Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, આઇપીએલ, ગુજરાત ટાઇટન્સ, વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આઇપીએલની 19મી સિઝનની ફાઇનલ મૅચમાં ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ (આરસીબી) વચ્ચેનો મુકાબલો પાંચ વિકેટથી જીતી લીધો હતો.

આ મૅચમાં ગુજરાત ટાઇટન્સની ટીમ અપેક્ષાથી ઊલટ મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ નીવડી હતી.

ગુજરાત ટાઇટન્સની ટીમ પહેલાં બેટિંગ કરતાં આઠ વિકેટના નુકસાને 155 રન જ બનાવી શકી હતી.

જોકે, સામેની બાજુએ આરસીબી પણ પ્રમાણસર નાનો મનાઈ રહેલો સ્કોર સાવ સરળતાથી હાંસલ કરી શકી નહોતી અને તેના માટે તેણે સંઘર્ષ કરવો પડ્યો હતો.

આક્રમક શરૂઆત બાદ આરસીબીની ટીમ પણ એક પછી એક વિકેટો ગુમાવી રહી હતી. જોકે, જીતના હીરો રહેલા વિરાટ કોહલી તરફથી એક છેડેથી સંયમ અને આક્રમકતાનું ગજબ સંયોજન જોવા મળ્યું. જેના દમ પર આરસીબીની ટીમ 12 બૉલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કરવામાં સફળ રહી હતી.

આ જીત સાથે આરસીબી સતત બીજી સિઝનમાં આઇપીએલની વિજેતા ટીમ બની છે, અને એ સાથે જ ગુજરાત ટાઇટન્સની ટીમ પાંચ વર્ષમાં બીજી વખત વિજેતાનો ખિતાબ જીતવાથી દૂર રહી ગઈ છે.

જીતના હીરો વિરાટ કોહલી રહ્યા હતા, જેમણે 42 બૉલમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 75 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી.

કોહલી અને અય્યરની જોડીએ જીતનો એવો તો પાયો નાખ્યો કે…

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, આઇપીએલ, ગુજરાત ટાઇટન્સ, વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

156નો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી આરસીબીની ટીમ માટે પણ પ્રથમ ઓવરમાં જ મુશ્કેલી વધી ગઈ હતી.

આરસીબીની ટીમ વતી ઓપનિંગ ઊતરેલા વેંકટેશ અય્યરને મોહમ્મદ સિરાજનો પ્રથમ ઓવરનો ચોથો બૉલ ઘૂંટણ પર લાગતાં તેઓ મુશ્કેલીમાં જણાઈ રહ્યા હતા.

પગની ઈજા છતાં અય્યરે કગિસો રબાડાની બીજી ઓવરમાં એવી તો ફટકાબાજી કરી કે એક જ ઓવરમાં 18 રન લઈ લીધા.

જોકે, તકલીફમાં હોવા છતાં અય્યર અને કોહલીએ પોતાની વિકેટ ઝડપથી ગુમાવી નહોતી, અને ટીમને સારી શરૂઆત અપાવવામાં સફળ રહ્યા હતા.

શરૂઆતની ઓવરોમાં જ આરસીબીની ટીમમાંથી બંને છેડેથી ફટકાબાજી જોવા મળી હતી.માત્ર 3.3 ઓવરમાં તો ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 50 રન પૂરા કરી લીધા.

વિરાટ કોહલીએ કગિસો રબાડાની બીજી અને ઇનિંગની ચોથી ઓવરમાં જબરદસ્ત ટાઇમિંગ અને આક્રમકતાનું પ્રદર્શન કરીને ઓવરના પ્રથમ ચાર બૉલમાં બાઉન્ડ્રી ફટકારી દીધી અને 19 રન સ્કોરમાં જોડી દીધા.

આરસીબીને પ્રથમ ફટકો ઓપનર વેંકટેશ અય્યર સ્વરૂપે લાગ્યો, આક્રમક બેટિંગ કરી રહેલા અય્યર મોહમ્મદ સિરાજના બૉલ પર કગિસો રબાડાને કૅચ દઈ બેઠા, તેમણે ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 16 બૉલમાં 32 રન ફટકારી દીધા હતા. આમ, આરસીબીની ટીમે પ્રથમ વિકેટ 62 રનના સ્કોર પર ગુમાવી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, આઇપીએલ, ગુજરાત ટાઇટન્સ, વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

અય્યર આઉટ થતાં ક્રીઝ પર આવેલા દેવદત્ત પડિક્કલ ઝાઝી કમાલ ન કરી શક્યા કગિસો રબાડાના બૉલે છઠ્ઠી ઓવરના પ્રથમ બૉલે એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.

નવમી ઓવરમાં બીજા બૉલે મોટો શૉટ ફટકારવાની કોશિશમાં આરસીબીના કપ્તાન રજત પાટીદાર રાશિદ ખાનના બૉલે કગિસો રબાડાને બાઉન્ડ્રી પર કૅચ આપી બેઠા. તેઓ 15 રનના વ્યક્તિગત સ્કોરે પેવેલિયન પરત ફર્યા હતા.

આ જ ઓવરમાં ક્રીઝ પર નવા આવેલા કૃણાલ પંડ્યા પણ રાશીદ ખાનનો શિકાર બની ગયા અને માત્ર એક રન બનાવી એલબીડબ્લ્યૂ આઉટ થઈ ગયા.

આમ, રાશીદ ખાન નવમી ઓવરમાં માત્ર ત્રણ રન આપી બે મહત્ત્વપૂર્ણ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

દસ ઓવર પૂરી થઈ ત્યાં સુધી આરસીબીનો સ્કોર ચાર વિકેટના નુકસાને 100 રન થઈ ચૂક્યો હતો અને ટીમ લક્ષ્યથી હવે થોડે દૂર જ રહી ગઈ હતી.

12મી ઓવરના બીજા બૉલ પર કોહલીએ માત્ર 25 બૉલમાં ચોગ્ગો ફટકારીને પોતાની અર્ધ સદી પૂરી કરી હતી અને ફરી એક વાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. તેમણે તેમની આઈપીએલ કૅરિયરની સૌથી ઝડપી અર્ધસદી ફટકારી હતી.

એક છેડેથી ટકી રહેલા કોહલીને સારો સાથ આપતા દેખાતા ટીમ ડૅવિડની વિકેટ અરશદ ખાનના ભાગમાં આવી, તેઓ 17 બૉલ રમીને 24 રન બનાવીને આઉટ થઈ ગયા.

જોકે, આ ક્ષણ સુધી આરસીબીની ટીમ જીતથી માત્ર 24 રન જ દૂર રહી ગઈ હતી.

વિરાટ કોહલી ઓપનિંગ ઊતરી ટીમની જીત સુધી અણનમ રહીને પોતાને કેમ ‘ક્રિકેટના કિંગ કોહલી’ કહેવામાં આવે છે એ સાબિત કરી બતાવ્યું. તેમણે અંત સુધી રમીને 75 રનની મૅચ વિનિંગ ઇનિંગ રમી હતી.

ગુજરાત ટાઇટન્સની ઇનિંગ કેવી રહી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ક્રિકેટ, આઇપીએલ, ગુજરાત ટાઇટન્સ, વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, ANI

પાછલી પાંચ આઇપીએલ મૅચોમાંથી ચાર જીતનારી ગુજરાત ટાઇટન્સની ટીમનું બેટિંગ પ્રદર્શન એટલું પ્રભાવિત કરી દેનારું નહોતું રહ્યું.

પ્રારંભિક વિકેટો ગુમાવ્યા બાદ ટીમ જાણે પોતાની જાતને સંભાળી જ ન શકી હોય એમ રનની ગતિ સાવ ધીમી પડી હતી.

પ્રથમ દસ ઓવરમાં ટીમનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 63 રન સુધી જ પહોંચી શક્યો હતો.

જોકે, એક તરફથી વિકેટો ગુમાવતી જઈ રહેલી ટીમનો એક છેડો વૉશિંગટન સુંદર પકડીને છેલ્લે સુધી ટકી રહ્યા હતા.

તેમણે 37 બૉલમાં પાંચ ચોગ્ગાની મદદથી અર્ધ સદી પૂર્ણ કરી હતી.

જોકે, તેમના સિવાય અન્ય કોઈ પણ ગુજરાત ટાઇટન્સનો બૅટ્સમૅન પોતાની બેટિંગથી એટલો પ્રભાવિત ન કરી શક્યો.

એક પછી એક વિકેટો ગુમાવવાને કારણે ટીમ પોતાનો સ્કોર મહામુશ્કેલીથી 155 રન સુધી પહોંચાડી શકી હતી.

આરસીબીના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેના બૉલરોએ સંયમિત અને કિફાયતી બૉલિંગ પ્રદર્શન કર્યું હતું, રસિખ સલામ ડારે સૌથી વધુ ત્રણ વિકેટ મેળવી હતી, જ્યારે ભુવનેશ્વરકુમાર, જૉસ હૅઝલવુડ અને કૃણાલ પંડ્યાને અનુક્રમે બબ્બે અને એક વિકેટ મળી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS