Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Baqir Ali
પાકિસ્તાનના પ્રશાસન હેઠળના ગિલગિત-બાલ્તિસ્તાન વિસ્તારમાં રહેતા બાકિર હુસૈનની જીંદગી બાગાયત અને ખેતી પર નિર્ભર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંધુ નદીના કિનારે આવેલી તેમની ખેતીલાયક જમીન ઝડપથી નદીમાં સમાઈ રહી છે.
બાકિર, હુન્ઝા જિલ્લાના નાસિરાબાદ તાલુકાના ‘શીના’ વિસ્તારના રહેવાસી છે. તેમનું કહેવું છે કે સિંધુ નદીના કિનારે નદીની માટીમાંથી સોનું કાઢવા માટે ભારે મશીનો મૂકાયાં ત્યારથી જમીનનું ધોવાણ સ્પષ્ટ રીતે વધ્યું છે.
બાકિર કહે છે કે પોતાની ખેતીની જમીનની હદ નક્કી કરવા માટે તેમણે જે પથ્થરો મૂક્યા હતા, તે વિસ્તાર હવે નદીમાં સમાઈ ગયો છે.
તેમના મુજબ, હવે એવું લાગે છે કે દરરોજ તેમની જમીનનો થોડોક ભાગ સિંધુ નદી સાથે વહી રહ્યો છે.
બાકિરના કહેવા મુજબ, આ સ્થિતિ વધુ ચિંતાજનક એટલા માટે છે કે તેમનું ગુજરાન આ જ જમીન પર થતી ખેતી પરથી ચાલે છે.
જોકે શીના વિસ્તારના લોકો માટે આ કોઈ નવી વાત નથી.
તેઓ કહે છે, “મેં સંબંધિત વિભાગોને અરજીઓ પણ આપી છે, પરંતુ કોઈએ મારી વાત સાંભળી નથી.”
તેમનું કહેવું છે કે સિંધુ નદીના કિનારાઓ પર સોનાની શોધ માટે ભારે મશીનોની સંખ્યા વધવા લાગી ત્યારથી તેમની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે.
હવે સ્થિતિ એવી છે કે શીના વિસ્તારની સમગ્ર વસ્તી સ્થાનિક વિલેજ કાઉન્સિલના નેતૃત્વ હેઠળ સિંધુ નદીના કિનારે થઈ રહેલા સોનાના ખનન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહી છે.
વિલેજ કાઉન્સિલના અધ્યક્ષ મુમતાઝ અલીએ બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે આ પરિસ્થિતિના કારણે અત્યાર સુધીમાં સ્થાનિક લોકોની ઓછામાં ઓછી 40 કનાલ ખેતીલાયક જમીન નદીમાં સમાઈ ચૂકી છે.
તેમણે દાવો કર્યો કે સોનું કાઢવા માટે સિંધુ નદીના કુદરતી કિનારાઓને ઘણી જગ્યાએ ખોદીને ઊંડા ખાડા અને તળાવોમાં ફેરવી દેવામાં આવ્યા છે.
મુમતાઝ અલીના જણાવ્યા અનુસાર, આ વિરોધ માત્ર શીના વિસ્તાર સુધી મર્યાદિત નથી. નગર જિલ્લામાં પણ સિંધુ નદીના કિનારે રહેતા લોકો સોનાના ખનન સામે પ્રદર્શન કરી રહ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સિંધુ નદીના કિનારાઓ પરથી પરંપરાગત પદ્ધતિથી સોનું કાઢવાને બદલે ભારે મશીનોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.
ગિલગિત-બાલ્તિસ્તાનના ખનિજ વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સોનાના ખનન માટે ઓછામાં ઓછા 77 લીઝ કરારો આપવામાં આવી ચૂક્યા છે. તેમાંના પાંચ કરારો વિદેશી કંપનીઓને આપવામાં આવ્યા છે, જ્યારે બાકીના સ્થાનિક કંપનીઓને મળ્યા છે.
ખનિજ વિભાગના મહાનિર્દેશક મુહમ્મદ જુબૈરના જણાવ્યા અનુસાર, કાનૂની કરારો હેઠળના ખનન ઉપરાંત ગેરકાયદેસર ખનન પણ થઈ રહ્યું છે. સરકાર અને સંબંધિત વિભાગો આ બાબતે નીતિ તૈયાર કરી રહ્યા છે.
સ્થાનિક લોકોની માગ શું છે?
ઇમેજ સ્રોત, Baqir Ali
ગિલગિત-બાલ્તિસ્તાનના માનવાધિકાર અને પર્યાવરણ કાર્યકર બાબા જાન કહે છે, “અમે કંઈ માંગતા નથી. અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે અમને જીવવાનો અધિકાર આપવામાં આવે. ગિલગિત-બાલ્તિસ્તાન પર્યાવરણના દૃષ્ટિકોણથી અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે.”
તેઓ કહે છે કે જલવાયુ પરિવર્તન અને વધતા તાપમાનના કારણે આ વિસ્તાર પહેલાથી જ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આવા સંજોગોમાં જો મોટાં મશીનો વડે સોનાનું ખનન કરવામાં આવશે, તો સ્થાનિક લોકો માટે સંભવિત વિનાશને અટકાવવો મુશ્કેલ બની જશે.
તેમનો દાવો છે કે થોડા સમય પહેલાં સુધી નદીમાં સોનું કાઢવાની મંજૂરી નહોતી. પરંતુ જ્યારે પંજાબ અને ખૈબર પખ્તૂનખ્વામાં તેના પર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા અને ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરવામાં આવી, ત્યાર પછી મોટી સંખ્યામાં મશીનો ગિલગિત-બાલ્તિસ્તાનના નદીકાંઠાઓ પર પહોંચી ગયાં.
તેમણે કહ્યું કે પહેલાં ‘સોનેવાલ’ કબીલાના લોકો આ કામ હાથથી કરતા હતા. તેઓ માત્ર ફાવડો અને સામાન્ય સાધનોનો ઉપયોગ કરતા હતા, જેના કારણે પર્યાવરણને ખૂબ જ ઓછું નુકસાન થતું હતું. પરંતુ હવે મોટા પાયે વિનાશ શરૂ થઈ ગયો છે.
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો પંજાબ અને ખૈબર પખ્તૂનખ્વામાં આ બાબતે પ્રતિબંધ અને કડકાઈ છે, તો ગિલગિત-બાલ્તિસ્તાનમાં તેની મંજૂરી શા માટે આપવામાં આવી છે?
તેમનું કહેવું છે કે પર્યાવરણીય નુકસાનને ધ્યાનમાં રાખીને સ્થાનિક સમુદાયો સતત તેના વિરોધમાં અભિયાન ચલાવી રહ્યા છે.
તેઓ કહે છે કે હુન્ઝાના શિમશાલ વિસ્તારમાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શનો કરીને ખનન બંધ કરાવ્યું હતું. એવી જ રીતે અન્ય વિસ્તારોમાં પણ આવું થઈ રહ્યું છે.
બુંજી વિસ્તારમાં પુલોને જોખમ
આ મુદ્દે માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ ગિલગિત-બાલ્તિસ્તાન સરકારના વિભાગો પણ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે.
BBCને પ્રાપ્ત થયેલા સરકારી દસ્તાવેજોમાંથી જાણવા મળે છે કે અનેક સરકારી વિભાગો ભારે મશીનો દ્વારા કરવામાં આવતા ખનનથી થઈ શકે તેવા સંભવિત નુકસાન અંગે સરકારને ચેતવણી આપી રહ્યા છે.
સરકારી વિભાગોએ નદીના કિનારાઓના ધોવાણ, સિંધુ નદી પર બનેલા પુલોના પાયા ને થઈ શકે તેવા નુકસાન, નદીના કુદરતી પ્રવાહમાં ફેરફાર, બંધોમાં માટી અને રેતીના સંગ્રહ, તેમજ ગ્લેશિયરો, જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવનને થનારા જોખમો તરફ ધ્યાન દોર્યું છે.
ગયા વર્ષે 27 જૂને અસ્તોર જિલ્લાના બુંજી વિસ્તારના નાયબ તહસીલદારે ખનન પ્રવૃત્તિઓ અંગે એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો હતો.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે સિંધુ નદીના કિનારે ભારે મશીનો વડે મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તેના કારણે નદીના કિનારાઓ સતત ધોવાણનો ભોગ બની રહ્યા છે અને નજીક આવેલા ત્રણ પુલોના પાયા ને નુકસાન પહોંચવાનો ખતરો ઊભો થયો છે, જેમાં બુંજી સસ્પેન્શન બ્રિજ પણ સામેલ છે.
અહેવાલમાં પુલોથી લગભગ 300 ફૂટની પરિધિમાં ચાલી રહેલું તમામ ખોદકામ તાત્કાલિક બંધ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
ત્યારબાદ અસ્તોરના ડેપ્યુટી કમિશનરે બુંજી આરસીસી પુલ, બુંજી સસ્પેન્શન પુલ અને થલાચી આરસીસી પુલથી 300 ફૂટની અંદર ચાલી રહેલી તમામ ખનન પ્રવૃત્તિઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
લગભગ એક મહિના પછી સંચાર અને નિર્માણ વિભાગનો વધુ એક અહેવાલ સામે આવ્યો.
તેમાં જણાવાયું હતું કે બુંજી પુલથી લગભગ 250 ફૂટ દૂર એક ચીની કંપની ખનન કરી રહી છે અને ખનનમાંથી નીકળતો કાટમાળ સિંધુ નદીમાં ફેંકવામાં આવી રહ્યો છે. તેના કારણે નદીના પ્રવાહ પર અસર પડી રહી છે.
અહેવાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેનાથી પુલના થાંભલાને (પિલર) નુકસાન પહોંચી શકે છે. સાથે જ કંપનીને આપવામાં આવેલી એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) રદ કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી.
સરકારી અહેવાલ અનુસાર, નદીના કિનારાઓ અને નદીના તળમાં ભારે મશીનો, હાઇડ્રોલિક સાધનો અને મોટા ડમ્પરો દ્વારા વ્યાપક સ્તરે ખનન કરવામાં આવી રહ્યું છે.
નિર્માણ વિભાગે બુંજી આરસીસી પુલ, થલાચી પુલ અને બુંજી સસ્પેન્શન પુલને ગંભીર અને તાત્કાલિક જોખમ હેઠળ હોવાનું જણાવ્યું હતું.
આ પુલો સ્થાનિક વસ્તી, વેપારી માર્ગો, આપાતકાલીન સેવાઓ તેમજ નોર્ધર્ન લાઇટ ઇન્ફેન્ટ્રીની અવરજવર માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
વિભાગે ખનનને તાત્કાલિક બંધ કરાવવા, ખનન સ્થળોને સીલ કરવા અને નિષ્ણાતોની ઉચ્ચસ્તરીય તકનીકી સમિતિ રચવાની ભલામણ કરી હતી.
બંધો પર કેવો ખતરો છે?
ઇમેજ સ્રોત, Baqir Ali
બુંજી વિસ્તારના પુલોને લઈને વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ ઉપરાંત, વાપ્ડા (WAPDA) એ પણ ખનનના પ્રભાવ અંગે ચેતવણી આપી છે.
30 એપ્રિલ 2026ના રોજ ડાયમેર બંધ પ્રોજેક્ટના અધિકારીઓએ પર્યાવરણ સંરક્ષણ એજન્સીને પત્ર લખીને જાણ કરી હતી કે ચિલાસ નજીક બસરીથી રાઈકોટ સુધીના વિસ્તારમાં સિંધુ નદીના તળમાં મોટા પાયે સોનાનું ખનન થઈ રહ્યું છે.
આ વિસ્તાર પ્રસ્તાવિત બંધના જળાશય ક્ષેત્રમાં આવે છે.
વાપ્ડાએ જણાવ્યું કે ખનનના કારણે નદીનું કુદરતી સ્વરૂપ પ્રભાવિત થઈ રહ્યું છે. સાથે સાથે નદીમાં વહેતી માટી અને રેતીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
આ વધારાની માટી અને રેતી તરબેલા બંધ સહિતની અન્ય જળ પરિયોજનાઓ સુધી પહોંચી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વાપ્ડાએ ચેતવણી આપી હતી કે તેના કારણે જળાશયોની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી શકે છે. વીજળી ઉત્પાદન કરતી મશીનોની કાર્યક્ષમતા અને તેમની આયુષ્ય પર પણ અસર પડી શકે છે.
મોટી રાષ્ટ્રીય જળ પરિયોજનાઓની કુલ આયુષ્ય ઘટી જવાનો પણ ખતરો છે.
તેનો અર્થ એ થાય છે કે બુંજી વિસ્તારમાં થઈ રહેલું ખનન માત્ર સ્થાનિક સ્તરનો મુદ્દો નથી. તેની અસરો નદીના પ્રવાહ સાથે નીચે આવેલા મોટા જળ પ્રોજેક્ટ્સ સુધી પણ પહોંચી શકે છે.
મોટી રાષ્ટ્રીય જળ પરિયોજનાઓની કુલ આયુષ્ય ઘટી જવાનો પણ ખતરો છે.
તેનો અર્થ એ થાય છે કે બુંજી વિસ્તારમાં થઈ રહેલું ખનન માત્ર સ્થાનિક સ્તરનો મુદ્દો નથી. તેની અસરો નદીના પ્રવાહ સાથે નીચે આવેલા મોટા જળ પ્રોજેક્ટ્સ સુધી પણ પહોંચી શકે છે.
પર્યાવરણ એજન્સીની ચેતવણી
ઇમેજ સ્રોત, Baqir Ali
ગિલગિત-બાલ્તિસ્તાન પર્યાવરણ સંરક્ષણ એજન્સી (EPA) એ પણ વ્યાપક ચિંતાઓ વ્યક્ત કરી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ખનિજોની શોધખોળ અને ખનન પ્રવૃત્તિઓમાં અસાધારણ વધારો થયો છે.
EPAનું કહેવું છે કે સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતા પર્યાવરણીય અભ્યાસ અને સુરક્ષા ઉપાયો વિના કરવામાં આવતું ખનન ગંભીર અને સંભવિત રીતે અપૂરણીય પર્યાવરણીય નુકસાન પહોંચાડી શકે છે.
એજન્સીએ જણાવ્યું કે ગિલગિત-બાલ્તિસ્તાન પહેલેથી જ ગ્લેશિયલ તળાવો ફાટવાની ઘટનાઓ, પૂર, વાદળ ફાટવાની ઘટનાઓ, ભૂસ્ખલન, કાટમાળના પ્રવાહો, નદીકાંઠાના ધોવાણ અને પહાડી ઢોળાવોની અસ્થિરતા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.
ખનન, વિસ્ફોટ, રસ્તા નિર્માણ અને જંગલોની સફાઈને કારણે આ જોખમો વધુ વધી શકે છે.
EPAના જણાવ્યા અનુસાર, નદીઓના કિનારાઓ પર અંધાધૂંધ ખોદકામ, નદીના કુદરતી પ્રવાહમાં ફેરફાર અને ખોદકામમાંથી નીકળેલા કાટમાળને ફરી નદીમાં નાખવાને કારણે નદીની પર્યાવરણીય પ્રણાલી (ઇકોસિસ્ટમ) પ્રભાવિત થઈ રહી છે.
તેના કારણે ધોવાણ વધી શકે છે, કુદરતી જળનિકાસ પ્રણાલી અવરોધિત થઈ શકે છે, અસ્થાયી તળાવો બની શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી શકે છે.
એજન્સીનું કહેવું છે કે ખનનથી ઉત્પન્ન થતી માટી અને રેતી જળાશયોમાં જમા થઈને તેમની સંગ્રહ ક્ષમતા તેમજ મોટા જળવિદ્યુત પ્રોજેક્ટોની આયુષ્યને અસર કરી શકે છે.
EPAના જણાવ્યા અનુસાર, ખનિજ વિભાગ અને પર્યાવરણ એજન્સી બંનેને દેખરેખ માટે મર્યાદિત સંસાધનો, ઓછા કર્મચારીઓ અને લૉજિસ્ટિક સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી દુર્ગમ વિસ્તારોમાં ખનનની અસરકારક દેખરેખ રાખવી મુશ્કેલ બની રહી છે.
સરકાર શું કહે છે?
ઇમેજ સ્રોત, Baqir Ali
ગિલગિત-બાલ્તિસ્તાનના પર્યાવરણ, વન અને વન્યજીવ મંત્રી રાજા નાસિરે બીબીસી ઉર્દૂ સાથે વાત કરતાં જણાવ્યું કે સરકાર આ ચિંતાઓથી પરિચિત છે અને આ બાબતે એક ઔપચારિક યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે એક નવી વ્યવસ્થા અને ઑથોરિટી બનાવવામાં આવી રહી છે. તેમાં તમામ હિતધારકો (સ્ટેકહોલ્ડર્સ)ને સામેલ કરવામાં આવશે, જેમાં ખનનમાં રોકાણ કરનાર લોકો પણ સામેલ હશે.
સરકારનું કહેવું છે કે મશીનો વડે સોનાનું ખનન માત્ર એવી જગ્યાઓ પર કરવાની મંજૂરી આપવામાં આવશે જ્યાં તેના કારણે નદી, નદીના કિનારાઓ, સ્થાનિક વસ્તી અને માળખાગત સુવિધાઓને કોઈ નુકસાન ન પહોંચે.
તેમણે જણાવ્યું કે આ સંબંધિત પ્રસ્તાવ સંભવતઃ મંત્રિમંડળ (કેબિનેટ)ની પ્રથમ બેઠકમાં રજૂ કરવામાં આવશે.
રાજા નાસિરના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં મશીનો દ્વારા ખનનની મંજૂરી માત્ર સુરક્ષિત સ્થળોએ જ આપવામાં આવશે.
તેમણે કહ્યું, “અમારા માટે સૌથી મહત્ત્વની બાબત લોકોના જીવન, સંપત્તિ અને પર્યાવરણની સુરક્ષા છે. ગિલગિત-બાલ્તિસ્તાન પહેલેથી જ જલવાયુ પરિવર્તનથી ગંભીર રીતે પ્રભાવિત છે અને વર્તમાન સરકાર તેના સંરક્ષણને પ્રાથમિકતા આપે છે.”
તેમણે આ પણ જણાવ્યું કે પરંપરાગત પદ્ધતિથી હાથ વડે સોનું કાઢતા ‘સોનેવાલ’ કબીલાઓને પણ આ વ્યવસ્થામાં સ્થાન આપવું પડશે, કારણ કે આ તુલનાત્મક રીતે વધુ સારો વિકલ્પ છે.
તેમણે આશા વ્યક્ત કરી કે નવી સરકારે આ મુદ્દાને પોતાની પ્રાથમિકતાઓમાં સામેલ કર્યો છે. તેથી આવનારા સમયમાં પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે.
એક પ્રશ્નના જવાબમાં તેમણે સ્વીકાર્યું કે સ્થાનિક લોકોની આ ફરિયાદ યોગ્ય છે કે છેલ્લા બે વર્ષોમાં સિંધુ નદીના કિનારાઓ પર મશીનોની સંખ્યા રેકૉર્ડ સ્તર સુધી વધી ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




