Home તાજા સમાચાર gujrati વંદે ભારત ઍક્સપ્રેસ પર સુરત પાસે પથ્થમારો, યુપીનાં રાજ્યપાલ આનંદીબહેન પણ ટ્રેનમાં...

વંદે ભારત ઍક્સપ્રેસ પર સુરત પાસે પથ્થમારો, યુપીનાં રાજ્યપાલ આનંદીબહેન પણ ટ્રેનમાં હતાં – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

વંદે ભારત ઍક્સપ્રેસ (22961) મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી. આ દરમિયાન ઉત્રાણ અને કોસદ વચ્ચે પથ્થરમારાની ઘટના ઘટી છે

ઇમેજ સ્રોત, Ani/@GovernorofUp

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતના સુરત પાસે મુંબઈ-અમદાવાદ વંદે ભારત ઍક્સપ્રેસ પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું, “અમારી વંદે ભારત ઍક્સપ્રેસ (22961) મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી. ઉત્રાણ સ્ટેશન છોડ્યા બાદ ઉત્રાણ અને કોસદ વચ્ચે પથ્થરમારાની ઘટનાની માહિતી મળી હતી. અમે તરત જ જીઆરપીના એસપી (પોલીસ અધીક્ષક)ને જાણ કરી અને રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના જવાનોને ઘટનાસ્થળે રવાના કર્યા હતા.”

તેમણે વધુમાં કહ્યું, “અમે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. આરોપી સુરતનો રહેવાસી હોવાનું કહેવાય છે. તેનું નામ પિન્ટુકુમાર છે. તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ તેને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.”

તેમણે એ પણ કહ્યું કે ટ્રેન પર થયેલો પથ્થરમારો બહુ ગંભીર અને દંડનીય અપરાધ છે.

અનુભવ સક્સેનાએ વધુમાં જણાવ્યું, “અમને માહિતી મળી હતી કે રાજ્યપાલ (ઉત્તર પ્રદેશ) આનંદીબહેન પટેલ A1 કોચમાં મુસાફરી કરી રહ્યાં હતાં, જ્યારે પથ્થરમારાની ઘટના C6 અને C10 કોચ પાસે બની હતી. અમે આરોપીની ધરપકડ કરી લીધી છે.”

ગર્વનર ઑફ ઉત્તર પ્રદેશના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ ઍક્સ પરથી લખાયું કે આનંદબહેન પટેલે વાપીથી અમદાવાદ સુધી વંદે ભારત ઍક્સપ્રેસમાં મુસાફરી કરી હતી.

ઝોહરાન મમદાણીએ ન્યૂ યૉર્કમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ કર્યો

ન્યૂ યૉર્કના મેયર તરીકે મમદાણી પાસે અનેક સમૂહ મોહન ભાગવતનો કાર્યક્રમ રદ કરવાની માગ કરી રહ્યાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરના મેયર ઝોહરાન મમદાણીએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાનારા તે પ્રસ્તાવિત કાર્યક્રમને સમર્થન આપતા નથી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત ભારતીય મૂળના લોકોના સમૂહને સંબોધન કરવાના છે.

જોકે, તેમણે એમ પણ કહ્યું કે આ ખાનગી કાર્યક્રમને રદ કરવાનો અધિકાર તેમની પાસે હોઈ શકે છે અને નહીં પણ. આ કાર્યક્રમ 29 ઑગસ્ટે થવાનો છે.

મોહન ભાગવત મંગળવારે જ અમેરિકા પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાઈ રહેલા વૈશ્વિક સંપર્ક કાર્યક્રમનો એક ભાગ છે. ન્યૂ યૉર્ક પ્રવાસ દરમિયાન તેઓ ‘યુનિવર્સલ વનનેસ’ કાર્યક્રમમાં ભાગ લેશે અને શનિવારે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં લગભગ 5,000 લોકોની સભાને સંબોધિત કરશે.

ન્યૂ યૉર્કમાં યોજાયેલી એક પત્રકારપરિષદ દરમિયાન મમદાણીએ કહ્યું, “હું આ રેલીને સમર્થન આપતો નથી, પરંતુ કોઈ ખાનગી કાર્યક્રમને રદ કરવાનો અધિકાર શહેર પાસે છે કે નહીં તેની મને જાણ નથી.”

ઝોહરાન મમદાણીનાં માતાપિતા ભારતીય મૂળનાં છે. તેમનાં માતા જાણીતા ફિલ્મ નિર્માતા મીરા નાયર છે.

મંગળવારે મમદાણીને મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં આરએસએસના પ્રસ્તાવિત કાર્યક્રમ અને તેના વિરોધમાં થઈ રહેલા દેખાવો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

તેમને પૂછવામાં આવ્યું હતું કે મોહન ભાગવતની એમએસજીમાં યોજાનારી રેલી રદ થવી જોઈએ?

તેના જવાબમાં મમદાણીએ કહ્યું, “હું અહીં મારા શહેરના ઇતિહાસમાં પ્રથમ ભારતીય-અમેરિકન મેયર તરીકે ઊભો છું અને મારી માતાના પરિવારના મોટા ભાગના સભ્યો આજે પણ ભારતમાં રહે છે.”

તેમણે કહ્યું કે તેમના પરિવારે તેમને જે ભારતથી પરિચિત કરાવ્યું અને જે ભારતને તેમણે બાળપણથી નજીકથી જાણ્યું, તે “એક બહુલતાવાદી સમાજ અને ધર્મનિરપેક્ષ ગણરાજ્યનું ભારત હતું, જે ભારત સાથે જોડાયેલા દરેક વ્યક્તિને સ્વીકારવામાં વિશ્વાસ રાખતું હતું.”

મમદાણીએ વધુમાં કહ્યું, “તેથી કોઈ પણ દેશની આવી બહિષ્કારવાદી વિચારધારા પર આધારિત કોઈ આંદોલનનો ઉદય જોવો એ ચિંતાજનક છે.”

“હું તેનો સખત વિરોધ કરું છું, માત્ર એક ભારતીય-અમેરિકન તરીકે જ નહીં, પરંતુ એવા શહેરના મેયર તરીકે પણ, જે દરેક વ્યક્તિના સ્વીકારમાં ઊંડો વિશ્વાસ રાખે છે, ભલે તેનો રંગ, વિચારો, ધર્મ, આસ્થા અથવા મૂળ સ્થળ કંઈ પણ હોય.”

અમેરિકાનાં પ્રખ્યાત ગાયિકા ડૉલી પાર્ટનનું 80 વર્ષની વયે નિધન

વિશ્વવિખ્યાત કન્ટ્રી મ્યુઝિક ગાયિકા ડૉલી પાર્ટનનું 80 વર્ષની વયે નિધન થયું છે

ઇમેજ સ્રોત, Penske Media via Getty Images

વિશ્વવિખ્યાત કન્ટ્રી મ્યુઝિક ગાયિકા ડૉલી પાર્ટનનું 80 વર્ષની વયે નિધન થયું છે.

તેમની ટીમે બીબીસીના અમેરિકન સહયોગી સીબીએસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું, “કૅન્સર સામે બહાદુરીપૂર્વક લડત આપ્યા બાદ ડોલીએ આજે પોતાના સ્વજનોની હાજરીમાં વેન્ડરબિલ્ટ-ઇન્ગ્રામ કૅન્સર સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધા.”

ડૉલી પાર્ટનની છ દાયકાથી વધુ લાંબા કારકિર્દી દરમિયાન વિશ્વભરમાં તેમના 10 કરોડથી વધુ રેકર્ડ્સ વેચાઈ હતી. તેમણે 3,000થી વધુ ગીતો લખ્યાં અને ગાયાં હતાં.

તેઓ માત્ર એક મહાન ગાયિકા અને ગીતકાર જ નહોતાં, પરંતુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો અને પોતાની આગવી શૈલી માટે જાણીતાં હતાં. તેમણે ગ્લાસ્ટનબરી જેવા મોટા સંગીત મહોત્સવોમાં પણ ચાહકોના દિલ જીતી લીધાં હતાં.

ડૉલીનો જન્મ અમેરિકાના ટેનેસી રાજ્યના સ્મોકી માઉન્ટેન્સ વિસ્તારમાં એક ગરીબ પરિવારમાં થયો હતો.

તેમણે બાળકોના શિક્ષણ અને સાક્ષરતા માટે લાંબા સમય સુધી કાર્ય કર્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ડૉલી પાર્ટનના સન્માનમાં સમગ્ર અમેરિકા ખાતે રાષ્ટ્રીય ધ્વજ એક અઠવાડિયા સુધી અડધી કાઠીએ ફરકાવાશે. આ આદેશ મંગળવાર સાંજથી અમલમાં આવશે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર ડૉલી પાર્ટનના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમણે જણાવ્યું, “આ લાખો લોકો માટે ખૂબ મોટી ખોટ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS