Home તાજા સમાચાર gujrati ક્રૂડ ઑઇલની કિંમતો ઘટવા છતાં સરકાર કેમ તેનો લાભ ગ્રાહકો સુધી નથી...

ક્રૂડ ઑઇલની કિંમતો ઘટવા છતાં સરકાર કેમ તેનો લાભ ગ્રાહકો સુધી નથી પહોંચાડી રહી?

2
0

Source : BBC NEWS

ક્રૂડ ઓઇલની કિંમતો, સરકાર, ભારત, ઈરાન, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઑઇલના ભાવ ફરી ઈરાન યુદ્ધ શરૂ થયું, તે પૂર્વેના સ્તરે પહોંચી ગયા છે અને એવું મનાઈ રહ્યું છે કે, તેના કારણે વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઑઇલના આયાતકર્તા દેશ એવા ભારતને મોટાપાયે આર્થિક રાહત પહોંચી શકે છે.

ગત ગુરુવારના રોજ વૈશ્વિક બૅન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઑઇલ થોડા સમય માટે ઘટીને 72.48 ડૉલર પ્રતિ બેરલની નીચે ગયું હતું. આ સ્તર અમેરિકા તથા ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો, તેના આગલા દિવસે – 28મી ફેબ્રુઆરીના રોજ નોંધાયેલા સ્તરને સમાન હતું. ઑઇલની કિંમતો શુક્રવારે વધુ ગગડીને 72.60 ડૉલર પ્રતિ બેરલ નોંધાઈ હતી.

ઈરાનની જવાબી કાર્યવાહીને કારણે તેમજ વિશ્વના ઑઇલ અને ગૅસ પુરવઠા માટે મહત્ત્વના દરિયાઈ માર્ગ એવા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થઈ જવાને કારણે છેલ્લા ચાર મહિના દરમિયાન ઊર્જાની કિંમતોમાં ભારે ઉથલ-પાથલ સર્જાઈ છે.

17મી જૂનના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા, ત્યારથી ક્રૂડ ઑઇલના ભાવ સતત નીચે જઈ રહ્યા છે અને બજારના નિષ્ણાતો આવનારા દિવસોમાં ભાવ હજુયે ગગડવાની આગાહી કરી રહ્યા છે. જોકે, બજાર પરિસ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈરાન યુદ્ધ દરમિયાન ઑઇલની કિંમતો ઊછળીને 120 ડૉલર પ્રતિ બેરલે પહોંચી ગઈ હતી.

પરંતુ, ક્રૂડ ઑઇલના ભાવોમાં કડાકો બોલાયો હોવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના દરોમાં કોઈ ફેરફાર થયો નથી.

આંતરરાષ્ટ્રીય સ્તરે ઑઇલની કિંમતો વધવાને પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં અંદાજે 7.50 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો હતો, પરંતુ કેન્દ્ર સરકારે ભાવો સ્થિર રહે, તે માટે પેટ્રોલ તથા ડીઝલ પરની ઍક્સાઇઝ ડ્યૂટી પણ ઓછી કરી નાખી હતી.

ઇકોનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રની (સરકારી) તમામ કંપનીઓ વર્તમાન સમયમાં પેટ્રોલના વેચાણ પર સારું એવું માર્કેટિંગ માર્જિન (નફો) રળી રહી છે, જ્યારે ડીઝલના વેચાણના મોરચે હજુયે થોડી ખોટ જઈ રહી છે.

અહેવાલ પ્રમાણે, “ઉદ્યોગના અધિકારીઓએ કહ્યું હતું કે, ક્રૂડ ઓઇલના ભાવોમાં તાજેતરમાં નોંધાયેલા ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે.”

બીબીસી ન્યૂઝ હિન્દી સાથે વાત કરતાં બજારના વિશ્લેષકોએ કહ્યું હતું કે, ભારતીય ગ્રાહકોએ કોઈપણ પ્રકારની રાહત મેળવવા માટે બેથી અઢી મહિના સુધી રાહ જોવી પડી શકે છે અને તે પણ ત્યારે જ, જ્યારે ઊર્જાનું બજાર વધુ સ્થિર થાય.

શું સરકારે આંતર-મંત્રાલય બ્રીફિંગ બંધ કરી દીધું છે?

જ્યારે પશ્ચિમ એશિયામાં વ્યાપક સૈન્ય સંઘર્ષને પગલે ઇંધણની કટોકટી સર્જાઈ, ત્યારે ભારત સરકારે પરિસ્થિતિ પર નજર રાખવા માટે આંતર-મંત્રાલય સમિતિની રચના કરી હતી, જેને રોંજિંદા ધોરણે વિગતો પૂરી પાડવામાં આવતી હતી.

મની કન્ટ્રોલ વેબસાઇટ પરના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, “તાજેતરમાં જ ઑઇલ બજારમાં તંગદિલી હળવી થવાની અસર સરકારના અભિગમમાં પણ વર્તાઈ રહી છે. સંઘર્ષ શરૂ થયા પછી ગોઠવવામાં આવેલી આંતર-મંત્રાલય બ્રીફિંગ્ઝ (બેઠકો)ને હાલના તબક્કે ચૂપચાપ સ્થગિત કરી દેવામાં આવી છે, જે એવો સંકેત આપે છે કે, ઊર્જા પુરવઠા સામેના તાત્કાલિક વિક્ષેપ અંગેની ચિંતા હાલ પૂરતી હળવી થઈ ગઈ છે.”

અહેવાલ મુજબ, “શરૂઆતમાં આ બ્રીફિંગ્ઝ (બેઠકો) રોજ યોજાતી હતી, પણ પછીથી તેની સંખ્યા ઘટાડીને સપ્તાહમાં બે વખત કરી દેવાઈ હતી. આ બેઠકોમાં ચાવીરૂપ મંત્રાલયોના અધિકારીઓ ઉપસ્થિત રહેતા હતા અને તેઓ સરકારની સજ્જતા તથા કટોકટી સામેના વ્યવસ્થાપન અંગેની માહિતી પૂરી પાડતા હતા.”

“પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયના અધિકારીઓ આ બેઠકોમાં નિયમિત હાજરી આપતા હતા તેમજ ઇંધણનો પુરવઠો સુરક્ષિત કરવા માટે અને બજારની સ્થિરતા જાળવી રાખવા માટેનાં પગલાં વિશેની વિગતો પૂરી પાડતા હતા. આ અઠવાડિયે સોમવારે અને ગુરુવારે નિર્ધારિત શિડ્યૂલ મુજબની બેઠકો યોજાઈ નહોતી.”

ઑઇલના ભાવ ઘટવાથી ભારતને કેટલી રાહત મળશે?

ક્રૂડ ઓઇલની કિંમતો, સરકાર, ભારત, ઈરાન, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇકોનૉમિક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે, ભારત ખરીદે છે, તે ક્રૂડ ઑઇલની સરેરાશ કિંમત 27મી ફેબ્રુઆરીએ 71.17 ડૉલર પ્રતિ બેરલ હતી.

તેના બીજા દિવસે, અર્થાત્, 28મી ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન ઉપર હુમલો કર્યો હતો.

પીપીએસીના મત અનુસાર, જૂનના સમગ્ર મહિના માટે ભારતીય બાસ્કેટની સરેરાશ કિંમત 86.31 ડૉલર પ્રતિ બેરલ રહી હતી, જ્યારે ફેબ્રુઆરી, 2026માં તે કિંમત 72.47 ડોલર પ્રતિ બેરલ નોંધાઈ હતી.

જોકે, ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (જીટીઆરઆઇ)ના ડિરેક્ટર અજય શ્રીવાસ્તવે તે બાસ્કેટ પ્રાઇસને પણ ઊંચી ગણાવી હતી.

બીબીસી હિંદી ન્યૂઝ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “ભારત વિશ્વમાં ક્રૂડ ઑઇલનું ત્રીજું સૌથી મોટું આયાતકાર છે અને તેને આંતરરાષ્ટ્રીય બજાર કરતાં ઓછી કિંમત પર ઑઇલ મળવું જોઈએ. આ બાસ્કેટ પ્રાઇસ પણ ઊંચી જ છે. ભારત સરકારે આને લઈને એક રણનીતિ તૈયાર કરવી જોઈએ.”

ભારત દ્વારા આયાત કરવામાં આવતા ક્રૂડ ઑઇલનો સરેરાશ આંતરરાષ્ટ્રીય ભાવ ભારતીય બાસ્કેટ કહેવાય છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે એમઓયુ થયા પછી અમેરિકાએ ઈરાનના ઓઇલ પરનો તેનો 60 દિવસનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે.

કેટલાક વિશ્લેષકો કહે છે કે, હવે ભારતીય બાસ્કેટમાં ઈરાનનું ઑઇલ પ્રવેશવાની શક્યતા વધી ગઈ છે.

આવી સ્થિતિમાં ગ્રાહકોને રાહત પૂરી પાડવા માટે ઈંધણ કંપનીઓ તથા સરકાર પર દબાણ વધી શકે છે, ખાસ કરીને જ્યારે ક્રૂડ ઑઇલના ભાવ લાંબા સમય સુધી નીચા રહે, એવી સ્થિતિમાં.

ઈંધણની નીચી કિંમતો ફુગાવાનાં દબાણોને વધુ હળવાં કરી શકે છે અને વિશ્વનાં મોખરાનાં પાંચ અર્થતંત્રોમાં સ્થાન ધરાવતા ભારતનું ઑઇલ બિલ ઘટાડી શકે છે. વળી, તે તેની ચાલુ ખાતાની ખાધ પણ ઓછી કરી શકે છે.

પરંતુ, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખૂલી જવાથી આંતરરાષ્ટ્રીય ઑઇલ કિંમતો પણ ઘટી જવા પામી છે.

અમેરિકન અધિકારીઓ કહે છે કે, છેલ્લા 24 કલાકમાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી અંદાજે બે કરોડ બેરલ ઑઇલ પસાર થયું છે. આમ, સ્થિતિમાં હજુ સુધારો થવાની અપેક્ષા છે.

દરિયાઈ ટ્રાફિક પર નજર રાખતી વેબસાઇટ કેપ્લરના જણાવ્યા પ્રમાણે, 25મી જૂનના રોજ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં 54 પ્રમાણિત કમર્શિયલ અને ઊર્જા સંબંધિત ગતિવિધિ નોંધાઈ હતી.

જહાજોની ઘણી ગતિવિધિ “ડાર્ક” (જેની માહિતી છૂપાવાઈ હોય) કે “અજ્ઞાત” તરીકે નોંધવામાં આવી હતી.

આ દરમિયાન, ઓમાનના દહિતના દક્ષિણ-પૂર્વમાં એક માલવાહક જહાજ પર મિસાઇલ કે રૉકેટથી હુમલો થયાના અહેવાલને કારણે જોખમ વધી ગયું છે.

ઑઇલના ભાવ ઘટવા પર નિષ્ણાતો શું કહે છે?

નિષ્ણાતોનું માનવું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઑઇલની કિંમતોમાં ઘટાડો થવાથી ભારતીય ગ્રાહકોને તાત્કાલિક ધોરણે કોઈ ફાયદો થશે નહીં, જોકે, તેનાથી ઊર્જા સબસિડીનું ભારણ ઘટી શકે છે તેમજ સરકારની નાણાંકીય સ્થિતિમાં સુધારો જરૂર થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય ઑઇલ બજારના નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ બીબીસી હિંદી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ઈંધણના ભાવો સ્થાનિક ગ્રાહકો માટે સપ્ટેમ્બર પહેલાં ઘટે, એવી કોઈ શક્યતા જણાતી નથી.

તેમણે જણાવ્યું હતું, “હાલના ભાવોના આધારે, ખરીદવામાં આવેલું ઈંધણ ભારત પહોંચતાં એક અઠવાડિયાથી બે મહિનાનો સમય લાગી શકે છે.

“કારણ કે, અત્યારે આવી રહેલું ઑઇલ ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યું હતું.”

“વર્તમાન સમયમાં ભારત જુદા-જુદા 40 દેશો પાસેથી ઑઇલની આયાત કરે છે. અમેરિકા, મેક્સિકો અને બ્રાઝિલથી ભારત સુધી ઑઇલ પહોંચતાં લગભગ બે મહિના લાગે છે, જ્યારે રશિયાથી ઑઇલ આવતાં એક મહિનો લાગે છે.”

હકીકતમાં, ભારત તેની ક્રૂડ ઑઇલની કુલ પૈકીની 88 ટકા આવશ્યકતાઓ આયાત થકી સંતોષે છે.

પીઆઇબીના જણાવ્યા પ્રમાણે, અગાઉ, ભારતની ઑઇલની અડધો-અડધ આયાતો સ્ટ્રેટ ઑફ હોર્મુઝના માર્ગેથી પસાર થતી હતી, જે હવે ઘટીને 30 ટકા થઈ જતાં જોખમ ઘટી ગયું છે.

નરેન્દ્ર તનેજા કહે છે કે, આયાતથી લઈને ભારતીય ગ્રાહકોને તેલ પહોંચાડવા સુધીનું સમગ્ર ચક્ર પૂરું થતાં આશરે અઢી મહિનાનો સમય થાય છે.

અગાઉ, સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી ઑઇલની આયાત કરવામાં આવતી હતી અને આ ચક્ર ટૂંકું હતું.

તેઓ આગળ કહે છે, “આજે પેટ્રોલ પમ્પો પર મળતું ઑઇલ ભારતીય કંપનીઓએ 110 ડૉલરથી 130 ડૉલર પ્રતિ બેરલના ભાવે અઢી મહિના પહેલાં ખરીદ્યું હતું.”

તેમના જણાવ્યા પ્રમાણે, “મારા મત પ્રમાણે, સસ્તું ઑઇલ સપ્ટેમ્બર સુધીમાં મળતું થશે, ત્યાં સુધીમાં કંપનીઓએ તેમની અમુક ખોટ સરભર કરી લીધી હશે અને ત્યાં સુધીમાં તહેવારોની સિઝન પણ શરૂ થઈ ગઈ હશે. તે પછી સરકાર ઈંધણના ભાવોમાં થોડી રાહત આપી શકે છે.”

પરંતુ, તેની સાથે જ તેઓ એવી ચેતવણી પણ ઉચ્ચારે છે કે, તેમનું આ મૂલ્યાંકન એ ધારણા પર આધારિત છે કે, ઈરાન તથા અમેરિકા વચ્ચે બધું સમુંસૂતરું પાર પડશે. જોકે, હજુ પણ વાટાઘાટો ચાલી રહી છે અને આ દરમિયાન વચ્ચે ક્યારેક કિંમતો વધી શકે છે.

ઘણા વિશ્લેષકોની માફક, નરેન્દ્ર તનેજા માને છે કે, પરિસ્થિતિ ફરી પાછી સામાન્ય થઈ જશે, કારણ કે, અમેરિકા હવે ઈરાન સાથેના યુદ્ધમાંથી બહાર નીકળવા માગે છે.

આ માટે તેઓ અમેરિકામાં સ્થાનિક ઓઇલના ભાવોમાં થયેલા 70 ટકાના વધારાને જવાબદાર ઠેરવે છે.

તેઓ કહે છે, “આ યુદ્ધથી અમેરિકન અર્થતંત્રને ભારે ફટકો પડ્યો છે અને હવે અમેરિકા પાસે યુદ્ધમાંથી બહાર નીકળવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ પરિસ્થિતિમાં એવી આશા રાખી શકાય કે, આંતરરાષ્ટ્રીય ઓઇલ બજારમાં સ્થિરતા પ્રવર્તશે.”

‘ભારતમાં પારદર્શિતાનો અભાવ’

ક્રૂડ ઓઇલની કિંમતો, સરકાર, ભારત, ઈરાન, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઑઇલના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડવાને લઈને સોશ્યલ મીડિયા પર પણ ચર્ચા છેડાઈ ગઈ છે.

રેડિટ પર એક યુઝરે સવાલ કર્યો હતો, “છેલ્લા ત્રણ મહિનામાં ક્રૂડ ઑઇલની ભાવિ ખરીદીમાં અંદાજે 15 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે, પણ ભારતમાં ઈંધણના ભાવો તે પ્રમાણમાં ઘટ્યા હોય એવું લાગતું નથી.”

“દરમિયાન, કેટલાક દેશોએ ઈંધણના ભાવોમાં ઘટાડાની જાહેરાત કરી છે… પણ એવું કેમ છે કે, જ્યારે ઑઇલના ભાવ વધે, ત્યારે સ્થાનિક ભાવોમાં તીવ્ર વધારો થાય છે, પણ જ્યારે ઑઇલના ભાવો ઘટે, ત્યારે ગ્રાહકોને તેનો લાભ મળતો નથી?”

જીટીઆરઆઇના ડિરેક્ટર અજય શ્રીવાસ્તવ ભારત સરકારના ડિરેક્ટરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના હોદ્દા પર રહી ચૂક્યા છે.

બીબીસી હિંદી ન્યૂઝ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “ક્રૂડ ઑઇલની કિંમત અને પેટ્રોલ પમ્પ પર મળતા ઑઇલની કિંમત વચ્ચે કોઈ સહ-સંબંધ નથી.”

“અમુક વખત એવું પણ બન્યું છે કે, ક્રૂડનો ભાવ 30 ડોલર પ્રતિ બેરલ હોય અને સ્થાનિક બજારમાં 90થી 100 રૂપિયા પ્રતિ લીટરની કિંમત વસૂલવામાં આવી રહી હોય.”

“સરકાર પાસે કિંમતો સ્થિર ન થાય, ત્યાં સુધી પરિસ્થિતિ પર નજર રાખવાનો વિકલ્પ પણ હોઈ શકે છે.”

“જ્યારે ક્રૂડ ઑઇલના ભાવ નીચા જાય, ત્યારે સરકાર કરવેરો વધારી દે છે. આજે, સરકારે એક પારદર્શક વ્યવસ્થા લાવવાની જરૂર છે અને બાસ્કેટ પ્રાઇસની તુલનામાં પેટ્રોલ પમ્પ પર ઉપલબ્ધ તેલના કેટલા ટકા રિફાઇનિંગ તથા વિતરણ કંપનીઓ પાસે જાય છે અને રાજ્ય તથા કેન્દ્ર સરકારનો ટૅક્સ કેટલા ટકા હોય છે, તે જણાવવાની જરૂર છે.”

અજય શ્રીવાસ્તવે કહ્યું હતું, “2010માં મનમોહન સિંહની સરકારે એડમિનિસ્ટ્રેશન પ્રાઇસ મિકેનિઝમ નાબૂદ કરીને ઓઇલની કિંમતો નિયંત્રણમુક્ત કરી હતી.”

“આ વ્યવસ્થા 2016-17 સુધી ચાલુ રહી હતી, પણ તે પછી સરકારોએ કરવેરા વધારી દઈને ઑઇલના ભાવ નિયંત્રિત કર્યા હતા.”

હાલની સ્થિતિમાં ઑઇલના ભાવ ઓછા કરવા અંગે તેઓ જણાવે છે, “ભાવ ઘટશે કે નહીં, તે વિશે કશું કહી શકાય એમ નથી. બધું સરકારના હાથમાં છે અને તેમાં કોઈ પારદર્શિતા નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS