Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Sameer Khan
વાંચવાનો સમય: 5 મિનિટ
ઇન્દોરને દેશનું ‘સૌથી સ્વચ્છ’ શહેર ગણવામાં આવે છે. સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં તે સતત સાત વખત પ્રથમ ક્રમે રહ્યું છે .
થોડા મહિના પહેલા અહીં દૂષિત પાણીને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા અને હવે, કાળઝાળ ગરમી દરમિયાન લગભગ 30 લાખની વસ્તી ધરાવતાં આ શહેરના ઘણા વિસ્તારો ગંભીર પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે.
પાણી અંગે વિરોધપક્ષની સાથે શાસક પક્ષના નેતાઓ પણ વિરોધ કરી રહ્યા છે.
સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો થવાને કારણે 4,000 થી વધુ બોરવેલ સુકાઈ ગયા છે. જોકે, તેમનો દાવો છે કે તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે, જેમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
બીબીસી સહયોગી સમીર ખાનના અહેવાલ અનુસાર, ઇન્દોર શહેરના 85 વૉર્ડમાંથી મોટા ભાગના પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે.
તીવ્ર ગરમીને કારણે, ભૂગર્ભજળનું સ્તર ઝડપથી નીચે ગયું છે અને બોરવેલ સુકાઈ ગયા છે.
નર્મદા નદીનું પાણી દર એક દિવસ છોડીને શહેરમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણીની તંગી સર્જાઈ રહી છે.
હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર બન્યા
ઇમેજ સ્રોત, Hitesh Barot/fb
અમદાવાદમાં નવા મેયરની જાહેરાત કરી દેવાઈ છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલી જાહેરાત પ્રમાણે હિતેશ બારોટની અમદાવાદના મેયર તરીકે નિયુક્તિ કરાઈ છે.
તેમજ અંજુબહેન શાહ ડેપ્યુટી મેયર બન્યાં છે. જ્યારે કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન બનાવાયા છે.
જસુભાઈ ઠાકોર શાસક પક્ષના નેતા અને અતુલ મિશ્રાની દંડક તરીકે વરણી કરાઈ છે.
હિતેશ બારોટ બે ટર્મથી થલતેજ વૉર્ડના કૉર્પોરેટર છે.
હિતેશ બારોટ ગઈ વખતે પહેલી વાર ચૂંટાયા કૉર્પોરેટર તરીકે ચૂંટાયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન બન્યા હતા અને બીજી વાર કૉર્પોરેટર તરીકે ચૂંટાયા છે અને હવે મેયર બન્યા છે.
સહકારી ક્ષેત્રમાં હિતેશ બારોટ આગળ પડતું નામ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મોટા પાયે જીત મેળવી હતી.
મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 1044 બેઠકોમાંથી ભાજપને 937, કૉંગ્રેસને 95 અને આમ આદમી પાર્ટીને છ બેઠક મળી હતી. જ્યારે 43 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.
ગીર પૂર્વની ગીર ગઢડા બૉર્ડર પર 10 દિવસમાં ત્રણ સિંહબાળનાં મોત
ઇમેજ સ્રોત, farooq kadri/bbc
ગુજરાતમાં ગીર પશ્ચિમ જંગલ બૉર્ડર પર બેબસિયા (ન્યૂમોનિયા) જેવા રોગથી સિંહોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલીથી બીબીસીના સહયોગી ફારુક કાદરીના જણાવ્યા અનુસાર, ગાંધીનગરના પ્રિન્સિપલ સીસીએફ જયપાલસિંહે માહિતી આપી કે ધારી ગીર પૂર્વની ગીર ગઢડા બૉર્ડર પર 10 દિવસમાં ત્રણ સિંહબાળનાં મોત થયાં છે.
જયપાલસિંહે મીડિયાને કહ્યું કે “અગાઉ અલગ-અલગ વિસ્તારોમાં બે સિંહબાળનાં મોત હતાં. વનવિભાગ દ્વારા સિંહોની સુરક્ષા માટે સતત મૉનિટરિંગ ચાલુ છે.”
ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે ટેલિફોનિક વાતચીતમાં માહિતી આપી કે અમરેલી જિલ્લામાં એક પણ સિંહનું આ સિઝનમાં મોત નથી થયું.
તો વિકાસ યાદવનું કહેવું છે કે 350 જેટલા સિંહોને તપાસ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ 2018માં દલખાણિયા રેન્જમાં સિંહોનાં ભેદી રોગથી મોત થયાં હતાં.
2020-2021માં પણ ધારી અને ખાંભા ગીરમાં બેબસિયા રોગથી પણ સિંહોનાં મોત નીપજ્યાં હતા.
તામિલનાડુના સીએમ વિજયે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત
ઇમેજ સ્રોત, R.Satish BABU / AFP via Getty Images
તામિલનાડુના મુખ્ય મંત્રી જોસેફ વિજયે સહકારી બૅન્કોમાંથી સીમાંત ખેડૂતોએ 50,000 રૂપિયા સુધી પાક માટે લીધેલી લોન માફ કરી છે.
સીએમ જોસેફ વિજયે સોમવારે જાહેરાત પણ કરી હતી કે સહકારી બૅન્કોમાંથી પાક માટે લીધેલી લોન લેનારા મોટા ખેડૂતોને પણ 5,000 રૂપિયાની રાહત આપવામાં આવશે.
સચિવાલયમાં મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.
કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી આર વિનોથ, સહકારિતામંત્રી વી ગાંધીરાજ, નાણામંત્રી એન મેરી વિલ્સન અને વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.
સરકારના મતે, વિજયના આ નિર્ણયથી લગભગ 14,22,000 ખેડૂતોને ફાયદો થશે અને તેના પરિણામે સરકાર પર 2044.46 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ આવશે.
અમેરિકાની સેનાએ કહ્યું – દક્ષિણ ઈરાનમાં નવા હુમલા શરૂ
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની સેનાએ જણાવ્યું હતું કે તેણે દક્ષિણ ઈરાનમાં નવા હુમલાઓ કર્યા છે, જેમાં ઈરાની મિસાઇલ બેઝ અને સમુદ્રમાં બારૂદી સુરંગ પાથરવાનો પ્રયાસ કરી રહેલાં જહાજોને નિશાન બનાવાયાં છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાઓ સ્વ-બચાવમાં કરવામાં આવ્યા હતા અને તેનો હેતુ ઈરાની દળોના જોખમથી સૈનિકોને બચાવવાનો હતો.
સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હૉકિન્સે જણાવ્યું હતું કે યુએસ સૈન્ય હાલ ચાલી રહેલા યુદ્ધવિરામ દરમિયાન સંયમ રાખતા તેના સૈનિકોનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે.
આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ કહ્યું હતું કે અમેરિકા સાથેની વાતચીતમાં થોડી પ્રગતિ થઈ છે, પરંતુ સંઘર્ષને સમાપ્ત કરવા માટે તાત્કાલિક કોઈ કરાર થવાની શક્યતા નથી.
હૉકિન્સે જણાવ્યું હતું કે આ હુમલાઓ દક્ષિણ બંદર શહેર બંદર અબ્બાસ નજીક કરવામાં આવ્યા હતા, જે ઈરાની નૌકાદળના અડ્ડાનું કેન્દ્ર છે અને હોર્મુઝની સામુદ્રધુની પર આવેલું છે.
અગાઉ, ઈરાની સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે બંદર અબ્બાસમાં વિસ્ફોટોના અવાજ સાંભળ્યા બાદ સ્થાનિક અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
બીબીસી ન્યૂઝના ટોબી માનના અહેવાલના આધારે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘અમે ઈરાન સાથે મળીને આ કામ કરીશું’
ઇમેજ સ્રોત, Roberto Schmidt/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનમાં આવેલા એનરિચ્ડ યુરેનિયમ ભંડારનો નાશ કરવા માગે છે. ટ્રમ્પનું આ નિવેદન તેમના અગાઉના નિવેદનથી અલગ છે જેમાં તેમણે ઈરાનના એનરિચ્ડ યુરેનિયમને અમેરિકાને સોંપી દેવાની વાત કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું , “એનરિચ્ડ યુરેનિયમ (ન્યુક્લિયર ડસ્ટ) તાત્કાલિક વિનાશ માટે અમેરિકાને સોંપવામાં આવશે. ઈરાન સાથે મળીને એવી જગ્યાએ તેનો નાશ કરવો પણ વધુ યોગ્ય રહેશે જ્યાં એટોમિક ઍનર્જી કમિશન કે સમકક્ષ સંસ્થા આ ઘટનાની સાક્ષી બની શકે.”
બીબીસી પર્શિયનના અહેવાલ મુજબ, એક્સિયૉસના રિપોર્ટર બરાક રાવિદ કહે છે કે ટ્રમ્પના નિવેદનથી ખ્યાલ આવે છે કે અમેરિકા તેની અગાઉની માગથી ‘પાછું ખસી રહ્યું છે’ અને હવે ઈરાન દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોની નજીક જઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે જ્યાં સુધી ઈરાનના એનરિચ્ડ યુરેનિયમ ભંડાર કાઢવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત કરવાનું વિચારી શકાય નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







