Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આજથી વસ્તીગણતરી-2027 શરૂ થવા જઈ રહી છે. વસ્તી ગણતરીમાં ટેકનૉલૉજી અને ઍપ્સની મદદ લેવામાં આવી રહી છે. પરંતુ જ્યારે ટેકનૉલૉજી વિકસિત નહોતી ત્યારે વસ્તીગણતરી કેવી રીતે કરવામાં આવતી?
સ્માર્ટફોન અને સરકારી ઍપ્સ આવી, તે પહેલાં ભારતે વિશ્વની સૌથી વિરાટ આંકડાકીય કવાયતોમાં સ્થાન ધરાવતી વસ્તીગણતરી હાથ ધરવા માટે તેના વિશાળ પોસ્ટલ નેટવર્કનો સહારો લીધો હતો.
હવે, જ્યારે ભારત તેની 16મી (1947માં આઝાદી મળ્યા પછીની આઠમી) વસ્તીગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે એક નવું પ્રદર્શન એક સમયે નાગરિકોને રાષ્ટ્રીય ગણતરી માટે પ્રોત્સાહિત કરવા માટે ઉપયોગમાં લેવાતાં પોસ્ટમાર્ક, ટપાલ ટિકિટો અને પત્રોના ભૂલાઈ ગયેલા ઇતિહાસની ફરી ઝાંખી કરાવી રહ્યું છે.
ઇમેજ સ્રોત, Vikas Kumar
બેંગલુરુની અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર વિકાસ કુમાર દ્વારા યોજવામાં આવેલું આ પ્રદર્શન ભારતની ટપાલ વ્યવસ્થા કેવી રીતે આઝાદી પછીના દાયકાઓમાં દેશના નિર્માણ માટેનું અણધાર્યું સાધન બની ગઈ, તેની ઝલક આપે છે.
સ્વતંત્ર ભારતને આયોજનબદ્ધ અર્થશાસ્ત્રનું નિર્માણ કરવા માટે તેમજ સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે ચૂંટણી યોજવા માટે તાત્કાલિક ધોરણે ભરોસાપાત્ર વસ્તી-વિષયક આંકડાઓની જરૂર હતી.
નવા પ્રજાસત્તાક રાષ્ટ્રના રાજનૈતિક અર્થતંત્રમાં વસ્તીગણતરી એટલી મહત્ત્વપૂર્ણ હતી કે, બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવે, તે પૂર્વે જ કન્સ્ટિટ્યુઅન્ટ ઍસેમ્બલીએ 1948માં સેન્સસ ઍક્ટ પસાર કરી દીધો હતો.
ઇમેજ સ્રોત, Vikas Kumar
પણ સરકાર સામે તાત્કાલિક ધોરણે બે પડકારો આવ્યાઃ વસ્તીગણતરીમાં ભાગ લેવા માટે લોકોને કેવી રીતે સમજાવવા અને વિશાળ, ગરીબ તથા વ્યાપક સ્તરના ગ્રામીણ દેશમાં વસ્તીગણતરી કરનારાઓ અને વસ્તીગણતરીના અધિકારીઓ વચ્ચેનો સંપર્ક કેવી રીતે જાળવી રાખવો.
ઇમેજ સ્રોત, Vikas Kumar
ખાસ કરીને વિશ્વાસને લઈને ચિંતા પ્રવર્તી રહી હતી. 1931 અને 1941ની બ્રિટિશ શાસન સમયની વસ્તીગણતરીનો ભારતના કેટલાક ભાગોમાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જ્યારે પંજાબ તથા બંગાળમાં 1941ની વસ્તીગણતરીએ સાંપ્રદાયિક ચેડાંના આરોપોનો સામનો કરવો પડ્યો હતો.
આથી, સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તીગણતરીની વિશ્વસનીયતા માટે લોકો સુધી પહોંચવું જરૂરી બની ગયું હતું.
અહીં જ ટપાલ વ્યવસ્થા કામે આવી.
ઇમેજ સ્રોત, Vikas Kumar
થોડા દાયકાઓ અગાઉ સુધી ટપાલ વિભાગ ભારત સરકાર પાસે ઉપલબ્ધ સૌથી વિશાળ એકીકૃત સંચાર નેટવર્ક હતું.
ઇમેજ સ્રોત, Vikas Kumar
સ્વતંત્રતા પછી ટપાલ વ્યવસ્થા બૅંકિંગ સહિતનાં અન્ય જાહેર નેટવર્ક્સની તુલનામાં વધુ ઝડપથી વિસ્તરી હતી.
1968 સુધીમાં 1,00,000 કરતાં વધુ પોસ્ટ ઑફિસો રોજ 3,00,000 ગામડાંઓમાં તથા સાપ્તાહિક ધોરણે બીજાં 3,00,000 ગામોમાં ટપાલો પહોંચાડતી હતી.
ઇમેજ સ્રોત, Vikas Kumar
કુમારના સંશોધન પરથી માલૂમ પડે છે કે, એક સમયે ભારત સરકાર તેના નાગરિકો સાથે કેટલી અલગ રીતે સંવાદ કરતી હતી.
સ્વતંત્રતા પછીની પ્રથમ – 1951ની વસ્તીગણતરી પહેલાં સરકારે દેશભરમાં મોકલવામાં આવનારા પત્રો ઉપર દ્વિભાષી સચિત્ર ટપાલ ટિકિટનો ઉપયોગ કર્યો હતો.
એ ટપાલ ટિકિટ ઉપર ત્રણ લોકોનું કુટુંબ દર્શાવાયું હતું અને તેની ચારે બાજુ હિંદી અને અંગ્રેજીમાં “ભારતની વસ્તીગણતરી” લખેલું હતું.
ઇમેજ સ્રોત, Vikas Kumar
નીચો સાક્ષરતા દર ધરાવતા દેશ માટે આ અભિયાન કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યું હતું.
ટપાલીઓ ઘણી વખત ગામોમાં વાંચી આપનારા, લખી આપનારા અને અનૌપચારિક સરકારી મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવતા હતા, જેના લીધે ટપાલ વ્યવસ્થા જાહેર સંદેશ પહોંચાડવા માટેનું આદર્શ માધ્યમ બની ગઈ.
છેલ્લા ઘણા દાયકાઓમાં દેશની સાથે-સાથે સંદેશામાં પણ પરિવર્તન આવ્યું છે.
1961માં ટપાલ ટિકિટોમાં ભારતીયોને “સ્વયંની અને સમગ્ર પરિવારની વસ્તીગણતરી કરાવવાનો” તેમજ “તમારા મિત્રોને પણ એમ કરવા સમજાવવાનો” અનુરોધ કરવામાં આવ્યો હતો.
1971 સુધીમાં સ્મૃતિ સ્વરૂપની ટપાલ ટિકિટોમાં વસ્તી ગણતરીને “વિશ્વનાં સૌથી વિશાળ વહીવટી કાર્યોમાંથી એક” તરીકે બિરદાવવામાં આવી અને ગર્વભેર નોંધવામાં આવ્યું કે, વસ્તીનો ડેટા હવે ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરની મદદથી પ્રોસેસ કરવામાં આવી રહ્યો હતો.
ટપાલ સામગ્રી પરથી એ પણ જાણી શકાય છે કે, સરકારોએ વસ્તીગણતરીની કલ્પના કેવી રીતે કરી હતી.
2000ની જાહેરાતો તેને “દેશના દર્પણ” અને “દેશના ગ્રૂપ ફોટોગ્રાફ” તરીકે વર્ણવતી હતી, જેમાં વસ્તીગણતરીને સરકારી પ્રક્રિયા તરીકે નહીં, બલ્કે એક સામૂહિક આત્મચિત્ર તરીકે રજૂ કરવામાં આવી હતી.
ઇમેજ સ્રોત, Vikas Kumar
પછીથી ચિત્રોમાં વસ્તીગણતરીને વસ્તી નિયંત્રણ સાથે જોડવામાં આવી, જેમાં મુખ્યત્વે બે બાળકોના નિયમને દર્શાવવામાં આવ્યો હતો અને આ તે સમયે પ્રવર્તતી ચિંતાનું પ્રતિબિંબ હતું.
ઇમેજ સ્રોત, Vikas Kumar
કુમાર માટે આ નાજુક અવશેષો સરકારી ઇતિહાસ કરતાં પણ ઘણું વધુ દર્શાવે છે.
તે દર્શાવે છે કે, કેવી રીતે ભારત સરકાર રોજબરોજના કમ્યુનિકેશન થકી વિશ્વાસ અને માન્યતા મેળવવા માગતી હતી અને કેવી રીતે વસ્તીગણતરી વિકાસ, વૈવિધ્ય તથા રાષ્ટ્રીય ઓળખના વિચારો સાથે ગૂંથાઈ ગઈ.
ઇમેજ સ્રોત, Vikas Kumar
વિશ્વાસનો તે પ્રશ્ન આજે પણ સુસંગત છે.
ડિજિટલ સાધનો ડેટા એકત્રીકરણનું કાર્ય ઝડપી બનાવી શકે છે, પણ કુમાર દલીલ કરે છે કે, એકલી ટેકનૉલૉજી સચોટ ડેટાની બાંહેધરી આપી શકે નહીં.
તેઓ જણાવે છે, “વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે વસ્તીગણતરી વિશે જાગૃતિ ફેલાવવી જરૂરી છે.”
તેઓ ચેતવણી આપે છે કે, ટપાલ વ્યવસ્થાની પહોંચ ઘટી રહી છે, તે જોતાં સરકારે જનતાનો વિશ્વાસ કેળવવા માટે નવા રસ્તા શોધવા જોઈએ.
અને તેમ છતાં વર્તમાન સમયમાં ભારત જે વસ્તીગણતરીની તૈયારી કરી રહ્યું છે, તે આ વિસરાઈ રહેલા પોસ્ટકાર્ડ્ઝમાં નોંધાયેલી વસ્તીગણતરી કરતાં ઘણી અલગ છે.
નવી વસ્તીગણતરીને વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં નીતિ આયોજન, કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવી અને રાજકીય પ્રતિનિધિત્વ માટે ઘણી મહત્ત્વની માનવામાં આવી રહી છે.
દાયકાઓમાં પહેલી વખત આ વસ્તીગણતરીના માધ્યમથી જ્ઞાતિ આધારિત આંકડા પણ એકત્રિત કરવામાં આવશે – જે રાજકીય દૃષ્ટિએ એક સંવેદનશીલ પ્રક્રિયા છે, કેમ કે, આ દેશમાં જ્ઞાતિ આજે પણ સામાજિક તેમજ આર્થિક જીવનને પ્રભાવિત કરે છે.
તેનો વ્યાપ ઘણો વિશાળ છેઃ આ કવાયત 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, 7,000 કરતાં વધારે તાલુકા, 9,700 કરતાં વધારે શહેરો અને આશરે 6,40,000 ગામડાંઓમાં હાથ ધરાશે.
મુખ્યત્વે શિક્ષકો, સ્થાનિક અધિકારીઓ અને સરકારી સ્ટાફને સમાવતા સુપરવાઇઝરો તથા વસ્તી ગણતરી અધિકારીઓ લાખો પરિવારોનું સર્વેક્ષણ કરશે.
પણ એક ચીજમાં પાયાગત ફેરફાર થયો છે. પ્રથમ વખત વસ્તીગણતરી ડિજિટલી હાથ ધરાશે, જેમાં વસ્તીગણતરી અધિકારીઓ મોબાઇલ ઍપનો ઉપયોગ કરીને રિયલ ટાઇમમાં ડેટા એકત્રિત કરશે અને અપલોડ કરશે.
એન્વેલપ ઉપર પરિવારના આકારની ટપાલ ટિકિટથી માંડીને સ્માર્ટફોન મારફત તરત જ ડેટા અપલોડ કરવા સુધી વસ્તી ગણતરીએ ઘણી લાંબી મજલ કાપી છે.
તેમ છતાં, આ પ્રદર્શન સૂચવે છે તેમ, મૂળ પડકાર મોટાભાગે યથાવત્ રહ્યો છેઃ એક અબજ કરતાં વધુ લોકોને સરકાર ઉપર ભરોસો મૂકવા માટે રાજી કરવા, કે જેથી તેઓ દેશના આ કાર્યમાં પોતાની ગણતરી કરાવી શકે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







