Source : BBC NEWS
Gujarat Police
વાંચવાનો સમય: 3 મિનિટ
સુરતમાં તાજેતરમાં દિવાળીના તહેવારો દરમિયાન વધુ એક મર્ડરની ઘટના નોંધાઈ હતી. જેમાં આદિવાસી યુવક અનિલભાઈ રાઠોડનું એક પાર્ટી પ્લોટમાં ‘થાંભલા સાથે બાંધી લાકડાના ફટકા’ મારતાં મોત નીપજ્યું હોવાનો આરોપ થયો છે.
પોલીસે કેસ અંગે આપેલી વિગતો અનુસાર, આ સમગ્ર બનાવ ગત 11 નવેમ્બરના રોજ સવા સાત વાગ્યે બન્યો હતો.
સ્થાનિક પોલીસે આ મામલે છ આરોપીઓની ધરપકડ કરી હતી, હાલ આ તમામ આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે.
આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 (1), 140 (1), 127 (2), 189(2), 190, 191 (2), 191 (3) તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989ની કલમ 3(2)(5), 3(2)(5-એ) અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
‘ઘાસ કાપવા આવેલા આદિવાસી યુવાનો પર ચોર હોવાની શંકા રાખી માર મરાયો’
Gujarat Police
સમગ્ર કેસની તપાસ કરી રહેલા સુરત જે ડિવિઝનના ડીવાયએસપી સુનીલ ટરડે જણાવે છે કે, “બનાવના દિવસે અનિલભાઈ રાઠોડ અને તેમના મિત્ર નીલેશ ઉર્ફે ગોપાલ રાઠોડ એક પાર્ટી પ્લોટમાં ઘાસ કાપી લઈ જવા માટે પહોંચ્યા હતા. જોકે, આ પાર્ટી પ્લોટના માલિકોએ તેમને પાર્ટી પ્લોટમાં પડેલા ભંગારની ચોરી કરવા આવેલા હોવાની શંકા રાખી તેમને પકડી લીધા હતા.”
પોલીસે આ મામલે જાહેર કરેલી પ્રેસ નોટમાં આપેલી માહિતી અનુસાર, “ક્રિષ્ના સેવન સ્ટાર પાર્ટી પ્લોટમાં ઘાસ કાપવા બાબતે આરોપી વિજય ઉર્ફે સોનુ, અભિષેક, સુજિત, સુમીત, મહેન્દ્ર અને રાહુલ નામના માણસોએ ભેગા મળી ટોળકી બનાવી મરણ જનાર અનિલભાઈ અને ભોગ બનનાર નીલેશ રાઠોડ પર ચોરી કરવા આવેલ હોવાની શંકા રાખી હતી.”
પ્રેસ નોટ પ્રમાણે, “આ શક-વહેમ રાખીને આરોપીઓએ બંનેને જાતિસૂચક, ગંદી ગાળો આપી સણિયા કણદે ગામમાં આવેલા ક્રિષ્ના સેવન સ્ટાર પાર્ટી પ્લોટથી ગાડીમાં અપહરણ કરીને કરાડવા ગામમાં આવેલ રાધેક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા.”
“ત્યાં બંનેને પાર્ટી પ્લોટના ડોમના થાંભલા સાથે બાંધી, લાકડાના ફટકા અને ઇલેક્ટ્રિક સર્વિસ વાયર વડે શરીરે ઢોર માર મારીને નીલેશને શરીરે ઈજા પહોંચાડેલ અને અનિલ રાઠોડનું મૃત્યુ નિપજાવી દીધું હતું. બાદમાં આરોપીઓ નાસી છૂટ્યા હતા.”
આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
કેવી રીતે પકડાયા આરોપી?
પ્રેસ નોટમાં આપેલી વિગતો અનુસાર, ડીંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએલ વાઘેલાએ સર્વેલન્સ સ્ક્વૉડના માણસોની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટૅક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને શોધી કાઢવાના કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની આ ટીમે આરોપીઓને ‘ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરી’ આ ગુના બાબત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કેસના તપાસ અધિકારી ડીવાયએસપી સુનીલ ટરડેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “પોલીસે બનાવના બીજા જ દિવસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મરણ જનાર અને ભોગ બનનાર બંને આરોપીઓના પાર્ટી પ્લોટ પર ઘાસ કાપવા માટે પહોંચ્યા હતા, પરંતુ આરોપીઓએ તેમના પર ચોરી કરવા આવ્યા હોવાની શંકા રાખી અને ક્રૂર માર માર્યો હતો. જે બાદ અનિલ રાઠોડનું મૃત્યુ થયું.”
“છ આરોપીઓ સિવાય અન્ય કોઈની ધરપકડ નથી કરાઈ, તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા, બાદમાં કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. હાલ, આ કેસમાં તપાસ ચાલી રહી છે.”
પોલીસે યોજેલી એક પત્રકારપરિષદમાં ડીવાયએસપી ટરડેએ આ અંગે વધુ વિગતો આપી હતી અને કહ્યું હતું કે, “ભોગ બનનાર અને મરણ જનારને દોરડા વડે બાંધીને માર મારવામાં આવ્યો હતો, હાલ, અમે એ દોરડો ઘટનાસ્થળેથી કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ગુનાના કામમાં અન્ય કોઈ વ્યક્તિની સામેલગીરી જણાઈ નથી, છતાં તપાસ ચાલી રહી છે.”
આ સમગ્ર મામલામાં આરોપો અંગે આરોપી પક્ષના વકીલ અથવા પરિવારજનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. સંપર્ક થતાં જ તેમનો પક્ષ આ અહેવાલમાં અપડેટ કરાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




