Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
વેનેઝુએલાની રાજધાની કારાકસ પાસે આવેલા બે ભીષણ ભૂકંપ બાદ બચાવકાર્ય ચાલુ છે અને હજુ પણ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.
માહિતી મળી કે ભૂકંપ બાદ 30 નાના નાના આંચકા અનુભવાયા હતા અને તેના કારણે મોટી તબાહી સર્જાઈ છે.
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે 4,000થી વધુ લોકો ઘાયલ થયા છે. આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
આ ભૂકંપ બાદ અનેક લોકો બેઘર થઈ ગયા છે. લોકો રસ્તા પર રાત વિતાવવા મજબૂર બન્યા છે.
અમેરિકન ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, પહેલા 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, પછી થોડી સેકન્ડો બાદ 7.5 શક્તિશાળી ભૂકંપ આવ્યો. બંને ભૂકંપ ધરતીની સપાટીથી ઘણા નજીક હતા, જેના કારણે તબાહી થઈ.
આ ભૂંકપ બુધવારે સ્થાનિક સમયાઅનુસાર સાંજે 6:04 વાગ્યે આવ્યો હતો.
વેનેઝુએલામાં આવો શક્તિશાળી ભૂકંપ આવવાનું કારણ શું?
ઇમેજ સ્રોત, EPA
વેનેઝુએલા એવા વિસ્તારમાં આવેલું છે જ્યાં ભૂકંપનું જોખમ સૌથી વધુ રહેલું છે. બે ટેક્ટોનિક પ્લેટો – કેરેબિયન પ્લેટ અને દક્ષિણ અમેરિકન પ્લેટ અહીં ભેગી થાય છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલૉજિકલ સર્વે અનુસાર, બુધવારે આવેલા બે ભૂકંપમાંથી બીજો અને વધુ શક્તિશાળી ભૂકંપ આ પ્લેટોની સીમા નજીક હલનચલનને કારણે આવ્યો હતો. આવી ઘટના અસામાન્ય ગણાતી હોય છે.
આનો અર્થ એ થાય કે પ્લેટો વચ્ચે આવેલી ફૉલ્ટ લાઇનો એટલે તિરાડો, હૉરિઝોન્ટલી સરકે છે જ્યારે આ હિલચાલ અચાનક અને ઝડપથી થાય છે, ત્યારે ભૂકંપ આવે છે.
યુએસજીએસે જણાવ્યું હતું “જોકે નકશા પર ધરતીકંપોને ઘણી વાર એક બિંદુ તરીકે દર્શાવવામાં આવે છે, પરંતુ આ તીવ્રતાના ભૂકંપને વાસ્તવમાં મોટા ફૉલ્ટ એરિયામાં થયેલી સ્લીપ તરીકે સમજવું વધુ યોગ્ય છે”
યુએસ જીઓલૉજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, આજે બે ભૂકંપમાંથી બીજો અને મોટો ભૂકંપ આ પ્લેટોની સીમા નજીક “છીછરા સ્ટ્રાઇક-સ્લિપ ફોલ્ટિંગ”ના કારણે આવ્યો હતો.
આવું ત્યારે થાય જ્યારે પ્લેટો વચ્ચેના ફોલ્ટ્સ અથવા ફ્રૅક્ચર અવળી રીતે રીતે ખસે છે. જ્યારે આ હિલચાલ ઝડપથી થાય છે ત્યારે ભૂકંપ થાય છે.
બીબીસીના પત્રકાર કાર્લા રોશ સાથેની વાતચીતમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના ડૉ. જેસિકા હોથોર્ન 16 જેટલા ટેક્ટોનિક પ્લેટનો ઉલ્લેખ કરે છે.
તેઓ કહે છે, “તમારા નખ જેટલી ઝડપથી વધે છે – તેટલી જ ઝડપથી પ્લેટો ફરે છે.”
“ફોલ્ટ એ એવી જગ્યા છે જ્યાં બે પ્લેટો એકબીજાની પાછળથી ખસે છે, તેથી તમારી પાસે એક બાજુ એક ઘન બ્લૉક અને બીજી બાજુ એક ઘન બ્લૉક છે અને તેઓ એકબીજાની પાછળથી ખસી રહ્યા છે.”
ભૂકંપ બાદ કેવી તબાહી થઈ?
ઇમેજ સ્રોત, Getty Images
આ બંને ભૂકંપથી મોટી તબાહી પણ સર્જાઈ છે. રાત થતા સુધીમાં સ્થાનિક લોકો ઠેર ઠેર ભટકતા જોવા મળ્યા હતા. તેમાંથી ઘણા લોકો બેઘર થઈ ગયા છે. તેમની પાસે રહેવા માટે કોઈ આશરો નથી. તેઓ પોતાના સ્વજનો મળે તેની રાહ જોઈ રહ્યા છે.
અધિકારીઓએ કહ્યું કે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું આકલન હજુ પણ શરૂ થઈ શક્યું નથી.
વેનેઝુએલાની રાજધાની કારાકસના રસ્તાઓ પર કાટમાળ વિખરાયેલો પડ્યો છે. બચાવકર્મીઓ ઇમારતની નીચે દબાયેલા જીવિત લોકોને શોધી રહ્યા છે.
કારાકસ અને પાસેના તટીય શહેર લા ગ્વાઇરામાં ધ્વસ્ત થયેલી ઇમારતોમાંથી દબાયેલા લોકોના અવાજ સંભળાઈ રહ્યા છે.
વેનેઝુએલાના અસરગ્રસ્ત વિસ્તારોનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થયું નથી. વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ બાધિત થવાને કારણે પરિસ્થિતિ વધુ મુશ્કેલી થઈ ગઈ છે.
આને કારણે ભૂકંપથી પ્રભાવિત લોકો અને તેની અસર વિશે માહિતી મેળવવાનું મુશ્કેલ બની રહ્યું છે.
વેનેઝુએલામાં આવેલા ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
ઇમેજ સ્રોત, Getty Images
ભૂકંપનું કેન્દ્ર કરાકાસના પશ્ચિમમાં મોન્ટાલબાન વિસ્તારમાં હતું. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો દેશના ઉત્તરીય દરિયાકાંઠાના વિસ્તારોમાં છે, જેમાં લા ગુરિયા, અરાગુઆ, કરાબોબો અને ફાલ્કનનો સમાવેશ થાય છે.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલૉજિકલ સર્વે અનુસાર, મૃત્યુઆંક 10,000થી વધુ થવાની 44 ટકા શક્યતા છે. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ, ડેલ્સી રૉડ્રિગ્ઝે, તેમના રાષ્ટ્રને સંબોધન કરીને કટોકટીની જાહેરાત કરી હતી.
જોકે વેનેઝુએલાની રાજધાનીમાં આવું પહેલી વાર નથી થયું.
કારાકસમાં વર્ષ 1967માં 6.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેમાં 200થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ ભૂકંપથી પાલોસ ગ્રાન્દેસ અને અલ્તામીરા જેવા પૉશ વિસ્તારની અનેક ઇમારતો પણ તબાહ થઈ ગઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




