Source : BBC NEWS
ઇમેજ સ્રોત, rupesh sonwane
વાંચવાનો સમય: 5 મિનિટ
ગુજરાતમાં ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત કથિત રીતે ‘ગેરકાયદેસર 362 બાંગ્લાદેશી’ની અટકાયત કરાઈ છે. જેમાં 103 પુરુષો, 188 મહિલાઓ અને 71 બાળકોનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, હજુ પણ 782થી વધુ ‘શંકાસ્પદ બાંગ્લાદેશી’ નાગરિકોની પૂછપરછ ચાલુ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ‘શંકાસ્પદ લોકો’ની ડેટાબેઝના આધારે ઓળખ કરાઈ રહી છે અને તેમની સામે ‘ડિપૉર્ટ’ કરવાની કાર્યવાહી કરાઈ રહી છે.
પોલીસનું કહેવું છે કે, આ ઑપરેશન અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ 155 ‘બાંગ્લાદેશી નાગરિકો’ અમદાવાદ શહેરમાંથી પકડાયા છે. ઉપરાંત સુરત શહેરમાંથી 84, અમદાવાદ ગ્રામ્યમાંથી 34, પૂર્વ કચ્છ-ગાંધીધામથી 13 અને ભરૂચમાંથી 12 સહિત વિવિધ વિસ્તારોમાંથી ‘અવૈધ’ રહેતા ‘બાંગ્લાદેશી નાગરિકો’ પકડાયા છે.
પ્રેસ રિલીઝ અનુસાર, ટૅક્નૉલૉજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સે આ વ્યક્તિઓની સાથે ‘ખોટા દસ્તાવેજો પૂરા પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સ’ અંગે પણ તપાસ ચાલુ કરી છે.
સરકારના દાવા પ્રમાણે ‘ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે’ ગુજરાત પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ શરૂ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાતમાંથી કથિત રીતે રહેલા ‘બાંગ્લાદેશી’ લોકોની અટકાયત કરાઈ હતી. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસે ‘મેગા ડિમોલિશન’ પણ હાથ ધર્યું હતું.
સુરત સહિતની જગ્યાએ પણ શંકાસ્પદ લોકોની અટકાયત
ઇમેજ સ્રોત, bipin tankariya
સુરતમાં આ કાર્યવાહી અંગે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદ ભરીને માહિતી આપી હતી.
તેમના જણાવ્યા પ્રમાણે, સરકારની સૂચના અન્વયે ‘ગેરકાયદે બાંગ્લાદેશીઓ’ વિરુદ્ધ કાર્યવાહી માટે સૂચના હતી. કેટલાક દિવસોથી વર્કઆઉટ ચાલુ હતું. જેમાં ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે “ગઈ કાલે (ત્રણ જૂન) મોડી રાતથી શહેરના ભેસ્તાન, ઉન, પાટિયા, પુણા, અમરોલી, ચોકબજાર સહિતના વિસ્તારોમાં તપાસ કરાઈ હતી. વહેલી સવાર સુધી 261 જેટલા શંકમંદ લોકોની અટકાયત કરવામાં આવી છે.”
તેમના કહેવા પ્રમાણે, અગાઉ પણ 600 જેટલા ‘બાંગ્લાદેશીઓ’ની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મીડિયાને માહિતી આપતા કહ્યું કે “તમામ લોકોના ડેટા ચેક કરવામાં આવ્યા અને જેમાં 84 જેટલા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું જણાયું છે, જેમાં 34 પુરુષો,29 મહિલાઓ અને 21 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.”
સુરતથી બીબીસી ગુજરાતીના સહયોગી રૂપેશ સોનવણેએ માહિતી આપી કે પોલીસનું એવું કહેવું છે કે પકડાયેલા બધા લોકો બાંગ્લાદેશી છે કે નહીં એ દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી ખબર પડશે.
ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવાએ મીડિયાને જણાવ્યું કે રાજકોટમાં આવી કાર્યવાહી શરૂ કરાઈ છે.
તેમણે કહ્યું કે “અમારી પાસે આવા શંકાસ્પદ 450 લોકોનું લિસ્ટ હતું. 31 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. જેમાંથી પાંચ લોકો બાંગ્લાદેશી હોવાનું જણાઈ આવ્યું છે અને તેને ડિપૉર્ટ કરવાની કાર્યવાહી કરીશું. બાકીના 26 લોકોના દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે.”
તેમણે કહ્યું કે આ તમામ લોકો અલગ-અલગ સમયે સીમા પાર કરીને આવ્યા હતા. તેઓ કોઈ એજન્ટના માધ્યમથી આવ્યા હતા, જેની સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.
તો અરવલ્લી જિલ્લામાંથી પણ 13 શંકાસ્પદ ‘બાંગ્લાદેશી’ લોકોની અટકાયત કરાઈ છે.
નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?
ઇમેજ સ્રોત, Harsh Sanghavi/fb
આ ઑપરેશન અંગે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત રાજ્યની સરહદો ઓળંગી ગેરકાયદેસર આશરો લઈ રહેલા બાંગ્લાદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.”
“રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દરેક ઘૂસણખોરને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી કાઢી, તેમના પર કાયદાનો સકંજો કસી તેમને બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ ‘ગેરકાયદે ઘૂસણખોરી’ કરનાર ‘બાંગ્લાદેશી લોકો’ને પરત મોકલવાની પ્રક્રિયા અંગે બીબીસી સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે “બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ટેક્સટાઇલ અને બીજા અન્ય વ્યાપારિક સંબંધો છે, એટલે આંતરરાષ્ટ્રીય કાનૂન પ્રમાણે ભારત સરકારનું વિદેશ મંત્રાલય નિર્ણય લે છે.”
“હાલ તો ગુજરાતમાં એ લોકો સામે ‘ગેરકાયદે ઘૂસણખોરી’ કરવા બદલ કોર્ટમાં કાનૂની કાર્યવાહી થશે, ત્યાર બાદ વિદેશ મંત્રલાય નિર્ણય લેશે અને આંતરરાષ્ટ્રીય કાનૂન મુજબ એમને પરત મોકલવાની કાર્યવાહી થશે.”
તેમણે વધુમાં કહ્યું કે કોઈને બૉર્ડર પર છોડવામાં આવતા નથી, કાનૂની કાર્યવાહી મુજબ છોડાય છે.”
પોલીસે કહ્યું, ‘કથિત બાંગ્લાદેશીને મદદ કરનારાઓ સામે પણ કાર્યવાહી’
ઇમેજ સ્રોત, rupesh sonwane
ગુજરાત રાજ્યના પોલીસ વડા ડૉ. કેએલએન રાવે મીડિયાને જણાવ્યું હતું કે, “આ ઝુંબેશ સંપૂર્ણપણે ટેકનિકલ ડેટા અને ફિલ્ડ વેરિફિકેશન પર આધારિત છે. ‘સાયબર સેન્ટર ઑફ ઍક્સેલન્સ’ દ્વારા મળેલા ટૅકનિકલ તેમજ લોકલ ઇનપુટ્સના આધારે ગુજરાતમાં વ્યાપક ટેલિકૉમ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.”
“તેના આધારે બાંગ્લાદેશના નંબરો સાથે વાસ્તવિક વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઇલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરાયો છે.”
તેમણે કહ્યું કે આ પદ્ધતિથી 6200થી વધુ શંકાસ્પદ ‘બાંગ્લાદેશીઓ’નો ડેટાબેઝ એકત્ર કરી ‘ગેરકાયદેસર નેટવર્ક’ને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી કહે છે કે “આ લોકો બાંગ્લાદેશથી બંગાળ આવતાં અને ત્યાંનાં નાનાં ગામડાંમાં રહીને સ્થાનિક પુરાવા ઊભા કર્યા પછી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા પુરાવા ભેગા કરતા હતા, અમારી તપાસમાં આવા એજન્ટ પણ છે, જેની ટૂંક સમયમાં ધરપકડ કરીશું.”
તેમણે વધુમાં કહ્યું કે “આ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને રહેવાની જગ્યા આપનાર અને નોકરીઓ આપનાર સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”
સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મીડિયાને કહ્યું કે “આ લોકો તમે તે રીતે આધાર કાર્ડ બનાવી લેતા હતા અને પછી અલગ-અલગ જગ્યાએ ભાડે રહેતા હતા. ટેક્સટાઇલ્સ,લેબર સહિતનાં ક્ષેત્રોમાં આ લોકો કામ કરે છે. આ લોકો કોઈ ગુનામાં સામેલ છે કે નહીં એ તપાસ પણ ચાલુ છે. તેમજ ટ્રેન અને કેટલાક લોકો ટ્રેનથી આવે છે, કેટલાક રોડના માધ્યમથી પણ આવે છે.”
પકડાયેલા લોકોને બાંગ્લાદેશ કેવી રીતે મોકલશે?
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે “કેટલાક લોકોએ લગ્ન કરી લીધાં હોય તો તેઓ એમનાં બાળકોના સ્કૂલના દાખલા રજૂ કરે છે, પણ જ્યારે આવા ગેરકાયદે ઘૂષણખોરી કરીને રહેતા બાંગ્લાદેશીઓને પકડીએ ત્યારે એ લોકો પોતાના ભારતીય હોવાના પુરાવા રજૂ કરે છે. પણ અમે એમનાં માતાપિતા અને સગાં-વહાલાંના ઍડ્રેસ અને ફોન નંબર માંગીએ છીએ, ત્યારે એ લોકો આપી શકતા નથી અને કબૂલ કરે છે કે એ લોકો ગેરકાયદે બાંગ્લાદેશથી ભારત આવ્યા છે.”
“આ સિવાય ટૅકનિકલ સર્વેલન્સની પદ્ધતિથી અમે એમના ફોન નંબર કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ક્યારે અને કેટલાં વર્ષ પહેલાં મેળવ્યાં હતા, સરકારી રેકૉર્ડમાં એમણે મૂકેલા પુરાવા ક્યારે બન્યા છે એ ચકાસણી પછી અને ‘ગેરકાયદે ઘૂસણખોર’ છે કે નહીં એ નક્કી કરીએ છીએ.”
સિંઘલ કહે છે કે “એ લોકોને પરત બાંગ્લાદેશ કેવી રીતે મોકલવા એ કેન્દ્ર સરકારનો વિષય છે, અમે અત્યારે એમને સંરક્ષણ ગૃહમાં રાખીએ છીએ.”
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ આગામી દિવસોમાં પણ રાજ્યનાં તમામ ક્ષેત્રોમાં ચાલુ રહેશે.
આ મામલે બીબીસીએ ‘શંકાસ્પદ’ લોકો અને તેમના પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી. સંપર્ક થતાં તેમનો પક્ષ આ અહેવાલમાં ઉમેરી દેવાશે.
તો સુરતથી બીબીસીના સહયોગી રૂપેશ સોનવણેના જણાવ્યા અનુસાર, પોલીસે જેમની આશંકાને આધારે ધરપકડ કરી હતી તેમાંથી કેટલાક લોકોને તપાસ પૂર્ણ કર્યા બાદ અને જરૂરી દસ્તાવેજ હોવાથી છોડી મૂકવામાં પણ આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







