Home તાજા સમાચાર gujrati 22,000 કરોડના દેવામાંથી માત્ર 6.5 કરોડની જ ચૂકવણી, સુભાષ ચંદ્રાને ‘દેવામાફી’ કઈ...

22,000 કરોડના દેવામાંથી માત્ર 6.5 કરોડની જ ચૂકવણી, સુભાષ ચંદ્રાને ‘દેવામાફી’ કઈ રીતે મળી?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે ભારતમાં કોઈ વ્યક્તિ પર દેવાદારોના હજારો કરોડ રૂપિયાનું લેણું હોય, તો સમાધાન હેઠળ એ દેવાનો કેટલો ભાગ કાયદાકીય રીતે માફ કરી શકાય?

ગત મંગળવારે ભારતના નૅશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (એનસીએલટી)ના આદેશે આ સવાલનો ચોંકાવનારો જવાબ આપ્યો.

જો કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરાય અને દેવાદારોની જરૂરી બહુમતી સમાધાનના પક્ષમાં હોય તો સંભવિતપણે લગભગ આખું દેવું માફ કરી શકાય છે.

આ મામલો મીડિયા કારોબારી ડૉક્ટર સુભાષ ચંદ્રા સાથે સંકળાયેલો હતો, જેમણે પોતાની સાથે સંકળાયેલી કંપનીઓ તરફથી લેવાયેલા દેવા માટે વ્યક્તિગત ગૅરંટી આપી હતી.

જ્યારે આ કંપનીઓએ એ દેવાં ચૂકવવામાં ડિફૉલ્ટ કર્યું તો એક લેણદાર ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે ડૉ. ચંદ્રા વિરુદ્ધ વર્ષ 2022માં ઇન્સૉલ્વેન્સી એટલે કે નાદાર જાહેર કરવા માટેની કાર્યવાહી શરૂ કરી.

ઑગસ્ટ 2022માં ડૉ. ચંદ્રાની એક અરજી પર સુપ્રીમ કોર્ટે એક વચગાળાના આદેશ દ્વારા આ કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી, જે અંતર્ગત આ પ્રક્રિયા લગભગ બે વર્ષ સુધી અટકેલી રહી.

બાદમાં સુપ્રીમ કોર્ટે આ સ્ટે હઠાવી દીધો. એપ્રિલ 2024માં આ અરજીને ઔપચારિકપણે સ્વીકારી લીધી, જેથી સમાધાન પ્રક્રિયા ચાલુ થઈ.

એનસીએલટીના આદેશ અનુસાર દેવું આપનારાઓએ તેમના વિરુદ્ધ પોતાના દાવાની કુલ રકમ 22 હજાર કરોડ રૂપિયા કરતાં વધુ હોવાનું કહેલું.

જે રિપેમેન્ટ પ્લાનની મંજૂરી અપાઈ, તેમાં લગભગ 6.5 કરોડ રૂપિયા પરત આપવાની પેશકશ કરાઈ છે.

તેમાં દેવું ચૂકવનારા માટે 6.25 કરોડ રૂપિયા અને નાદારીની પ્રક્રિયા (ઇન્સૉલ્વન્સી પ્રોસેસ)ના ખર્ચ માટે 25 લાખ રૂપિયાની રકમ સામેલ છે.

આ દાવાની કુલ રકમના લગભગ 0.03 ટકા છે. ફાઇનાન્સની ભાષામાં તેને “હેરકટ” કહેવામાં આવે છે, એટલે કે લેણદારોને પાછી કરવાની થતી રકમમાં કમી, જે આ મામલામાં 99.97 ટકા છે.

તેમજ, સુભાષ ચંદ્રાએ પોતાના બચાવમાં દાવો કર્યો છે કે તેઓ પોતાની સંપત્તિઓ અને કંપનીઓ વેચીને 45 હજાર કરોડ રૂપિયાના કુલ દેવામાંથી લગભગ 43 હજાર કરોડ રૂપિયા પહેલાંથી જ ચૂકવી ચૂક્યા છે.

25 ઑગસ્ટ 2026ના રોજ હેરકટનો આ નિર્ણય એનસીએલટીના સભ્ય નીલેશ શર્માએ સંભળાવ્યો.

નીલેશ શર્માના નિર્ણયમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, આની પહેલાં, ટ્રિબ્યૂનલના બે સભ્યો આ મામલામાં 3 સપ્ટેમ્બર 2025ના રોજ જુદાં જુદાં નિષ્કર્ષો પર પહોંચ્યા હતા અને તેમનો નિર્ણય વિભાજિત હતો.

તેમણે રિપેમેન્ટ પ્લાનને મંજૂરી આપવાનું સમર્થન કર્યું, પરંતુ સાથે જ જોયું કે કેટલાક દાવાને ખોટી રીતે સ્વીકારવામાં આવ્યા હતા અને તેને હઠાવવાના આદેશ આપ્યા.

આટલી મોટી દેવામાફીને કાયદાકીય મંજૂરી કેવી રીતે મળી એ વાત સમજવા માટે એ નાદારી કાયદાની વ્યવસાથને સમજવી જરૂરી છે, જેની અંતર્ગત ટ્રિબ્યૂનલે આ નિર્ણય લીધો.

99.97 ટક હેરકટ: એનસીએલટીના આદેશમાં શું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્સૉલ્વેન્સી અને બૅન્કરપ્સી કોડ – આઇબીસી અંતર્ગત વ્યક્તિગત નાદારી દેવાળું સમાધાન પ્રક્રિયામાં, જ્યારે કોઈ કંપની દેવું નથી ચૂકવી શક્તિ, તો એ દેવાની વ્યક્તિગત ગૅરંડી લેનાર લોકો સામે પણ કાર્યવાહી કરી શકાય છે.

તેના અંતર્ગત નાદારીની પ્રક્રિયાને સંભાળવા માટે નિયુક્ત પ્રોફેશનલ દેવાદારની સંપત્તિઓનું આકલન કરે છે અને રિપેમેન્ટ પ્લાન તૈયાર કરવામાં મદદ કરે છે. એ બાદ આ યોજનાને લેણદારોની સમિતિ સામે વોટિંગ માટે મૂકવામાં આવે છે.

જો વોટિંગમાં 75 ટકા ભાગીદારીવાળા લેણદાર યોજાને મંજૂરી આપી દે, તો અંતિમ કાયદાકીય મંજૂરી માટે યોજના એનસીએલટી પાસે મોકલવામાં આવે છે.

આદેશ અનુસાર સુભાષ ચંદ્રા ના મામલામાં યોજનાને 80.81 ટકા મતોથી મંજૂરી મળી.

જોકે, ત્રણ જાહેર નાણાકીય સંસ્થા – યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, કેનરા બૅન્ક અને એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ સહિત જાહેર નાણાકીય સંસ્થાન એ લેણદારોમાં સામેલ હતા, જેમણે તેનો વિરોધ કર્યો.

તેમનું કહેવું હતું કે 6.5 કરોડ રૂપિયાની પેશકશ, ડૉક્ટર ચંદ્રાની અગાઉથી જાહેર કરેલી કુલ સંપત્તિનો એક ખૂબ નાનો ભાગ હતો, જે વર્ષ 2018માં 40 હજાર કરોડ રૂપિયા કરતાં વધુ હતી.

આ સંસ્થાનોએ એ પણ આરોપ કર્યો કે યોજનાના પક્ષમાં મતદાન કરનારા લેણદારો ડૉક્ટર સુભાષ ચંદ્રાના પરિવાર સાથે સંકળાયેલા હતા.

આઇબીસી અનુસાર, હિતોના ટકરાવને રોકવા માટે લેણદારો સાથે સંકળાયેલા “સહયોગી” કે સંબંધત પક્ષોને રિપેમેન્ટ પ્લાન પર મતદાન કરવા પર કાયદાકીય રોક છે.

પ્રારંભિક પીઠના ન્યાયિક સભ્યે યોજનાને મંજૂરી આપી દીધી અને કહ્યું કે એનસીએલટી લેણદારોની “વ્યવસાયિક સમજ” પર સવાલ ન ઉઠાવી શકે.

ટ્રિબ્યૂનલના તકનીકી સબ્યે સપ્ટેમ્બર 2025માં પોતાના નિર્ણયમાં અસંમતિ વ્યક્ત કરી અને કહ્યું કે સમાધાન સુધી પહોંચવાની પ્રક્રિયા “ઉતાવળ” અને “અપારદર્શી” રીતે કરાઈ હતી.

ખંડિત નિર્ણયને કારણે, આ મામલો નીલેશ શર્માને સોંપી દેવાયો, જેમણે અંતે ન્યાયિક સભ્યનો પક્ષ લીધો. તેમના નિર્ણયમાં કહેવાયું છે કે એનસીએલટીનું કામ એ નક્કી કરવાનું નથી કે કોઈ નાણાકીય સમાધાન યોગ્ય છે કે હેરકટ ખૂબ ઝાઝું છે, બલકે એ સુનિશ્ચિત કરવાનું છે કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરાયું છે.

કારણ કે યોજનાને જરૂરી 75 ટકાનો બહુમત મળ્યો હતો અને તેથી તેને મંજૂરી આપનારી સંસ્થાઓ કાયદાકીય રીતે “સહયોગી”ની પરિભાષામાં સંપૂર્ણપણે નહોતી આવતી, તેથી ન્યાયાધિકરણ આઇબીસીની જોગવાઈ અંતર્ગત કાયદાકીય સ્વરૂપે 99.97 ટકા દેવામાફીને મંજૂરી આપવા માટે બાધ્ય હતું.

વ્યવસ્થાની નરમાશ કે કાયદાકીય પ્રક્રિયા?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

નીલેશ શર્મા સામે મુખ્ય કાયદાકીય પ્રશ્ન એ હતો કે આઇબીસી અંતર્ગત “સહયોગી”ની શ્રેણીમાં કોણ આવે છે?

અસંમતિ વ્યક્ત કરનારી બૅન્કોએ તર્ક આપ્યો કે યોજનાના પક્ષમાં મતદાન કરનારી સંસ્થાઓનું નિયંત્રણ ડૉક્ટર ચંદ્રાની એક્સ્ટેન્ડેડ ફૅમિલી (સંબંધીઓ) પાસે હતું.

તેમણે ટ્રિબ્યૂનલને કાયદાની “ઉદ્દેશપૂર્ણ વ્યાખ્યા” કરવા કહ્યું, જેનો અર્થ એ છે કે કોર્ટે કાયદો બનાવવાના હેતુને જોવો જોઈએ, જે એ છે કે દેવાદાર પરિવારના નિયંત્રણવાળી કંપનીઓનો ઉપયોગ નાદારીની પ્રક્રિયામાં મતદાનને પ્રભાવિત કરવા માટે ન કરી શકે.

જોકે, નીલેશ શર્માએ આઇબીસીની કલમ 79 (2) (જી)ની કડક અને શાબ્દિક વ્યાખ્યા પર વિશ્વાસ કર્યો, જેમાં સહયોગીની પરિભાષા એવી કંપનીઓ તરીકે અપાઈ છે, જેમાં દેવાદાર એકલા કે અન્ય સહયોગીઓ સાથે મળીને શૅરની મૂડીના 50 ટકા કરતાં વધુના માલિક હોય કે જેના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ પર પોતાનો કન્ટ્રોલ હોય.

તેમણે કહ્યું કે ડૉ. ચંદ્રા પાસે આ મતદાન કરનારી સંસ્થાઓમાં પ્રત્યક્ષપણે કોઈ શૅર નહોતા.

એવું માનીને કે આ કંપનીઓનું નિયંત્રણ અપ્રત્યક્ષપણે તેમની સાથે સંકળાયેલા લોકો પાસે હતો, તેમણે નિર્ણય આપ્યો કે ધારાસભાએ વ્યક્તિગત નાદારીના મામલા માટે જાણીજોઈને સંકીર્ણ (નૅરો) અને ખાસ ભાષાનો ઉપયોગ કર્યો છે.

કૉર્પોરેટ નાદારીના મામલાની વિપરીત, જ્યાં “સંબંધિત પક્ષ”ની પરિભાષા વધુ વ્યાપક છે, વ્યક્તિગત ગૅરંટરો માટે નિયમ માત્ર સીધા કાનૂની માલિકી અને નિયંત્રણ પર આધારિત છે, ના કે માત્ર કારોબારી કે પારિવારિક નિકટતા પર.

આદેશમાં કહેવાયું, “જ્યાં ધારાસભાએ કાયદાના એક ભાગમાં જાણીજોઈને અમુક વિશેષાધિકાર આપ્યો છે અને બીજા ભાગમાં તેને સામેલ નથી કર્યો, ત્યાં ન્યાયિક વ્યાખ્યા મારફતે એ કમીને પૂર્ણ ન કરીશ શકાય.”

બીબીસી ગુજરાતી

ડૉક્ટર ચંદ્રાની કથિતપણે અઘોષિત સંપત્તિ શોધવા માટે ફોરેન્સિક ઑડિટ કરાવવાની માગ અંગે નીલેશ શર્માએ નિર્ણય આપ્યો.

તેમણે કહ્યું કે પ્રારંભિક રિપેમેન્ટ પ્લાનનો તબક્કો એક સહાયક અને કોર્ટની બહાર થનારી સમાધાન પ્રક્રિયા તરીકે બનાવાયો છે, જેના માટે આઇબીસી ફોરેન્સિક ઑડિટ અનિવાર્ય નથી બનાવતું.

તેમના પ્રમાણે, જો લેણદારોને દગાખોરી કે છુપાયેલી સંપત્તિઓ મામલે શંકા છે, તો તેમની પાસે યોજના વિરુદ્ધ મતદાન કરવાનો અને દેવાદારને ઔપચારિક નાદારી પ્રક્રિયામાં મોકલવાનો નિર્ણય છે. જેની અંતર્ગત વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય છે.

તેમણે કહેલું કે બહુમતી યોજનાના પક્ષમાં મતદાન કર્યું હતું, તેથી ટ્રિબ્યૂનલ લઘુમતીની શંકાના આધારે એકતરફી રીતે તપાસનો આદેશ નહોતી આપી શકતી.

જોકે, શર્માએ નાદારીની પ્રક્રિયામાં એક કમી તરફ પણ ઇશારો કર્યો.

તેમણે આદેશમાં જોયું કે 1,060 લોકો તરફથી દાખલ કરાયેલા દાવાને પૂરતા જરૂરી દસ્તાવેજો વગર સ્વીકારી લેવાયા હતા.

તેમણે તારણ કાઢ્યું કે આવા દાવાની પુષ્ટિ કરવું એ સમાધાન કરનારા પ્રોફેશનલની જવાબદારી પ્રમાણે નહોતું.

પરંતુ તેમણે આ કમીને રિપેમેન્ટ પ્લાનને અમાન્ય જાહેર કરવા જેટલી ગંભીર ન માની.

આ સિવાય, તેમણે નિર્દેશ આપ્યો કે 1,060 દાવાને બહાર કરાય અને યોજના અંતર્ગત ઉપલબ્ધ રકમને અન્ય યોગ્ય લેણદારો વચ્ચે વહેંચવામાં આવે.

‘ધ ઇકૉનૉમિક ટાઇમ્સ’ અનુસાર યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, કેનરા બૅન્ક અને એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સે જાહેરાત કરી કે તેઓ રાષ્ટ્રીય કંપની લૉ ઍપલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલટી)માં આ આદેશને પડકારશે.

આઇબીસી અંતર્ગત સમાધાનની યોજનાને મંજૂરી આપનારી એનસીએલટીના આદેશો વિરુદ્ધ અપીલના કેટલાક ચોક્કસ આધાર છે, જેમ કે, પ્લાનનું કાયદા વિરુદ્ધ હોવું કે સમાધાન કરનાર પ્રોફેશનલ દ્વારા પોતાની શક્તિઓનો ઉપયોગ કરવામાં “મોટી અનિયમિતતા”નું હોવું.

‘હેરકટ’નો મામલો રાજકીય વિવાદ કેમ બન્યો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સુભાષ ચંદ્રા વર્ષ 2016માં ભાજપના સમર્થનથી અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભા માટે ચૂંટાયા હતા.

હાલના મામલામાં દેવામાં ભારે ઘટાડો, લેણદારોા પૈસા વડે ચાલતી જાહેર ક્ષેત્રની બૅન્કોની ભાગીદારી અને સુભાષ ચંદ્રાની સત્તાધારી ભાજપ સાથે કથિત નિકટતાને કારણે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ આરોપ કર્યો છે કે તેમને મોદી સરકારના “મિત્ર” હોવાનો લાભ મળ્યો.

‘વિધિ સેન્ટર ફૉર લીગલ પૉલિસી’ના સહસંસ્થાપક દેબાંશુ મુખરજીએ બીબીસને કહ્યું, “એનસીએલટીએ કાયદામાં લખેલી જોગવાઈઓને લાગુ કરી છે, પરંતુ સરકારી બૅન્કો સાથે સંકળાયેલા આટલા મોટા હેરક અંગે જનતામાં ઘડાયેલી ધારણાને નજરઅંદાજ કરવું મુશ્કેલ છે.”

તેમણે કહ્યું, “એવો તર્ક આપી શકાય છે કે આવી મોટી નાદારીના મામલામાં, જ્યાં વ્યક્તિઓ પર ખૂબ મોટી રકમનું દેવું હોય અને એક રીતે આ કૉર્પોરેટ દેવા માફક હોય ,તો તેની સાથે સંકાયેલા પક્ષોને મતદાનથી બહાર રાખવા જોઈએ, જેમ, કૉર્પોરેટ નાદારીના મામલામાં કરાય છે.”

જોકે, મુખરજીએ એક મામલાના આધારે સંપૂર્ણ આઇબીસીના ફ્રેમવર્કને અસફળ માનવા સામે ચેતવ્યા.

તેમણે કહ્યું, “વર્ષ 2017માં આઇબીસી લાગુ થયા બાદ જાહેર બૅન્કિંગ ક્ષે6માં નૉન પર્ફૉમિંગ એસેટ્સ (એનપીએ) ખૂબ ઘટી છે.”

કેન્દ્રીય નાણા મંત્રાલય અનુસાર, જાહેર ક્ષેત્રની બૅન્કોની ગ્રૉસ એનપીએ હકીકતમાં માર્ચ 2021માં 9.1 ટકાથી ઘટીને માર્ચ 2025માં 2.58 ટકા થઈ ગઈ છે.

સાથે જ, કાયદામાં નાદારીના મામલાને નિપટાવવા માટે 330 દિવસની સમયમર્યાદા નક્કી કરાઈ છે, પરંતુ રેટિંગ એજન્સી આઇસીઆરએના આંકડાથી ખબર પડે છે કે સમાધાનમાં લાગતો સરેરાશ સમય 744 દિવસનો સુધી છે. તેમજ લેણદારો પોતાના સ્વીકાર કરાયેલા દાવાની સરેરાશ માત્ર 31 ટકા રકમ જ વસૂલી શકે છે.

ભારતની સંઘર્ષ કરી રહેલી નાદારી વ્યવસ્થા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વ્યવસાયે વકીલ અને ન્યૂમેન લૉ ઑફિસિઝના પાર્ટનર આરુષ ખન્ના અનુસાર, એનસીએલટીના કાયદાની કડક વ્યાખ્યા, ભલે ટ્રિબ્યૂનલ પ્રમાણે પ્રક્રિયાને અનુરૂપ હતી, પરંતુ આ એક “મહત્ત્વપૂર્ણ વળાંક” છે.

આનું કારણ એ છે કે મામલો ખૂબ ચર્ચિત હતો અને કોઈ વ્યક્તિગત ગૅરંટરની નાદારી મામલે આટલી મોટી રકમની દેવામાફી (હેરકટ) પહેલાં ક્યારેય નથી જોવા મળી.

ખન્નાએ આ વાત અંગે ચિંતા વ્યક્ત કરી કે ટ્રિબ્યૂનલે લેણદારોના એ સમૂહની ઊંડાણપૂર્વક તપાસ ન કરી, જેણે આ યોજનાના પક્ષમાં મતદાન કર્યું હતું.

તેમણે લખ્યું, “જ્યારે તમારી પાસે આવાં શીડ્યૂલ્ડ નાણાકીય સંસ્થાન છે, જે યોજનાથી અસંતુષ્ટ છે અને પક્ષમાં મતદાન કરનારા બે-તૃતીયાંશ કરતાં વધુ લોકો પર સંબંધિત પક્ષ (નિકટના) હોવાનો આરોપ છે, તો પ્રથમ દૃષ્ટિએ આ યોજનાની વિશ્વનીયતા સામે સવાલ ઊભા કરે છે.”

આ સ્વીકાર કરતા દેવાદારોની વ્યવસાયિક સમજ કાયદાકીય દૃષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ છે, આરુષ ખન્નાએ તર્ક આપ્યો કે આવી અસાધારણ સ્થિતિમાં ટ્રિબ્યૂનલે સાવચેતી રાખવી જોઈએ.

તેમણે કહ્યું, “એનસીએલટીએ પોતાની જાતને એક માત્ર મોહર મારનારી ટ્રિબ્યૂનલ ન બનાવી લેવી જોઈએ. કારણ કે પ્રથમ દૃષ્ટિએ કેટલીક આપત્તિઓ એવી છે, જેના પર કાયદાકીય રીતે હસ્તક્ષેપ કરવો જોઈએ. જેમ કે, સંબંધિત પક્ષોની હાજરી અને વ્યક્તિગત ગૅરંટરની કુલ સંપત્તિમાં ભારે ઘટાડો.”

આટલા મોટા પાયે ‘હેરકટ’ નું હાલનું તુલનાત્મક ઉદાહરણ વીડિયોકૉન સમૂહનો મામલો રહ્યો છે.

વીડિયોકૉન પર બૅન્કોના લગભગ 65 હજાર કરોડ રૂપિયાનું દેવું હતું, જેની પતાવટ માટે વેદાંતા સમૂહની કંનપી ‘ટ્વીનસ્ટાર ટૅક્નૉલૉજીસ’એ 2,962 કરોડ રૂપિયા – એટલે કે 95 ટકા કરતાં વધુ હેરકટનો પ્રસ્તાવ આપ્યો હતો.

જોકે, એ એક કૉર્પોરેટ નાદારી સમાધાન પ્રક્રિયા હતી, જ્યારે ડૉ. ચંદ્રાનો મામલો એક વ્યક્તિગત ગૅરંટરની નાદારી સાથે સંકળાયેલો છે.

સુભાષ ચંદ્રાએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી

એનસીએલટીએ જુલાઈ 2021માં આ યોજનાને મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં લેણદાર બૅન્કો જાતે ભારે નુકસાન પર આપત્તિ વ્યક્ત કરતા એનસીએલટી પહોંચી.

એનસીએલટીએ આના પર રોક લાદતાં આદેશને પલટી દીધો અને નવેસરથી બોલીઓને આમંત્રિત કરવાના નિર્દેશ આપ્યા.

આ દરમિયાન, ડૉ. ચંદ્રાએ એક વીડિયો સંદેશ જાહેર કરીને પોતાની ઉપર લાગેલા આરોપો સામે બચાવ કર્યો છે.

તેમણે દાવો કર્યો કે તેમના પર દેશની નાણાકીય સિસ્ટમને ‘નિચોવી’ લેવાના આરોપ લાગી રહ્યા છે, આ માત્ર પોતાની છબિ ખરાબ કરવાનો પ્રયાસ છે. ચંદ્રા પ્રમાણે, તેમણે પોતાની અને પરિવારની સંપત્તિઓની સાથોસાથ ઝી કંપનીને વેચીને 45 હજાર કરોડ રૂપિયાના કુલ દેવામાંથી લગભગ 43 હજાર કરોડ રૂપિયા પહેલાંથી જ ચૂકવી દીધા છે.

તેમણે નાણામંત્રી અને બૅન્કિંગ સચિવને પડકાર્યા છે કે તેઓ તેમના દાવાનું સત્ય પરખવા માટે એક સ્વતંત્ર ઑડિટર નીમે. ચંદ્રાએ એવું પણ કહ્યું કે તેઓ પોતાના ઘરના એક ભાગને ભાડે આપીને પોતાનો ખર્ચ ચલાવી રહ્યા છે.

ચંદ્રાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને ગ્રૂપની મીડિયા કંપનીઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ તેમના દેવા અને હાલની એનસીએલટી કાર્યવાહી અંગે ગેરમાર્ગે દોરતી વાતો ફેલાવી રહ્યાં છે.

જોકે, આ અંગે રિલાયન્સ ગ્રૂપે એક નિવેદનમાં કહ્યું છે કે સુભાષ ચંદ્રાની તે “નિરાધાર ટિપ્પણીઓ”થી નિરાશ છે.

રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું, “અમે રિલાયન્સ ગ્રૂપના ભાગ રહેલાં મીડિયા સંસ્થાનો પર લગાવેલા આરોપ અને ઇશારાને સંપૂર્ણપણે ખારિજ કરીએ છીએ.”

ગ્રૂપે કહ્યું કે તેની મીડિયા બ્રાન્ડ્સનો ઉપયોગ ક્યારેય કોઈના પર હુમલો કરવા માટે નથી કરાયો ને ના ભવિષ્યમાં આવું કરાશે.

રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું કે ગ્રૂપ સુભાષ ચંદ્રાનું એક કારોબીરી અને ઉદ્યોગસાહસિક તરીકે ખૂબ સન્માન કરે છે અને તેમના સારા ભવિષ્યની કામના કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS