Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Imran Qureshi
વાંચવાનો સમય: 4 મિનિટ
રાજેશ મહેતા પરેશાન છે. સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ તેમની કંપની રાજેશ એક્સ્પૉર્ટ્સને એક વચગાળાનો આદેશ મોકલ્યો છે.
આ આદેશમાં પૂછવામાં આવ્યું છે કે આવક વધુ કેમ દેખાડવામાં આવી અને તેની સામે નફો એટલો ઓછો કેમ છે? મહેતાને સમજાતું નથી કે તેના પર એટલી બધી ચર્ચા અને હોબાળો કેમ છે.
આ સાથે રાજેશ મહેતા નારાજ પણ છે. વીમા કંપની એલઆઈસીએ તેમની કંપનીમાં ભાગીદારી એક ટકાથી વધારીને 10.8 ટકા કરી દીધી હતી, ત્યારથી બધાં જ તેમના પર તૂટી પડ્યા છે.
બીબીસી સાથે વાત કરતાં મહેતા કહે છે, “બધાં એલઆઈસી-એલઆઈસીની બૂમો પાડી રહ્યા છે. અમે તેમને શૅર ખરીદવા માટે કહ્યું નહોતું. તેમણે છેલ્લાં 10-15 અથવા કદાચ 20 વર્ષમાં ખુલ્લા બજારમાંથી શૅર ખરીદ્યા છે. કંપની અથવા પ્રમોટરે તેમને શૅર આપ્યા નથી.”
તેમનું કહેવું છે, “મને સમજાતું નથી કે આ અફવા કેવી રીતે ફેલાઈ કે કંપનીએ દબાણ કરીને એલઆઈસીને શૅર આપ્યા? એલઆઈસીએ ઊંચા ભાવે શૅર વેચ્યા પણ છે. તેને સારો ફાયદો થયો છે. મને લાગે છે કે એલઆઈસીને ખબર છે, અમને ખબર છે અને અહીં સુધી કે જનતાને પણ ખબર છે કે આ કંપની ઘણી મજબૂત છે. તેથી જ એલઆઈસીએ રોકાણ કર્યું છે.”
રાજેશ એક્સ્પૉર્ટ્સ સેબીની નજરમાં કેમ આવી?
ઇમેજ સ્રોત, Timon Schneider/SOPA Images/LightRocket via Getty Images
બુધવારે સેબીએ કંપનીને વચગાળાનો આદેશ જારી કર્યો. આ આદેશના કારણે સોનું રિફાઇન કરવાની અને આભૂષણ બનાવતી કંપની રાજેશ એક્સ્પૉર્ટ્સ પર શૅરબજારમાં સોદા કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
આદેશમાં કહેવામાં આવ્યું કે 2021 થી 2025 વચ્ચે કંપનીએ આંકડાઓમાં હેરાફેરી કરીને કુલ આવક 15 લાખ કરોડ રૂપિયા દેખાડવામાં આવી હતી.
મહેતાનું કહેવું છે કે, આ મુખ્યત્વે સ્વિટ્ઝર્લૅન્ડની સહાયક કંપની વેલકેમ્બીના વ્યવસાયના કારણે હતું. વેલકેમ્બી સોનું-ચાંદીની કાચી ધાતુ ખરીદે છે અને તેમાંથી શુદ્ધ સોનું બહાર કાઢે છે. આવું કર્યાં પછી તે તેને દુનિયાભરની બૅન્કો અને બુલિયન ડીલરોને વેચે છે.
સેબીએ આ તપાસ એક શૅરધારકની ફરિયાદ પર શરૂ કરી હતી. ફરિયાદમાં કંપનીના નાણાકીય રેકૉર્ડમાં ગરબડનો આરોપ હતો. 109 પાનાના સેબીના આદેશમાં કહેવામાં આવ્યું કે કંપનીએ કુલ આવકની 99.8 ટકા આવક ખોટી રીતે દેખાડી.
ઑડિટરોને આફ્રિકામાં સોનાની ખાણના માલિકી હક્કનો કોઈ પુરાવો મળ્યો નથી.
મહેતાનું કહેવું છે, “તે ખાણ સિંગાપુર સ્થિત અમારી સહાયક કંપનીની છે અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજો અમે આપી દીધા છે.”
મહેતાએ જણાવ્યું કે સેબીએ લગભગ અઢી વર્ષ પહેલાં તપાસ શરૂ કરી હતી.
તેમનું કહેવું છે, “સેબીએ અમને જે પણ પ્રશ્નો પૂછ્યા, અમે તેમના જવાબ આપ્યા છે. અમે ફોરેન્સિક ઑડિટરોને પણ જવાબ આપ્યા છે. અમને લાગ્યું કે તેમને કંઈ મળ્યું નથી. મને લાગે છે કે સેબીને અમારા જવાબોથી સંતોષ છે. છેલ્લા ત્રણ મહિનાથી અમને કોઈપણ પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી. બુધવારે અચાનક વેબસાઇટ પર આદેશ મૂકી દેવામાં આવ્યો, જે અમારી સમજણની બહાર છે.”
15 લાખ કરોડની આવક કેવી રીતે થઈ?

મહેતા જણાવે છે, “આ પાંચ વર્ષની આવક છે. આ અમારી આવક નથી. આ અમારી સહાયક કંપનીનો વ્યવસાય છે. આ આવક સોનું વેચવાથી થઈ છે. તેમાં ખોટું શું છે?”
તેઓ કહે છે, “સ્વિટ્ઝર્લૅન્ડમાં સંપૂર્ણ ટૅક્સ ચૂકવવામાં આવ્યો છે. દર વર્ષે લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાની આવક થાય છે. લોકોએ તેને લઈને હોબાળો મચાવી દીધો અને તેને કૌભાંડ ગણાવી દીધું, જે મારી સમજણ બહાર છે.”
તેમણે કહ્યું કે સોનાનો વ્યવસાય ખૂબ મોટા પાયે થાય છે, કારણ કે સોનાની કિંમત હંમેશાં ઘણી વધુ રહે છે, એ જ કારણથી આ કામનો કુલ વ્યવસાય ખૂબ મોટો દેખાય છે, પરંતુ તેમાંથી થતો નફો ઘણો ઓછો થાય છે.
તેઓ કહે છે કે સોનાને શુદ્ધ કરવા અને વેચવાના વ્યવસાયમાં વેચાણની રકમ તો ઘણી મોટી હોય છે, પરંતુ માર્જિન ઘણું ઓછું રહે છે.
તેઓ કહે છે, “હું એવું નહીં કહું કે તેમાં સેબીની ભૂલ છે. એક આંતરરાષ્ટ્રીય ધોરણ હોય છે. ભારતમાં કોઈ ગોલ્ડ રિફાઇનરી નથી. કદાચ સેબીને આ ખબર નથી કે રિફાઇનરીમાં આવક વધુ અને નફો ઓછો હોય છે. સેબીએ અમારી પાસે વધુ દસ્તાવેજો માંગ્યા છે અને પોતાના પત્રમાં લખ્યું છે કે આ મામલો શંકાસ્પદ લાગે છે.”
રાજેશ એક્સ્પૉર્ટ્સમાં શું કોઈ કંપનીની રસ છે?
ઇમેજ સ્રોત, Abeer Khan/Bloomberg via Getty Images
મહેતાનું કહેવું છે, “રાજેશ એક્સ્પૉર્ટ્સ પહેલેથી જ 400 થી 450 જીબી ડેટા આપી ચૂકી છે. સાથે સેબી અને ફોરેન્સિક ઑડિટરોને 70 થી 80 હજાર દસ્તાવેજો પણ આપ્યા છે.”
તેઓ કહે છે, “જો વેલકેમ્બી 100 રૂપિયાનું સોનું ખરીદે અને રિફાઇનિંગ પછી 101 રૂપિયામાં વેચે, તો ઑડિટમાં આવક 101 રૂપિયા દેખાશે, પરંતુ તેમાં કમાણી માત્ર એક રૂપિયા જ હશે.”
તેમણે કહ્યું કે સેબીનો આ વચગાળાનો આદેશ ખરેખર પ્રશ્નોની એક યાદી જેવો છે, જેમાં કેટલીક સ્પષ્ટતા અને માહિતી માંગવામાં આવી છે.
પરંતુ મહેતા આ વાતથી પરેશાન છે કે આદેશ જાહેર થવા પહેલાં જ આ મામલાને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો.
તો શું કોઈ મોટી કૉર્પોરેટ કંપની, તમારી કંપનીમાં રસ રાખે છે?
પ્રશ્નના જવાબમાં મહેતાનું કહેવું છે, “સાચું કહું તો આ સ્થિતિમાં મિત્ર અને દુશ્મનની ઓળખ કરવી મુશ્કેલ થઈ ગઈ છે. જે આ બધું ફેલાવી રહ્યા છે, તેને ખબર છે કે તેઓ ખોટું બોલી રહ્યા છે. જો આ વાતો સાચી હોત તો હું તમારી સામે બેઠો ન હોત.”
તેમણે જણાવ્યું કે કંપનીએ સેબીને જવાબ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે.
મહેતાનું કહેવું છે, “અમને એક મહિનાનો સમય મળ્યો છે, પરંતુ અમે 10 થી 15 દિવસમાં જવાબ આપી દેશું. મુખ્યત્વે 8 થી 10 મુદ્દાઓ પર અમારે જવાબ આપવાનો છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







