Home તાજા સમાચાર gujrati 13 નવેમ્બર, 2026એ દુનિયાનો અંત આવશે? જૂની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં કેમ આવી?

13 નવેમ્બર, 2026એ દુનિયાનો અંત આવશે? જૂની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં કેમ આવી?

3
0

Source : BBC NEWS

શું 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે? જૂની ભવિષ્યવાણી ફરી સમાચારમાં

13 નવેમ્બર, 2026, શુક્રવાર.

જેમ-જેમ આ દિવસ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ ‘દુનિયાના અંત’નો ભય ફરી એક વાર સોશિયલ મીડિયા અને ઘણી મીડિયા સંસ્થાઓમાં વ્યાપકપણે ચર્ચાઈ રહ્યો છે.

આ તારીખ 66 વર્ષ પહેલાં પ્રકાશિત થયેલા એક વૈજ્ઞાનિક અભ્યાસ સાથે સંબંધિત છે, જેમાં પૃથ્વીની વસ્તીના ભવિષ્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

તેને 3 સંશોધકો દ્વારા 4 નવેમ્બર, 1960ના રોજ અમેરિકન સાયન્સ મૅગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેનું શીર્ષક હતું: ‘કયામતનો દિવસ: શુક્રવાર, 13 નવેમ્બર’.

સંશોધકોએ તેમના અભ્યાસમાં જણાવ્યું હતું કે, જો વૈશ્વિક વસ્તી લગભગ 2,000 વર્ષના ડેટામાં જોવા મળેલા દરે વધતી રહે, તો તેમના ગણિતના મૉડલ મુજબ નવેમ્બર 2026માં મનુષ્યોની સંખ્યા સૈદ્ધાંતિક રીતે ‘અનંત’ (ઇન્ફિનિટી) સુધી પહોંચી જશે.

પરંતુ શું સંશોધકો ખરેખર માનવજાતિના વિનાશ વિશે વાત કરી કરે છે?

શું આ તારીખનું કોઈ વૈજ્ઞાનિક મહત્ત્વ છે, જે પૃથ્વી પર કોઈ વૈશ્વિક આપત્તિ અથવા જીવનનો અંત લાવનારી ઘટના સૂચવે છે?

આ કહાની શરૂ ક્યાંથી થઈ?

આ કહાણી શરૂ ક્યાંથી થઈ?

શું 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે? જૂની ભવિષ્યવાણી ફરી સમાચારમાં

આ અભ્યાસ ઑસ્ટ્રેલિયન-અમેરિકન ભૌતિકશાસ્ત્રી હાઇન્ઝ ફૉન ફૉર્સ્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

તેમણે 2 સંશોધકો, પૅટ્રિશિયા મોરા અને લૉરેન્સ એસિયટ સાથે મળીને આ સંશોધન કર્યું હતું. આ ત્રણેય અમેરિકાની ‘યુનિવર્સિટી ઑફ ઇલિનોય’ના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં કામ કરતા હતા.

સંશોધકોએ દુનિયાની વસ્તી સાથે જોડાયેલાં ઐતિહાસિક અનુમાનોનો ઉપયોગ કર્યો. તેમાં 24 અનુમાનો સામેલ હતાં, જે ઈસવીસનની શરૂઆતથી લઈને 1958 સુધીના હતાં. તેનાં દ્વારા તેમણે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે, ઇતિહાસમાં મનુષ્યોની વસ્તી કઈ રીતે વધી.

સંશોધકો એવું માનીને નહોતા ચાલ્યા કે, વસ્તી એક નિશ્ચિત દરે વધે છે. તેના બદલે તેમણે એક એવું ગણિતનું મૉડેલ રજૂ કર્યું, જે ઝડપથી વધતી વસ્તી એટલે કે ‘હાઇપરબોલિક ગ્રોથ’ની ધારણા પર આધારિત હતું.

આમાં માત્ર વસ્તી જ નથી વધતી, પરંતુ સમયની સાથે તેના વધવાની ગતિ પણ વધુ ઝડપી બનતી જાય છે.

આ મૉડેલમાં માનવામાં આવ્યું કે, મનુષ્યોની પરસ્પર વાતચીત, એકબીજાની મદદ અને ગઠબંધન બનાવવાની ક્ષમતા તેમને પર્યાવરણ સાથે જોડાયેલી કેટલીક મર્યાદાઓને પાર કરવામાં મદદ કરે છે.

તેનાથી તેમના જીવંત રહેવાની અને પ્રજનન કરવાની ક્ષમતા વધે છે.

ઐતિહાસિક આંકડા પર આ ગણિતનું સમીકરણ લાગુ કર્યા પછી સંશોધકો આ પરિણામ પર પહોંચ્યા કે, તેમનું મૉડેલ 2026માં એક એવી સ્થિતિ પર પહોંચી જશે, જેને ‘સિંગ્યુલરિટી’ કહેવામાં આવે છે. આ સમય નવેમ્બર 2026ના મધ્યની આસપાસ આવે છે.

આ જ રીતે 13 નવેમ્બર, 2026ની તારીખ અભ્યાસના શીર્ષકમાં સામેલ થઈ. આ તે તારીખ હતી, જ્યારે મૉડેલ મુજબ, સમાન માન્યતાઓના આધારે વસ્તી ‘અનંત’ થઈ જવાનું અનુમાન હતું.

પહેલી નજરે અભ્યાસનું શીર્ષક દુનિયાના અંતની ભવિષ્યવાણી જેવું લાગે છે, પરંતુ તેનો વાસ્તવિક અર્થ તદ્દન અલગ હતો.

સંશોધકોએ ન તો પૃથ્વી સાથે કોઈ ઍસ્ટેરૉઇડના અથડાવાની વાત કરી હતી, ન સૂર્યના વિસ્ફોટની અને ન તો વિનાશક ભૂકંપ કે જ્વાળામુખી વિસ્ફોટની. તેમણે કોઈ કુદરતી આપત્તિના કારણે માનવજાતિના વિનાશની તારીખ પણ નક્કી નહોતી કરી.

વાસ્તવમાં, તેમણે ‘કયામતના દિવસ’ની ધારણાનો ઉપયોગ તે કાલ્પનિક ગણિતના બિંદુનું વર્ણન કરવા માટે કર્યો હતો, જ્યાં તેમના સમીકરણ મુજબ વસ્તી અનંત થઈ જાય છે. ભૌતિક દુનિયામાં આવું થવું અશક્ય છે.

બીજા શબ્દોમાં કહીએ તો, અહીં અનંતનો અર્થ એ નથી કે વાસ્તવમાં પૃથ્વી પર એટલા મનુષ્યો હશે. આ તે ગણિતના પરિણામને દર્શાવે છે, જે કોઈ મૉડલને ભવિષ્યમાં આગળ સુધી લાગુ કરવા અને તેની શરતોને ફેરફાર વગર જારી રાખવાની કલ્પના કરવા પર સામે આવે છે.

મૂળ અભ્યાસ વાંચવાથી ખબર પડે છે કે, સંશોધકો આ વાતથી વાકેફ હતા કે, પર્યાવરણ, સંસાધનો અને વસ્તીની આસપાસની પરિસ્થિતિઓના પ્રભાવને ધ્યાનમાં લીધા વગર આ મૉડેલને લાગુ કરી શકાય નહીં.

આ એવાં કારણો છે, જે જન્મ અને મૃત્યુના દરને પ્રભાવિત કરી શકે છે અને વસ્તી વધવાની દિશા બદલી શકે છે.

1964માં પ્રકાશિત મિશેલ ટેક્લાના લેખનો આની સાથે શું સંબંધ છે?

શું 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે? જૂની ભવિષ્યવાણી ફરી સમાચારમાં

ઇજિપ્તના અખબાર ‘વાતની’એ પણ 29 નવેમ્બર, 1964નું એક જૂનું સમાચારપત્રનું કટિંગ પ્રકાશિત કર્યું હતું. લેખક મિશેલ ટેકલા છે અને હેડલાઇન 13 નવેમ્બર, 2026ના રોજ વિશ્વના અંત વિશે વાત કરે છે.

ત્યારથી ઘણા અન્ય ઇજિપ્શિયન મીડિયા આઉટલેટ્સે જૂનું સમાચારપત્રનું કટિંગ ફરીથી પ્રકાશિત કર્યું છે, જેના કારણે 6 દાયકા કરતાં વધુ સમય પછી પણ આ વાર્તા ફરી ચર્ચામાં આવી ગઈ છે.

પરંતુ પ્રકાશિત લેખ અને મૂળ વૈજ્ઞાનિક અભ્યાસ વચ્ચે તફાવત કરવો જરૂરી છે.

13 નવેમ્બર, 2026ની તારીખવાળો અભ્યાસ 1960માં ફૉન ફૉર્સ્ટર અને તેમના 2 સહયોગીઓએ પ્રકાશિત કર્યો હતો, નહીં કે મિશેલ ટેક્લાએ.

તાજેતરના મીડિયા કવરેજમાં ટેકલાના લેખની સામગ્રીને લઈને પણ જુદા-જુદા દાવાઓ કરવામાં આવ્યા છે.

કેટલાક અહેવાલોમાં તેને વસ્તી વધારા પર થયેલા અભ્યાસ સાથે જોડવામાં આવ્યો છે, જ્યારે અન્યમાં સૂર્યની ગતિવિધિઓ, આબોહવા પરિવર્તન અને કુદરતી આપત્તિઓ સાથે જોડાયેલી હાઇપોથેસિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેથી આ બધી હાઇપોથેસિસને એક જ વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ભાગ માનવા અથવા તેમને ફૉર્સ્ટરના અભ્યાસનાં પરિણામો દર્શાવવા યોગ્ય નથી, જ્યાં સુધી મૂળ લેખનો પૂરો પાઠ જોઈને તેની વૈજ્ઞાનિક સામગ્રી સાથે સરખામણી ન કરી લેવામાં આવે.

‘સૌર ગતિવિધિ’

શું 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે? જૂની ભવિષ્યવાણી ફરી સમાચારમાં

મિશેલ ટેકલાના લેખ સાથે સંબંધિત કેટલાક મીડિયા અહેવાલોમાં 13 નવેમ્બર, 2026ના રોજ અસામાન્ય સૌર ગતિવિધિઓનો પણ ઉલ્લેખ છે. આ અહેવાલો ચિંતા વ્યક્ત કરે છે કે, આનાથી ચુંબકીય વિક્ષેપ અને કુદરતી આફતો થઈ શકે છે.

પરંતુ વાસ્તવિક સોલર સ્ટૉર્મ અને કોઈ ખાસ દિવસે સૌર આપત્તિ થવાના દાવા વચ્ચે તફાવત કરવો જરૂરી છે.

સૌર ગતિવિધિ એક જાણીતી કુદરતી ઘટના છે. સૂર્યમાં એવાં ચક્રો આવે છે, જે દરમિયાન તેની ગતિવિધિઓનું સ્તર બદલાતું રહે છે.

આ દરમિયાન ક્યારેક-ક્યારેક કોરોનલ માસ ઇજેક્શન અને સૌર જ્વાળાઓ પણ નીકળે છે, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે.

તીવ્ર સૌર તૂફાનો સંચાર પ્રણાલીઓ, ઉપગ્રહો અને નેવિગેશન સિસ્ટમોને વિક્ષેપિત કરી શકે છે. તેઓ પાવર ગ્રીડને પણ અસર કરી શકે છે.

પરંતુ આ જોખમોનો એ અર્થ નથી કે, સૂર્ય કોઈ નિશ્ચિત તારીખે પૃથ્વીને તબાહ કરી દેશે.

વર્ષ 1960માં સાયન્સ મૅગેઝિનમાં છપાયેલા વસ્તી સાથે જોડાયેલા અભ્યાસમાં એવો કોઈ પુરાવો આપવામાં આવ્યો નથી, જે 13 નવેમ્બર, 2026ની તારીખને સૌર ગતિવિધિઓ કે ભૂગર્ભીય અને આબોહવા સંબંધી આપત્તિઓ સાથે જોડતો હોય.

’13 નવેમ્બરે કોઈ અસાધારણ ઘટનાના સંકેત નથી’

શું 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે? જૂની ભવિષ્યવાણી ફરી સમાચારમાં

13 નવેમ્બર, 2026ના રોજ પૃથ્વી માટે કોઈ ખગોળીય જોખમ સાથે જોડાયેલા દાવાઓની તપાસ કરતા ખગોળશાસ્ત્રી ઇમાદ મુજાહિદે જણાવ્યું હતું કે, આ વર્ષે સૌર ગતિવિધિઓ પોતાની ચરમસીમા પર પહોંચી રહી છે. જોકે, વૈજ્ઞાનિકો દાયકાઓથી આ ઘટના વિશે પહેલેથી જાણે છે અને આ ન તો કોઈ અચાનક થતી ઘટના છે, ન તો કોઈ અનપેક્ષિત ફેરફાર.

મુજાહિદે બીબીસી ન્યૂઝ અરબીને જણાવ્યું કે, સૌર ગતિવિધિઓ કુદરતી ચક્રોમાંથી પસાર થાય છે અને સૌર તોફાનો બ્રહ્માંડની ઉત્પત્તિના સમયથી થતાં આવ્યાં છે. જોકે, વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસને કારણે હવે વૈજ્ઞાનિકો પહેલાંના મુકાબલે આના પર વધુ સારી રીતે નજર રાખી શકે છે, તેનો અભ્યાસ કરી શકે છે અને તેના વિશે અનુમાન લગાવી શકે છે.

તેમણે કહ્યું કે, આગામી 13 નવેમ્બરે એવી કોઈ જ્ઞાત અથવા અનુમાનિત ખગોળીય ઘટના નથી, જેનાથી પૃથ્વીની સુરક્ષાને લઈને ચિંતા કે ડર પેદા થાય.

મુજાહિદે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખગોળશાસ્ત્ર કે બ્રહ્માંડવિજ્ઞાનમાં એવો કોઈ સંકેત નથી, જે દર્શાવે છે કે દુનિયાનો અંત નજીક છે.

તેમણે કહ્યું કે, આ તારીખ વિશે કરવામાં આવી રહેલા દાવાઓ ખગોળશાસ્ત્રના નિષ્ણાતોના નિવેદનો કે ચેતવણીઓ પર આધારિત નથી. તેના બદલે, તે કોઈ પણ વૈજ્ઞાનિક આધાર વિના સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા વિવિધ માધ્યમો મારફતે શેર કરવામાં આવી રહ્યા છે.

આ સ્પષ્ટતા જાણીતી કુદરતી ઘટનાઓ (જેવી કે સૌર ગતિવિધિઓનાં ચક્ર અને સૌર તૂફાનો) અને દુનિયાના અંતની અપ્રમાણિત ભવિષ્યવાણીઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાના સંદર્ભમાં સામે આવી છે.

1960ની ગણતરી સાચી કેમ સાબિત ન થઈ?

શું 13 નવેમ્બર 2026એ દુનિયાનો અંત આવશે? જૂની ભવિષ્યવાણી ફરી સમાચારમાં

2026ની વાસ્તવિક પરિસ્થિતિઓમાં જૂના સમીકરણને લાગુ કરવામાં સૌથી મોટી સમસ્યા એ છે કે, એવું માનવું કે વસ્તીવૃદ્ધિની જૂની પેટર્ન કોઈ પણ મોટા ફેરફારો વિના ચાલુ રહેશે.

જોકે, છેલ્લા કેટલાક દાયકાઓમાં વિશ્વમાં નોંધપાત્ર વસ્તીવિષયક, સામાજિક અને આર્થિક ફેરફારો થયા છે, જેની સીધી અસર પ્રજનનક્ષમતા, મૃત્યુદર અને વસ્તીવૃદ્ધિ પર પડી છે.

માહિતી અનુસાર, વૈશ્વિક વસ્તીવૃદ્ધિનો દર 1960ના દાયકામાં ટોચ પર પહોંચ્યો હતો અને પછી ધીમે-ધીમે તેમાં ઘટાડો થયો હતો. આનો અર્થ એ થયો કે, 1960ના દાયકામાં સંશોધકો દ્વારા ઉપયોગમાં લેવાયેલા મૉડેલ મુજબ વાસ્તવિક વસ્તીવૃદ્ધિનો ટ્રેન્ડ ચાલુ રહ્યો નહીં.

આ અભ્યાસ પ્રકાશિત થયો ત્યારે, વિશ્વની વસ્તી લગભગ 3 અબજ હતી. હવે, તે 8 અબજથી વધુ છે, પરંતુ તે સમીકરણમાં કલ્પના કરાયેલી અનંત સંખ્યાની નજીક પણ નથી.

બીજી બાજુ, સંયુક્ત રાષ્ટ્રના હાલના અનુમાનો આ જૂના અભ્યાસમાં જણાવેલી સ્થિતિથી બિલકુલ અલગ ચિત્ર રજૂ કરે છે.

સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા જારી કરાયેલા રિપોર્ટ ‘વર્લ્ડ પૉપ્યુલેશન પ્રૉસ્પેક્ટ્સ 2024’ મુજબ, દુનિયાની વસ્તી 2024માં આશરે 8.2 અબજથી વધીને આ સદીના 2080ના દાયકાના મધ્ય સુધી લગભગ 10.3 અબજ થઈ જવાનું અનુમાન છે. આ પછી તેમાં ધીમે-ધીમે ઘટાડો શરૂ થશે અને 2100 સુધીમાં તે આશરે 10.2 અબજ રહી જશે.

યુએનના અંદાજો દર્શાવે છે કે, વિશ્વની વસ્તી આ સદીમાં ટોચ પર પહોંચવાની શક્યતા વધુ છે, કારણ કે સૌથી વધુ વસ્તી ધરાવતા ઘણા દેશોમાં પ્રજનનદરમાં અપેક્ષા કરતાં વધુ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે.

ઘણા દેશોમાં, ચિંતાનો મુદ્દો હવે ફક્ત વધતી જતી વસ્તી નથી, પરંતુ તેમાં ઘટતો પ્રજનનદર, સરેરાશ ઉંમરમાં વધારો અને વૃદ્ધ લોકોની વધતી જતી સંખ્યાનો પણ સમાવેશ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS