Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં પાંચ વખત વિવિધ ફળો અને શાકભાજી ખાવાને બદલે વિવિધ પ્રકારનો તાજો ખોરાક ખાવાથી તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે.
સંશોધકો માને છે કે વિવિધ ફળો અને શાકભાજીનાં પાંચ સર્વિંગ્સ રોજ સમાન હોતાં નથી. તેનો અર્થ એ છે કે લોકોને આ બધાના આહારથી ફ્લેવેનૉલ્સ નામનું મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ મળતું ન હોય તે શક્ય છે.
તેઓ જણાવે છે કે પોષક તત્ત્વો મેળવવાનો એક આદર્શ માર્ગ બ્લૂબૅરી, પ્લમ, બ્લૅકબૅરી, બ્રૉડ બીન્સ અને ચેરી ખાવાની સાથે ગ્રીન ટી પીવાનો છે.
અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમમાં 30,000 લોકોને આવરી લેતા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જેઓ નિયમિત રીતે પાંચ વખત ફળો અને શાકભાજી ખાતા હતા, તેમનામાં પણ આ પોષક તત્ત્વોની ઊણપ હતી.
અન્ય નિષ્ણાતો વધુ સાવધ છે. તેઓ જણાવે છે કે ફ્લેવેનોલનું સ્તર વધારવાથી હૃદયની સમસ્યાઓને ટાળી શકાય કે કેમ તે સ્પષ્ટ નથી.
હૃદયના આરોગ્ય માટે લાભકારક ઍન્ટી-ઑક્સિડન્ટ્સ
ફૂડ ઍન્ડ ફંક્શન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા નવા સંશોધન અનુસાર, પ્રત્યેક પાંચમાથી એકથી ઓછા લોકોને જ દરરોજ જરૂરિયાત મુજબનું ફ્લેવેનોલ્સ (500 મિલિગ્રામ) મળે છે.
તે ઍન્ટી-ઑક્સિડન્ટ્સ હોય છે, જે ચોક્કસ પ્રકારના ખોરાકમાંથી મળે છે.
હૃદયના સ્વાસ્થ્ય, રક્તભિસરણ અને રક્તવાહિનીઓ લવચિકતામાં પણ તે મદદરૂપ હોય છે, એવું અભ્યાસ જણાવે છે.
આ અભ્યાસમાં લોકોના આહારની જાણકારી મેળવવામાં આવી હતી. અભ્યાસમાં સહભાગી લોકોના આહાર વિશે જાણકારી મેળવવા માટે તેમના પેશાબમાંના બાયોમાર્કર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આહારની પસંદગી મહત્ત્વપૂર્ણ હોય છે
ઇમેજ સ્રોત, Getty Images
આ અભ્યાસના મુખ્ય સંશોધક ડૉ. ઝેવિયર ઓટ્ટાવિયાનીએ જણાવ્યું હતું કે તમારા આહારમાં સરળ ફેરફારો કરવાથી, તમારું શરીર આ ફાયદાકારક પોષક તત્ત્વો કેટલી માત્રામાં શોષે છે તેની માત્રામાં “વાસ્તવિક ફરક” પડી શકે છે.
તેમણે કહ્યું હતું કે “પુષ્કળ પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાવાથી આવા પોષક તત્ત્વો મળતા હોવાનું મોટાભાગના લોકો માને છે, પરંતુ આ સંશોધન દર્શાવે છે કે તમે જે આહારની પસંદગી કરો છો તે તેના કુલ જથ્થા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે.”
ઇમેજ સ્રોત, Getty Images
રીડિંગ યુનિવર્સિટીના સંશોધક પ્રોફેસર ગુંટર કુન્હાલે જણાવ્યું હતું કે વિવિધ પ્રકારનાં ફળો તથા શાકભાજીનાં પાંચ સર્વિંગ્સ દિવસ દરમિયાન ખાવા એ આજે પણ યોગ્ય હોવા છતાં આપણે કયાં પાંચ ફળો તથા શાકભાજી વધારે ખાવાં જોઈએ, એ વિશે કાળજીપૂર્વક વિચારવાની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે “વિવિધ ફળો અને શાકભાજી વિટામિન્સ અને મિનરલ્સ ઉપરાંત વિવિધ પોષક તત્ત્વો પૂરા પાડે છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “આ સંયોજનો વિશેની આપણી સમજ વધશે તેમ તેમ આહાર સંબંધી માર્ગદર્શન વધારે ખાસ અને ચોકસાઈભર્યું બનવાની અસલી તક મળશે.”
કેટલા પ્રમાણમાં ફ્લેવેનોલ લેવું જોઈએ?
રોજ કેટલા પ્રમાણમાં ફ્લેવેનોલ લેવું જોઈએ તેનું પ્રમાણ યુનાઇટેડ કિંગ્ડમની નૅશનલ હૅલ્થ સર્વિસે (એનએચએસ) નક્કી કર્યું નથી. જોકે અમેરિકાના ઍકેડેમી ઑફ ન્યુટ્રિશન ઍન્ડ ડાયેટેટિક્સનું કહેવું છે કે દિવસમાં લગભગ 500 મિલિગ્રામ ફ્લેવેનોલ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.
સંશોધકોએ કરેલા પરીક્ષણ અનુસાર, જે ખાદ્ય પદાર્થોના પ્રત્યેક સર્વિંગ કે સર્વિંગ સાઇઝમાં ફ્લેવેનોલ વધારે પ્રમાણમાં હોય છે તેમાં નીચેના ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે.
- પ્લમ (500 ગ્રામ) – 450 મિલીગ્રામ
- ક્રેનબેરીઝ (250 ગ્રામ) – 300 મિલીગ્રામ
- બ્લૅકબેરીઝ (200 ગ્રામ) – 250 મિલીગ્રામ
- ગ્રીન ટી (250 મિલીલીટર) – 200 મિલીગ્રામ
- વાલ (બ્રેડ બીન્સ) (80 ગ્રામ) – 140 મિલીગ્રામ
- ચેરી (400 ગ્રામ) – 130 મિલીગ્રામ
- મીડિયમ સાઈઝનું સફરજન – 110 મિલીગ્રામ
- સ્ટ્રૉબેરી (200 ગ્રામ) – 90 મિલીગ્રામ
- બ્લૂબેરી (150 ગ્રામ) – 80 મિલીગ્રામ
- પિન્ટો બીન્સ (બે ટેબલ સ્પૂન) – 70 મિલીગ્રામ
ચૉકલેટની મોટી કંપની માર્સ ઇન્કોર્પોરેશનના સંશોધકો ફ્લેવેનોલ્સ વિશે અભ્યાસ કરી રહી છે. કંપની કોકો ફ્લેવેનોલ સપ્લિમેન્ટ્સ વિશે અભ્યાસ કરી રહી છે.
ખાદ્યપદાર્થોમાં ફ્લેવેનોલનું પ્રમાણ હોય છે અલગ-અલગ
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન(બીએચએફ)નું કહેવું છે કે કમર્શિયલ ચૉકલેટ્સ અને બીજા ખાદ્યપદાર્થોમાં ફ્લેવેનોલ્સનું અસલી સ્તર અલગ-અલગ હોઈ શકે છે.
ડાર્ક ચૉકલેટને મિલ્ક ચૉકલેટ કરતાં વધારે હેલ્ધી વિકલ્પ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેમાં શર્કરા ઓછી અને કોકો વધારે હોય છે અને કોકો ફ્લેવેનોલ્સનો એક સ્રોત છે.
ઇમેજ સ્રોત, Getty Images
ડાર્ક ચૉકલેટના બેથી ત્રણ ટૂકડામાં 22થી 73 મિલીગ્રામ ફ્લેવેનોલ્સ હોય છે, જ્યારે મિલ્ક ચૉકલેટના કેટલાક ટુકડામાં ત્રણથી સાત મિલીગ્રામ ફ્લેવેનોલ્સ હોય છે.
ગ્લાસગો યુનિવર્સિટીના કાર્ડિયોલૉજીના પ્રોફેસર નવીદ સત્તારે જણાવ્યું હતું કે કેટલાક નાના પ્રયોગમાં બ્લડ પ્રેશર પર થોડી હકારાત્મક અસર જોવા મળી છે, પરંતુ તેનાથી હૃદયવિકાર સંબંધી સમસ્યાઓમાં ખરેખર ઘટાડો થાય છે કે કેમ તેના પાક્કા પુરાવા મળ્યા નથી.
તેમના જણાવ્યા મુજબ, હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોક જેવી હૃદય અને રક્તવાહિનીઓ સંબંધી ગંભીર બીમારી ઘટાડવાના એક ઉપાય તરીકે તેની ભલામણ કરતાં પહેલાં તેના વધારે પરીક્ષણ જરૂરી છે.
ફ્લેવેનોલ્સની પ્રમાણનો આધાર હોય છે અનેક બાબતો પર
કિંગ્સ કૉલેજ લંડનમાં પોષણશાસ્ત્રી તરીકે કાર્યરત પ્રોફેસર એના રૉડ્રિગ્ઝ-મેટોસે જણાવ્યું હતું કે ફળો અને શાકભાજીમાં ફ્લેવેનોલની માત્રા બહુ અલગ-અલગ હોઈ શકે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ પણ અલગ-અલગ હોઈ શકે છે. આ બાબતે વધારે અભ્યાસ કરવાની જરૂર છે.
બીએચએફના ડેલ સ્ટેનફોર્ડનું કહેવું છે કે અલગ-અલગ ખાદ્ય પદાર્થોમાં ફ્લેવેનોલની માત્રાનો આધાર, તે પદાર્થો ક્યાં ઉગાડવામાં આવ્યા છે, મોસમ કેવી છે, તે કેટલા પાકેલા કે મૅચ્યૉર થયા છે, તેનો સંગ્રહ કે પ્રોસેસિંગ કેવી રીતે કરવામાં આવ્યું હતું અને તેને કોણ ખાઈ રહ્યું છે તેના પર હોય છે.
તેમણે કહ્યું હતું કે “થોડી માત્રા સીધી શોષાઈ જાય છે. આપણા પાચનતંત્રના બૅક્ટેરિયા ફ્લેવેનોલનો, આપણું શરીર તેનો ઉપયોગ કરી શકે એવા સ્વરૂપમાં બદલી નાખે છે. જોકે, દરેક વ્યક્તિના પેટમાં બૅક્ટેરિયા અલગ-અલગ હોય છે. તેથી લોકોને ફ્લેવેનોલથી મળતા ફાયદા અલગ-અલગ હોઈ શકે છે.”
બીએચએફ અને બ્રિટિશ ન્યુટ્રિશનલ ફાઉન્ડેશનનું કહેવું છે કે તમારા હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવાની સૌથી સારી રીત, તમારા બૅલેન્સ્ડ ડાયેટ વિશેની એ પ્રમાણિત સલાહને અનુસરવાની છે, જેમાં અલગ-અલગ પ્રકારનાં ફળો અને શાકભાજી સામેલ હોય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




