Home તાજા સમાચાર gujrati વડા પ્રધાન ‘મોદી શુદ્ધ શાકાહારી છે તો ફિશ માર્કેટને તેમનું નામ કેમ?’...

વડા પ્રધાન ‘મોદી શુદ્ધ શાકાહારી છે તો ફિશ માર્કેટને તેમનું નામ કેમ?’ સુરતમાં વેપારીઓ કેમ સામસામે આવ્યા

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સુરત નવી ફિશ માર્કેટ નાનપુરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માછીમાર

ઇમેજ સ્રોત, Ajit Gadhvi

સુરતના નાનપુરા લક્કડકોટ વિસ્તારમાં નવી ફિશ માર્કેટ ખુલી છે જેને શરૂઆતમાં વેપારીઓએ ‘શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામ આપી દેવાથી વિવાદ થયો છે.

બે દિવસ સુધી આ અંગે અલગ અલગ મંતવ્યો આવ્યા પછી અચાનક વડા પ્રધાનના નામ સાથેનું બોર્ડ ઉતારીને તેના પર સફેદ કપડું ઢાંકી દેવામાં આવ્યું છે.

ફિશ માર્કેટના કેટલાક લોકો માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાથે ખાસ યોજના શરૂ કરી તેના કારણે આ માર્કેટને તેમનું નામ આપવું જોઈએ.

બીજી તરફ આનો વિરોધ કરનારા અમુક ટ્રેડર માને છે કે પીએમ મોદી શુદ્ધ શાકાહારી છે તેથી ફિશ માર્કેટ સાથે તેમનું નામ જોડવું ન જોઈએ.

સુરતમાં ફિશ માર્કેટના નામકરણનો વિવાદ કેમ થયો?

બીબીસી ગુજરાતી સુરત નવી ફિશ માર્કેટ નાનપુરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માછીમાર

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

નાનપુરાની ફિશ માર્કેટ તૈયાર થયા પછી હજુ તેનું વિધિવત ઉદ્ઘાટન નથી થયું, પરંતુ માર્કેટમાં કામકાજ શરૂ થઈ ગયું છે.

સુરત ફિશ મર્ચન્ટ ઍસોસિયેશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ બીબીસીને જણાવ્યું કે “વડા પ્રધાને માછીમારીને ઉત્તેજન આપવા માટે જે કર્યું છે તેના કારણે અમે નક્કી કર્યું કે આ માર્કેટને શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ નામ આપવામાં આવે. મારા માનવા મુજબ તેમાં કંઈ ખોટું નથી.”

તેમણે કહ્યું કે “વડા પ્રધાન મોદીએ 20 હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના લૉન્ચ કરી હતી જેમાં સૌથી પહેલાં સુરત મહાનગર પાલિકાને આ નવી ફિશ માર્કેટ માટે ત્રણ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.”

“અગાઉની જૂની માર્કેટ બહુ નાની પડે છે અને ત્યાં સગવડો પણ નથી. અહીં પાર્કિંગ, સીસીટીવી, કૉન્ફરન્સ રૂમ સહિત તમામ સગવડો છે તેથી સી ફૂડનો વેપાર કરનારા લોકોને બહુ રાહત મળી છે.”

બીજી તરફ ફિશ માર્કેટના અન્ય એક આગેવાન સુરેન્દ્ર લશ્કરી કહે છે કે “વડા પ્રધાન મોદી શુદ્ધ શાકાહારી છે જેથી ફિશ માર્કેટ સાથે નામ જોડવાથી તેમની ઇમેજને નુકસાન થાય છે.”

તેમણે કહ્યું કે, “અહીં મોટા ભાગના લોકો કહાર જાતિના છે તેથી માછીમાર સમાજમાથી જ કોઈના હાથે આ માર્કેટનું લોકાર્પણ થવું જોઈએ તથા માર્કેટના નામમાંથી પીએમ નરેન્દ્ર મોદીનું નામ હટાવવું જોઈએ.”

સરકારે આ માર્કેટ માટે ફાળવેલા ફંડ વિશે તેમનું કહેવું છે કે “આ સરકાર આવી પછી જ માછલી ઉદ્યોગને વેગ મળ્યો એવું નથી.”

“મત્સ્ય ઉદ્યોગ માટે મંત્રાલય કેટલાય દાયકાથી છે અને તે ઉદ્યોગના વિકાસ માટે કામ કરે જ છે. તેથી આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાથી જ આ વિકાસ થયો છે એમ કહી ન શકાય.”

બીબીસી ગુજરાતી સુરત નવી ફિશ માર્કેટ નાનપુરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માછીમાર

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

કેવું છે નવું સુરતનું ફિશ માર્કેટ?

બીબીસી ગુજરાતી સુરત નવી ફિશ માર્કેટ નાનપુરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માછીમાર

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

સુરતમાં નાનપુરા વિસ્તારમાં એક ફિશ માર્કેટ તાજેતરમાં જ ખૂલ્યું છે જેના માટે કૉર્પોરેશને જમીન ફાળવી છે અને વેપારીઓને લીઝ પર દુકાનો આપવામાં આવી છે. હાલમાં ફિશ ટ્રેડરોએ મહિને નવ હજાર રૂપિયા ભાડું ભરવું પડે છે.

ફિશ મર્ચન્ટ ઍસોસિયેશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ કહ્યું કે ફિશમાર્કેટ માટે 2018માં જ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી, પરંતુ કેટલાક લીગલ મામલા અને ત્યાર પછી કોરોના આવવાના કારણે ફિશ માર્કેટ શરૂ થવામાં વિલંબ થયો છે.

બીબીસી ગુજરાતી સુરત નવી ફિશ માર્કેટ નાનપુરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માછીમાર

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

તેમણે જણાવ્યું હતું કે ફિશ માર્કેટમાં 80 દુકાનો છે અને અહીં પોરબંદર, દ્વારકા, વેરાવળ અને કચ્છ ઉપરાંત મુંબઈ સહિત દેશના બીજા ભાગોમાંથી પણ સી ફૂડ આવે છે.

નવસારીવાલા કહે છે કે, “અહીં ઘોલ માછલી પણ આવે છે જે ગુજરાતની સ્ટેટ ફિશ ગણાય છે. આ ઉપરાંત ડારા, પાપલેટ, કટલા માછલી અને ઝીંગા આવે છે. કચ્છના રણમાં વરસાદનું પાણી ભરાય ત્યારે ત્યાં ખાસ પ્રકારના ઝીંગાનું ઉત્પાદન થાય છે તે પણ આ બજારમાં આવે છે.”

સુરતના નવા ફિશ માર્કેટમાં ઘણી બધી દુકાનોને મહિલાઓ સંભાળે છે. તેઓ માછલીના વેચાણ ઉપરાંત બહારથી ઑર્ડર આપવાનો અને વેચાણના હિસાબો સંભાળવાનું કામ પણ કરે છે.

મહિલાઓ કહે છે કે ફિશ માર્કેટથી તેમને નાણાકીય સ્વતંત્રતા મળી છે.

દક્ષાબેન કહાર નામનાં વેપારીએ જણાવ્યું કે, “આ ફિશ માર્કેટ ન હતું ત્યારે અમને બહુ તકલીફ પડી રહી હતી.”

“આ માર્કેટ ખુલી ગઈ તેથી અમે મહિલાઓ અહીં સારી રીતે વ્યવસાય કરી શકીએ છીએ. અમે સવારના ચાર વાગ્યાથી આવી જઈએ છીએ. આ કામકાજમાં બધો હિસાબ પણ અમે જ કરીએ છીએ.”

બીબીસી ગુજરાતી સુરત નવી ફિશ માર્કેટ નાનપુરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માછીમાર

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

સુરતની ફિશ માર્કેટમાં ગંદકીની મોટી સમસ્યા

બીબીસી ગુજરાતી સુરત નવી ફિશ માર્કેટ નાનપુરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માછીમાર

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

સુરતમાં નવું ફિશ માર્કેટ ખૂલ્યું છે, પરંતુ હજુ ડ્રેનેજની વ્યવસ્થામાં ખામી છે. તેના કારણે ગટરનું ગંદું પાણી માર્કેટમાં વહે છે.

અહીં હજારો કિલો માછલીઓ, ઝીંગા વગેરેનો જથ્થો ખુલ્લામાં રાખવામાં આવતો હોવાથી આરોગ્યને લગતી સમસ્યા પેદા થઈ શકે તેવી ફરિયાદ છે.

બીબીસીએ મુલાકાત લીધી ત્યારે ઘણા વેપારીઓ પોતાની જાતે ગંદા પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. આ ઉપરાંત ઘણી જગ્યાએ કચરાના ઢગલા પણ જોવા મળ્યા હતા.

માછલી બજારના વેપારી સુરેન્દ્ર લશ્કરી કહે છે કે “કૉર્પોરેશન અમારી પાસે મહિને નવ હજાર રૂપિયા ભાડું વસૂલ કરવામાં આવે છે, છતાં કૉર્પોરેશને સ્વચ્છતાની કોઈ સગવડ કરી નથી.”

“દરેક જગ્યાએ ગંદકી દેખાય છે જેના કારણે લોકો બીમાર પડવાની શક્યતા છે. કૉર્પોરેશને અહીં સ્વચ્છતા કર્મચારીઓ ફાળવવા જોઈએ.”

બીબીસી ગુજરાતી સુરત નવી ફિશ માર્કેટ નાનપુરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માછીમાર

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

આ મામલે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયર રાજેશ ગાંજાવાલાએ મીડિયાને સોમવારે કહ્યું હતું કે “નામકરણના મામલે અમને જે દરખાસ્ત મળી તે કલ્ચરલ કમિટીને મોકલવામાં આવી છે. હવે સમિતિ દ્વારા આ અંગે નિર્ણય લેવાશે.”

જોકે, મીડિયામાં આના વિશે અહેવાલો આવ્યા પછી બીજા જ દિવસે, એટલે કે મંગળવારે ફિશ માર્કેટનું હાલનું બોર્ડ ઉતારીને તેની જગ્યાએ સફેદ કપડું ઢાંકી દેવામાં આવ્યું હતું.

ફિશ માર્કેટની ગંદકીના મુદ્દે ડેપ્યુટી હેલ્થ ઑફિસર ડૉ. અમિત ગામિતે જણાવ્યું કે “માર્કેટમાં હાલમાં ડ્રેનેજની ચેમ્બરમાં કોઈ સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના રિપેરિંગનું કામ ચાલુ છે.”

“અંદરની કચરાની સફાઈની જવાબદારી ફિશ ઍસોસિયેસનની રહેશે. ગંદકી મામલે અમે તપાસ કરાવીશું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS