Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
‘હું જ્યારે સિક્સ મારી શકું છું તો સિંગલ રન કેમ લઉં’ – જ્યારે કોઈ 10-11 વર્ષનું બાળક પોતાના કોચને આ શબ્દો કહે તો નાદાન લાગે. પરંતુ આજે આ બાળકે IPLમાં અનેક રેકૉર્ડ બનાવી દીધા છે.
આ વાત છે વૈભવ સૂર્યવંશીની, જેમણે પોતાના કોચ મનીષ ઓઝાને 10-11 વર્ષની ઉંમરે આ વાત કહી હતી.
15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 12 સિક્સ અને 5 બાઉન્ડ્રીની મદદથી 29 બૉલમાં 97 રન બનાવ્ચા હતા, રાજસ્થાન રૉયલ્સને IPL 2026ની ક્વૉલિફાયર 2 મૅચમાં પહોંચાડવામાં વૈભવે મોટું યોગદાન આપ્યું હતું. વૈભવ સૂર્યવંશીનો સ્ટ્રાઇક રેટ 334.48નો રહ્યો હતો.
વૈભવ સૂર્યવંશીની આક્રમક બૅટિંગ જોઈને ક્રિસ ગેઇલે તેમને ‘નવા સિક્સ મશીન’ જાહેર કરી દીધા છે.
વૈભવ સૂર્યવંશી IPLમાં સૌથી ઝડપી સદી મારવાનો ક્રિસ ગેઇલનો રેકૉર્ડ ભલે તોડી શક્યા ન હોય. પરંતુ IPLની એક સિઝનમાં સૌથી વધારે 59 સિક્સ મારવાનો ક્રિસ ગેઇલનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં 65 સિક્સ ફટકારી છે.
વૈભવ સૂર્યવંશીએ IPL 2026ની 15 મૅચમાં 242.85ના સ્ટ્રાઇક રેટથી 680 રન બનાવ્યા છે. તેમણે 55 બાઉન્ડ્રી અને 65 સિક્સ ફટકારી છે. વૈભવ સૂર્યવંશીએ આ અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં 36 બૉલમાં સદી ફટકારી હતી. આ ઉપરાંત લખનઉ સુપર જાયન્ટ્સ સામે પણ 244ના સ્ટ્રાઇક રેટથી 93 રન બનાવ્યા હતા.
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીમાં એવી શું ખાસિયત છે કે તેઓ આક્રમકતાથી બૅટિંગ કરી રહ્યા છે અને ‘સિક્સ મશીન’ બની ગયા છે?
વૈભવ સૂર્યવંશીની આક્રમક અને નિર્ભીક માનસિકતા
ઇમેજ સ્રોત, ANI
વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બૅટિંગ માટે તેમની આક્રમક અને નિર્ભીક માનસિકતાને જવાબદાર ગણવામાં આવે છે.
વૈભવ સૂર્યવંશીએ 12 વર્ષની ઉંમરે બિહાર તરફથી પહેલી રણજી ટ્રૉફી રમ્યા હતા. તે સમયની રણજી ટ્રૉફીની ટીમના કોચ વિકાસકુમાર કહે છે, “વૈભવ પહેલેથી જ નીડર બનીને રમે છે. 12 વર્ષની ઉંમરે પહેલીવાર મુંબઈ સામે રણજી ટ્રૉફીની મૅચ રમવા ઉતર્યો ત્યારે તેણે ખૂબ રન બનાવ્યા નહોતા. પરંતુ તેણે જે રીતે મુંબઈના દિગ્ગજ ખેલાડીઓની સામે કવર ડ્રાઇવ અને પુલ શૉટ રમ્યા હતા તે જોવા જેવું હતું. તેણે તેની માનસિકતા સ્પષ્ટ કરી હતી.”
વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન અને દુનિયાના વર્તમાન સમયના મહાન બૉલરોમાંથી એક પૅટ કમિન્સની એક ઓવરમાં એક બાઉન્ડ્રી અને પછી સતત ત્રણ સિક્સર ફટકારી હતી.
વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 97 રન બનાવ્યા તેના પછી પ્રેસ કૉન્ફરન્સમાં રાજસ્થાન રૉયલ્સના ખેલાડી ધ્રુવ જુરેલે કહ્યું, “વૈભવ સૂર્યવંશી પોતાની જાત પર ભરોસો કરે છે, તેના મનમાં શંકા હોતી નથી કે ‘હું આ નહીં કરી શકું.”
વૈભવ સૂર્યવંશીએ ગત IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે 38 બૉલમાં 101 રન બનાવ્યા પછી કહ્યું હતું, “હું બૉલરોને જોતો નથી, હું માત્ર બૉલ જોઉં છું અને રમું છું.”
આ ઇનિંગ્સ પછી સચીન તેંડુલકરે વૈભવ સૂર્યવંશીની નીડરતા વિશે ફેસબુક પર લખ્યું, “નીડર અભિગમ, બૅટની સ્પીડ, લેન્થને ઝડપથી પિક કરવી અને બૉલની પાછળ ઊર્જાને ટ્રાન્સફર કરવી એ આ ઇનિંગની રેસિપી હતી.” વૈભવ સૂર્યવંશી જે પ્રકારે મેદાન પર બૅટિંગ કરે છે તે આ વાતની પુષ્ટિ કરે છે.
ગુજરાત ક્રિકેટ અસૉસિએશનની ઍકેડેમી ડિરેક્ટર હિતેશ મજમુદાર કહે છે, “વૈભવ સૂર્યવંશી ‘વન ઇન જનરેશન’ ખેલાડી છે. 15 વર્ષના ઘણા ખેલાડીઓ ક્રિકેટ રમે છે પરંતુ વૈભવ સૂર્યવંશીની રમત કંઈક અલગ જ છે. તેઓમાં ડર નથી, તેઓ સહજતાથી રમી રહ્યા છે તેજ તેમની ક્ષમતા છે.”
તેઓ વધુમાં કહે છે, “રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પુજારામાં ‘ધૈર્ય’ જન્મજાત પ્રતિભા હતી તેવી રીતે આક્રમક બૅટિંગ કરવી એ વૈભવ સૂર્યવંશીમાં જન્મજાત પ્રતિભા છે. આ પ્રતિભા ધરાવતા લોકોને આ બાબત શીખવવાની હોતી નથી તેમનામાં આવતી હોય છે.”
વૈભવ સૂર્યવંશી, ‘હું સિક્સ મારી શકું છું તો એક કે બે રન કેમ લઉં’
ઇમેજ સ્રોત, Getty Images/BBC
વૈભવ સૂર્યવંશીના બાળપણના કોચ મનીષ ઓઝા કહે છે, “વૈભવ 8 વર્ષની ઉંમરે મારી પાસે આવ્યા હતા. બાળપણથી જ નીડરતાથી રમે છે. તે 10-11 વર્ષના હતા ત્યારે મેં કહ્યું કે તારે એક કે બે રન પણ લેવા જોઈએ ત્યારે તેણે મને કહ્યું હતું કે હું સિક્સ ફટકારી શકું છું તો હું શું કામ એક કે બે રન લઉં.”
મનીષ ઓઝા કહે છે, “જ્યારે તમને 10-11 વર્ષનું બાળક આવું કહે તો તમે તેને શું જવાબ આપો. મેં તેને પછી ક્યારેય એક-બે રન લેવા કહ્યું નથી, તેની ઍગ્રેસિવ બૅટિંગ યથાવત્ રહી છે.”
વૈભવ જ્યારે બિહાર માટે રણજી ટ્રૉફી રમી રહ્યા હતા ત્યારે કોચ વિકાસકુમારને પણ આ આવું જ કહ્યું હતું કે ‘હું સિક્સ મારી શકું છું તો બાઉન્ડ્રી કેમ ફટકારું.’
વિકાસકુમાર હાલ ઝારખંડની અન્ડર-19 ટીમના કોચ છે. તેઓ વૈભવ સૂર્યવંશીનો એક કિસ્સો સંભળાવતા કહે છે, “મેં વૈભવને એક વખત પુછ્યું કે શું પ્લાન છે તો વૈભવે કહ્યું આયેગા તો ખેલેંગે.”
આવી જ વાત વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રૉયલ્સના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડને કહી હતી કે ‘પહેલો બૉલ મળ્યો તો ઉડાવી દઈશું.’ આ વાત રાજસ્થાન રૉયલ્સના પૂર્વ કૅપ્ટન સંજુ સેમસને BCCIના ઍવૉર્ડ સમારંભમાં કહી હતી.
મનીષ ઓઝા અને વિકાસકુમાર બંને માને છે કે વૈભવ પાછલાં બે વર્ષથી વધારે આક્રમક બની ગયા છે.
વિકાસકુમાર કહે છે, “વૈભવ સૂર્યવંશી જે આક્રમકતાથી બૅટિંગ કરે છે તેને જોઈને હું ચોંકેલો છું, વૈભવમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. વૈભવ પહેલાં આટલી આક્રમકતાથી બૅટિંગ કરતા ન હતા.”
વૈભવનો બૅટ સ્વિંગ અને ફૂટ વર્ક
ઇમેજ સ્રોત, ANI
વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 29 બૉલમાં 97 રનની ઇનિંગ રમી તેમાં 12 સિક્સ ફટકારી હતી. વૈભવે મેદાનની તમામ દિશાઓમાં રન ફટકાર્યા હતા.
વૈભવની બૅટિંગ વિશે વાત કરતા સચીન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “વૈભવનો બૅટ સ્વિંગ શાનદાર છે. સાથે જ તેઓ પગ પર આવતા બૉલ પર પોતાનો આગળનો પગ સારી રીતે હટાવે છે, જેનાથી તેમને ખૂલીને શૉટ રમવાની અને સરળતાથી સિક્સ મારવાની આઝાદી મળે છે. તેમની ઇનિંગ શાનદારથી ઓછી ન હતી.”
વૈભવ સૂર્યવંશીની બૅટ સ્વિંગની ટૅક્નિક વિશે આકાશ ચોપરાએ સ્ટાર સ્પૉર્ટ્સ પર એક વીડિયોમાં વિસ્તારથી વાત કરી હતી.
આકાશ ચોપરાએ કહ્યું, “વૈભવ બૅટ ઉપાડે છે, થોડું નીચે લાવે છે અને પાછું ફરીથી ઉપાડે છે અને ત્યાં થોડો સમય રાહ જુએ છે. મેં કોઈપણ વ્યક્તિને આ રીતે બૅટને આ દિશામાં હલાવતા જોઈ નથી. તેમનું બૅટ કવરની દિશામાં જાય છે, બૅટનો પાછળનો ભાગ જે ઍન્ગલથી આવે છે ત્યાંથી જે રીતે ગોળ ફેરવીને તેઓ મારે છે. તેનાથી જે પ્રકારનો પાવર જનરેટ થાય છે, ખાસ કરીને ડાબી બાજુના શૉટ્સ અદ્ભુત રમે છે.’
આકાશ ચોપરાના મતે જેમ શિકારી ચાબુક વિંઝતો હોય છે તેમ વૈભવ સૂર્યવંશી મારે છે અને તેમાં કાંડાનો ઉપયોગ કરે છે. આ અદ્ભુત છે.
ઑસ્ટ્રેલિયાના પૂર્વ ઑપનર ઍરોન ફિંચ વૈભવ સૂર્યવંશીની બૅટિંગ સ્ટાઇલનું વિશ્લેષણ ઇએસપીએન ક્રિકઇન્ફો પર જણાવે છે, “વૈભવ પોતાના હાથને ઊંચા રાખે છે. બૅટનો ટોચનો ભાગ હવામાં ઉપર રહે છે, તેનાથી ફાયદો એ થાય છે કે બૅટનું વજન ઘટી જાય છે. બૅટને લિફ્ટ કરવું પડતું નથી. બૅટનું એક ફ્રી સ્વિંગ જ કરવાનું હોય છે. વૈભવ સૂર્યવંશી પોતાના માથાને સ્થિર રાખે છે તે આમ-તેમ ભટકતું નથી કે નમી પડતું નથી. વૈભવ પોતાના હાથને ઊંચા રાખે છે.”
ઍરોન ફિંચ વધુમાં કહે છે, “ડાબોડી બૅટ્સમૅનોને હિપ પાસે બ્લાઇન્ડ સ્પૉટ નડતો હોય છે પરંતુ વૈભવના કિસ્સામાં આવું જોવા મળતું નથી કારણ કે તેઓ પોતાનું માથું સ્થિર રાખે છે.”
વૈભવ સૂર્યવંશીની ત્રીજી ખાસિયત છે બૅટ પકડવાની રીત.
ક્રિકેટમાં મોટા ભાગના ખેલાડીઓ V રીતે બૅટ પકડે છે, જ્યારે વૈભવ O રીતે બૅટ પકડે છે. ક્રિકેટની ભાષામાં આને “બૉટમ-હૅન્ડ ડૉમિનેન્ટ ગ્રીપ” (Bottom-hand dominant grip) અથવા “રાઉન્ડ ગ્રીપ” (Round grip) કહેવાય છે, જે બૉલને હવામાં ફટકારવા (Lofted shots) માટે વધુ પાવર આપે છે.
કોચ મનીષ ઓઝા કહે છે, “વૈભવે IPLની આ સિઝનથી લૉંગ હૅન્ડલ બૅટનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત વૈભવ બૅટને ફૂલ સ્વિંગ કરાવે છે.”
તેઓ વધુમાં કહે છે, “વૈભવે પોતાના ફૂટવર્ક પર પણ કામ કર્યું છે, તેઓ પોતાનું ફૂટ વર્ક સતત બદલી રહ્યા છે.”
વૈભવ નબળાઈને સુધારવા કરે છે મહેનત
ઇમેજ સ્રોત, Getty Images
વૈભવ સૂર્યવંશીના કોચ મનીષ ઓઝા માને છે કે વૈભવ સૂર્યવંશીએ પોતાની જાતને ખૂબ અપગ્રેડ કરી છે. તેઓ પ્રૅક્ટિસ પર વધારે ધ્યાન આપે છે અને મહેનત કરે છે.
ધ્રુવ જુરેલે વૈભવ સૂર્યવંશી વિશે કહ્યું હતું કે વૈભવ કોઈ પ્લાન બનાવતા નથી, પરંતુ પ્રૅક્ટિસ ખૂબ કરે છે.
મનીષ ઓઝા કહે છે, “વૈભવ સમસતીપુરથી પટણા મારી પાસે કોચિંગમાં આવતા હતા. તેમને 100થી વધારે કિલોમીટરની મુસાફરી કરવી પડતી હતી માટે તેઓ એક દિવસ છોડીને એક દિવસ આવતા હતા. આવે ત્યારે ખૂબ પ્રૅક્ટિસ કરતા. તેમને વિવિધ શૉટ્સ શીખવવા પર અમારું ફોક્સ હતું એટલે વધુ ડિફેન્સિવ પ્રૅક્ટિસ થઈ નથી.”
વૈભવની મહેનત વિશે વાત કરતા કોચ વિકાસકુમાર કહે છે, “વૈભવ સૂર્યવંશીને રણજી ટ્રૉફી દરમિયાન બે ઑફ સ્પિનર્સે અલગ અલગ મૅચમાં એક જ રીતે આઉટ કર્યા હતા. મેં તેમને આ બાબતને સુધારવા માટે કહ્યું તો અમારું નેટ સેશન પૂર્ણ થયા પછી પણ તેઓ આ રીતે આઉટ ન થાય માટે એક કલાકથી વધારે પ્રૅક્ટિસ કરી હતી.”
વૈભવ સૂર્યવંશીની બૅટિંગ વિશે વાત કરતા રાજસ્થાન રૉયલ્સના કોચ વિક્રમ રાઠોડ કહે છે, “વૈભવ સૂર્યવંશીને અમે કંઈ કહેતા નથી, અમે તેને બૅટિંગને માણવાનું કહીએ છીએ. એ જિનિયસ છે એને જે બાબત નબળી હોય છે તે પ્રૅક્ટિસમાં સુધારવા માટે તે કામ કરે છે.”
બિહારની રણજી ટીમના પૂર્વ કોચ વિકાસકુમાર વધુમાં કહે છે, “વૈભવને એના જીવનમાં જે કોઈ કોચ મળ્યા છે તેમણે તેને તે ઇચ્છે તેવું રમવાની છૂટ આપી છે તેના કારણે તે આટલી સહજતાથી આક્રમક બૅટિંગ કરે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







