Home તાજા સમાચાર gujrati ‘એટલી શરમ આવતી કે મારું મોઢું પણ નહોતી જોઈ શકતી’, ગુપ્તરોગથી પીડિત...

‘એટલી શરમ આવતી કે મારું મોઢું પણ નહોતી જોઈ શકતી’, ગુપ્તરોગથી પીડિત મહિલાની કહાણી

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત,

ઇમેજ સ્રોત, Julian Tse

મેલિસા ઍડવર્ડ્ઝ વીસ વર્ષનાં થયાં, તે પછી તેઓ કદીયે સનગ્લાસ પહેર્યાં વિના ઘરની બહાર નીકળતાં નહોતાં. પણ તેનું કારણ સૂર્યપ્રકાશ નહીં, બીજું કંઈક હતું. તેમને પોતાના પર શરમ આવતી હતી.

મેલિસાને જ્યારે જનનાંગ હર્પીસ હોવાનું નિદાન થયું, તે સમયે તેમણે જે માનસિક પીડાનો સામનો કરવો પડ્યો, તે વિશે વાત કરતાં તેઓ કહે છે, “હું નહોતી ઇચ્છતી કે, લોકો મારી સામે જુએ. શરમાળપણું આવું જ હોય છે.”

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, આ રોગ હોવાની જાણ થયા પછી ઘણાં લોકો પર તેનાં શારીરિક લક્ષણો કરતાં માનસિક અસર વધારે ગંભીર હોય છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂએચઓ) દ્વારા 2024માં બહાર પાડવામાં આવેલા એક અંદાજ પ્રમાણે, વિશ્વમાં 15 અને 49 વર્ષની વચ્ચેની વયના લગભગ 84.6 કરોડ લોકો જનનાંગ હર્પીસથી પીડાય છે.

જનનાંગ હર્પીસ એ એક આરોગ્યલક્ષી સમસ્યા છે, જેને સારવાર દ્વારા નિયંત્રિત કરી શકાય છે.

જોકે, આ બીમારીનો કોઈ ઇલાજ નથી. મોટાભાગના લોકોમાં તેનાં લક્ષણો દેખાતાં નથી અથવા તો લક્ષણો હળવાં હોય છે.

પરંતુ, કેટલાક લોકોને જનનાંગ પર પીડાદાયક ચાંદા અને ફોલ્લા થાય છે, જે આજીવન વારંવાર થતા રહે છે.

બ્રિટનના વેલ્સમાં રહેતાં મેલિસે કહ્યું હતું કે, તેઓ આ બીમારીથી ભારે પ્રભાવિત થયાં હતાં.

તેમણે બીબીસી વેલ્સને જણાવ્યું હતું કે, “મને સૌપ્રથમ જ્યારે આ બીમારી થઈ, તે સમયે ભયાનક લાગતું હતું.”

ડિજિટલ કન્ટેન્ટ ક્રિયેટર એવાં મેલિસનું માનવું છે કે, તેમને આ વાઇરસનો ચેપ એવા પુરુષ દ્વારા લાગ્યો હતો, જે પોતાને જનનાંગ હર્પીસ હોવાનું જાણતો હોવા છતાં તેણે મેલિસા સાથે આ વિશે વાત નહોતી કરી અને તેમની સાથે અસુરક્ષિત શરીર સંબંધ બાંધ્યો હતો.

આ બીમારીનું નિદાન થયા પછી મેલિસ અત્યંત દુઃખ, ક્રોધાવેશ અને અપરાધભાવની લાગણી અનુભવતાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે, તેમને લાગતું હતું કે, તેઓ પોતાની જાતથી વિમુખ થઈ ગયાં હોવાનું અનુભવતાં હતાં અને પોતાના નિર્ણયો પરનો આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યાં હતાં.

તેમણે કહ્યું હતું કે, “તે સમયે મારી જિંદગી સાવ બદલાઈ ગઈ હતી.”

જનનાંગ હર્પીસ શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત,

ઇમેજ સ્રોત, Getty Images

જનનાંગ હર્પીસ એ હર્પીસ સિમ્પ્લેક્સ વાઇરસને કારણે થાય છે. આ વાઇરસ એક વખત શરીરમાં પ્રવેશ્યા પછી જીવનભર ત્યાં જ રહે છે.

જોકે, તેના લીધે તે ફોલ્લા આખા શરીરમાં નથી ફેલાતા. તે નજીકની ચેતાઓમાં નિષ્ક્રિય રહે છે અને સમય-સમય પર તે જ ભાગમાં ચાંદા થાય છે.

હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ બે પ્રકારના હોય છે – એચએસવી-1 અને એચએસવી-2. બંનેને લીધે જનનાંગ હર્પીસ થાય છે.

2020નો અંદાજ સૂચવે છે કે, 52 કરોડ લોકો જાતીય સંક્રમણને કારણે ફેલાતા એચએસવી-2 વાઇરસનો ચેપ ધરાવે છે.

એચએસવી-2 જાહેર આરોગ્યની દૃષ્ટિએ વધુ ગંભીર ગણાય છે, કારણ કે, તેના લીધે વારંવાર સંક્રમણ થાય છે, જે લક્ષણો ધરાવતા 90 ટકા કેસો માટે જવાબદાર છે અને તેના લીધે એચઆઇવીનું ઇન્ફેક્શન થવાનું જોખમ પણ ત્રણ ગણું વધી જાય છે.

પુરુષોની તુલનામાં મહિલાઓમાં એચએસવી-2થી સંક્રમિત થવાની શક્યતા લગભગ બમણી હોય છે.

તેનું કારણ એ છે કે, આ વાઇરસ યોનિમાર્ગમાં અને તેની આસપાસના નાજુક શ્લેષ્મ પટલ (મ્યુકોસ મેમ્બ્રેન)ના માર્ગે શરીરમાં સહેલાઈથી પ્રવેશે છે.

એચએસવી-1 સામાન્યપણે બાળપણમાં લાળ દ્વારા કે મોંની આસપાસની ત્વચાના સંપર્ક દ્વારા ફેલાય છે. તેના લીધે ઓરલ (મુખનું) હર્પીસ થાય છે. મોંનાં ચાંદા અને કોલ્ડ સોર્સ (હોઠ પર ફોલ્લા થવા) તેનાં સામાન્ય લક્ષણો છે.

બ્રિટન સ્થિત હર્પીસ વાયરસિસ ઍસોસિયેશનનાં ડિરેક્ટર મેરિયન નિકોલ્સને કહ્યું હતું કે, ઘણાં લોકો એ વાતથી અજાણ છે કે, એક જ વાયરસ મોંના ફોલ્લા અને જનનાંગ હર્પીસ, બંનેનું કારણ બને છે.

તેમણે જણાવ્યું હતું કે, આ વાયરસ ઓરલ સેક્સ દ્વારા પણ ઝડપથી ફેલાઈ શકે છે.

“વાયરસ એ નથી જાણતો હોતો કે તે શરીરના કયા ભાગમાં છે. જો કોઈને કોલ્ડ સોર (મોં પર ફોલ્લા) હોય અને તે ઓરલ સેક્સ કરે, તો તે વાયરસ જનનાંગમાં પણ પ્રસરી શકે છે.”

આ બીમારીનાં લક્ષણોમાં ગુપ્તાંગની આસપાસ નાની ફોલ્લી, ડાઘ કે ચાંદા થવા, બળતરા થવી કે ઝણઝણાટી થવી અને પેશાબ કરતી વખતે દુખાવો થવા જેવાં લક્ષણોનો સમાવેશ થાય છે.

આ બીમારીનું નિદાન ચાંદામાંથી નીકળતા પ્રવાહીનું પરીક્ષણ કરીને કરવામાં આવે છે, પણ આ ટેસ્ટ ફક્ત ત્યારે જ થઈ શકે, જ્યારે લક્ષણો મોજૂદ હોય.

બીમારીને કેવી રીતે નિયંત્રિત કરવી?

બીબીસી ગુજરાતી, ગુજરાત,

ઇમેજ સ્રોત, Emrah Zengin

મેલિસ જણાવે છે કે, જ્યારે તેમણે આ બીમારીમાં મદદ મેળવવા માટે ઑનલાઇન સર્ચ કર્યું, ત્યારે તેમને મોટાભાગે લોકોના ડરામણા અનુભવો જ વાંચવા મળ્યા.

તેમણે કહ્યું હતું, “તમારું જીવન કદી પહેલાં જેવું નહીં થાય… તમે એ પણ નથી જાણતા કે તમને બાળકો થશે કે નહીં… મારે આ તમામ અતિશયોક્તિભરી કોમેન્ટ્સ વાંચવી પડી હતી.”

પરંતુ, છેલ્લાં ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી હર્પીસ સાથે જીવી રહેલાં મેરિયન નિકોલ્સ કહે છે કે, મોટાભાગના લોકો માટે તે બસ એક નિયંત્રિત કરી શકાય તેવી ત્વચાની સમસ્યા છે.

નિકોલ્સને જણાવ્યું હતું, “આને લઈને બિનજરૂરી ડર ફેલાયેલો છે. ઘણા લોકો તેને સજા તરીકે જુએ છે, પણ એ સાચું નથી.”

મોટાભાગના લોકોને તેનાં કોઈ લક્ષણો જોવાં જ મળતાં નથી, એમ તેમણે કહ્યું હતું. જે લોકોને વારંવાર સંક્રમણ થતું હોય, તેઓ એન્ટિવાઇરલ દવાઓ લઈને અને જીવનશૈલીમાં ફેરફારો કરીને તેને નિયંત્રણમાં રાખી શકે છે.

“આ વાયરસથી સંક્રમિત દર ત્રણમાંથી એક વ્યક્તિને જ તેના વિશે જાણ થાય છે. જ્યારે બાકીની બે વ્યક્તિને તો એ માલૂમ સુદ્ધાં નથી હોતું કે, તેમના શરીરમાં આ વાયરસ છે, કારણ કે તેમનાં લક્ષણો ઘણાં હળવાં હોય છે.”

પહેલી વખત ચેપ લાગે, ત્યારે ઘણા લોકોને કદાચ સારવારની જરૂર ન પડે, એ બનવાજોગ છે, કારણ કે, ફોલ્લા ઘણી વખત તેની મેળે જ મટી જતા હોય છે.

અલબત્ત, જો લક્ષણો ગંભીર હોય, તો સારવાર મદદરૂપ થાય છે. વાયરસ વધે નહીં, તે માટે ડૉક્ટરો એન્ટિવાઇરલ દવાઓ અને પીડામાં રાહત આપતી ક્રીમ આપે છે.

વારંવાર થતું ઇન્ફેક્શન પ્રથમ વખતના સંક્રમણ જેટલું ગંભીર નથી હોતું અને સમય વીતવા સાથે તેનો ગાળો પણ ઓછો થતો જાય છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂએચઓ)ના જણાવ્યા પ્રમાણે, કોન્ડોમનો ઉપયોગ કરવાથી હર્પીસનું સંક્રમણ ફેલાવાનું જોખમ ઓછું થઈ શકે છે. સાથે જ તે લક્ષણો હોય, ત્યારે જાતીય સંબંધ બાંધવાથી દૂર રહેવાની પણ સલાહ આપે છે. આ સિવાય, તે લક્ષણો ધરાવનારાં લોકોને એચઆઇવીનો ટેસ્ટ કરાવવાની પણ ભલામણ કરે છે.

બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) જણાવે છે કે, આ સંક્રમણ બીમારી, તણાવ અને માસિક ધર્મને કારણે પણ ઉથલો મારી શકે છે. સાથે જ તે અલ્ટ્રાવાયોલેટ કિરણો, શરાબ અને ધૂમ્રપાન કરવાથી દૂર રહેવાની પણ ભલામણ કરે છે.

મેલિસ કહે છે કે, સમય વીતવા સાથે તેઓ સમજી ગયાં છે કે, આ બીમારી તેમનું વ્યક્તિત્વ નક્કી નથી કરતી. હવે, તેઓ અન્ય લોકોને સમાન અનુભવનું શિક્ષણ આપવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે.

મેલિસ જણાવે છે કે, “મને જ્યારે આ બીમારીનું નિદાન થયું, ત્યારે ગૂગલ પર તેના વિશે ડરામણી માહિતી અને રેડિટની પોસ્ટ્સ સિવાય કશું ઉપલબ્ધ ન હતું.”

“એક સમયે મને જેવી વ્યક્તિની જરૂર હતી, તેવી વ્યક્તિ બનીને જો હું કોઈને ઉપયોગી થઈ શકું, તો આ અનુભવનું તે ઓછામાં ઓછું એક સકારાત્મક પાસું ગણાશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS