Source : BBC NEWS
ઇમેજ સ્રોત, ANI
વાંચવાનો સમય: 6 મિનિટ
દિલ્હીના માલવીયનગર વિસ્તારમાં એક ઇમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 21 લોકોનાં મોત થયાના અહેવાલ છે, દિલ્હી પોલીસે આ વાતની જાણકારી આપી છે.
જે ઇમારતમાં આગ લાગી હતી ત્યાં ફ્લોરિશ સ્ટે બી ઍન્ડ બી નામની હોટલ અને તેની નીચે લૅમન ગ્રીન નામની રેસ્ટોરાં હતી.
પોલીસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “આજે સવારે 8:48 વાગ્યે, માલવીયનગરમાં ફ્લોરિશ સ્ટે બી ઍન્ડ બીમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.”
દિલ્હી પોલીસે માહિતી આપી હતી કે, “આઠ ફાયર બ્રિગેડ વાહનોની મદદથી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવાયો છે. પોલીસ, ફાયર સર્વિસ અને અન્ય ઇમર્જન્સી એજન્સીઓના સંકલિત પ્રયાસો દ્વારા, 40થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે નજીકની હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ખૂબ જ દુઃખ સાથે અમે જણાવીએ છીએ કે આ દુ:ખદ ઘટનામાં 21 લોકોનાં મોત થયાંની પુષ્ટિ થઈ છે.”
“બચાવ અને શોધખોળની કામગીરી હજુ પણ ચાલુ છે, અને અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી તમામ સહાય ઉપલબ્ધ કરાવવા માટે તમામ સંબંધિત એજન્સીઓ ઘટનાસ્થળે તહેનાત છે. ઘટના સંબંધિત વધુ માહિતી ઉપલબ્ધ થતાં જ સમયાંતરે શૅર કરાશે.”
આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સાકેત ખાતેની મૅક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હૉસ્પિટલે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે , “હૉસ્પિટલમાં લાવવામાં આવેલા 39 દર્દીઓમાંથી 18 મૃત્યુ પામ્યાં હતાં.”
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું , “આ આગમાં 21 લોકો જીવતા બળી ગયા હતા. મૃતકાંક હજુ વધી શકે છે. ઘણા લોકો વિદેશથી અહીં આવ્યા હતા. લોકો પોતાના સંબંધીઓની સારવાર માટે અહીં પહોંચ્યા હતા. તેઓ બધા મજબૂરીમાં અહીં રહી રહ્યા હતા. સરકારને થોડી શરમ આવવી જોઈએ.”
વડા પ્રધાન કાર્યાલય, દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા અને ઉપરાજ્યપાલ તરનજિતસિંહ સંધુએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. એક્સ પરની એક પોસ્ટમાં, વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે બબ્બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
પીએમઓએ લખ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દિલ્હીના માલવીયનગરમાં આગને કારણે થયેલાં મૃત્યુ દુ:ખદ છે. પોતાના પ્રિયજનો ગુમાવનાર પ્રત્યે મારી સંવેદના.”
દક્ષિણ દિલ્હીમાં દિલ્હી ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટીના એસડીએમે આ ઘટનામાં ચાર મૃતદેહ મળી આવ્યા હોવાની વાત કરી છે.
દિલ્હી પ્રશાસને શું કહ્યું?
ઇમેજ સ્રોત, ANI
તેમણે કહ્યું, “અમારી પાસે ચોક્કસ વિગતો નથી, પરંતુ અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી આવ્યા છે. સાત-આઠ ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવાયા છે.”
જિતેન્દ્રકુમારે કહ્યું કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આવી ઇમારતો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
તેમણે કહ્યું, “જેઓ ખોટી રીતે કામ કરી રહ્યા છે અને અન્ય કોઈ લાઇસન્સની આડશમાં હોટલ ચલાવી રહ્યા છે તેમના વિરુદ્ધ ઍક્શન લેવામાં આવે એવા આદેશ અપાશે.કેટલાક લોકો તેમના રૂમમાંથી ઇમારતની બહાર કૂદી પડ્યા હતા. ફક્ત એક જ ઇમારતમાં આગ લાગી છે.”
દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
તેમણે ઍક્સ પર લખ્યું , “માલવીયનગરમાં થયેલી ભીષણ આગની ઘટનામાં થયેલા દુ:ખદ જાનહાનિથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઘટનાની માહિતી મળતાં જ, દિલ્હી ફાયર સર્વિસ, દિલ્હી પોલીસ, ડીડીએમએ, સીએટીએસ ઍમ્બુલન્સ સેવા અને ઇમર્જન્સી એજન્સીઓને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.”
“એજન્સીઓની ઝડપી કાર્યવાહીને કારણે, ઘણા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા… અસરગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી તબીબી સહાય અને અન્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે… અમે આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરનજિતસિંહ સંધુએ એક્સ પર પોસ્ટ કરતાં આ ઘટનાને દુઃખદ ગણાવી છે.
તેમણે લખ્યું, “માલવીયનગરના હૌઝ રાનીમાં એક હોટલમાં લાગેલી આગથી ખૂબ જ દુઃખી છું. મારી સંવેદનાઓ મૃતકોના પરિવારો સાથે છે, અને હું બધા સાથે મળીને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય, એ માટે પ્રાર્થના કરું છું. પોલીસ, સિવિલ અને ફાયર રૅસ્ક્યૂ ટીમો હાલમાં ઘટનાસ્થળે કામ કરી રહી છે. અધિકારીઓ સાથે વાત કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક તબીબી સહાય, રાહત અને દુ:ખદ ઘટનાની સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવાના નિર્દેશ અપાયા છે.”
હોટલની પાસે રહેતા લોકોએ શું કહ્યું?
જ્યાં આગ લાગી ત્યાં આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે જો ફાયર બ્રિગેડ જલદી આવી ગઈ હોત તો ઘણા લોકોના જીવ બચાવી શકાયા હોત.
લૅમન ગ્રીન રેસ્ટોરાંની આસપાસ રહેતા એક પ્રત્યક્ષદર્શીએ બીબીસી હિંદીને જણાવ્યું કે “સામે મારા ભત્રીજાની ગાદલાંની દુકાન હતી, તેણે આગ લાગી ત્યારે હોટલની નીચે ગાદલાં પાથરી દીધાં. જેથી લગભગ 15-16 લોકોએ બીજે માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો.”
“ફાયર બ્રિગેડ લગભગ દોઢ કલાક મોડી આવી. જો સમયસર આવી હોત તો ઘણા લોકોના જીવ બચી શક્યા હોત.”
અમેરિકાથી આવેલા એક નાગરિકે કહ્યું કે તેઓ તેમના પરિજનની સારવાર માટે આવ્યા હતા. તેમના ઘણા મિત્રો આ આગની ઘટના બાદ લાપતા છે. તેમના મામલે કોઈ જાણકારી નથી.
બીબીસીએ તેમને પૂછ્યું કે તમે જોયું કે શું થયું હતું? જવાબમાં તેમણે કહ્યું કે “બસ મેં તો આગની જ્વાળાઓ જોઈ.”
અમે તેમને પૂછ્યું કે તેઓ ક્યાં રહેતા હતા?
તો તેમણે જવાબ આપ્યો કે “જ્યાં આગ લાગી છે તેની બાજૂના રૂમમાં.”
વધુમાં તેમણે જણાવ્યું, “હોટલમાં જવા-આવવા માટે એક જ ઍન્ટ્રી હતી, એક જ દરવાજો, જે ભયાનક છે.”
સોમનાથ ભારતીએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, ANI
માલવીયનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીએ સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું હતું કે , “આ વિસ્તારમાં વાયરનું નૅટવર્ક હોવાથી બુધવારે સવારે આઠ વાગ્યે આગ લાગી હતી.”
તેમણે કહ્યું, “આગ સવારે આઠ વાગ્યે લાગી હતી. વાયરની જાળ પથરાયેલી છે, જેમાં કદાચ શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હશે. નજીકમાં એક હોટલ છે જેમાં 20થી 25 રૂમ છે. નજીકમાં જ મૅક્સ હૉસ્પિટલ પણ છે. ત્યાં સારવાર લઈ રહેલા લોકોના પરિવારો આ હોટલમાં રહે છે.”
“રસોડામાં પહેલાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી, જે પછી ઉપરના માળે ફેલાઈ ગઈ. સામે જ એક રજાઈ વેચનારની દુકાન છે; તેણે પોતાની બધી રજાઈ પાથરી હતી, જેના પર કૂદીને લોકો બહાર નીકળ્યા.”
તેમણે કહ્યું, “હું સવારથી સ્થાનિકો સાથે ઘટનાસ્થળે છું. ફાયર બ્રિગેડ પણ પહોંચી ગઈ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. મને લાગે છે કે ચારથી પાંચ લોકો ઘાયલ થયા છે. તેમાંથી 99 ટકા વિદેશી છે, જેમાં દક્ષિણ આફ્રિકા, સોમાલિયા વગેરેના લોકોનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક અખાતના દેશોના પણ હોઈ શકે છે.”
ફાયર અધિકારીએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, ANI
ફાયર ઑફિસર એકે મલિકે ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે ઘટનાની માહિતી બુધવારે સવારે 8:50 વાગ્યે મળી હતી.
તેમણે કહ્યું, “ફાયર વિભાગને સવારે 8:50 વાગ્યે કૉલ મળ્યો. શરૂઆતમાં, સાત ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં. વધુ વાહનો પણ રસ્તામાં હતાં, પરંતુ બાદમાં જરૂરિયાત મુજબ તમામ યુનિટ ઘટનાસ્થળે પહોંચી ગયાં. અમારી ટીમે ઘટનાસ્થળે પહોંચતાંની સાથે જ, તાત્કાલિક 37 લોકોને ઇમારતમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.”
તેમણે કહ્યું કે આ બહુમાળી ઇમારતમાં ભોંયરું, ગ્રાઉન્ડ ફ્લોર અને તેનાથી ઉપર પાંચ માળ છે.
તેમના મતે, “સ્થળ પર હાજર લોકોની પૂછપરછ કરતાં, અમને ખબર પડી કે આ ઇમારતનો ઉપયોગ ફક્ત રહેણાક સંકુલ તરીકે જ નહોતો થતો. એવું લાગે છે કે અહીં રહેતા મોટા ભાગના લોકો રસ્તાની સામે આવેલી મૅક્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સંબંધી અથવા પરિચિત હતા.”
મલિકે કહ્યું, “અહીં રોકાયેલા લોકોમાં વિદેશી નાગરિકો પણ હતા. આગ ખૂબ જ ઝડપથી કાબૂમાં આવી ગઈ હતી. ખૂબ જ ઓછા સમયમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. હવે અમે ઇમારતને સંપૂર્ણપણે ખાલી કરાવી દીધી છે અને આગળની કાર્યવાહી માટે તેને પોલીસને સોંપી દીધી છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







