Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Arun Chandra Bose
કોચીની રાજાગિરિ હૉસ્પિટલ ખાતે આવેલા હિપેટોલૉજી (લીવરની બીમારી) ક્લિનિકની બહારનો વેઇટિંગ રૂમ આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ ધરાવતા લોકોથી ભરેલો છે.
એક વ્યક્તિ માથું નીચે નમાવીને શાંત બેઠી છે અને જમીન તરફ જોઈ રહી છે. લીવરની ગંભીર બીમારીને કારણે તે કમજોર થઈ ગઈ છે. તેને તાકીદે સારવારની જરૂર છે.
બાજુમાં એક પરિવાર જૂના મેડિકલ રિપોર્ટ્સની ફાઇલ સાથે રાખીને બેઠો છે. તેમને હજુયે આશા છે કે, આ હૉસ્પિટલ તેમના પ્રિયજનની જિંદગી બચાવી લેશે.
અંદર ડૉક્ટર સિરિએક ઍબી ફિલિપ્સ શાંતિથી એક દર્દીની તપાસ કરી રહ્યા છે. દર્દી તેમની સામે બેઠો છે. ડૉક્ટર ફિલિપ્સ થોડા આગળની તરફ નમે છે, દર્દીને એક સવાલ પૂછે છે. તે પછી તેઓ ફરી પાછા ચૂપ થઈ જાય છે.
કેરળના આ ક્લિનિકમાં મેં બે દિવસ વિતાવ્યા હતા. મને લાગ્યું કે, હું એક અલગ જ વ્યક્તિને મળીશ, કારણ કે ફિલિપ અત્યારે ભારતના સૌથી વધુ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ ડૉક્ટરો પૈકીના એક બની ગયા છે.
તેમના સમર્થકો તેમને ‘પુરાવા-આધારિત સારવારના નિડર હિમાયતી તરીકે જુએ છે, જ્યારે ટીકાકારો તેમને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતા એક વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે જુએ છે.
ત્રણ લાખ કરતાં વધુ લોકો તેમને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ‘લીવર ડૉક (Liver Doc)’ના નામ હેઠળ ફૉલો કરે છે, જેમાં તેઓ હોમિયોપથીને ‘ખોટી સારવાર’ ગણાવે છે.
તેમણે વૈકલ્પિક ઉપચાર કરનારાઓને ‘નકલી ડૉક્ટરો’ કહ્યા છે. તેની સાથે જ તેમણે ટીકાકારોને એવું પણ સંભળાવી દીધું છે કે, ‘તમે તમારી બુદ્ધિ ગીરવે મૂકી દીધી છે.’
વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિના સમર્થકો એવો આરોપ મૂકે છે કે, ડૉક્ટર ફિલિપ્સને ભારતીય ચિકિત્સા પદ્ધતિનું પર્યાપ્ત જ્ઞાન નથી અને તેની ખોટી રીતે ટીકા કરે છે.
ડૉક્ટરની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં જાહેર આરોગ્યની માહિતી આપવામાં આવે છે, પણ તેમાં કેટલીક વખત આકરી ટીકાઓ પણ કરવામાં આવતી હોય છે.
તેમની પોસ્ટ્સ ઘણી વખત પ્રસિદ્ધ લોકો સાથેના વિવાદોનો ઉલ્લેખ કરે છે. ઘણા લોકોને તેમની બોલવાની શૈલી તોછડી અને અસભ્ય લાગે છે.
પરંપરાગત ભારતીય ઉપચાર પદ્ધતિ માટે જવાબદાર આયુષ મંત્રાલયે ડૉક્ટર ફિલિપ્સના કેસ મામલે સત્તાવાર સમિતિની બે બેઠકો યોજી છે.
એક વખત ઉત્તર પ્રદેશના એક પોલીસ અધિકારી બે દિવસનો ટ્રેન પ્રવાસ ખેડીને તેમની પૂછપરછ કરવા આવ્યા હતા. તે પાછળનું કારણ સોશિયલ મીડિયા પર ડૉક્ટરે કરેલી એક પોસ્ટ હતી.
છેલ્લાં છ વર્ષમાં ફિલિપ્સની સામે 16 કાયદાકીય કેસ દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંના કેટલાક કેસો હજુયે પડતર છે.
‘લીવર ડૉક્ટર’ સોશિયલ મીડિયા પરની છબિ કરતાં અલગ છે
ઇમેજ સ્રોત, Arun Chandra Bose
તેઓ તેમની સોશિયલ મીડિયાની ઇમેજ કરતાં થોડા અલગ દેખાતા હતા. અમારી વાતચીત દરમિયાન, તેઓ ઘણા શાંત, ગંભીર તથા મિતભાષી જણાયા હતા.
તેમના જૂના દર્દીઓ, સહકર્મીઓ અને તેમને નિકટથી ઓળખનારા અન્ય ડૉક્ટરો પણ તેમના વિશે આ જ અભિપ્રાય આપતા જોવા મળ્યા હતા.
તેઓ તેમને એક વિનમ્ર, સરળ અને શાલીન વ્યક્તિ તરીકે ઓળખે છે.
પરંતુ તેઓ વિના સંકોચે કહે છે, “આ એક રહસ્યમય વ્યક્તિત્વ છે.”
“સોશિયલ મીડિયા પર મારી ટીકા કરનારા લોકો મને નફરત કરે છે, પણ તેઓ એવું પુરવાર નથી કરી શકતા કે, હું જે માહિતી આપી રહ્યો છું, એ ખોટી છે. કેટલીક વખત મારે લોકોનું ધ્યાન ખેંચવા માટે બોલવું પડે છે, મારો અવાજ થોડો વધારવો પડે છે. હું જાણીજોઈને ટ્રોલ્સને જવાબ આપું છું, જેથી લોકો મારો મુખ્ય સંદેશ મેળવવાનું ચૂકી ન જાય.”
તેઓ આગળ કહે છે, “જો લોકો એવું વિચારતા હોય કે, હું તોછડો કે ગુસ્સાવાળો છું (જે હું નથી), તો હું તેની કિંમત ચૂકવવા માટે તૈયાર છું.”
તેઓ ભારતની પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિઓ અને શરાબની સતત ટીકા કરતા જોવા મળે છે.
લાખો લોકો આયુર્વેદમાં વિશ્વાસ ધરાવે છે. સરકાર દ્વારા સંચાલિત ઘણી કૉલેજો પણ તેનું સમર્થન કરે છે. આથી, આજે પણ આયુર્વેદ ઘણા લોકોના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું છે.
તો પછી ડૉક્ટરે શા માટે તેને પડકારવાનું નક્કી કર્યું અને શા માટે તેમણે સોશિયલ મીડિયા પર આટલું આક્રમક વલણ અપનાવ્યું?
તેઓ કહે છે કે, તેનો જવાબ તેમના ખુદના જીવનમાં જ રહેલો છે.
વિવાદના વમળથી ઘેરાયેલા ડૉક્ટર ફિલિપ્સ કોણ છે?
ઇમેજ સ્રોત, Arun Chandra Bose
ફિલિપ્સ શરૂઆતમાં ડૉક્ટર નહોતા બનવા માગતા. તેમને લેખક બનવું હતું. તેઓ ફિલ્મોના પણ મોટા ચાહક હતા. તેમણે કદીયે તબીબી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની કલ્પના નહોતી કરી.
પણ, કેરળના પ્રખ્યાત ગેસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉક્ટર ફિલિપ ઓગસ્ટિનના પુત્ર હોવાથી ડૉક્ટર બનવાનો તેમનો નિર્ણય લગભગ અગાઉથી જ નક્કી હતો.
તેઓ તેમની મેડિકલ ઍન્ટ્રન્સ ઍક્ઝામમાં પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયા. તે પછી તેમણે ત્રિશૂરના એક રેસિડેન્સિયલ કોચિંગ સેન્ટરમાં નવ મહિના પસાર કર્યા હતા.
ત્યાં તેમણે બીજા 40 વિદ્યાર્થીઓ સાથે એક નાના રૂમમાં રહેવું પડ્યું હતું. તે દિવસો યાદ કરતાં તેઓ કહે છે, “એક અઠવાડિયા સુધી તો હું રડતો જ રહ્યો. મને ઊંઘ પણ નહોતી આવતી.”
તેમણે બીજા પ્રયાસમાં મેડિકલની પ્રવેશ પરીક્ષા પાસ કરી લીધી.
તેઓ ચહેરા પર સ્મિત સાથે કહે છે, “બૅંગલુરુની સેન્ટ જૉન્સ મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરીને હું ઘણો ખુશ હતો.”
એક સમય એવો પણ હતો, જ્યારે તેમણે શરાબની આડઅસર થતાં તેમના પોતાના જ પ્રોફેસરોની દેખરેખ હેઠળ હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
કોલકાતામાં એમડીનો અભ્યાસ કરવા દરમિયાન તેમને તબીબી ક્ષેત્રનું ખરું મહત્ત્વ સમજાયું.
તે 3,500 બેડની સુવિધા ધરાવતી સરકારી હૉસ્પિટલ હતી. ત્યાં હંમેશાં દવાઓ, તબીબી ઉપકરણો અને સ્ટાફની અછત પ્રવર્તતી હતી.
તેમણે જોયું કે, ડૉક્ટરે ઇન્સ્યુલિન વિના જ ગંભીર ડાયાબિટીસથી પીડાતા દરેક દર્દીની સારવાર કરવી પડતી હતી, કારણ કે ઇન્સ્યુલિનનો પુરવઠો ખતમ થઈ ગયો હતો.
આ ઉપરાંત તેમણે એ પણ જોયું કે, મર્યાદિત સંસાધનોને લીધે ડૉક્ટરોએ કયા દર્દીની પહેલાં સારવાર કરવી – એવા મુશ્કેલ નિર્ણયો પણ લેવા પડતા હતા.
તેઓ જણાવે છે, “આટલી મર્યાદિત સુવિધાઓ વચ્ચે પણ તે લોકો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરતા હતા. દર્દીઓએ પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોવા છતાં તેઓ સંતુષ્ટ હતા. મેં લોકો વચ્ચે આટલો સુમેળભર્યો સંબંધ અગાઉ કદી જોયો નહોતો.”
તે પછી તેમણે દિલ્હીસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીવર ઍન્ડ બિલિયરી સાયન્સિઝ ખાતે હિપેટોલૉજીની તાલીમ લીધી હતી.
જે સમયે તેઓ તેમની શૈક્ષણિક કારકિર્દીમાં આગળ વધી રહ્યા હતા, તે સમયે તેમના પિતાની હૉસ્પિટલને એક ઔદ્યોગિક જૂથ દ્વારા હસ્તગત કરી લેવામાં આવી હતી.
તેમણે તેમના પિતાની મેડિકલ પ્રેક્ટિસ પુનઃ સ્થાપિત કરવા માટે દિલ્હી છોડવાનો નિર્ણય લીધો.
તેઓ કહે છે કે, આ નિર્ણય સંપૂર્ણપણે તેમનો પોતાનો નહોતો.
વૈકલ્પિક ઉપચારની ટીકા
ઇમેજ સ્રોત, Arun Chandra Bose
કેરળમાં એક નવી હૉસ્પિટલમાં કામ કરવા દરમિયાન તેઓ દારૂના વ્યસનની ખરાબ અસરોના સાક્ષી બન્યા હતા.
તેમણે એ પણ જોયું કે, નિયંત્રણ વિના ઉપયોગમાં લેવામાં આવતી વનસ્પતિજન્ય ઔષધિઓ (વનઔષધિ)ના કારણે કેટલું નુકસાન થઈ રહ્યું છે.
એક વખત છ વર્ષની એક છોકરીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને કમળો થયો હતો અને અચાનક જ લીવર ફેઇલ થઈ ગયું હતું. તેની હાલત ગંભીર હતી.
તે છોકરીને તાવ આવતો હોવાથી તેના પરિવારે તેને ઘરે બનાવેલી વનઔષધિનો ઉકાળો પીવડાવ્યો હતો.
ડૉક્ટર ફિલિપ્સ કહે છે, “એ છોકરીનો જીવ બચાવવા માટે મારે બે અઠવાડિયાં સુધી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.”
તે ઘટના પછી તેમને આ વિષયમાં રસ પડ્યો. તેમણે વૈકલ્પિક ચિકિત્સા અને દારૂના વ્યસનની આડઅસરોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું.
તે સમયે આ સમસ્યા તેમના રાજ્યમાં ઘણી વ્યાપક હતી.
તેઓ જણાવે છે કે તે પછી તેમણે વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિના વિજ્ઞાન અને ઇતિહાસના ઊંડાણપૂર્વકના અભ્યાસમાં ચિત્ત પરોવ્યું હતું.
તેઓ કેવળ એક ડૉક્ટર બની રહેવા નહોતા માગતા, બલકે તેઓ તેમની તબીબી પ્રેક્ટિસમાં વૈજ્ઞાનિક તથા શિસ્તબદ્ધ અભિગમ પણ લાવવા માગતા હતા.
તેમણે સોશિયલ મીડિયા પર તેમના કેસ સ્ટડી શૅર કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ઘણા ઓછા લોકોએ તે તરફ ધ્યાન આપ્યું. એ પછી તેમની સામે વિરોધ શરૂ થયો.
લાખો લોકો પરંપરાગત ઉપચારમાં દૃઢ વિશ્વાસ ધરાવે છે. ઘણા લોકો માને છે કે તેના પર આધુનિક મેડિકલ નિયમો લાગુ કરવા એ સંસ્કૃતિનો નાશ કરવા સમાન છે.
ટીકાકારો કહે છે કે, ફિલિપ્સ ફક્ત આ માન્યતા સામે જ સવાલ નથી ઉઠાવતા, બલકે તેમાં વિશ્વાસ ધરાવનારા લોકોનું પણ અપમાન કરે છે.
પરંતુ ફિલિપ્સ પોતાના વિચારો પર મક્કમ છે અને પાછળ હટવા તૈયાર નથી. તેઓ કહે છે, “હું આ પદ્ધતિથી સારવાર કરનારા ડૉક્ટરોને બૉગસ કે બનાવટી નથી કહી રહ્યો. પણ હું એમ કહી રહ્યો છું કે, આ પદ્ધતિના સિદ્ધાંતો વૈજ્ઞાનિક વિચાર કે તાર્કિક કસોટીઓ પર ખરા ઊતરતા નથી.”
“આધુનિક તબીબી વિજ્ઞાનમાં જો ભૂલો થાય, તો તેને સુધારવામાં આવે છે, પરંતુ વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ આવી પરિપક્વતા કે તૈયારી દર્શાવતી નથી. તે તેની પોતાની ભૂલો કે મર્યાદાઓ કબૂલવા તૈયાર નથી.”
ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેઓ પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિની લીવર પર થતી આડઅસરો પર ઘણા સંશોધનાત્મક લેખો લખી ચૂક્યા છે, જે તમામ સહકર્મીઓની સમીક્ષા ધરાવતાં (પીઅર-રિવ્યૂડ) વૈજ્ઞાનિક જર્નલોમાં પ્રકાશિત થયા છે.
તેનો અર્થ એ કે તે સંશોધન આવાં વૈજ્ઞાનિક જર્નલોમાં પ્રકાશિત થાય, તે પહેલાં તે ક્ષેત્રના નિષ્ણાતો તેની તપાસ તથા સમીક્ષા કરે છે.
જ્યારે આયુષ મંત્રાલયે તેમના એક અભ્યાસ સામે સવાલ ઉઠાવ્યો, ત્યારે ડૉક્ટર ફિલિપ્સે વૈજ્ઞાનિક પુરાવા અને તથ્યોના આધારે તેનો જવાબ આપ્યો હતો.
સાથે જ તેમણે ભારતમાં ક્રાઉડફંડિંગ મારફત વેચાતી જેનેરિક દવાઓ તથા પ્રોટીન પાઉડરની ગુણવત્તાની પણ ચકાસણી કરી હતી.
‘મારા દરેક દર્દીનું મૃત્યુ મારી સ્મૃતિમાં અંકિત થઈ ગયું…’
ઇમેજ સ્રોત, Prashanth Vishwanathan/Bloomberg via Getty Images
ડૉક્ટર ફિલિપ્સે તાજેતરમાં જ તેમના અનુભવોના આધારે એક પુસ્તક લખ્યું હતું, પરંતુ આ સફરની તેમણે આર્થિક અને ભાવનાત્મક, બંને દૃષ્ટિએ મોટી કિંમત ચૂકવવી પડી હતી.
તેઓ કહે છે કે, તેમનું રોજિંદું કાર્ય થકવી નાખનારું હોઈ શકે છે. તેમના ઘણા દર્દીઓ લીવરની ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે.
દારૂ સંબંધિત લીવરની બીમારીઓ ભારતમાં ખાસ કરીને યુવાનોમાં ઝડપથી વધી રહી છે. દરેક વ્યક્તિ માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું શક્ય હોતું નથી. કેટલાક લોકો અત્યંત ગરીબ હોય છે.
કેટલાક દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર હોય છે. તો વળી, કેટલાક દર્દીઓ દારૂ પીવાનું બંધ નથી કરી શકતા. આ પૈકીના મોટા ભાગના દર્દીઓ મોતને ભેટે છે. આવા કિસ્સામાં, તેમનું કામ કષ્ટને શક્ય એટલું ઓછું કરીને મૃત્યુને ઓછું યાતનામય બનાવવાનું હોય છે.
તેઓ કહે છે, “તમારે એ ખાતરી કરવી પડે છે કે દર્દી છેલ્લી ક્ષણ સુધી ખુશ અને સંતુષ્ટ રહે. તમારે પરિવારને એ સમજાવવું પડે છે કે, દર્દીનો અંત નજીક છે. તમારે દર્દીનું મૃત્યુ ગૌરવપૂર્ણ હોય, તે સુનિશ્ચિત કરવા માટેના પ્રયત્નો કરવા પડે છે.”
આમ કહેતી વખતે તેઓ એક ક્ષણ માટે થોભે છે.
એ પછી તેઓ જણાવે છે કે, ડૉક્ટરો હંમેશાં તેમની એવી છબિ જાળવી રાખવી પડે છે કે, જાણે તેઓ ભગવાન સમાન હોય. તેઓ એવી ઢાલ જેવા હોય છે, જે તમામ ભારણ સહન કરે છે, પણ શાંત અને અડગ રહે છે.
“હું તમને કહું છું, બધું પરફેક્ટ નથી હોતું.”
તેમણે એટલાં બધાં ડેથ સર્ટિફિકેટ પર સહી કરી છે કે હવે તેમને તેનો આંકડો યાદ નથી, પણ દરેકનું મોત તેના મનમાં અંકિત થયેલું છે.
એક વખત, એક ગંભીર દર્દી વિશે એક જુનિયર ડૉક્ટર સાથે ફોન પર વાત કરતી વખતે તેઓ કાર અકસ્માત થવામાંથી માંડ બચ્યા હતા. એ ઘટના પછી તેમણે તેમનું રૂટિન સાવ બદલી નાખ્યું હતું.
હવે તેઓ રોજના માત્ર 25 દર્દીઓને જ તપાસે છે. આ સંખ્યા તેમના ઘણા સહકર્મીઓ અને તેમના પિતા કરતાં પણ ઘણી ઓછી છે. તેમના પિતા આજે પણ રોજના 100 કરતાં વધુ દર્દીઓ તપાસે છે.
તેમણે ચાર વર્ષ પહેલાં દારૂ પીવાનું છોડી દીધું હતું. “જો હું ખુદ જ દારૂ પીતો હોઉં, તો હું દર્દીઓને દારૂ છોડી દેવા માટે કેવી રીતે કહી શકું?” એમ તેઓ કહે છે.
તેમને ઑનલાઇન ગેમ્સ રમવાનું ગમે છે. તેઓ તેમના પરિવાર માટે અને શોખ પોષવા માટે પણ સમય ફાળવે છે.
તેઓ કહે છે, “લોકોને લાગે છે કે, હું હંમેશાં સોશિયલ મીડિયા પર જ રહું છું, પણ એવું નથી. હું સીમિત સમય માટે ઑનલાઇન રહું છું અને એ પણ એક ચોક્કસ હેતુ માટે જ.”
સંશોધનની સાથે-સાથે કાનૂની લડાઈ પાછળ પણ ખર્ચ થાય છે
તેમનાં પત્ની ટીના કોલકાતાના દિવસોથી તેમની સાથે છે. તેઓ દર્દીઓ સાથેના તેમના પતિના સંબંધોને સરળ શબ્દોમાં વર્ણવે છે.
“તેઓ ઘણા ધૈર્યવાન છે,” એમ ટીના કહે છે.
તેઓ ઉમેરે છે, “જો મારા પતિ મને કશુંક કહેવા માગતા હોય કે શીખવવા માગતા હોય, તો તેઓ તે માટે ઉતાવળ નથી કરતા. તેઓ સમય લઈને સરસ રીતે સમજાવે છે.”
થોડી વાર માટે અટકીને ટીના પતિ વિશે જણાવે છે, “તેઓ સોશિયલ મીડિયા પર જેવા લાગે છે, એવા બિલકુલ નથી.”
તો, તેમના પિતા ડૉક્ટર ઓગસ્ટિન કહે છે કે, તેમને શરૂઆતમાં તેમના પુત્રની સોશિયલ મીડિયા પ્રોફાઇલ સામે વાંધો હતો.
તેઓ ઉમેરે છે, “મને તેની ચિંતા થાય છે, પણ તે જે કામ કરે છે, તેનું મહત્ત્વ પણ હું સમજું છું.”
આમ છતાં, તેમણે વ્યક્તિગત ધોરણે આની મોટી કિંમત ચૂકવવી પડી છે. છેલ્લાં છ વર્ષમાં તેમની સામે ઘણા કાનૂની કેસ દાખલ કરવામાં આવ્યા છે.
આ કેસ વૈકલ્પિક ઉપચાર પદ્ધતિના નિષ્ણાતો અને કેટલાંક કૉર્પોરેટ જૂથો દ્વારા નોંધાવવામાં આવ્યા છે.
આ કેસના કેટલાક વકીલો તેમનો કેસ મફત લડ્યા હતા, તેમણે કોઈ ફી વસૂલી નહોતી.
છતાં, તેમણે તેમનો પક્ષ રજૂ કરવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડ્યા છે.
સંયુક્ત સંશોધનના એક લેખ સામેના કેસ મામલે તેમના એક નિકટના સાથીની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. તે પછી તે સાથી ભારત છોડીને જતો રહ્યો હતો.
હવે, કેટલાક સંશોધકો તેમની સાથે સંશોધન લેખો પ્રકાશિત કરતી વખતે પોતાનાં નામ સાંકળવા તૈયાર નથી હોતા.
તેમ છતાં, ડૉક્ટર ફિલિપ્સ પીછેહઠ કરવા માટે તૈયાર નથી.
તેઓ કહે છે, “કાનૂની લડાઈ માટે નાણાં ખર્ચ્યા, તે પહેલાં પણ હું આ દવાઓનું પરીક્ષણ કરવાનો ખર્ચ મારા ખિસ્સામાંથી કાઢતો હતો. સામાન્ય લોકો સુધી સત્ય પહોંચે, એ ઘણું જરૂરી છે, કારણ કે અન્યથા તેઓ આ સત્ય કદીયે સમજી શક્યા ન હોત.”
“મારા માટે મારી સલામતી અને સગવડો કરતાં આ કામ ઘણું વધારે અગત્યનું છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




