Home તાજા સમાચાર gujrati બેનઝીર ભુટ્ટોની સરકાર બરખાસ્ત કરવામાં પાકિસ્તાની સેનાની શું ભૂમિકા હતી?

બેનઝીર ભુટ્ટોની સરકાર બરખાસ્ત કરવામાં પાકિસ્તાની સેનાની શું ભૂમિકા હતી?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ બેનઝીર ભુટ્ટો તેમની પહેલી ટર્મમાં માત્ર 19 મહિના સુધી જ પાકિસ્તાનનાં વડાં પ્રધાન રહ્યાં હતાં. આઈએસઆઈ પાકિસ્તાની આર્મી સેના ભારત ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

જુલાઈ, 1990નું એ ત્રીજું અઠવાડિયું હતું. પાકિસ્તાનનાં તત્કાલીન વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટો ઇસ્લામાબાદથી રાવલપિંડી જઈ રહ્યાં હતાં.

માહિતી પ્રધાન જાવેદ જબ્બાર તેમની પાછળની સીટ પર બેઠા હતા. જબ્બારે વડાં પ્રધાન ભુટ્ટોને જાણકારી આપી કે, રાષ્ટ્રપતિ ગુલામ ઇશાક ખાન ટૂંક સમયમાં જ તેમની સરકારને બરખાસ્ત કરી દેવાના છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ ચૂંટણી જીતી, તે પછી બેનઝીર ભુટ્ટો ડિસેમ્બર, 1988માં વડાં પ્રધાન બન્યાં હતાં.

જાવેબ જબ્બારે તેમની આત્મકથા ‘બટ, પ્રાઇમ મિનિસ્ટર’માં લખ્યું હતું કે, સરકાર બરખાસ્ત કરવાની આવી અફવાઓ અગાઉ પણ ફેલાઈ ચૂકી હતી.

પણ તે દિવસે તેમને આ માહિતી લશ્કરના એક અધિકારી પાસેથી મળી હતી.

જાવેદ જબ્બારે તેમની આત્મકથામાં લખ્યું હતું, “મને લાગ્યું કે, તે કાં તો પીપીપી (પાકિસ્તાન પીપલ્સ પાર્ટી)ની સરકારને સમય પહેલાં જ રાજીનામું આપવાની ફરજ પાડવાનું એક કાવતરું હતું અથવા તો બેનઝીર ભુટ્ટોને રાષ્ટ્રપતિ તથા લશ્કરના વડા સામે ઝૂકવા માટે મનાવવાનો એક પ્રયત્ન હતો.”

જાવેદ જબ્બાર લખે છે કે, બેનઝીર ભુટ્ટોએ તેમની વાત શાંતિથી સાંભળી અને પછી ચહેરા પર થોડા સ્મિત અને આત્મવિશ્વાસ સાથે કહ્યું, “આ અફવાઓ આપણને નિરાશ કરવા માટે ફેલાવવામાં આવી રહી છે. આવું કશું થવાનું નથી, જાવેદ.”

બેનઝીર ભુટ્ટોએ કહ્યું કે, તેમને આ માહિતી ભરોસાપાત્ર લાગતી નથી.

આ પ્રારંભિક માહિતી મળ્યાના આશરે બે અઠવાડિયાં પછી છઠ્ઠી ઑગસ્ટ, 1990ની સવારે પાકિસ્તાનના અંગ્રેજી ભાષાના દૈનિક અખબાર “ધ નૅશન”ના પહેલા પાનાની હેડલાઇનમાં તેમને ચેતવણી આપવામાં આવી હતી કે, તેમની સરકાર બરખાસ્ત થવા જઈ રહી હતી.

તે પછી પણ બેનઝીર ભુટ્ટોને વિશ્વાસ ન બેઠો.

ક્રિસ્ટિના લૅમ્બ તેમના પુસ્તક ‘વેઇટિંગ ફૉર અલ્લાહ’માં લખે છે કે, વડાં પ્રધાનના સચિવાલયની લશ્કરી ઘેરાબંધી થયા પછી પણ વડાં પ્રધાન બેનઝીર એ સ્વીકારવાં માટે તૈયાર નહોતાં કે, તેમને સત્તા પરથી હટાવવામાં આવી શકે છે.

‘ધ નૅશન’ અખબારના તંત્રી આરિફ નિઝામીએ તે વર્ષના સપ્ટેમ્બર મહિનામાં લાહોરમાં ક્રિસ્ટિના લૅમ્બને જણાવ્યું હતું કે, તેમના પર વડાં પ્રધાનના નિવાસસ્થાનેથી ફોન આવ્યો હતો.

લૅમ્બ તેમના પુસ્તકમાં લખે છે, “સંસદીય બાબતોના મંત્રી તારિક રહીમ ફોન પર હતા. તેમણે આ સમાચારના સ્રોત વિશે પૂછ્યું હતું અને એવો આક્ષેપ કર્યો હતો કે, છાપું લશ્કરી ગુપ્તચર સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી પ્રકાશિત કરી રહ્યું હતું.”

આ દરમિયાન, બેનઝીર ભુટ્ટોએ તેમના નિકટના સહયોગી હેપ્પી મનવાલાને અમેરિકન રાજદૂત અને રાષ્ટ્રપતિ ગુલામ ઇશાક ખાનને મળવા માટે મોકલ્યા.

રાષ્ટ્રપતિએ તેમને ખાતરી આપી કે, તેઓ કોઈ ‘અસાધારણ’ કદમ ઉઠાવવાના નથી.

તેમની આ ખાતરી મળતાં બેનઝીર નિશ્ચિંત થઈ ગયાં.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ બીજી ડિસેમ્બર, 1988: બેનઝીર ભુટ્ટોએ પાકિસ્તાનનાં પ્રથમ વડાં પ્રધાન તરીકે શપથ લીધા હતા

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, બેનઝીરના મંત્રી તારિક રહીમ નિશ્ચિંત ન થયા.

ક્રિસ્ટિના લૅમ્બે તેમના પુસ્તકમાં તારિક રહીમને ટાંકતાં લખ્યું હતું, “રહીમે રાષ્ટ્રપતિ કાર્યાલયને આઠમી ઑગસ્ટના રોજ સંસદનું સત્ર બોલાવવાની વિનંતી કરી, પણ તેમને કોઈ પ્રતિભાવ મળ્યો નહીં. આખરે, તેમને એમ જણાવવામાં આવ્યું હતું કે, ફાઇલ પાછી મોકલવામાં આવશે નહીં.”

લૅમ્બના જણાવ્યા અનુસાર, તારિક રહીમે ગુસ્સે થઈને કહ્યું હતું, “તમે જે કંઈ પણ કરી રહ્યા છો, એ બદલ ઇતિહાસ તમને માફ નહીં કરે.”

સાંજના ચાર વાગતાં સુધીમાં સચિવાલયની આસપાસ લશ્કરી વાહનો દેખાવા માંડ્યાં.

ક્રિસ્ટિના લૅમ્બના જણાવ્યા પ્રમાણે, જો બેનઝીર ભુટ્ટોને વાસ્તવિક પરિસ્થિતિનો વહેલો અણસાર આવી ગયો હોત, તો તેઓ જાતે જ સંસદનો ભંગ કરી શક્યાં હોત અને નવી ચૂંટણીઓની જાહેરાત કરી શક્યાં હોત.

વળી, તેનાથી તેમને સત્તા જાળવી રાખવાનો અને ચૂંટણીની પ્રક્રિયા પર વધુ નિયંત્રણ રાખવાનો લાભ પણ મળ્યો હોત.

લશ્કર સામે થયેલા આક્ષેપો અને તેનો ઇન્કાર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

બેનઝીર ભુટ્ટોએ ન્યૂ યૉર્ક ટાઇમ્સનાં સંવાદદાતા બાર્બરા ક્રોસેટ સાથે વાત કરતાં તેમની સરકાર બરખાસ્ત કરવામાં આવી, તે પગલાંને “લશ્કરી હસ્તક્ષેપ” ગણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, એ કામગીરીનું આયોજન લાંબા સમયથી ચાલી રહ્યું હતું. બેનઝીર ભુટ્ટોએ કહ્યું હતું કે, તેમના, તેમના પરિવાર, તેમના સહયોગીઓ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) વિરુદ્ધનો સમગ્ર કેસ પાકિસ્તાની લશ્કર દ્વારા ઉપજાવી કાઢવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, સરકારને બરખાસ્ત કરવાનો અને સંસદનો ભંગ કરવાનો આદેશ પણ લશ્કર દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો હતો.

શું બેનઝીર ભુટ્ટોને પદ પરથી હટાવવામાં સૈન્યએ કોઈ ભૂમિકા ભજવી હતી?

“ઇક્તિદાર કી મજબૂરિયાં” એ જનરલ મિર્ઝા અસલમ બેગનું જીવન ચરિત્ર છે, જે તેમણે પાકિસ્તાન આર્મીના નિવૃત્ત કર્નલ અશફાક હુસૈન સાથે મળીને લખ્યું છે.

આ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, “શપથ લેતાં પહેલાં જનરલ બેગે બેનઝીર ભુટ્ટોને તેમના નિવાસસ્થાન પર બોલાવ્યાં હતાં અને તેમની સમક્ષ ત્રણ વિનંતી કરી હતીઃ જો લશ્કર વિશે કોઈ ફરિયાદ હોય, તો મને જાણ કરજો, હું તે ફરિયાદનો નિકાલ લાવીશ; જનરલ ઝીયા-ઉલ-હકના પરિવાર પ્રત્યે નરમ વલણ દાખવજો અને જ્યારે રાષ્ટ્રપતિની પસંદગી કરવાનો સમય આવે, ત્યારે ગુલામ ઇશાક ખાનને ધ્યાનમાં રાખજો.”

“બેનઝીર ભુટ્ટોએ આ ત્રણેય સૂચનો અંગે સંમતિ દર્શાવી હતી અને તે સૂચનોને ગંભીરતાથી લીધાં હતાં.”

જનરલ અસલમ બેગે તેમના જીવન ચરિત્રમાં એવો ઇશારો કર્યો છે કે, બેનઝીર ભુટ્ટો તેમને આર્મી ચીફ (લશ્કરી વડા)ના હોદ્દા પરથી દૂર કરવા વિશે અને તેમને ચૅરમૅન ઑફ ધ જોઇન્ટ, ચિફ ઑફ સ્ટાફ કમિટિ બનાવવાનું વિચારી રહ્યાં હતાં.

“ધ કમ્પલ્ઝન્સ ઑફ પાવર” પુસ્તકમાં જનરલ બેગ લખે છે, “આ માહિતીના આધારે, મેં ફૉર્મેશન કમાન્ડરોની બેઠક બોલાવી અને એ સ્પષ્ટ કરી દીધું કે, જો કોઈ અધિકારી આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું માલૂમ પડશે, તો તેમની સામે શિસ્તની આકરી કાર્યવાહી કરવામાં આવશે. જેમનાં નામ વિશે વિચાર કરવામાં આવી રહ્યો હતો, તે કૉર્પ્સ કમાન્ડર પણ એ બેઠકમાં હાજર હતા અને તેમણે કદાચ આ વાત વડાં પ્રધાન સુધી પહોંચાડી દીધી હતી.”

‘વડાં પ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચેના મતભેદો’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, જનરલ બેગના આ જ પુસ્તકમાં, ‘ડિફરન્સિસ બિટવીન ધ પ્રેસિડેન્ટ ઍન્ડ ધ પ્રાઇમ મિનિસ્ટર’ (પ્રમુખ અને વડાં પ્રધાન વચ્ચેના મતભેદો) એવું શીર્ષક ધરાવતા પ્રકરણમાં, એવું લખવામાં આવ્યું છે કે, ‘1990ના પ્રારંભમાં પ્રમુખ ગુલામ ઇશાક ખાને એક અનૌપચારિક પત્ર મારફત મને એવી જાણકારી આપી હતી કે, તેમની અને વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટો વચ્ચે ચોક્કસ મામલાને લઈને મતભેદો ઊભા થયા હતા.’

આ પુસ્તકમાં જનરલ બેગ લખે છે, “મેં આ મુદ્દો કૉર્પ્સ કમાન્ડરોની કૉન્ફરન્સમાં ઊઠાવ્યો હતો. તમામ કમાન્ડરોનો એવો સર્વાનુમત હતો કે, પ્રમુખે સંયમ જાળવવો જોઈએ અને વડાં પ્રધાનને તેમની ભૂલો સુધારવાનો મોકો આપવો જોઈએ અને જરૂર પડ્યે તેમને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.”

જોકે, બંને પક્ષો વચ્ચેની અસરકારક વાતચીત નિષ્ફળ ગઈ અને મતભેદો વધતા ગયા. આખરે, છઠ્ઠી ઑગસ્ટ, 1990ના રોજ પ્રમુખે બંધારણની કલમ 58 (2) (બી) હેઠળ સરકાર બરખાસ્ત કરી દીધી અને 90 દિવસની અંદર ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારી ઇકબાલ આખુંદ જનરલ બેગ કરતાં જુદો અભિપ્રાય ધરાવે છે.

આખુંદ તેમના પુસ્તક ‘ટ્રાયલ ઍન્ડ એરરઃ ધ એડવેન્ટ ઍન્ડ ઍક્લિપ્સ ઑફ બેનઝીર ભુટ્ટો’માં લખે છે કે, ‘એવું લાગે છે કે, જનરલ અસલમ બેગે સરકાર બરખાસ્ત થવાના આશરે છ મહિના પહેલાં જ બેનઝીરને સત્તા પરથી દૂર કરવાનો નિર્ણય કરી લીધો હતો.’

આખુંદના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર કાર્યવાહી પાર પાડવા પાછળ પ્રમુખ ગુલામ ઇશાક ખાનનું દિમાગ કામ કરતું હતું.

થોડાં વર્ષો પછી, જ્યારે બેનઝીર સત્તા પર પરત ફર્યાં, ત્યારે તેમણે આખુંદને જણાવ્યું હતું કે, અમેરિકન ડેપ્યુટી નૅશનલ સિક્યૉરિટી ઍડવાઇઝર રૉબર્ટ ગેટ્સે જુલાઈ, 1990માં તેમની પાકિસ્તાન મુલાકાત દરમિયાન તેમને (બેનઝીર ભુટ્ટોને) બરખાસ્ત કરવાની મંજૂરી આપી દીધી હતી.

અલબત્ત, આખુંદ લખે છે કે, પ્રમુખ અને રૉબર્ટ ગેટ્સ વચ્ચે યોજાયેલી બેઠક સમયે તેઓ સ્વયં પણ ત્યાં મોજૂદ હતા અને એ બેઠકમાં બેનઝીર સરકારના ભાવિ વિશે કોઈ ચર્ચા થઈ ન હતી.

ભૂતપૂર્વ અમલદાર રુદૈદ ખાને તેમનાં સંસ્મરણોમાં લખ્યું છે કે, બેનઝીર ભુટ્ટો તેમની સરકાર પર તોળાઈ રહેલી કટોકટીથી સાવ અજાણ હતાં અને તેમણે તેમનું સરકારી કામકાજ રોજિંદા ધોરણે જ ચાલુ રાખ્યું હતું.

રુદૈદ ખાન પ્રમુખ ગુલામ ઇશાક ખાનના પ્રશંસક ગણાય છે.

રુદૈદ ખાનના મત અનુસાર, “જ્યારે અફવા ફેલાઈ ગઈ, ત્યારે બેનઝીર ભુટ્ટોએ સાચી હકીકત જાણવા માટે તેમના વિશ્વાસુ સહયોગી હેપ્પી મનવાલાને રાષ્ટ્રપતિ પાસે મોકલ્યા. મનવાલા એ સંદેશો લઈને પરત ફર્યા કે, રાષ્ટ્રપતિ બંધારણ વિરુદ્ધ કોઈ પગલું ભરવાનો ઇરાદો ધરાવતા નથી.”

પરંતુ, રુદૈદ ખાન એમ પણ લખે છે કે, જનરલ અસલમ બેગને અગાઉથી જ વિશ્વાસમાં લઈ લેવામાં આવ્યા હતા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

સરકાર બરખાસ્ત થઈ ગયા પછી રાષ્ટ્રપતિ માટે વચગાળાના વડા પ્રધાનની નિયુક્તિ કરવું જરૂરી બન્યું હતું.

ગુલામ મુસ્તફા જતોઈનું નામ કેટલાંક વર્ષોથી સંભવિત વડા પ્રધાન તરીકે ચર્ચાઈ રહ્યું હતું, એટલું જ નહીં, અખબારો તેમને ‘વડા પ્રધાનપદના દાવેદાર’ તરીકે ઓળખાવતાં હતાં અને આખરે તેમનો ટૂંકો કાર્યકાળ શરૂ થયો.

પરંતુ, આખુંદના જણાવ્યા પ્રમાણે, ઇશાક ખાને સરકારી પ્રક્રિયાઓ બદલી નાખી, જેથી તમામ સત્તાવાર ફાઇલો સીધી જ પ્રમુખ પાસે મોકલવામાં આવતી હતી.

અદાલતનો ચુકાદો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

છઠ્ઠી ઑગસ્ટ, 1990ના રોજ પ્રમુખ ગુલામ ઇશાક ખાને દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરકારની નિષ્ફળતા, સગાંવાદ અને ભ્રષ્ટાચારનો હવાલો આપીને સંસદ તથા રાજ્યની વિધાનસભાઓને ભંગ કરીને બેનઝીર ભુટ્ટોની સરકારને બરખાસ્ત કરી દીધી.

આખુંદના જણાવ્યા પ્રમાણે, બેનઝીર ભુટ્ટોએ તેમની સામેના મોટાભાગના આરોપો ફગાવી દીધા અને તે પૈકીના કેટલાક આરોપો વિશે ખુલાસા કર્યા.

ઉદાહરણ તરીકે, તેમણે કબૂલ્યું કે, તેણે તેમના સંબંધીઓ અને નજીકના સહયોગીઓને અમુક ઔદ્યોગિક પરવાનગીઓ આપી હતી.

જ્યારે આ મામલો અદાલતમાં પહોંચ્યો, ત્યારે અદાલતે ફેંસલો સંભળાવ્યો કે, ગુલામ ઇશાક ખાને સરકારને બરખાસ્ત કરીને તેમના બંધારણીય હક્કોને અનુસરીને યોગ્ય કાર્યવાહી કરી હતી.

જાવેદ જબ્બાર લખે છે કે, ઑગસ્ટ, 1990ના છેલ્લા અઠવાડિયામાં સરકાર બરખાસ્ત થઈ ગયા પછી, બેનઝીર ભુટ્ટોએ કરાચી સ્થિત બિલાવલ હાઉસ ખાતે પીપીપીની સેન્ટ્રલ કમિટિની એક બેઠક બોલાવી હતી, જેમાં જબ્બાર પણ હાજર રહ્યા હતા.

જાવેદ જબ્બાર 20 મહિના સુધી બેનઝીરની કૅબિનેટમાં સામેલ હતા.

તે બેઠકમાં, બેનઝીર ભુટ્ટોએ સરકારને બરખાસ્ત કરી દેવાની ઘટનાને પ્રમુખ અને આર્મીના કેટલાક અધિકારીઓ દ્વારા આચરવામાં આવેલું કાવતરું ગણાવી હતી.

એ બેઠકમાં જાવેદ જબ્બારે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

તેમણે કહ્યું હતું, “વડા પ્રધાન સાહિબા, આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે, આપણી સરકારમાં રહેલી કેટલીક વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવેલો ભ્રષ્ટાચાર પણ આપણી બરતરફી પાછળનું એક મોટું કારણ હતું. એ આરોપો અતિશયોક્તિભર્યા હોવા છતાં, ભ્રષ્ટાચારથી આપણા કાર્યદેખાવ અને આપણી પબ્લિક ઇમેજ, બંનેને નુકસાન થયું છે.”

જાવેદ જબ્બાર લખે છે કે, બેનઝીર ભુટ્ટોને તેમની વાત પસંદ પડી ન હતી.

જબ્બારના જણાવ્યા અનુસાર, “મારી વાત સાંભળીને બેનઝીર ભુટ્ટોએ અત્યંત રોષપૂર્વક મારી સામે જોયું અને સખ્ત અવાજમાં કહ્યું, ભ્રષ્ટાચાર? ભ્રષ્ટાચાર! જરાય નહીં, જાવેદ, અહીં કોઈ ભ્રષ્ટાચાર થયો ન હતો.”

“આ આરોપ સાવ ઉપજાવી કાઢવામાં આવ્યો છે અને તે આપણને બદનામ કરવા માટે કરવામાં આવેલો પ્રૉપેગૅન્ડા છે. ક્યાં છે ભ્રષ્ટાચાર? મને એક ઉદાહરણ આપો, મને કોઈ પુરાવા બતાવો. તમારા શત્રુઓ જે કહી રહ્યા છે, તેનો પુનરોચ્ચાર કરવાને બદલે સત્ય કહો. ત્યાં કોઈ ભ્રષ્ટાચાર નહોતો થયો.”

“આપણી સરકાર કાવતરાંને લીધે બરખાસ્ત થઈ હતી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS