Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, આઇપીએલ, ક્રિકેટ, ગુજરાત ટાઇટન્સ

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુની ટીમે ગુજરાત ટાઇટન્સની ટીમને પાંચ વિકેટે હાર આપીને IPLની ટ્રૉફી પોતાના નામે કરી છે. ગુજરાત ટાઇટન્સની ટીમે પહેલી બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા. 156 રનના જીતના લક્ષ્યાંક માટે ઉતરેલી આરસીબીએ 18 ઓવરમાં પાંચ વિકેટના ભોગે જીત હાંસલ કરી દીધી હતી.

ગુજરાત ટાઇટન્સની ટીમનું બેટિંગ યુનિટનું પ્રદર્શન નબળું રહ્યું હતું. ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શન 12 બૉલમાં 12 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે શુભમન ગિલ 8 બૉલમાં 10 રન બનાવીને આઉટ થયા હતા. પહેલી ચાર ઓવરમાં જ આ બે ખેલાડીઓની વિકેટે ગુજરાત ટાઇટન્સને બૅકફૂટ પર ધકેલ્યું હતું.

ગુજરાત ટાઇટન્સે જૉસ બટલરના સ્થાને નિશાંત સિંધુને ત્રીજા ક્રમે મોકલ્યા હતા, ગુજરાત ટાઇટન્સના નિશાંત સિંધુ 18 બૉલમાં 20 રન બનાવીને આઉટ થયા હતા, નિશાંત સિંધુની વિકેટ રસિખ સલામ ડારે લીધી હતી. આ પછી જૉસ બટલર 23 બૉલમાં 19 રન બનાવીને આઉટ થયા હતા. જૉસ બટલરનું સ્ટમ્પિંગ કૃણાલ પંડ્યાની ઓવરમાં જિતેશ શર્માએ કર્યું હતું. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ વધુ પિચ પર ટકી શક્યા નહોતા.

અર્શદ ખાન 15 રન અને રાહુલ તિવેટિયા 7 રન બનાવીને આઉટ થયા હતા.

એક માત્ર વૉશિંગ્ટન સુંદરે એક છેડો સાચવીને અણનમ 50 રન બનાવ્યા હતા.

ગુજરાતના ટૉપ ખેલાડીઓને આઉટ કરવા માટે આરસીબીએ શું પ્લાન બનાવ્યો હતો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, આઇપીએલ, ક્રિકેટ, ગુજરાત ટાઇટન્સ

ઇમેજ સ્રોત, ANI

ગુજરાત ટાઇટન્સની બેટિંગનો આધાર શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જૉસ બટલર પર રહ્યો હતો.

આ મૅચ અગાઉ શુભમન ગિલે IPL2026ની 15 મૅચમાં 722 રન બનાવ્યા હતા અને સાઈ સુદર્શને 16 મૅચમાં 710 રન બનાવ્યા હતા.

શુભમન ગિલે તો ગત ક્વૉલિફાયર મૅચમાં સદી ફટકારીને ગુજરાત ટાઇટન્સની ટીમને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો. IPLમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીની યાદીમાં ગિલ અને સાઈ સુદર્શન અનુક્રમે પહેલા અને બીજા ક્રમે છે.

જૉસ બટલરે પણ આ IPLની 16 મૅચમાં 507 રન બનાવ્યા હતા. ગુજરાતની ટીમની નબળાઈ હતી કે તેમના મિડલ ઑર્ડરના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. તે IPLની ફાઇનલમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.

કોઈપણ ટીમને જીતવું હોય તો ગુજરાત ટાઇટન્સના ટોચના ત્રણ ખેલાડીઓની વિકેટ લેવી ખૂબ જરૂરી હતી.

ગુજરાત ટાઇટન્સના ટોચના ત્રણ ખેલાડીઓની વિકેટ લેવા માટે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુએ જે પ્લાન બનાવ્યો હતો તેની વાત કોચ દિનેશ કાર્તિકે કૉમેન્ટેટર સાથે કરી હતી.

દિનેશ કાર્તિકને કૉમેન્ટેટરે પૂછ્યું હતું કે શું ગિલ અને સુદર્શનને નાખવામાં આવેલો બૉલ તમારા પ્લાનનો ભાગ હતો?

દિનેશ કાર્તિકે જવાબમાં કહ્યું, “બંને બૉલરોને લાગતું હતું કે વિચિત્ર શૉર્ટ બૉલ મહત્ત્વના છે. આ પીચ પર બાઉન્સ છે અને તેમણે તેનો અમલ સારી રીતે કર્યો હતો. જોકે, શુભમન ગિલનો બૉલ એવો ન હતો, તે એકદમ ફૂલ લેન્થ બૉલ હતો.”

દિનેશ કાર્તિકે પોતાના ખેલાડી ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવુડ અને વિરાટ કોહલીનો અનુભવ કેવી રીતે મદદમાં આવ્યો તેની વાત પણ કરી હતી.

દિનેશ કાર્તિકે કહ્યું હતું, ‘હું માત્ર એટલું જ કહીશ કે તમે જાણો છો કે તમારી પાસે હૅઝલવુડ જેવા ખેલાડી હોય, જેઓ અનેક ટ્રૉફીઓનો હિસ્સો રહી ચૂક્યા હોય અને તેમને મોટી મૅચ જીતવાની આદત છે. તેઓ જાણે છે કે મોટી ગેઇમ જીતવું શું હોય છે. તેઓ જ્યારે બૉલિંગ મિટિંગમાં હોય છે ત્યારે તે ખૂબ જ શાંત જોવા મળે છે. તે ખૂબ મહત્ત્વનું છે. હું હૅઝલવુડની વાત કરું છું જેમની અમારા બૉલિંગ ગ્રૂપ પર મોટો પ્રભાવ રહ્યો છે. ભુવનેશ્વરે પણ કેટલીક ટ્રૉફી જીતી છે અને વિરાટ કોહલી જેમને આપણે જાણીએ છીએ. આ ત્રણ મહત્ત્વપૂર્ણ ખેલાડીઓએ ટાઇટલ જીત્યા છે અને તેઓ જાણે છે કે મોટી રમત જીતવા માટે શું કરવું જોઈએ?

ભુવનેશ્વરકુમારે ગુજરાત ટાઇટન્સ સામે 4 ઓવરમાં 29 રન આપીને બે વિકેટ લીધી હતી. જૉશ હૅઝલવુડે 4 ઓવરમાં 37 રન આપીને બે વિકેટ લીધી. જ્યારે, યુવાન બૉલર રસિખ સલામ ડારે 4 ઓવરમાં 27 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

ગિલ અને સુદર્શન સામે શૉર્ટ અને બાઉન્સર બૉલનો ઉપયોગ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, આઇપીએલ, ક્રિકેટ, ગુજરાત ટાઇટન્સ

ઇમેજ સ્રોત, ANI

શુભમન ગિલ 10 રન પર રમી રહ્યા હતા ત્યારે જૉશ હૅઝલવુડે શૉર્ટ લેન્થ પર બૉલ નાખ્યો હતો, આ બૉલને થોડો વધારે બાઉન્સ મળ્યો હતો. શુભમન ગિલને શોર્ટ આર્મ પુલ શૉટ રમવો ગમે છે.

141.8ની ઝડપે નખાયેલા આ બૉલને ઍકસ્ટ્રા બાઉન્સ મળવાના કારણે શુભમન ગિલનો બૉલ હવામાં ગયો હતો. રજત પાટીદારે શુભમન ગિલનો કૅચ કર્યો હતો.

સાઈ સુદર્શન ભુવનેશ્વરકુમારની બીજી ઓવરમાં 12 રન પર બેટિંગ કરી રહ્યા ત્યારે ભુવનેશ્વરે પોતાની ઓવરનો બીજો બાઉન્સ બૉલ નાખ્યો હતો. સાઈ સુદર્શનને આ બાઉન્સ બૉલની આશા નહીં હોય કારણ કે આની અગાઉનો બૉલ ભુવનેશ્વરકુમાર બાઉન્સ નાખી ચૂક્યા હતા.

આ બાઉન્સર ભુવનેશ્વર કુમારે સાઈ સુદર્શનના શરીરથી થોડો દૂર ફેંક્યો હતો. સાઈ સુદર્શન આ શૉટને સંપૂર્ણ રમ્યા ન હતા. તેઓએ માત્રને બૅટને વચ્ચે અટકાવી દીધું હતું અને બૉલ તેને અડીને ઉપર ગયો હતો. વિકેટ કીપર જિતેશ શર્માએ દોડીને કૅચ કર્યો હતો.

સાઈ સુદર્શન અને શુભમન ગિલની વિકેટો પાવરપ્લે પહેલાં પડી ગઈ જે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુને જીતની નજીક લઈ ગઈ હતી.

બીજી બેટિંગ કરવા આવેલી રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરની ટીમે 18 ઓવરમાં પાંચ વિકેટથી વિજય મેળવ્યો હતો. રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુના વિરાટ કોહલીએ સૌથી વધારે રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 2 વિકેટ લીધી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS