાદ જ્યારે તેઓ અન્ય શહેરોમાં જાય છે, ત્યારે લોકો તેમને તરત ઓળખી લે છે.
મોતીની લોકપ્રિયતા હવે માત્ર ચારિયા ગામ પૂરતી સીમિત રહી નથી. તેમના ઘરની બહાર બેઠેલા પવનકુમાર બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “હું લગભગ 250 કિલોમીટર દૂર હરિયાણાના ભિવાડી શહેરમાંથી આવ્યો છું.”
તેઓ કહે છે કે તમે જ્યારે પણ અને જ્યાં પણ સોશિયલ મીડિયા ખોલો, ફોનની સ્ક્રીન પર ‘ઍલિયન સ્ટાર’ જોવા મળે જ છે. પવન જણાવે છે કે તેમણે મોતીનો પહેલો વીડિયો જોયો હતો અને ત્યારથી તેઓ સતત તેમને ફોલૉ કરી રહ્યા છે.
તેઓ કહે છે, “આટલો નાનો બાળક આખા દેશમાં આટલું નામ કમાઈ રહ્યો છે, એ જોઈને મને પણ ખૂબ આનંદ થાય છે.”
ચારિયા ગામના રહેવાસી રાજકુમાર શર્મા માટે મોતીની લોકપ્રિયતા હવે આખા ગામની ઓળખ બની ગઈ છે.
તેઓ કહે છે કે દેશના વિવિધ ભાગોમાંથી લોકો ચારિયા ગામ સુધી પહોંચે છે, તે ગામ માટે ગૌરવની બાબત છે.
રાજકુમાર શર્મા જણાવે છે કે ચારિયા ગામમાં અંદાજે 700 ઘરોની વસ્તી છે અને ગ્રામપંચાયતનું મુખ્ય મથક છે.
ઇમેજ સ્રોત, Mohar Singh Meena
મોતી મેઘવાળના વીડિયો શૂટ કરવામાં અને તેમને સ્ક્રિપ્ટમાં તેમના મોટા બાપુના દીકરા મુકેશ મદદ કરે છે.
મુકેશ જણાવે છે કે શરૂઆતમાં તેમના મોટા ભાઈ વીડિયો બનાવતા હતા, પરંતુ એ વીડિયો ખાસ ચાલ્યા નહીં. બાદમાં તેમણે મોતી સાથે મળીને વીડિયો બનાવવાનું શરૂ કર્યું.
મુકેશ કહે છે, “અમે ક્યારેય વિચાર્યું નહોતું કે વીડિયો આટલા વાઇરલ થઈ જશે. લોકોનો આટલો પ્રેમ મળે છે તે ખૂબ સારું લાગે છે. લોકો દૂર દૂરથી અહીં અમને મળવા માટે આવે છે.”
‘ઍલિયન સ્ટાર’ નામથી એકાઉન્ટ
ઇમેજ સ્રોત, Mohar Singh Meena
મોતીના વીડિયો બનાવવા માટે તેમની પાસે કોઈ મોટાં સ્ટુડિયો કે ખૂબ મોંઘાં સાધનો નથી.
મુકેશ કહે છે, “અમારી પાસે બહુ વધારે સંસાધનો નથી. અમે ઘરની આસપાસ જ વીડિયો શૂટ કરીએ છીએ. છતાં અમારા દરેક વીડિયોને લાખો વ્યૂઝ મળે છે.”
પરંતુ મુકેશના મતે, મોતીની સફળતાનું સાચું કારણ કંઈક બીજું જ છે.
મોતી વાઇરલ થયા પછી તેમની જિંદગીમાં આવેલા બદલાવ અંગે મુકેશ કહે છે, “ચર્ચામાં આવ્યા પછી ઘણો બદલાવ આવ્યો છે. પહેલાં મોતીનો કોઈ મિત્ર નહોતો, પરંતુ હવે દૂર દૂરથી લોકો તેમને મળવા આવે છે, તેમની સાથે સેલ્ફી લે છે અને તેમની આખી જિંદગી બદલાઈ ગઈ છે.”
ચારિયા ગામમાં આવેલા મોતીના ઘરની બહાર હવે અવારનવાર લોકોની અવરજવર રહે છે.
ક્યારેક કોઈ તેમના વીડિયો જોઈને અહીં પહોંચે છે, તો ક્યારેક કોઈ પોતાના બાળકને તેમને મળાવવા લઈને આવે છે. કેટલાક લોકો માત્ર તેમની સાથે એક ફોટો પડાવીને પાછા ફરવા માગતા હોય છે.
મોતી માટે હવે ‘ઍલિયન’ શબ્દ મજાક નથી
ઇમેજ સ્રોત, Mohar Singh Meena
મોતી માટે હવે ‘ઍલિયન’ કોઈ મજાકનો શબ્દ નથી. આજે એ જ તેમનું નામ છે અને એ જ તેમની ઓળખ.
કદાચ તેમની કહાણીનો સૌથી લાગણીસભર ભાગ પણ એ જ છે કે જે બાબત માટે એક સમયે તેમને ટોણાં સાંભળવાં પડતાં, એને તેમણે પોતાની સૌથી મોટી તાકાત બનાવી દીધી.
ચારિયા ગામની રેતાળ ગલીઓમાં હવે જ્યારે કોઈ પૂછે કે ‘ઍલિયન સ્ટાર’નું ઘર ક્યાં આવેલું છે?, ત્યારે લોકો ઘર સુધી મૂકવા આવે છે.
મોતીએ હવે એક નવી ઓળખ બનાવી છે. જોકે બાળકોના ચહેરા અંગે કરાતી ટિપ્પણીઓ તેમની માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પણ કરી શકે છે.
આ મુદ્દે દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલના મનોચિકિત્સક ડૉ. ગણેશકુમાર મીણા સાથે વાત કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર, બુલિંગ (હેરાનગતિ અથવા મજાક ઉડાવવાનું વર્તન)ને કારણે બાળકોમાં ચિંતા (ઍન્ઝાયટી) સહિતની માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
તેઓ જણાવે છે કે આવી પરિસ્થિતિમાં ઘણાં બાળકો લોકો સાથે ઓછી વાતચીત કરવા લાગે છે, મિત્રોની સંખ્યા ઘટી જાય છે અને તેમને સામાજિક સહયોગ પણ ઓછો મળવા લાગે છે.
આવી સ્થિતિમાં કેટલાંક બાળકોને કાઉન્સેલિંગની જરૂર પડી શકે છે. જો બાળકોમાં આવાં લક્ષણો દેખાય, તો માતાપિતાએ અથવા વાલીઓએ ડૉક્ટર અથવા માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ જરૂર લેવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




