Source : BBC NEWS
ઇમેજ સ્રોત, US Navy/PH2 Thomas P. Milne/Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ
ટૅમી જો શૂલ્ટ્સે હંમેશાં ફાઇટર જેટ ઉડાવવાનું સપનું જોયું હતું. 1960ના દાયકામાં અમેરિકાના ન્યૂ મૅક્સિકોમાં હોલોમૅન ઍર ફોર્સ બેઝ નજીક એક રાન્ચ (પશુઉછેર કેન્દ્ર) પર તેઓ મોટાં થયાં હતાં, આથી તેમના પરિવારના કોઠાર ઉપરથી ગર્જના કરીને પસાર થતાં પ્લેન જોવાનું તેમને ખૂબ ગમતું.
વિમાન ઉડાડવું તેમને જાદૂ જેવું લાગતું હતું.
ખેતરમાં તેઓ ભારે મહેનત કરતાં હતાં અને નવ વર્ષની ઉંમરે તો ટ્રૅક્ટર ચલાવતાં હતાં. તેમનાં માતાપિતાએ પુરુષો અને મહિલાઓનાં કામ વચ્ચે ભેદભાવ રાખ્યો નહોતો અને સાથે જ તેમણે ટૅમીને તેમની પસંદગીની કારકિર્દી શોધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
આથી, શૂલ્ટ્સે જ્યારે તેમનાં માતાને કહ્યું, “હું ફાઇટર જેટ્સ ઉડાડવા માગું છું,” ત્યારે માતાએ જવાબ આપ્યો, “ટૅમી, તે લોકો તો ઘણા હોશિયાર હોય છે.”
શૂલ્ટ્સને પેહલો સંકેત મળી ગયો કે, પાઇલટ બનવાનો માર્ગ સરળ નહીં હોય.
મહિલા પાઇલટ ટૅમી શૂલ્ટ્સને કયા અવરોધોનો સામનો કરવો પડ્યો
હાઇસ્કૂલમાં કૅરિયર ડે દરમિયાન, ટૅમી ઍવિએશન (હવાઇ ઉડ્ડયન)ના વર્ગમાં ગયાં. ત્યાં કર્નલ ઇન્ચાર્જે કહ્યું, “અહીં કારકિર્દી માટેનું માર્ગદર્શન મળે છે, શોખ માટેનું નહીં – તમારે છોકરીઓ કરી શકે, એવું કોઈ કામ શોધવું જોઈએ.”
તેમ છતાં શૂલ્ટ્સે પોતાની બેઠક લીધી અને તેઓ જેમ-જેમ સાંભળતાં ગયાં, તેમ-તેમ તેમનો રોમાંચ વધતો ગયો.
“તે અંત સુધી અત્યંત રોમાંચક હતું. અને મને ભાન થયું… મને એવું કશું નહોતું સંભળાયું, જે સ્ત્રીના દિમાગની સમજ શક્તિની બહાર હોય,” એમ તેમણે જણાવ્યું હતું.
લશ્કરી પાઇલટ બનવાના મક્કમ નિર્ધાર સાથે તેઓ બહાર નીકળ્યાં.
કૉલેજ પૂરી કર્યા પછી તેમણે અમેરિકન ઍરફોર્સ રિક્રૂટરના દરવાજા ખખડાવ્યા.
શૂલ્ટ્સ યાદ કરે છે, “તેમણે મારી વાત ધ્યાનથી સાંભળી અને પછી કહ્યું, આઇ એમ સોરી, પણ અમે મહિલાઓની ભરતી નથી કરતા.”
શૂલ્ટ્સ માટે બંધ કરી દેવાયેલા ઘણા દરવાજાઓ પૈકીનો આ પ્રથમ દરવાજો હતો.
તેમણે અમેરિકાના લશ્કરની એવી અન્ય શાખાઓમાં પ્રયત્ન કરવાનું નક્કી કર્યું, જે પણ પ્લેન ઉડાવતી હોય, જેમાં આર્મીનો પણ સમાવેશ થતો હતો – જેણે ટૅમી શૂલ્ટ્સે કહ્યું કે, તેઓ તેમના માટે યોગ્ય નથી. અને તે પછી નેવી (નૌસેના)એ ટૅમીને પાઇલટની પરીક્ષા આપવાની મંજૂરી આપી.
શૂલ્ટ્સ યાદ કરતાં કહે છે, “રિક્રૂટરે કહ્યું હતું કે, માફ કરજો, તમારો સ્કોર એક છોકરા માટે પૂરતો છે, પણ છોકરી માટે નહીં. જો તમે મહિલા પાઇલટ બનવા ઇચ્છતાં હો, તો તમારે હજુ વધુ ઊંચો સ્કોર લાવવો પડશે.”
શૂલ્ટ્સ ફરી ગ્રૅજ્યુએટ સ્કૂલમાં ભણવા ગયાં, પણ તેઓ જાણતાં હતાં કે, તેમણે તેમનાં સપનાંને છેલ્લી એક તક આપવી જ પડશે. 1985માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી શૂલ્ટ્સ જુદી અમેરિકન નેવી રિક્રૂટમેન્ટ ઑફિસમાં ગયાં. તેમણે રિક્રૂટરને કહ્યું હતું કે, તેમનો સ્કોર એક છોકરી માટે પૂરતો નહોતો અને તેઓ ફરી એક વખત પરીક્ષા આપવા માગતાં હતાં.
જવાબમાં રિક્રૂટરે કહ્યું, ‘તમે શું વાત કરી રહ્યાં છો? અહીં છોકરાઓ અને છોકરીઓ માટે જુદા-જુદા સ્કોર નથી હોતા.’ અને આથી તેમણે કહ્યું, ‘હું તમારો સ્કોર તપાસીશ.’ સ્કોર તપાસીને તેમણે કહ્યું, ‘તમારો સ્કોર સરસ છે.’
થોડા મહિનાઓ પછી શૂલ્ટ્સે વાળ કપાવી નાખ્યા અને ફ્લૉરિડાની ઍવિએશન ઑફિસર કૅન્ડિડેટ સ્કૂલમાં તેઓ પુશ અપ્સ કરી રહ્યાં હતાં.
ઇમેજ સ્રોત, Tammie Jo Shults
વિમાન ઉડાડવાનો અનુભવ શૂલ્ટ્સે જોયેલાં સપનાં જેટલો જ જાદૂઈ હતો.
તેમણે પાઇલટ તરીકેની લાયકાત મેળવી અને પછી આગળ જઈને ‘આઉટ ઑફ કન્ટ્રોલ ફ્લાઇટ’માં સ્પેશ્યલાઇઝેશન ધરાવતાં ઇન્સ્ટ્રક્ટર બન્યાં.
આ કાર્યમાં વિમાનને આશરે 30,000 (9.14 કિલોમીટર) સુધીની ઊંચાઈ પર લઈ જઈને તેને સ્પીન કરવાનું રહેતું હતું. તે પ્લેનને વિદ્યાર્થીએ ફરી નિયંત્રણમાં લાવવાનું રહેતું હતું અને જો તે ન કરી શકે, તો શૂલ્ટ્સ સ્વયં વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લેતાં હતાં.
આ તમામ પ્રૅક્ટિસ આઠ વર્ષ પહેલાંના એક દિવસ માટે ઉત્તમ અભ્યાસ પુરવાર થઈ, જ્યારે શૂલ્ટ્સનું પોતાનું જ પૅસેન્જર જેટ ઍન્જિન હવામાં ફાટ્યું હતું.
ત્યાં સુધીમાં તેઓ અમેરિકન નેવી પાઇલટ તરીકે એક દાયકો પસાર કરી ચૂક્યાં હતાં અને તે દરમિયાન તેમની મુલાકાત તેમના ભવિષ્યના પતિ સાથે થઈ હતી. 1990ના દાયકામાં પતિ-પત્નીએ નેવી છોડીને પરિવાર શરૂ કર્યો.
બંનેએ અમેરિકાની પૅસેન્જર ઍરલાઇન સાઉથવેસ્ટ ઍરલાઇન્સ માટે કમર્શિયલ ફ્લાઇટ્સ ઉડાવવાની નોકરી સ્વીકારી લીધી.
17મી એપ્રિલ, 2018ના રોજ ફ્લાઇટ 1380માં લાંબી સફર ખેડવા માટે ઈંધણ ભરી દેવાયું હતું અને દરેક સીટ બુક હતી. વિમાન 33,000 ફૂટ (10.06 કિલોમીટર)ની ઊંચાઈ પર પહોંચ્યું, ત્યારે શૂલ્ટ્સને એક ધડાકો સંભળાયો.
તેમના મનમાં પહેલો વિચાર એ આવ્યો કે, તેઓ હવામાં બીજા કોઈ વિમાન સાથે અથડાયાં છે. “વિમાન નીચેની તરફ સીધું નમી ગયું અને ડાબી બાજુ ઝડપથી ગોળ ફર્યું,” એમ શૂલ્ટ્સે જણાવ્યું હતું.
તેમણે વિમાન ઉપર ફરી કાબૂ મેળવ્યો, પણ ત્યાર પછી તે એટલું તીવ્રપણે ધ્રૂજવા માંડ્યું કે, શૂલ્ટ્સ પોતાનાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાંચી શકતાં નહોતાં.
વિમાનની કૉકપિટમાં ધુમાડો છવાઈ ગયો
કૉકપિટમાં ધુમાડો છવાઈ ગયો અને ઘરઘરાટી એટલી જોરદાર હતી કે, શૂલ્ટ્સ અને તેમના ફર્સ્ટ ઑફિસર એકબીજાંનો અવાજ સુદ્ધાં સાંભળી શકતાં નહોતાં.
શૂલ્ટ્સ જાણતાં નહોતાં કે, પંખાની બ્લૅડનો એક ટુકડો તૂટીને ઍન્જિનની અંદર ઊંડે સુધી જતો રહ્યો હતો અને તેના લીધે આ વિસ્ફોટ થયો હતો. પછીથી તેમને જાણ થઈ કે, ઍન્જિનનું કવર વેરવિખેર થઈ ગયું હતું.
“તે કેળાંની છાલની જેમ નીકળી ગયું હતું અને પાંખના મૂળની સાથે જોડાયેલું રહ્યું હતું.”
કાટમાળનો એક ટુકડો વિમાનની એક બારી સાથે અથડાતાં બારી તૂટી ગઈ, જેના કારણે કૅબિનની અંદર હવાનું દબાણ ઝડપથી ઘટી ગયું.
શૂલ્ટ્સ તે ઘટના યાદ કરતાં કહે છે, “તેટલી ઊંચાઈ ઉપર, તમારા સાઇનસ હવાના દબાણની સરખામણીમાં ઝડપથી સંતુલન સાધી શકતાં નથી. આથી, તેના લીધે ઘણી પીડા થાય છે.”
દુ:ખાવો તેમના કાનથી શરૂ થઈને ગરદન સુધી પહોંચી ગયો.
આવી સ્થિતિમાં પણ તેમની સૂઝ અને તેમણે મેળવેલી તાલીમ કામ આવી ગઈ. તેમણે સૌથી નજીકના ઍરપૉર્ટ – ફિલાડેલ્ફિયાનો રસ્તો પકડ્યો.
“મને હજુયે યાદ છે, હું વિચારી રહી હતી કે, મને ખાતરી નથી કે આપણે આ વિમાનને સમયસર રન-વે સુધી પહોંચાડી શકીશું કે કેમ? આ સ્થિતિમાં મને વિચાર આવતો હતો કે, આજે કદાચ મારો છેલ્લો દિવસ છે,” એમ તેમણે કહ્યું હતું.
ઇમેજ સ્રોત, Getty Images
આવા સંજોગોમાં ઍર ટ્રાફિક કન્ટ્રોલર સાથે વાત કરી રહેલાં શૂલ્ટ્સનો અવાજ રેકૉર્ડિંગમાં એકદમ શાંત જણાય છે.
તેમને એમ કહેતાં સાંભળી શકાય , “હા, ઍરક્રાફ્ટનો એક ભાગ ગાયબ થઈ ગયો છે, આથી અમારે ગતિ થોડી ધીમી કરવી પડશે.”
તે પછી, રન-વે દેખાતાં કૉકપિટ રેકૉર્ડર પર તેમને એમ કહેતાં સાંભળી શકાય છેઃ “હેવનલી ફાધર” (પરમ પિતા પરમેશ્વર). વિમાન માત્ર એક જ ઍન્જિનના સહારે આડું ઊડી રહ્યું હતું – અને શૂલ્ટ્સ રન-વેથી આગળ નીકળી ગયાં હતાં.
વિમાનને સીધું કરવા અને તેનું સલામત રીતે ઉતરાણ કરાવવાં માટે શૂલ્ટ્સે દરેક તરકીબ અજમાવી હતી, જેના કારણે 148 પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સ ઉગરી ગયાં હતાં.
બારી તૂટી જતાં જૅનિફર રિયૉર્ડન નામનાં એક પ્રવાસી ગંભીર રીતે ઘાયલ થયાં હતાં અને પછીથી હૉસ્પિટલમાં તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. શૂલ્ટ્સ કહે છે કે, આ ખોટ તેમને જીવનભર યાદ રહેશે.
વિમાનના ઉતરાણ પછી તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મેડિકલ ઑફિસરે કહ્યું હતું, “તમારી નસો વજ્રની બનેલી હોવી જોઈએ. તમારા હૃદયના ધબકારા પણ વધ્યા નથી.”
આટલા મોટા દબાણની સ્થિતિમાં પણ મન શાંત રાખવા માટે શૂલ્ટ્સ કયું કારણ આપે છે?
તેઓ કહે છે, “જ્યારે તમે ઇન્ચાર્જ હો, જ્યારે લોકો આગેવાની માટે તમારી તરફ મીટ માંડી રહ્યા હોય, તેવા સમયે સંયમ જાળવી રાખવો અને આવી પડેલી સમસ્યાનું નિવારણ કરવું, એ જ સાચું કામ છે.”
આવો અભિગમ એવી કારકિર્દી દરમિયાન કેળવાયો હતો, જેમાં તેમણે કદીયે પોતાની હિંમત નહોતી ગુમાવી – અને કદી હાર નહોતી માની.
(બીબીસી વર્લ્ડ સર્વિસ પર આઉટલૂકના એક એપિસોડ પર આધારિત.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







