Source : BBC NEWS
ઇમેજ સ્રોત, AFP via Getty Images
સોનિયા ગાંધી 1998માં ભારતના મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યાં, ત્યારે તેઓ એક એવાં રાજકીય નેતા હતાં, જેમના રાજકારણમાં પ્રવેશની બહુ શક્યતા જણાતી નહોતી.
ઇટાલીમાં જન્મેલાં અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનાં વિધવા, સોનિયા ગાંધીએ વર્ષો સુધી રાજકીય ઝાકઝમાળથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. ત્યાર પછી તેમણે એવી પાર્ટીની જવાબદારી સંભાળી, જે સ્વતંત્ર ભારતના મોટા ભાગના સમયગાળા દરમિયાન દેશની રાજનીતિમાં પ્રબળ રહી હતી.
તેમના શરૂઆતના મહિનાઓમાં, ‘ઇન્ડિયા ટુડે’ સામયિકે સોનિયા ગાંધીને “તેમના પક્ષના નેતાઓ માટે હજી પણ એક રહસ્ય સમાન” ગણાવ્યાં હતાં. તેઓ “અગમ્ય” હતાં, સુરક્ષાના ચુસ્ત ઘેરામાં જાહેરજીવનથી દૂર રહેતાં હતાં અને “વિચિત્ર લહેકા સાથે બોલાતી ટૂંકી અને માર્મિક વાતો” માટે જાણીતાં હતાં.
પરંતુ તેમના આ ઓછાબોલા સ્વભાવની પાછળ, સામયિકે એક એવા રાજકારણીને ઓળખી કાઢ્યા હતા, જે સત્તાનો ઉપયોગ કેવી રીતે કરવો તે પહેલેથી જ શીખી રહ્યાં હતાં.
તેઓ પરસ્પર વિરોધી દલીલો સાંભળતાં, માહિતી એકત્ર કરતાં અને પછી પોતાનો નિર્ણય લેતાં. તેણે અહેવાલમાં જણાવેલું, “નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોઈને બાકાત રાખવામાં આવતા નથી અને કોઈનો અવાજ દબાવવામાં આવતો નથી. પરંતુ આખરે નિર્ણય તો તેમનો જ માનવામાં આવે છે.”
ત્રણેક દાયકા વીતી ગયા છે. આ દરમિયાનની તેમની રાજકીય સફરે તેમને શરૂઆતમાં રાજકારણથી દૂર રહેનારી એક બહારની વ્યક્તિમાંથી કૉંગ્રેસની સૌથી શક્તિશાળી વ્યક્તિ બનાવી દીધાં છે. કૉંગ્રેસ ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટી છે. હવે સોનિયા ગાંધી પોતે પોતાની આ સફરની વાત કરી રહ્યાં છે.
આત્મકથા ‘હૃદયની સફરની સાક્ષી બને’: સોનિયા ગાંધી
ઇમેજ સ્રોત, William Collins
79 વર્ષીય સોનિયા ગાંધીના જીવનમાં વ્યક્તિગત સ્તરે અસાધારણ દુઃખદ પ્રસંગો આવ્યા છે: તેમનાં સાસુ ઇન્દિરા ગાંધીને તેમના અંગરક્ષકોએ ગોળી મારી ત્યારે તેઓ તેમને લઈને હૉસ્પિટલ ધસી ગયાં હતાં, અને સાત વર્ષ પછી આત્મઘાતી હુમલાખોરે તેમના પતિ રાજીવ ગાંધીની હત્યા કરી ત્યારે તેઓ તેમના પાર્થિવ દેહને ઘરે લઈ આવ્યાં હતાં.
તેમની આત્મકથા ‘બિલૉંગિંગ: એ જર્ની ઑફ લવ’ નવેમ્બરમાં અમેરિકામાં અલ્ફ્રેડ એ. નોપ્ફ અને બ્રિટનમાં વિલિયમ કોલિન્સ દ્વારા પ્રકાશિત થવાની છે. ભારતમાં આ પુસ્તક સૌથી વધુ ચર્ચાસ્પદ અને ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહેલાં રાજકીય પુસ્તકોમાંનું એક બનવાની શક્યતા છે.
અલ્ફ્રેડ એ. નોપ્ફ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં ગાંધી કહે છે કે તેઓ ઇચ્છે છે કે આ આત્મકથા “મારા જીવનને ઘડનારાં હૃદયસ્પર્શી આનંદ અને ઘોર નિરાશામાંથી પસાર થયેલી મારી હૃદયની સફરની સાક્ષી બને.”
વિલિયમ કોલિન્સના જણાવ્યા અનુસાર, પુસ્તકની શરૂઆત 1965માં કૅમ્બ્રિજથી થાય છે, જ્યાં 19 વર્ષીય ઇટાલિયન વિદ્યાર્થિની સોનિયા માઇનો ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના પૌત્ર રાજીવ ગાંધીના પ્રેમમાં પડે છે.
પ્રકાશકોના જણાવ્યા અનુસાર, આ “ઘણાં રહસ્યો પરથી પડદો ઉઠાવતું” વર્ણન છે. પોતાના ઓછાબોલા સ્વભાવ માટે જાણીતાં સોનિયા ગાંધી આ પુસ્તકમાં પ્રેમ, દેશનિકાલ, રાજકીય સત્તા અને જીવનને હચમચાવી નાખનારાં અંગત દુઃખોની પોતાની જીવન પર પડેલી અસર વિશે “હૂંફ અને નિખાલસતા” સાથે વાત કરે છે. ઇટાલીના એક નાનકડા શહેરમાં વિતાવેલા બાળપણથી શરૂ થયેલી તેમની આ સફર અણધારી રીતે ભારતીય રાજકારણના કેન્દ્ર સુધી પહોંચી હતી.
ઇમેજ સ્રોત, Keystone/Getty Images
આ આત્મકથા ભારતમાં પ્રકાશનને કારણે ચાલી રહેલા વિવાદનું કારણ પણ બની છે.
પૅંગ્વિન રૅન્ડમ હાઉસ ઇન્ડિયાએ હસ્તપ્રતના કેટલાક ભાગમાં ફેરફાર કરવા માગ્યા હોવાના અહેવાલો આવ્યા હતા. ત્યાર પછી કૉંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સરકારની ટીકા કરતા કેટલાક અંશો બદલવા માટે પ્રકાશક પર રાજકીય દબાણ કરવામાં આવ્યું હતું. પૅંગ્વિને આ આક્ષેપને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે “સંબંધિત ચર્ચાઓ” ચાલી રહી હતી ત્યારે પણ તે “આ પુસ્તક પ્રકાશિત કરવા માટે ઉત્સુક અને તત્પર હતું”.
પરંતુ વાચકોને કેવળ એક યુવાન વિદેશી મહિલા ભારતના સૌથી શક્તિશાળી રાજકીય પરિવારમાં કેવી રીતે પરણીને આવ્યાં, તેની કહાણી પૂરતો જ રસ નહીં હોય.
તેઓ આધુનિક ભારતીય રાજકારણના કેટલાક સૌથી મોટા વણઉકેલાયેલા પ્રશ્નોના જવાબો પણ જાણવા માગશે: સોનિયા ગાંધી રાજકારણમાં શા માટે આવ્યાં? અને આઠ વર્ષ સુધી સત્તાથી બહાર રહ્યા પછી 2004માં કૉંગ્રેસ ફરી સત્તા પર આવી ત્યારે પડદા પાછળ ખરેખર શું બન્યું હતું?
સોનિયાના જીવનનાં મોટાં રહસ્યો જાણવા માગશે વાચક
ઇમેજ સ્રોત, Getty Images
સૌથી મોટું રહસ્ય કદાચ એ છે કે સોનિયા ગાંધીએ પોતાની પાર્ટી અને સાથી પક્ષોનું સંપૂર્ણ સમર્થન હોવા છતાં વડાં પ્રધાન બનવાનો કેમ ઇન્કાર કર્યો અને તેને બદલે ભારતના આર્થિક ઉદારીકરણના શિલ્પી મનમોહનસિંહને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા.
“મને લાગે છે કે આ ખરેખર સૌથી મોટો અનુત્તરિત પ્રશ્ન છે. તેઓ સહેલાઈથી વડાં પ્રધાન બની શક્યાં હોત-તેમને પોતાની પાર્ટી અને સાથી પક્ષોનું સંપૂર્ણ સમર્થન હતું, અને રાષ્ટ્રપતિ ભવન તરફથી તેમને સરકાર રચવા આમંત્રણ આપતો પત્ર પણ તૈયાર હતો,” પત્રકાર અને લેખિકા નીરજા ચૌધરી કહે છે.
પૂર્વ કૉંગ્રેસ નેતા અને વિદેશમંત્રી નટવરસિંહે પોતાનાં સંસ્મરણોમાં લખ્યું હતું કે સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી પોતાનાં માતા વડાં પ્રધાન બને તેના “સખત વિરોધમાં” હતા. તેમને ભય હતો કે તેમનાં માતાનો અંજામ પણ તેમનાં દાદી અને પિતાના જેવો જ આવશે.
નટવરસિંહે લખ્યું હતું કે રાહુલે તેમને રોકવા માટે “કોઈ પણ શક્ય પગલું” ભરવાની તૈયારી દર્શાવી. ત્યારે મામલો “ચરમ સીમાએ” પહોંચ્યો. શું સોનિયા ગાંધીની આત્મકથા આ અસાધારણ નિર્ણય પર કોઈ નવો પ્રકાશ પાડશે-કે પડદા પાછળ ખરેખર શું બન્યું હતું તેનું તદ્દન અલગ બયાન રજૂ કરશે?
ઇમેજ સ્રોત, Universal Images Group via Getty Images
કારણ ગમે તે હોય, તેમના આ નિર્ણયે ભારતીય રાજકારણને બદલી નાખ્યું. પણ આ નિર્ણય એક મોટું રહસ્ય છે: સોનિયા ગાંધી આખરે રાજકારણમાં આવ્યાં શા માટે?
તેમણે વર્ષો સુધી રાજકીય કારકિર્દીથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો. 1991માં રાજીવ ગાંધીની હત્યા પછી પણ તેઓ મોટા ભાગે જાહેરજીવનથી દૂર રહ્યાં. પણ 1990ના દાયકામાં કૉંગ્રેસનો પ્રભાવ ઘટતો ગયો ત્યારે, તેઓ 1997માં પાર્ટીમાં જોડાયાં અને એક વર્ષ કરતાં ઓછા સમયમાં તેના અધ્યક્ષ બની ગયાં.
તે સમયે તેમના હરીફો તેમને ઓછા આંકતા હતા. ડિસેમ્બર 1998માં ‘ઇન્ડિયા ટુડે’એ અહેવાલ આપ્યો હતો કે શરૂઆતમાં વિરોધ પક્ષના અગ્રણી નેતાઓ તેમને માત્ર “ગૃહિણી” અથવા “ઇટાલિયન અજાયબી” કરતાં વધુ કંઈ માનતા નહોતા. પણ થોડા જ મહિનાઓમાં તેમણે પોતાની પાર્ટીમાં પરિવર્તન લાવવાનું શરૂ કરી દીધું હતું. કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કબૂલ્યું હતું: “આ મહિલા આવો ચોંકાવનારો ફેરફાર લાવી શકે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું.”
સામયિકને તો પહેલેથી જ એક પ્રભાવશાળી રાજકીય નેતાની ઝલક દેખાઈ રહી હતી. તેણે સોનિયા ગાંધીનું વર્ણન “મખમલનાં મોજાં નીચેનો લોખંડી પંજો” ધરાવતી વ્યક્તિ તરીકે કર્યું હતું અને નોંધ્યું હતું કે તેઓ “હિમાલય જેવાં અહંકારને સાવ તળેટી સુધી લઈ લાવવાનું” જાણતાં હતાં.
અને પછી આવે છે એ કરુણ ઘટનાઓ, જેણે તેમની રાજકીય કારકિર્દી માટે માર્ગ મોકળો કર્યો.
ઇમેજ સ્રોત, AFP via Getty Images
1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી સોનિયાએ પોતાના પરિવારને બદલાતો જોયો હતો. સાત વર્ષ બાદ આત્મઘાતી હુમલાખોરના હુમલામાં તેમણે રાજીવને ગુમાવ્યા. આ બંને હત્યાઓએ ભારતીય રાજકારણની દિશા બદલી નાખી — અને તેમનું પોતાનું જીવન પણ.
આ વર્ષો વિશે તેઓ શું કહેશે? રાજીવની રાજકીય કારકિર્દી વિશે, જેનો તેમણે સખત વિરોધ કર્યો હતો? પોતાનાં બાળકોની આસપાસ રહેલા સુરક્ષાના ભય વિશે? અને એ ક્ષણ વિશે, જ્યારે તેમણે નક્કી કર્યું કે ગાંધી પરિવારનો રાજકીય વારસો આમ જ છોડી શકાય નહીં?
આ ઉપરાંત કેટલાક સંવેદનશીલ પ્રશ્નો પણ છે.
શું તેઓ બૉફોર્સ કૌભાંડ વિશે વાત કરશે, જેણે રાજીવ ગાંધીની સરકારને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને ઇટાલિયન ઉદ્યોગપતિ ઓટાવિયો ક્વાત્રોચી સાથે પરિવારના સંબંધોને કારણે દાયકાઓ સુધી વિવાદ ઊભો કર્યો હતો? શું તેઓ એ આરોપોને ફરીથી યાદ કરશે અને જણાવશે કે તેમને શી જાણકારી હતી?
અને તેમનાં ઇટાલિયન મૂળને લઈને થયેલા ભારે વિવાદનું શું?
વર્ષો સુધી સોનિયાની ટીકા એક વિદેશી તરીકે થતી રહી, જે ભારતનું નેતૃત્વ કરવા માટે કાયદેસર હકદાર ન હોવાનું કહેવાતું હતું. દિલ્હીના સામાજિક વર્તુળોમાં તેમની ક્યારેક “ઇટાલિયન ઓ પેર” કહીને પણ હાંસી ઉડાવવામાં આવતી હતી. 2004માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં નેતા સુષમા સ્વરાજે જાહેર કર્યું હતું કે વિદેશી મૂળની વ્યક્તિનું વડાં પ્રધાન બનવું “રાષ્ટ્રનું અપમાન” હશે-અને જો સોનિયા આ પદ સ્વીકારશે તો તેમણે રાજીનામું આપવાની, માથું મુંડાવવાની, સફેદ વસ્ત્રો પહેરવાની અને સંન્યાસિની તરીકે જીવન જીવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સોનિયાએ રાજકીય વારસો સંભાળવા માટે પ્રિયંકા કરતાં રાહુલને કેમ પસંદ કર્યા?
ઇમેજ સ્રોત, Universal Images Group via Getty Images
“1999ની શરૂઆતમાં જ કૉંગ્રેસના કેટલાક નેતાઓએ પણ તેમના વિદેશી મૂળ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. શું તેમણે ક્યારેય દેશ છોડીને જવાનો વિચાર કર્યો હતો?” પત્રકાર અને લેખક રશીદ કિડવાઈ કહે છે.
રાજકીય નિરીક્ષકોને એ પણ સવાલ છે કે આ પુસ્તક 2004થી 2014 દરમિયાનની કૉંગ્રેસની આગેવાની હેઠળની સરકારના વિરોધાભાસો પર પ્રકાશ પાડી શકશે કે કેમ.
સોનિયાના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસે સતત બે રાષ્ટ્રીય ચૂંટણીઓ જીતી અને માહિતીનો અધિકાર કાયદો તથા ગ્રામીણ રોજગારની બાંહેધરીની યોજના સહિતનાં મહત્ત્વપૂર્ણ પગલાંને સમર્થન આપ્યું.
પરંતુ તેની બીજી મુદત ભ્રષ્ટાચારના આરોપો, નીતિગત નિષ્ક્રિયતા અને પાર્ટી પર તેના જ નેતૃત્વનો અતિશય પ્રભાવ પડી રહ્યો હોવાની વધતી જતી લાગણીથી ઘેરાઈ ગઈ.
સોનિયાના ટીકાકારો તેમને સરકારનું “રિમોટ કન્ટ્રોલ” કહેતા હતા-તેઓ સવાલ કરતા હતા કે મનમોહનસિંહ પર સોનિયાનો કેટલો પ્રભાવ હતો. જ્યારે તેમના સમર્થકો તેમને એવી રાજકીય તાકાત તરીકે જોતા હતા, જે અત્યંત મુશ્કેલ ગઠબંધનને એકસાથે બાંધી રાખતી હતી.
અને પછી વાત આવે છે રાહુલ ગાંધીની.
2017માં સોનિયાએ આખરે કૉંગ્રેસનું નેતૃત્વ પોતાના પુત્રને સોંપ્યું. ઘણા લોકો માને છે કે પાર્ટીને ફરી મજબૂત કરવામાં રાહુલ ગાંધીની નિષ્ફળતા ગાંધી પરિવારના રાજકીય પતનની કહાણીનું એક મહત્ત્વનું પાસું છે.
ઇમેજ સ્રોત, Getty Images
1994માં પ્રકાશિત થયેલા ‘રાજીવ’ નામના પોતાના પુસ્તકમાં સોનિયાએ લખ્યું હતું કે રાજીવ રાજકારણમાં પ્રવેશે નહીં તે માટે તેમણે “વાઘણની જેમ લડીને” તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. છતાં આખરે તેમણે એ જ રાજકીય વારસો રાહુલને સોંપ્યો.
રાહુલની રાજકીય સફર ભાગ્યે જ સરળ રહી છે: એક સમયે તેમને રાજકારણમાં આવવાની અનિચ્છા ધરાવતા નેતા તરીકે જોવામાં આવતા હતા અને વિરોધીઓ ઘણી વાર રાજકીય રીતે અળગા રહેતા નેતા તરીકે તેમની મજાક ઉડાવતા હતા.
“પોતાના પુત્રની સાવ અલગ રાજકીય શૈલી અને વિચારસરણીને સોનિયા કેવી રીતે જુએ છે? અને તેઓ રાહુલના રાજકારણ સાથે કેટલે અંશે સંમત છે? મને આશા છે કે પુસ્તક આ પ્રશ્નોના જવાબ આપશે,” કિડવાઈ કહે છે.
બીજો પ્રશ્ન એ પણ છે કે સોનિયાએ પરિવારનો રાજકીય વારસો સંભાળવા માટે પોતાની પુત્રી પ્રિયંકા કરતાં રાહુલને શા માટે પસંદ કર્યા, જ્યારે પ્રિયંકા સ્વાભાવિક રીતે વધુ લોકપ્રિય જણાતી હતી? અને રાજકારણમાં તેમની ભૂમિકા અંગે વર્ષોથી અટકળો ચાલતી હોવા છતાં પ્રિયંકાએ 2019માં જ ઔપચારિક રીતે ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કેમ કર્યો?
“સોનિયાનો આ બાબતે તૈયાર જવાબ હંમેશાં એવો રહ્યો છે કે રાજકારણમાં જોડાવું કે નહીં તે નિર્ણય મારાં બાળકો પોતે કરશે,” કિડવાઈ કહે છે.
આ ઉપરાંત એક મોટો પ્રશ્ન પણ છે: સોનિયા ગાંધી આજે એવા ભારત વિશે શું વિચારે છે, જેને ઘડવામાં તેમણે પોતે પણ ભૂમિકા ભજવી છે?
ઇમેજ સ્રોત, Sygma via Getty Images
તેમણે એવા સમયગાળામાં કૉંગ્રેસનું નેતૃત્વ કર્યું, જ્યારે ભારતીય રાજકારણમાં ગઠબંધન સરકારો અને આર્થિક ઉદારીકરણના સમયથી આગળ વધીને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ અને હિંદુ રાષ્ટ્રવાદના વધુ પ્રભુત્વવાળા રાજકારણનો ઉદય થયો.
પરંતુ કદાચ સૌથી વધુ સૂચક પ્રશ્ન એ છે કે સોનિયા પોતાની આત્મકથામાં શું કહેવાનું પસંદ કરશે-અને શું કહેવાનું ટાળશે.
નીરજા ચૌધરીને લાગે છે કે તેનો જવાબ કદાચ પુસ્તકના નામ ‘બિલૉંગિંગ’માં જ રહેલો છે.
ચૌધરી કહે છે, “તેમને એ વાતની સતત સભાનતા રહી છે કે તેઓ નહેરુ-ગાંધી પરિવારના વારસાનાં ઉત્તરાધિકારી છે- અને એ વારસાને જીવંત રાખવો જરૂરી છે.” તેઓ માને છે કે આત્મકથામાં પરિવાર અને તેના ઇતિહાસની વાત તો થશે જ, પરંતુ મુખ્યત્વે સોનિયા ગાંધીની આ પરિવાર સાથેની પોતાની જોડાણની ભાવના અને કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે તેમણે તેના રાજકીય વારસાને કેવી રીતે આગળ વધાર્યો તેની વાત કરવામાં આવશે.
અલબત્ત, આજે એ વારસો સતત હુમલાનો સામનો કરી રહ્યો છે.
સત્તાધારી ભાજપે “કૉંગ્રેસ-મુક્ત ભારત”નું અભિયાન ચલાવ્યું છે, જ્યારે પાર્ટીના ટીકાકારો કૉંગ્રેસ સામેની પોતાની લડાઈને વધુ ને વધુ વંશવાદી રાજકારણ સામેની લડાઈ તરીકે રજૂ કરે છે.
કૉંગ્રેસને વારંવારની ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે અને તેના અનેક નેતાઓ હરીફ પક્ષોમાં જતા રહ્યા છે. ત્યારે સવાલ માત્ર એ નથી રહ્યો કે ગાંધી પરિવાર કૉંગ્રેસને ફરી ઊભી કરી શકશે કે નહીં, પરંતુ એ પણ છે કે શું તેઓ પાર્ટીને એક સાથે જાળવી શકશે.
અને આ જ પ્રશ્ન સોનિયા પોતાની આત્મકથામાં જે મુદ્દાની તપાસ કરવા માગે છે, તેના કેન્દ્રમાં છે.
પુસ્તક અંગે સોનિયાએ એમ કહ્યું હોવાનું ટાંકવામાં આવ્યું છે, “મારા પરિવાર વિશે ઘણું લખાયું છે, પરંતુ તેમની પ્રેરણાઓ, તેમનાં કાર્યો અને તેમની ખૂબ જ માનવીય ખામીઓની સચ્ચાઈ સુધી બહુ ઓછાં વર્ણનો પહોંચી શક્યાં છે. ઘણી રીતે, આ પુસ્તક તેમની માનવીયતાને અર્પણ છે.”
આથી, તેમની આત્મકથા કદાચ રાજકીય હિસાબકિતાબ કરતાં નહેરુ-ગાંધી પરિવાર સાથેના પોતાના જોડાણને સમજાવવાનો વધુ એક પ્રયાસ હશે — આ પરિવારનો વારસો તેમના માટે શો અર્થ ધરાવે છે અને તેઓ શા માટે માને છે કે તેનું મહત્ત્વ આજે પણ યથાવતે છે, તે સમજાવવાનો પ્રયાસ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




