Home તાજા સમાચાર gujrati સુભાષ ચંદ્રનું ₹22,000 કરોડનું દેવું માફ, હવે માત્ર ₹6.5 કરોડ જ ચૂકવવાના...

સુભાષ ચંદ્રનું ₹22,000 કરોડનું દેવું માફ, હવે માત્ર ₹6.5 કરોડ જ ચૂકવવાના – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

સુભાષ ચંદ્રનું ₹22,000 કરોડનું દેવું માફ, હવે માત્ર ₹6.5 કરોડ જ ચૂકવવાના – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @subhashchandra

પ્રકાશિત

વાંચવાનો સમય: 7 મિનિટ

બાર ઍન્ડ બેન્ચના અહેવાલ મુજબ, એસ્સેલ ગ્રૂપના સંસ્થાપક સુભાષ ચંદ્રના વિવિધ કરજદાતાઓને એક રિપેમેન્ટ યોજના હેઠળ તેમના મૂળ દાવાનો માત્ર 0.028 ટકા ભાગ જ પાછો મળવાની આશા છે. આ યોજનાને નૅશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (એનસીએલટી) દ્વારા બહુમતીના આધારે મંજૂરી આપવામાં આવી છે.

બીજી તરફ, સમાચાર સંસ્થા પીટીઆઈના હવાલાથી મનીકન્ટ્રોલે અહેવાલ આપ્યો છે કે એનસીએલટીએ સુભાષ ચંદ્રા દ્વારા ₹6.5 કરોડના ચુકવણીના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે તેમને ₹22,006 કરોડના બાકી દાવાઓ સામે માત્ર આટલી જ રકમ ચૂકવવી પડશે.

મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ, આ મામલો હવે બહુમતીના નિર્ણય અનુસાર ઔપચારિક આદેશ માટે મૂળ ડિવિઝન બેન્ચ સમક્ષ મોકલવામાં આવશે.

અહેવાલમાં જણાવાયું છે કે, “એનસીએલટીના ઇન્સૉલ્વન્સી ટ્રિબ્યૂનલ (દેવાળિયા ન્યાયાધિકરણ)એ એક રિપેમેન્ટ યોજનાને મંજૂરી આપી છે.”

“આ યોજના હેઠળ મીડિયા ઉદ્યોગપતિ સુભાષ ચંદ્ર, કરજદાતાઓના આશરે ₹22,006.57 કરોડના મંજૂર દાવાઓના સમાધાન માટે માત્ર ₹6.5 કરોડની જ ચુકવણી કરશે.”

બાર ઍન્ડ બેન્ચે શું જણાવ્યું?

બાર ઍન્ડ બેન્ચના જણાવ્યા મુજબ, વર્ષ 2022થી સુભાષ ચંદ્ર સામે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા દિવાળિયા જાહેર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

કરજને બૅડ લોન (NPA)માં પરિવર્તિત થયા બાદ, ઇન્ડિયાબુલ્સે વર્ષ 2022માં ચંદ્રા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવા માટે એનસીએલટીનો સંપર્ક કર્યો હતો. આ અરજીને વર્ષ 2024માં સ્વીકારવામાં આવી હતી.

બાર ઍન્ડ બેન્ચના અહેવાલ અનુસાર, અનેક બૅન્કો અને નાણાકીય સંસ્થાઓએ આ યોજનાનો વિરોધ કર્યો હતો.

એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સે દલીલ કરી હતી કે તેને ₹1,322.39 કરોડના મંજૂર દાવા સામે માત્ર ₹38.09 લાખ જ મળશે.

નેપાળમાં મૃતકોની સંખ્યા વધીને 350 ઉપર પહોંચી, લગભગ હજારથી વધારે લાપતા

નેપાળમાં મૃતકોની સંખ્યા વધીને 332 પહોંચી, લગભગ હજારથી વધારે લાપતા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

નેપાળ પોલીસે હાલમાં એક અપડેટ આપતા જણાવ્યું છે કે દેશમાં અત્યારસુધી 359 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેનેટ ઑથોરિટી (એનડીઆરઆરએમએ) અનુસાર, પૂર બાદ 910 લોકો લાપતા છે અને તેમની સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો.

આ લાપતા લોકોમાં 517 વિદેશી નાગરિકો, નેપાળ સેનાના 44 સભ્યો અને નેપાળ પોલીસના 28 અધિકારીઓ સામેલ છે.

એનડીઆરઆરએમએનું કહેવું છે કે અત્યારસુધી 258 મૃતદેહો મળી આવ્યા છે જ્યારે કે 351 લોકોને બચાવાયા છે.

નેપાળમાં ફસાયેલા 21 ભારતીયોને બચાવાયા, 288નો હજુ સંપર્ક નથી

નેપાળમાં ફસાયેલા 21 ભારતીયોને બચાવાયા, 288નો હજુ સંપર્ક નથી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન નેપાળમાં ફસાયેલા 21 ભારતીયોને સુરક્ષિત બચાવી લેવાયા છે.

તેમના જણાવ્યા પ્રમાણે આ લોકો તામિલનાડુના રહેવાસી છે.

રણધીર જયસ્વાલે ઍક્સ પર એક પોસ્ટમાં આ લોકોનાં નામ પણ જણાવ્યાં છે.

રણધીર જયસ્વાલે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે નેપાળમાં પૂર આવવાને કારણે ત્યાં 288 ભારતીયોનો સંપર્ક નથી થઈ શક્યો.

જેમાં 73 લોકો ત્રિશુલી-1 પાવર પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા હતા. નેપાળમાં ભારતીય દૂતાવાસ આ પ્રોજેક્ટના પ્રમુખ સાથે સતત સંપર્કમાં છે.

રણધીર જયસ્વાલ અનુસાર, “તેમના સિવાય કૈલાશ-માનસરોવરની યાત્રા પર ગયેલા તામિલનાડુનાં બે ગ્રૂપો સાથે સંપર્ક નથી થઈ રહ્યો. જે પૈકી એક ગ્રૂપમાં 37 અને બીજામાં 49 ભારતીય છે. જ્યારે કે પશ્ચિમ બંગાળના 32 લોકો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેઓ પૂરથી અસરગ્રસ્ત રસુઆ જિલ્લાના તિમુરેમાં હતા.”

તેમણે કહ્યું કે ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં 61 લોકો સાથે સંપર્ક નથી થઈ શક્યો જેમાં 33 લોકો કેરળથી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે પૂરને કારણે કૈલાશ-માનસરોવર યાત્રા પર ગયેલા લગભગ 200 ભારતીય ચીન તરફ પણ ફસાયેલા છે.

નેપાળમાં ભયંકર પૂરને કારણે મરનારાની સંખ્યા 270 થઈ

નેપાળમાં ભયંકર પૂરને કારણે મરનારાની સંખ્યા 270 થઈ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Prabin RANABHAT / AFP via Getty Images

નેપાળમાં પૂરને કારણે મરનારાની સંખ્યા 270 થઈ છે. નેપાળ પોલીસે સોશિયલ મીડિયા મારફતે આ અપડેટ આપ્યું છે. જેમાં કહ્યું છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 270 મૃતદેહો પ્રાપ્ત થયા છે.

નેપાળમાં બુધવારે આવેલા પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગંભીર સ્થિતિ પેદા થઈ છે. અહીં સેંકડો લોકો લાપતા છે.

નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક ડિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટી અનુસાર, લાપતા લોકોમાં સુરક્ષાદળોના જવાનો, પર્યટકો અને સામાન્ય નાગરિકો પણ સામેલ છે.

ઘણા વિસ્તારમાં પુલો અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. નેપાળમાં આ દુર્ઘટનાને કારણે થયેલા નુકસાનની ભયંકર તસવીરો સામે આવી રહી છે. 800થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાઈ રહ્યું છે.

નેપાળને ‘સમયસર ઍલર્ટ ન કરવાના’ આરોપ પર ચીને શું જવાબ આપ્યો?

26 ઑગસ્ટ, 2026ના રોજ નેપાળની ભોટેકોશી નદીમાં બુધવારે આવેલા અચાનક પૂરે ત્રણ જિલ્લામાં ભારે વિનાશ વેર્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

નેપાળની ભોટેકોશી નદીમાં બુધવારે આવેલા અચાનક પૂરે ત્રણ જિલ્લામાં ભારે વિનાશ વેર્યો છે.

આ આપત્તિમાં અત્યાર સુધી 160થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે સુરક્ષા દળોના જવાનો અને વિદેશી પ્રવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હજુ ગુમ છે.

નેપાળ અને ચીન વચ્ચે હવામાન સંબંધિત માહિતીના આદાન-પ્રદાનની વ્યવસ્થા હોવા છતાં આ ઘટનાની અગાઉથી કોઈ જાણકારી મળી નહોતી. નેપાળના જળ અને હવામાન વિજ્ઞાન વિભાગે આ માહિતી આપી છે.

જોકે, નેપાળમાં આવેલા ચીનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા તે દાવાને ફગાવ્યા છે, જેમાં કહેવાયું હતું કે ચીને નેપાળને આ આપત્તિ વિશે અગાઉથી ચેતવણી આપી નહોતી, જેના કારણે આટલી મોટી તબાહી સર્જાઈ.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કરાયેલી એક પોસ્ટમાં ચીની દૂતાવાસે આ સમાચારને ખોટા ગણાવ્યા અને લખ્યું, “26 ઑગસ્ટે નેપાળમાં ભૂકંપ અથવા હિમનદી ધસી પડવાના કારણે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ, જેના પરિણામે ભૂસ્ખલન થયું અને અનેક લોકોનાં મોત થયાં. આ ઘટનાના કારણે નેપાળ અને ચીન બંને તરફના ઘણા લોકો ગુમ થયા છે.”

બુધવારની આ ઘટનાના થોડા કલાકો બાદ ચીનના વડા પ્રધાન લી ચિયાંયે તિબેટમાં થયેલી આ આપત્તિમાં ભારે નુકસાન થયાની વાત કહી હતી અને રાહત તથા બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો.

નેપાળમાં પૂર શા માટે આવ્યું તે અંગે હવામાન વિભાગ પણ હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ આપી શક્યો નથી.

ચીની દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું, “રસુવા-ગ્યિરોંગ સીમા વિસ્તારમાં આવેલા અચાનક પૂર પર ચીનને અત્યંત દુઃખ છે અને તે નેપાળને શક્ય તમામ સહાય પૂરી પાડશે.”

“પ્રારંભિક માહિતી અનુસાર, નેપાળ તરફ આવેલા ભૂકંપના કારણે હિમસ્ખલન અને કાટમાળનો પ્રવાહ સર્જાયો હતો, જેના પરિણામે સરહદની બંને બાજુ લોકોનાં મોત થયાં અને ઘણા લોકો ગુમ થયા છે.”

ચીની દૂતાવાસે વધુમાં જણાવ્યું, “ભવિષ્યમાં હવામાન, જળવિજ્ઞાન અને ભૂગર્ભીય જોખમો સંબંધિત માહિતીના વધુ અસરકારક આદાન-પ્રદાન માટે, ખાસ કરીને સરહદ પાર થતી આપત્તિઓના સંદર્ભમાં બંને દેશો વચ્ચેનો સમન્વય વધુ મજબૂત કરાશે.”

“નેપાળ અને ચીન પડોશી દેશો છે અને ભૌગોલિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે.”

“તેથી આ આપત્તિમાંથી પાઠ લઈને બંને દેશોએ પોતાની તૈયારી વધુ મજબૂત કરવી જોઈએ, જેથી સરહદની બંને બાજુના લોકોના જીવન અને સંપત્તિનું વધુ સારું રક્ષણ થઈ શકે.”

અમેરિકામાં મોહન ભાગવતના વિઝા રદ કરવાની માગ કોણે અને શા માટે કરી?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત

ઇમેજ સ્રોત, Punit PARANJPE / AFP via Getty Images

યુએસ કમિશન ઑન ઇન્ટરનૅશનલ રિલિજિયસ ફ્રીડમ (યુએસસીઆઇઆરએફ)એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતના અમેરિકા પ્રવાસ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

આ આયોગે બુધવારે અમેરિકી સરકારને મોહન ભાગવતનો વિઝા રદ કરવાની અને ભવિષ્યમાં તેમને અમેરિકા પ્રવેશ માટે અયોગ્ય જાહેર કરવાની માગ કરી છે.

યુએસસીઆઇઆરએફે પોતાના નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે “આરએસએસ સાથે સંકળાયેલાં સંગઠનોના સભ્યોએ ભારતમાં ખ્રિસ્તીઓ, દલિતો, મુસ્લિમો અને શીખો સહિતના ધાર્મિક લઘુમતી સમુદાયો વિરુદ્ધ હિંસક હુમલા કર્યા છે.”

આયોગ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિઓ આરએસએસની હિંદુત્વ વિચારધારા સાથે નજીકથી જોડાયેલી છે અને તેની અસર ધાર્મિક લઘુમતી સમુદાયો પર ‘ભેદભાવપૂર્ણ’ રીતે પડે છે.

યુએસસીઆઇઆરએફના ચેરપર્સન આસિફ મહમૂદે કહ્યું, “ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ સતત બગડી રહી છે અને ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવવા માટે હિંસા તેમજ ઉશ્કેરણીજનક ગતિવિધિઓનો ઉપયોગ કરાઈ રહ્યો છે.”

તેમણે અમેરિકન સરકારને આરએસએસના સભ્યો અને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનમાં કથિત રીતે સંડોવાયેલા ભારતીય અધિકારીઓ પર લક્ષિત પ્રતિબંધો (ટાર્ગેટેડ સેન્ક્શન) લાદવાની અપીલ પણ કરી હતી.

આયોગે ભારત સરકાર પર ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ થતી ટોળાશાહી હિંસાને રોકવામાં, તેની તપાસ કરવામાં અને દોષિતોને સજા અપાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો છે.

યુએસસીઆઇઆરએફે એવો પણ આરોપ લગાવ્યો છે કે આસામમાં એનઆરસી અને સીએએ હેઠળ ‘મુસ્લિમ નાગરિકોને બળજબરીપૂર્વક બહાર કરાઈ’ રહ્યા છે.

યુએસસીઆઇઆરએફનાં વાઇસ ચેરપર્સન સી.સી. હેલે જણાવ્યું, “અમેરિકન સરકાર પાસે ભારતને જવાબદાર ઠેરવવાની અને એ સંદેશ આપવાની તક છે કે અમેરિકા ભારતના લોકોની ધાર્મિક સ્વતંત્રતાના સમર્થનમાં ઊભું છે.”

આયોગે પોતાની 2026ના વાર્ષિક અહેવાલમાં અમેરિકાના વિદેશ વિભાગને ભારતને ‘કન્ટ્રી ઑફ પાર્ટિક્યુલર કન્સર્ન’ (એવો દેશ જ્યાં ધાર્મિક સ્વતંત્રતાનાં ગંભીર ઉલ્લંઘન થતાં હોય) તરીકે જાહેર કરવાની ભલામણ પણ કરી છે.

નેપાળમાં પૂરને લીધે અબજો રૂપિયાનું નુકસાન

નેપાળમાં બુધવારે આવેલા ભયાનક પૂરના લીધે માર્ગો અને પુલોને ભારે નુકસાન થયું છે

ઇમેજ સ્રોત, Sunil Pradhan/Anadolu via Getty Images

નેપાળમાં બુધવારે આવેલા ભયાનક પૂરના લીધે માર્ગો અને પુલોને ભારે નુકસાન થયું છે. પ્રારંભિક અંદાજ મુજબ, આ પૂરના કારણે આશરે 15 અબજ નેપાળી રૂપિયાનું નુકસાન થયું છે.

માર્ગ વિભાગના મહાનિદેશક વિજય જૈસીએ બીબીસી નેપાળી સાથે વાતચીત દરમિયાન આ માહિતીની પુષ્ટિ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે પૂરના કારણે અત્યાર સુધીમાં 19 પુલ અને લગભગ 40 કિલોમીટર માર્ગને નુકસાન થયું છે. તેમના જણાવ્યા મુજબ, નુકસાનનો અંદાજ હાલમાં પ્રારંભિક તબક્કામાં છે અને તેમાં વધુ વધારો થવાની શક્યતા છે.

પુલોને નુકસાન પહોંચતાં અનેક વિસ્તારોમાં માર્ગ-સંપર્ક ખોરવાઈ ગયો છે. સંપર્ક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુરુવારથી બેલી બ્રિજ (સ્ટીલથી બનેલો હંગામી અને મૉડ્યુલર પુલ) સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

વિજય જૈસીએ જણાવ્યું કે નેપાળ પાસે બેલી બ્રિજ ઉપલબ્ધ છે. ઉપરાંત, ભારત અને ચીનને પણ બેલી બ્રિજ ઉપલબ્ધ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.

નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલા પૂરના કારણે દેશના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે તબાહી થઈ છે.

નેપાળમાં સરકારી અધિકારીઓ અનુસાર પૂરમાં ઓછામાં ઓછા 157 લોકોનાં મૃત્યુ થયાં છે અને સેંકડો લોકો ગુમ છે.

રાહત અને બચાવકાર્ય ચાલુ છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

અત્યાર સુધી વહીવટી તંત્ર અનુસાર 404 લોકો ગુમ છે જેમાંથી 341 વિદેશી નાગરિકો છે. ગુમ થયેલા લોકોમાં અનેક ભારતીયો પણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS