Home તાજા સમાચાર gujrati ટપાલીના ઘર નજીક કૂતરાં કરડ્યાં અને ટપાલોનાં સાત પોટલાં મળ્યાં, કેટલાં વર્ષથી...

ટપાલીના ઘર નજીક કૂતરાં કરડ્યાં અને ટપાલોનાં સાત પોટલાં મળ્યાં, કેટલાં વર્ષથી ટપાલ નહોતી પહોંચાડી?

4
0

Source : BBC NEWS

તામિલનાડુ, એક ટપાલીનો વિચિત્ર કિસ્સો, પોસ્ટમૅન, બીબીસી ગુજરાતી

તાજેતરમાં તામિલનાડુના તિરુપુર જિલ્લાના વેલ્લાકોઇલના એક ટપાલીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકોની ટપાલો તેમને પહોંચાડવાને બદલે પોતાના ઘરમાં છુપાવતા હતા. ઉચ્ચ અધિકારીઓએ તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. અધિકારીઓનું કહેવું છે કે, સંબંધિત વ્યક્તિઓને પત્રો પહોંચાડવા માટેની કામગીરી ચાલી રહી છે.

એક સમય એવો હતો, જ્યારે આપણે ટપાલી આપણી ટપાલ પહોંચાડે તેની આતુરતાથી રાહ જોતા હતાં. તે ટપાલ મૈત્રી, સ્નેહ અને આપણું ભવિષ્ય નક્કી કરતી શાળા-કૉલેજનાં ઍડમિશન અને નોકરીની તકો જેવી જરૂરી માહિતી લઈને આવતી હતી.

વર્તમાન સમયમાં ઇન્ટરનેટના યુગમાં તમામ સંદેશાવ્યવહાર ઇમેઇલ્સ અને સોશિયલ મીડિયા મારફત થાય છે. જોકે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા મોકલવામાં આવતા ઓળખપત્ર જેવા પ્રમાણને લગતા દસ્તાવેજો, લગ્ન પ્રમાણપત્ર અને કાનૂની નોટિસો જેવા દસ્તાવેજો હજુયે ટપાલ વિભાગ દ્વારા સંબંધિત વ્યક્તિને પહોંચાડવામાં આવે છે. તિરુપુર જિલ્લાના તે ટપાલીના ઘરે આવા પત્રોના થેલાનો ખડકલો ભેગો થયો હતો.

કૂતરું કરડતાં સમગ્ર હકીકત સામે આવી

તામિલનાડુ, એક ટપાલીનો વિચિત્ર કિસ્સો, પોસ્ટમૅન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Handout

તિરુપુર જિલ્લાના વેલ્લાકોઇલ ખાતે એક સબ પોસ્ટ ઓફિસ આવેલી છે. ત્યાં મ્યુનિસિપાલિટીની હદમાં આવતા અને આસપાસના વિસ્તારોમાં લોકોને ટપાલ પહોંચાડવા માટે જે ચાર ટપાલી કાર્યરત છે, તે પૈકીના એક સેન્થિલ કુમાર છે. ત્યાંના સ્ટાફે કહ્યું હતું કે, સેન્થિલ કુમાર કેટલાંક વર્ષોથી વેલ્લાકોઇલના ચોક્કસ વિસ્તારોમાં ટપાલ પહોંચાડતા હતા.

તેમનું ઘર નજીકની કાંગેયમ નગરપાલિકા હેઠળના થટ્ટનથોટમમાં આવેલું છે. સેન્થિલ કુમારના ઘરની બાજુમાં પલાનીઅમ્મલ નામનાં મહિલાની માલિકીનો જમીનનો એક ખાલી પ્લોટ આવેલો છે. ગત 24મી જૂનના રોજ જ્યારે પલાનીઅમ્મલ તે પ્લોટની નજીક ગયાં, ત્યારે સેન્થિલ કુમારે પાળેલાં પાંચ કૂતરાંએ તેમના પર હુમલો કર્યો હતો. પરિણામે, તેઓ ત્યાં જ બેભાન થઈ ગયાં. પલાનીઅમ્મલનાં પુત્રી શિવગામી અને જમાઈ કરુપ્પુસામીએ તેમને સરકારી હૉસ્પિટલમાં દાખલ કર્યાં. એ પછી તેમણે આ ઘટના વિશે વેલ્લાકોઇલ પોલીસ મથક અને નગરપાલિકાની કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે પોલીસ સેન્થિલ કુમારના ઘરે પહોંચી, ત્યારે તેમને ત્યાં ઓળખકાર્ડનાં કેટલાંક કવરો અને પત્રો જ્યાં-ત્યાં વિખરાયેલાં મળી આવ્યાં. જ્યારે પોસ્ટ ઓફિસના અધિકારીઓને આ બાબતની જાણ થઈ, ત્યારે તેઓ સેન્થિલ કુમારના ઘરે ગયા અને ત્યાંથી મળી આવેલા પત્રોને સાત પોટલાંમાં ભરીને તિરુપુર ડિવિઝન પોસ્ટલ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસે પહોંચાડ્યા. તે પછી ટપાલી સેન્થિલ કુમારને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવાયા.

આ સંદર્ભમાં બીબીસી તમિલની ટીમ વેલ્લાકોઇલ વિસ્તારની મુલાકાતે ગઈ હતી. સબ-પોસ્ટ ઓફિસમાં કામ કરતા સેન્થિલ કુમાર કાંગેયમ મુખ્ય પોસ્ટ ઓફિસ હેઠળની વેલ્લાકોઇલ સબ-પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હતા. ત્યાંના પોસ્ટમાસ્ટર સુંદરમૂર્તિએ બીબીસીને જણાવ્યું હતું, “એ સાચું છે કે, પોસ્ટમેન સેન્થિલ કુમાર અહીં કામ કરતા હતા, પણ અમને એવી કોઈ ફરિયાદ મળી નથી કે, તેમણે તેમના ઘરમાં પત્રો છુપાવી રાખ્યા હતા. જ્યારે તિરુપુર ડિવિઝન પોસ્ટલ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસને જાણ કરવામાં આવી, ત્યારે તેઓ સીધા જ આવ્યા અને પત્રો લઈ ગયા. અત્યારે તેઓ તપાસ ચલાવી રહ્યા છે. આ મામલે હું વધુ કશું કહી શકીશ નહીં.”

જ્યારે બીબીસીએ પૂછ્યું કે, સેન્થિલ કુમાર જ્યાં પત્રો પહોંચાડતા હતા, એ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કોઈએ ફરિયાદ નોંધાવી છે ખરી? ત્યારે તેમણે જવાબ આપ્યો, “હજી સુધી અમને એક પણ ફરિયાદ મળી નથી.”

રોજ કેટલા પત્રો મળતા હતા અને તેનો રેકોર્ડ કેવી રીતે રાખવામાં આવતો હતો, એ સવાલનો જવાબ આપવાનો પોસ્ટમાસ્ટરે ઇનકાર કરી દીધો હતો.

સ્થાનિકોનું શું કહેવું છે?

તામિલનાડુ, એક ટપાલીનો વિચિત્ર કિસ્સો, પોસ્ટમૅન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Handout

પોસ્ટમેન સેન્થિલ કુમાર કયા વિસ્તારોમાં પત્રો પહોંચાડે છે, તેની માહિતી મેળવ્યા પછી બીબીસીની ટીમ મુત્તુર રોડ, કચેરી વલાસુ અને ઇન્દિરા નગર જેવા વેલ્લાકોઇલ નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં ગઈ હતી અને ત્યાં રહેતા લોકો સાથે વાત કરી હતી.

કચેરી વલાસુ વિસ્તારના રહીશ રાજે બીબીસીને જણાવ્યા અનુસાર, “હું ચારથી પાંચ વર્ષોથી તેમને ઓળખતો હતો. જ્યારે પણ તેઓ અહીં આવતા, ત્યારે અમે પૂછતા કે, સરનામાને લઈને કોઈ ગૂંચવણ છે કે કેમ. અમે તેમને અમારાથી બનતી તમામ મદદ કરતા હતા. એક મહિલા પણ થોડા દિવસ સુધી તેમની સાથે આવી હતી. તેમના ઘરમાંથી પત્રો મળી આવ્યા હોવાની જાણ અમને સોશિયલ મીડિયા પરથી જ થઈ હતી.”

તો, ઇન્દિરાનગર વિસ્તારમાં ફર્નિચરની દુકાન ચલાવતાં વલારમતીએ કહ્યું હતું, “મને ખબર છે ત્યાં સુધી તેઓ લાંબા સમયથી અહીં કામ કરતા હતા. અમને ભાગ્યે જ પત્રો મળતા હતા, તેઓ જાતે આવીને પત્રો આપતા હતા.” ત્યાં હાજર અન્ય લોકોએ પણ લગભગ એવો જ અભિપ્રાય આપ્યો હતો. વકીલ શિવગામીએ કહ્યું હતું કે, વેલ્લાકોઇલના બે વકીલોએ અગાઉ ફરિયાદ કરી હતી કે, તેમને અદાલતના કેસોને લગતા ઘણા પત્રો મળતા નહોતા.

તામિલનાડુ, એક ટપાલીનો વિચિત્ર કિસ્સો, પોસ્ટમૅન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Handout

ફરિયાદ દાખલ કરનાર પૈકીના એક વકીલ હયાત નથી. જ્યારે બીજા વકીલ – વિજયે બીબીસી સાથે વાત કરી હતી. “તે અમારા વિસ્તારના ટપાલી છે. અમને ઘણી મુશ્કેલી પડી હતી, કારણ કે, છેલ્લાં છ વર્ષોથી અમને ઘણા પત્રો મળ્યા નહોતા. ખાસ કરીને જ્યારે અમારા જેવા વકીલ કોઈને રજિસ્ટર્ડ ટપાલ મોકલે છે, ત્યારે અમારે ‘પોસ્ટલ ઍકનોલેજમેન્ટ’ (રસીદ)ને ચાવીરૂપ દસ્તાવેજ તરીકે કોર્ટમાં રજૂ કરવી પડે છે. પણ ટપાલી સેન્થિલ તે આપતા નહોતા. થોડા દિવસો પછી અમે આગ્રહ કરતા, ત્યારે તેઓ કહેતા, ‘સૉરી, હું ભૂલી ગયો’ અને પછી તે પાછા લાવતા.”

અધિકારીઓએ ટપાલી સેન્થિલ કુમારના ઘરેથી ડિલિવરી ન કરવામાં આવી હોય, તેવા પત્રોનાં સાત બંડલ જપ્ત કર્યાં હતાં. બીબીસીએ પણ સેન્થિલ કુમારના ઘરની મુલાકાત લીધી હતી. સેન્થિલ કુમારનું ઘર કોઈમ્બતૂર મુખ્ય માર્ગ પાસેની થટ્ટનથોટા શેરીની એક ગલીમાં આવેલું છે. તેમના ઘરે જવાનો એકમાત્ર રસ્તો તે ગલીમાંથી પસાર થાય છે. જ્યારે અમારી ટીમે અંદર પગ મૂક્યો, તે સાથે જ ત્રણ કૂતરાં અચાનક ભસવા લાગ્યાં અને તેમને ડરાવી દીધા.

પલાનીઅમ્મલના જમાઈ કરુપ્પુસામીએ બીબીસીને જણાવ્યું હતું, “અમારી જગ્યાની આસપાસ અમે ઘણાં ઓળખપત્રો અને પાન કાર્ડ વેરવિખેર પડેલાં જોયાં. કેટલાંક એટીએમ કાર્ડનાં કવર સળગાવી દેવાયાં હતાં. મેં આ અંગે તિરુપુર ડિવિઝન પોસ્ટલ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસમાં ફરિયાદ કરી છે.”

તેમણે આગળ કહ્યું હતું, “જ્યારે કાંગેયમ હેડ પોસ્ટ ઓફિસના અધિકારીઓ તપાસાર્થે આવ્યા, ત્યારે તેમને ઘરની અંદર ન જવા દેવાયા. પછીથી, પોલીસ સુરક્ષા સાથે ઘરની તપાસ કર્યા પછી જ પ્રગટ થયું કે, સેન્થિલ કુમારે લગભગ સાત કોથળાં ભરીને પત્રો છુપાવી રાખ્યા હતા. અધિકારીઓ તે તેમની સાથે લઈ ગયા હતા.” ઘણા સ્થાનિકોએ કહ્યું હતું કે, તેમને કૂતરાંથી ડર લાગતો હતો અને આથી, તેમણે પોસ્ટમેનના ઘરે જવાનું ઓછું કરી દીધું હતું.

શું અધિકારીઓ સામે કાર્યવાહી થશે?

તામિલનાડુ, એક ટપાલીનો વિચિત્ર કિસ્સો, પોસ્ટમૅન, બીબીસી ગુજરાતી

જ્યારે બીબીસીની ટીમ આ ઘટના વિશે સ્પષ્ટતા મેળવવા સેન્થિલ કુમારના ઘરે ગઈ, ત્યારે ઘરે તાળું હતું. સેન્થિલ કુમારનો મોબાઈલ નંબર પણ બંધ આવ્યો હતો. બીજી તરફ, સબ-ઇન્સ્પેક્ટર દુરાઇસામીએ બીબીસીને કહ્યું કે, તેમને ઘરમાં પત્રો છુપાવી રાખ્યા હોવાના મામલે હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી.

બીબીસીએ આ વિશે તિરુપુર ડિવિઝન પોસ્ટલ સુપરિન્ટેન્ડન્ટ પટ્ટાભિરામ સાથે વાત કરી હતી. “પોસ્ટમેને દર વખતે આમ કર્યું હોય, એવું નથી લાગતું. તેમણે કેટલાક પત્રો પહોંચાડ્યા વિના પોતાની પાસે રાખ્યા હતા. કેટલા પત્રો નથી પહોંચાડાયા, તેની ગણતરી મેં હજી સુધી નથી કરી. પણ, મોટાભાગના પત્રો 2022, 2023 અને 2024ના છે. તાજેતરમાં પહોંચાડવાના બાકી હોય, એવા પત્રો તેમાં નથી,” એમ તેમણે કહ્યું હતું.

પટ્ટાભિરામે કહ્યું હતું કે, સેન્થિલ કુમારે જે મોટાભાગની ટપાલો પહોંચાડી નહોતી, તે આમંત્રણો અને ઓછા અગત્યના પત્રો હતા. તેમાં મોટાભાગે ઓળખપત્ર અને પાન કાર્ડ હોવાના અહેવાલો તેમણે નકાર્યા હતા. “

તામિલનાડુ, એક ટપાલીનો વિચિત્ર કિસ્સો, પોસ્ટમૅન, બીબીસી ગુજરાતી

સેન્થિલ કુમાર લકવાગ્રસ્ત હતા. તેમ છતાં તેઓ તેમની ફરજ પર હાજર રહેતા હતા. અમારી પ્રાથમિક તપાસ દરમિયાન, સેન્થિલ કુમારે કહ્યું હતું કે, ઓફિસમાંથી પત્રો લીધા પછી તેઓ ઓછા મહત્ત્વના જણાતા પત્રોને ઘરે રાખતા હતા. જો કોઈ વ્યક્તિ પીડિત વતી ફરિયાદ દાખલ કરે, તો અમે ફરીથી તપાસ કરીશું,” એમ પોસ્ટલ સુપરિન્ટેન્ડન્ટ પટ્ટાભિરામે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, તેમના ઘરેથી જપ્ત કરવામાં આવેલા પત્રો સંબંધિત વ્યક્તિઓને સોંપવામાં આવશે અને તેમના અભિપ્રાયો લેવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS