Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટરો, પોલીસ અધિકારીઓ, વેપારીઓ, સરકારી અધિકારીઓ, સૉફ્ટવેર એન્જિનિયર્સ, લેક્ચરર્સ… કોણ નહીં?
પવનકુમાર નામના 23 વર્ષના યુવકે અલગ-અલગ વ્યવસાય કરતાં કુલ 1000 લોકોને છોકરીઓની તસવીરો સાથેના ફેક એકાઉન્ટ્સ બનાવીને હનીટ્રેપમાં ફસાવી દીધા છે.
હૈદરાબાદના ચારમિનારના ડીસીપી કિરણ ખરેએ કહ્યું હતું કે, “ચાર વર્ષથી એ લોકોને હનીટ્રેપમાં ફસાવી રહ્યો હતો. તેમાં તેણે અનેક યુવતીઓની તસવીરો વાપરી છે અને કોલકાતાની એક મૉડલની તસવીરો પણ વાપરવામાં આવી છે. જે લોકોને ફસાવ્યા તેમાં દેશનાં અનેક રાજ્યોનાં લોકો અને વિદેશમાં રહેતા લોકો પણ સામેલ છે.”
પોલીસે આરોપી પાસેથી ત્રણ મોબાઇલ ફોન, એક લૅપટૉપ અને 16 જીબીની પેન ડ્રાઇવ જપ્ત કરી છે.
‘યુવતીઓની તસવીરો સાથેનાં નકલી એકાઉન્ટ્સ’
આરોપી કે. પવનકુમાર એ કોઠાગુડેમ જિલ્લાના રહેવાસી છે.
પોલીસને માહિતી મળી છે કે તેમણે હૈદરાબાદના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૂલ ડિઝાઇનમાંથી ડિપ્લોમા છોડી દીધું હતું.
ડીસીપીએ જણાવ્યું હતું કે આરોપીએ એ પછી તેના પરિવારને એવું કહ્યું હતું કે તે મલ્લારેડ્ડી કૉલેજમાંથી બી.ટેક કરે છે અને તેણે છૂટક નોકરી કરી હતી. પણ હાલમાં તે બેરોજગાર હતો.
ડીસીપી કિરણ ખરે કહે છે કે, “તેણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર યુવતીઓની તસવીરો વાપરીને ઘણાં નકલી એકાઉન્ટ્સ ખોલ્યાં હતાં. એ પછી તે ફ્રેન્ડ રિક્વેસ્ટ અને ફૉલો રિક્વેસ્ટ મોકલતો તો અને પછી ધીમે ધીમે સેક્સ્યુઅલ ચેટ કરતો હતો. આરોપી યૂઝર્સની નગ્ન તસવીરો અને વીડિયો એકઠા કરતો હતો.”
લોકોને શંકા ન જાય તેના માટે આરોપી કેટલીક મૉડલોની અર્ધનગ્ન તસવીરો વાપરતો હતો.
ભોગ બનેલા લોકો 22થી લઈને 70 વર્ષની ઉંમરના
ઇમેજ સ્રોત, HyderabadPolice
પોલીસનું કહેવું છે કે નગ્ન તસવીરો અને વીડિયો એકઠા કર્યા બાદ પવને તેમની પાસેથી પૈસા ઉઘરાવવાના શરૂ કર્યા હતા.
ડીસીપે સમજાવતાં કહે છે કે, “પવન ખુદને પછી જે-તે છોકરીના મોટા ભાઈ તરીકે રજૂ કરતો હતો. જેમણે નગ્ન તસવીરો કે વીડિયો મોકલ્યા હોય તેમની પાસેથી એ પૈસા ઉઘરાવતો હતો અને લોકોને એ ડર બતાવતો કે તેની નાની બહેને આપઘાત કરી લીધો છે. જો તમે પૈસા નહીં આપો તો એ પોલીસમાં ફરિયાદ કરશે.”
કિરણ ખરેનું કહેવું છે કે કોલકાતાની મૉડલની તેણે ઘણી તસવીરોનો ઉપયોગ કર્યો હતો અને એ મૉડલને તેની જાણકારી આપવામાં આવી છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પવને અંદાજે 1000 લોકો સાથે સેક્સ ચેટ કરી હતી અને તેમાં પોલીસ અધિકારીઓ, લેક્ચરર્સ, સરકારી અધિકારીઓ, સોફ્ટવેર એન્જિનિયર્સ, ડૉક્ટર્સ જેવા અનેક લોકો સામેલ હતા. તેમની ઉંમર 22થી 70 વર્ષની વચ્ચે છે અને 82 લોકોની નગ્ન તસવીરો અને વીડિયો મળ્યા છે.
જે લોકો આનો ભોગ બન્યા છે તે તેલંગણા, આંધ્ર પ્રદેશ, કેરળ, તામિલનાડુ, પંજાબ જેવા ભારતનાં રાજ્યો અને સાઉદી અરેબિયા, તુર્કી, પાકિસ્તાન તથા કૅનેડાના પણ નાગરિકો છે.
પોલીસે કહ્યું છે કે આ આરોપીઓ પાસેથી પવને અત્યાર સુધીમાં 25.16 લાખ ઉઘરાવ્યા છે.
27 ફેક આઇ-ડી અને પેજ બનાવ્યાં
ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે પવને કુલ 13 ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અને 14 ફેક ફેસબુક એકાઉન્ટ્સ બનાવ્યાં હતાં.
પોલીસે આ એકાઉન્ટ્સની વિગતો પણ જાહેર કરી છે અને લોકોને અપીલ કરી છે કે જો આ એકાઉન્ટ્સમાંથી મૅસેજ આવે તો ફરિયાદ કરવી અને પૈસાની લેવડદેવડ ન કરવી.
આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી તેમનો પક્ષ જાણી શકાયો નથી.
જ્યારે પોલીસ તેમને મીડિયા સમક્ષ લઈ આવી હતી ત્યારે પણ તેણે કોઈની સાથે વાત કરી નહોતી.
પવનના પરિવારજનોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ વાત કરવાની ના પાડી હતી.
આખો મામલો બહાર કેવી રીતે આવ્યો?
ઇમેજ સ્રોત, Getty Images
આ મામલો સામે ત્યારે આવ્યો જ્યારે પવનકુમારે તેના જ મિત્રને ઠગી લીધો અને ચાર લાખ પડાવ્યા.
તેના મિત્ર રમેશે (નામ બદલાવેલું છે) પોલીસ ફરિયાદ કરી હતી અને આ છેતરપિંડીની જાણ કરી હતી.
રમેશનું કહેવું છે કે ડિપ્લોમા દરમિયાન જ બંનેની મુલાકાત થઈ હતી.
પોલીસને કરેલી ફરિયાદમાં રમેશે જણાવ્યું હતું કે તેને આવાં જ એક નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી 2021માં એક રિક્વેસ્ટ આવી હતી.
રમેશ કહે છે, “મને એ એકાઉન્ટ પર શંકા ગઈ. મને એવું લાગ્યું કે પવનકુમારે બનાવેલું છે. મેં તેને તરત જ પૂછ્યું અને તેણે એ વાત કબૂલી લીધી. મારે તેની સાથે મિત્રતા રાખવી નહોતી.”
રમેશનું કહેવું છે કે એ પછી પણ પવને તેને પોતાની હૉસ્ટેલમાં રહેવાનું આમંત્રણ આપ્યું હતું.
રમેશનું કહેવું છે કે તે બંને વચ્ચે જાતીય સંબંધો પણ બંધાયેલા હતા અને તે રમેશને સેક્સ કરવા માટે દબાણ અને બ્લૅકમેઇલિંગ કરતો હતો.
પવને તેને વીડિયો જાહેર કરી દેવાનું દબાણ કરીને સેક્સ માટે મજબૂર કર્યો હતો અને તેની પાસેથી 1.50 લાખ અને પછી 2.50 લાખ સીધા જ પડાવી લીધા હતા.
હનીટ્રેપ ઍન્ગલ ત્યારે સામે આવ્યો હતો જ્યારે સઇદાબાદ પોલીસે 17 ઑક્ટોબરે કેસ નોંધીને તપાસ ચાલુ કરી.
ડીસીપી કિરણ ખરેએ જણાવ્યું છે કે જો સોશિયલ મીડિયામાં તમને આવા મૅસેજ આવે તો એકાઉન્ટ સાચું છે કે ખોટું તેની ખાતરી કરવી જોઈએ. અજાણ્યા એકાઉન્ટ પરથી મૅસેજ આવે તો વધુ કાળજી રાખવી જોઈએ. આવી ઘટનાઓમાં ભોગ બનેલા દોષિતોએ તરત જ પોલીસમાં જાણ કરવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




