Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીના 26 વર્ષીય પુરુષે લગ્નનાં બે વર્ષ પછી પણ સંતાનપ્રાપ્તિ ન થતાં ડૉક્ટરનો સંપર્ક સાધ્યો હતો, જ્યાં તપાસ દરમિયાન ડૉક્ટરોને જાણવા મળ્યું કે તે વ્યક્તિના શરીરમાં ગર્ભાશય અને ફેલોપિયન ટ્યૂબ હતાં.
જોકે, સારવાર કરી રહેલા ડૉક્ટર જણાવે છે કે તે વ્યક્તિનું શરીર બહારથી તો સામાન્ય પુરુષ જેવું જ દેખાય છે અને તેઓ પુરુષનાં શારીરિક લક્ષણો પણ ધરાવે છે. એ સિવાય, એવાં કોઈ સ્પષ્ટ લક્ષણો ન હતાં, જે આવી સ્થિતિનો સંકેત આપી શકે.
આ દર્દીની સારવાર કરનારા દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલના ચીફ યુરૉલૉજિસ્ટ ડૉક્ટર સુશીલ ખરબંદાના જણાવ્યા પ્રમાણે, વંધ્યત્વની તપાસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ટેસ્ટમાં પુરુષના શરીરમાં ગર્ભાશય અને ફેલોપિયન ટ્યૂબ પણ મોજૂદ હોવાનું બહાર આવ્યું હતું.
નેચર રિવ્યૂ યુરૉલૉજીના એક અહેવાલ અનુસાર, પીએમડીએસની સ્થિતિને લીધે એક વ્યક્તિના રંગસૂત્ર 46XY હોય છે અને શરીરનો પુરુષના સ્વરૂપમાં જ સામાન્ય રીતે વિકાસ થાય છે, પણ મુલેરિયન ડક્ટને કારણે બનતાં ગર્ભાશય અને ફેલોપિયન ટ્યૂબ જેવાં અંગો શરીરમાં હાજર રહે છે.
સર્જરી કરીને પ્રોસ્ટેટ સાથે જોડાયેલી બે ભાગની તે રચનાને દૂર કરાઈ હતી, જે ગર્ભાશયની પેશી હોવાની હાઇપોથેટિકલ તપાસમાં પુષ્ટિ થઈ હતી. દર્દીનો શારીરિક વિકાસ કોઈ સામાન્ય પુરુષ જેવો જ હતો.
એ જ રીતે, 2019ના એક અહેવાલમાં દોઢ વર્ષના એક છોકરાના શરીરમાં ગર્ભાશય, ફેલોપિયન ટ્યૂબ અને અંડાશય જેવી રચનાઓ મળી આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
હવે, સવાલ એ થાય કે કોઈ વ્યક્તિમાં પુરુષનાં શારીરિક લક્ષણો અને ગર્ભાશય તથા ફેલોપિયન ટ્યૂબ પણ હોય, એ શી રીતે શક્ય છે? આવી સ્થિતિનું નિર્માણ શા માટે થાય છે અને તેનું નિદાન કેવી રીતે થાય છે? આ સવાલોના જવાબો મેળવવા માટે અમે દર્દીની સારવાર કરનારા ફિઝિશિયન ડૉક્ટર સુશીલ ખરબંદા સાથે વાત કરી હતી.
પ્રશ્ન: આ કિસ્સામાં શું જાણવા મળ્યું અને તમે તે સ્થિતિને તબીબી ભાષામાં કેવી રીતે સમજાવશો?
જવાબ: 26 વર્ષના એક માણસનાં લગ્ન બે વર્ષ પહેલાં થયાં હતાં. તે જાતીય રીતે એકદમ સક્રિય હતો અને પુરુષોમાં વિકસતાં તમામ જાતીય લક્ષણો તેનામાં મોજૂદ હતાં.
વંધ્યત્વની સમસ્યાની તપાસ દરમિયાન બહાર આવ્યું કે તેના બંને અંડકોષ સામાન્ય સ્થિતિમાં નહોતા.
હોર્મોન્સની તપાસમાં ટેસ્ટોસ્ટેરોન અને એફએચએસ (ફોલિકલ-સ્ટિમ્યુલેટિંગ હોર્મોન) તથા એલએચ (લ્યુટેનાઇઝિંગ હોર્મોન) પણ સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું.
આ પ્રકારનાં પરિણામો ક્રિપ્ટોર્કિડિઝમ કે અંડકોષ નીચે ન ઊતરવાની સમસ્યા ધરાવતા દર્દીઓમાં જોવા મળી શકે છે.
પરંતુ એમઆરઆઇ દરમિયાન એક અસાધારણ બાબત સામે આવી. તપાસમાં ગર્ભાશય અને ફેલોપિયન ટ્યૂબ વિશે જાણ થઈ અને તે અંડકોષ સાથે જોડાયેલા હતા.
તે અંગો અંદરથી સંપૂર્ણ વિકસિત હતા, અદ્દલ મહિલાઓના શરીરમાં હોય એ રીતે.

પ્રશ્નઃ પુરુષના શરીરમાં ગર્ભાશય અને ફેલોપિયન ટ્યૂબ કેવી રીતે હોઈ શકે? શું આ જન્મજાત હોઈ શકે છે?
જવાબઃ બાળક જ્યારે ગર્ભમાં હોય, ત્યારે રંગસૂત્રો અને હોર્મોન્સના પ્રભાવ હેઠળ તેનું લિંગ વિકાસ પામે છે. સામાન્યપણે પુરુષોમાં 46XY રંગસૂત્રો અને મહિલાઓમાં 46XX રંગસૂત્રો હોય છે.
આ સમય દરમિયાન શરીર ઍન્ટિ-મ્યુલેરિયન હોર્મોન (એએમએચ) ઉત્પન્ન કરે છે, જે સામાન્ય રીતે પુરુષોના શરીરમાં ન બનતા હોય તેવાં આંતરિક પ્રજનન અંગોનો વિકાસ થતો રોકે છે.
જો કોઈ વ્યક્તિમાં 46XY રંગસૂત્રો હોય, તો તેનો વિકાસ પુરુષ તરીકે થાય છે. આ સમય દરમિયાન તેના શરીરમાં ઍન્ટિ-મ્યુલેરિયન હોર્મોન (એએમએચ) નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે.
એએમએચ ગર્ભાશય તથા ફેલોપિયન ટ્યૂબ જેવાં અંગોનો વિકાસ થતો રોકે છે.
પરંતુ પીએમડીએસમાં કાં તો આ હોર્મોન હાજર નથી હોતા અથવા તો તેના રિસેપ્ટરમાં કોઈ સમસ્યા હોય છે. તેના કારણે ગર્ભાશય તથા ફેલોપિયન ટ્યૂબ જેવી રચનાઓ શરીરની અંદર જ રહી જાય છે.
તેના કારણે તેના શરીરની આંતરિક રચના ભિન્ન હોય છે. છતાં તેની બાહ્ય શારીરિક રચના પુરુષ જેવી જ રહે છે. લિંગ અને પુરુષને લગતી અન્ય શારીરિક લાક્ષણિકતા સામાન્ય રીતે જ વિકાસ પામે છે.
ઇમેજ સ્રોત, Getty Images
પ્રશ્ન : શું આ દર્દીના શરીરમાં અંડકોષની સાથે અંડાશય પણ હતા?
જવાબ : આ દર્દીના શરીરમાં ગર્ભાશય અને બંને તરફ ફેલોપિયન ટ્યૂબ્સ હતાં, પણ અંડાશય નહોતા.
અંડાશયને બદલે તેને વૃષણ હતા. તે જનનાંગ હોય છે, જે પુરુષો તથા મહિલાઓમાં અલગ-અલગ હોય છે. દર્દીના બંને વૃષણ વાસ્તવમાં વૃષણ જ હતા, અંડાશય નહીં.
પ્રશ્નઃ શું અગાઉના સ્કૅન કે મેડિકલ ટેસ્ટ્સમાં તેની માહિતી ન મળી શકી હોત?
જવાબ: જ્યારે દર્દી અમારી પાસે આવ્યા, ત્યારે તેમના બંને અંડકોષ નીચે નહોતા ઊતર્યા, અર્થાત્ તે તેમની યોગ્ય જગ્યા પર નહોતા. આથી, હોર્મોન પરીક્ષણની સાથે-સાથે તેમના વીર્યના માપદંડોની પણ તપાસ કરાઈ હતી. વીર્યમાં એઝોસ્પર્મિયા (અર્થાત્, શુક્રાણુની શૂન્યસંખ્યા)ની સ્થિતિ બહાર આવી હતી.
તે પછી એમઆરઆઈ કરાયો. તેમાં ગર્ભાશય, ફેલોપિયન ટ્યૂબ અને તેની સાથે જોડાયેલા અંડકોષ જોવા મળ્યા.
એ પછી રંગસૂત્રનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં 46XY મળી આવ્યા. આ સ્થિતિની પુષ્ટિ કરવા માટે એમઆરઆઈ અને રંગસૂત્રનું વિશ્લેષણ એ મુખ્ય પરીક્ષણો હતાં.
એવું નથી કે આ સ્થિતિ વિશે સામાન્યપણે 26 વર્ષની વય સુધી જાણ થતી નથી. જો સમયસર સ્કૅનિંગ કરવામાં આવ્યું હોત, તો આ સ્થિતિ વિશે વહેલી ખબર પડી શકી હોત, પણ આ દર્દીનું શરૂઆતમાં એ તરફ ધ્યાન ન ગયું કે તેના બંને અંડકોષ સામાન્ય સ્થિતિમાં નહોતા.
ઇમેજ સ્રોત, Getty Images
પ્રશ્નઃ શું આ સ્થિતિનાં કોઈ ચોક્કસ લક્ષણો છે?
જવાબઃ આ સ્થિતિને લીધે દુખાવો, ઊલટી કે તાવ જેવાં કોઈ ચોક્કસ લક્ષણો જોવા મળતાં નથી. તેનો એક સંકેત એ હોઈ શકે કે અંડકોષ તેમની સામાન્ય સ્થિતિ પર નથી હોતા.
પ્રશ્નઃ દર્દીએ કેવા માનસિક કે જીવન સંબંધિત પડકારોનો સામનો કરવો પડી શકે છે?
જવાબ : 26 વર્ષના યુવકને જ્યારે જાણ થઈ કે તે મહિલા જનનાંગ ધરાવે છે, ત્યારે તે ચિંતિત થઈ ગયો હતો અને તણાવમાં આવી ગયો હતો. વળી, તેને તેના ભવિષ્યને લઈને પણ ચિંતા સતાવતી હતી.
અમે લાંબા સમય સુધી તેનું કાઉન્સેલિંગ કર્યું અને તેને સમજાવ્યું કે આ એક ભાગ્યે જ જોવા મળતી તબીબી સ્થિતિ છે. બેશક, આ દુર્લભ સ્થિતિ છે પણ તેનાથી તેના જીવનમાં કોઈ મોટો ફરક નહીં પડે.
આ અંગો હઠાવવાં જરૂરી હતાં, કારણ કે તેમાં કૅન્સર થવાનું જોખમ હતું. હવે તે અંગો દૂર કર્યાં બાદ તે વ્યક્તિ તેમનું જીવન સામાન્ય રીતે જીવી શકે છે.
પ્રશ્નઃ શું આવા કિસ્સામાં હંમેશાં સર્જરી કે સારવાર કરાવવી જરૂરી છે?
જવાબઃ આ દર્દીના કિસ્સામાં સર્જરી જરૂરી હતી. ગર્ભાશય તથા ફેલોપિયન ટ્યૂબ અવિકસિત હતાં અને શરીરમાં તેનું કોઈ કામ ન હતું.
સર્જરી પછી બાયોપ્સીમાં પણ એક અંડકોષમાં કૅન્સર પહેલાંની સ્થિતિ હોવાનું જાણમાં આવ્યું હતું. આથી, આ અંગોને દૂર કરવાં જરૂરી હતાં અને સર્જરી સારવારનાં જ એક ભાગ હતાં.
ઇમેજ સ્રોત, Getty Images
પ્રશ્ન: સર્જરી પછી શું દર્દીના આરોગ્ય પર કોઈ અસર પડી હતી અને આગળ જતાં આ સર્જરીની શું અસર પડશે?
જવાબઃ ઑપરેશનના સાત દિવસ પછી દર્દી કામ પર પરત ફર્યા હતા.
અંડકોષ ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન કરતા હોવાથી તે દૂર કર્યા પછી દર્દીનું શરીર ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન નહીં કરે. આથી, તેમણે દર ત્રણ મહિને ટેસ્ટોસ્ટેરોનનું ઇન્જેક્શન લેવું પડશે.
આ સિવાય, તેમના જાતીય કે સામાજિક જીવનમાં બીજો કોઈ એવો મોટો ફેરફાર નહીં થાય.
અમે લેપરોસ્કોપી અર્થાત્ ટેલિસ્કૉપ વડે સર્જરી કરી હતી. તેના લીધે મોટી કાપકૂપની જરૂર નહોતી પડી અને તેઓ ઝડપથી કામ પર પરત ફરી શક્યા હતા.
પ્રશ્નઃ આ પ્રકારની બાબતો વિશે લોકોમાં કઈ ગેરમાન્યતા પ્રવર્તે છે?
જવાબઃ આ કેસ પછી એવા સવાલો પણ ઊઠી રહ્યા છે કે શું દર્દી પ્રેગ્નન્ટ થઈ શકે છે, તેમને માસિક આવે છે અથવા તો શું બહારથી તેનો દેખાવ મહિલા જેવો હતો?
પણ, તેમાંથી એકેય બાબત સાચી નથી. તેના શરીરમાં ગર્ભાશય અને ફેલોપિયન ટ્યૂબ્સ હતાં, પણ તે અંગો અવિકસિત હતાં અને ગર્ભાધાન શક્ય નહોતું.
દર્દીના શરીરમાં મહિલા જેવી સામાન્ય હોર્મોનલ સ્થિતિ પણ ન હતી.
પ્રશ્નઃ આ મામલાથી તબીબી જગતને કયો મહત્ત્વનો પાઠ મળે છે?
જવાબઃ આ કેસ પરથી એ પાઠ મળે છે કે શરીરમાં થતા કોઈ પણ અસાધારણ ફેરફારની ઉપેક્ષા ન કરવી જોઈએ કે તે વિશે શરમ ન અનુભવવી જોઈએ.
આવી સ્થિતિમાં કોઈ યોગ્ય ડૉક્ટરનો તાકીદે સંપર્ક સાધવો જોઈએ. જો નવજાત શિશુમાં કોઈ અસાધારણ રચના કે અંગની ગેરહાજરી જણાય, તો તાકીદે તબીબી સલાહ લેવી જોઈએ, કારણ કે સમયસર જાણ થવાથી પરિસ્થિતિને ઉત્તમ રીતે સંભાળવામાં મદદ મળી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.
SOURCE : BBC NEWS




