Home તાજા સમાચાર gujrati ‘મારા નાનાને પાંચ ને પરનાનાને 11 પત્નીઓ હતી’, ‘ધ પોલીગેમિસ્ટ’ કઈ રીતે...

‘મારા નાનાને પાંચ ને પરનાનાને 11 પત્નીઓ હતી’, ‘ધ પોલીગેમિસ્ટ’ કઈ રીતે દુનિયાભરનું ધ્યાન ખેચી રહી છે?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Netflix/Iconic Digital

જ્યારે સુ ન્યાથીએ તેમની પહેલી નવલકથા “ધ પોલિગેમિસ્ટ” પ્રકાશકોને મોકલી, ત્યારે આ પ્રકાશકોને લાગેલું કે, “એવા પુસ્તક માટે કોઈ માર્કેટ નહીં હોય,” જેમાં ઝિમ્બાબ્વેના એક પરિણીત પુરુષ અને તેણે આકર્ષેલી સ્ત્રીઓ વિશે વાત કરવામાં આવી હોય.

તેથી ઝિમ્બાબ્વેનાં આ લેખિકાએ પોતાના પ્રકાશક, એક ટાઇપોગ્રાફર અને કલાકાર શોધી કાઢ્યા, અને 2012માં તેમણે 500 નકલો જાતે પ્રકાશિત કરી. તેમણે પ્રકાશકોની આગાહીઓને અવગણી અને બાદમાં આ નવલકથા એક મોટી સફળતામાં પરિવર્તિત થઈ.

આ નવલકથા તાજેતરમાં જ નેટફ્લિક્સ માટે એક સિરીઝ તરીકે રૂપાંતરિત કરવામાં આવી છે અને તે લેટિન અમેરિકા સહિત 60થી વધુ દેશોમાં ટોચની દસ સૌથી વધુ જોવાયેલી શ્રેણીઓમાંની એક છે અને અમેરિકામાં બીજા સ્થાને છે. હોલિવૂડ અભિનેત્રી તારાજી પી. હેન્સન કહે છે કે આ સિરીઝે તેમને સંપૂર્ણપણે મોહિત કરી દીધાં હતાં, અને તેમણે એક જ દિવસમાં તમામ 22 એપિસોડ જોઈ નાખ્યા હતા.

ન્યાથી સાવધાનીપૂર્વક ઈશારો કરતાં કહે છે કે આ ફક્ત બહુપત્નીત્વ વિશેની વાર્તા નથી. બહુપત્નીત્વની પરંપરાગત પ્રથા તેમના માટે અજાણી નથી. તેમનાં માતાપક્ષના પરિવારે પેઢીઓથી બહુપત્નીત્વની પ્રથા અનુસરી છે.

1979માં ગુજરી ગયેલા તેમના નાનાની પાંચ પત્નીઓ હતી; તેમના પરનાનાની 11 પત્નીઓ હતી. તેમના નાનાનાં પ્રથમ પત્ની એટલે કે તેમનાં નાની એક ફાર્મ પ્રમુખની માફક હતાં, જ્યાં પત્નીઓ સાથે રહેતી હતી, અને તેઓ ઘણી વાર નવી પત્ની પસંદ કરવામાં જાતે મદદ પણ કરતાં.

બીબીસી ગુજરાતી

ન્યાથી કહે છે, “કોઈ આંતરિક ઘર્ષણ નહોતું, કારણ કે દરેકને પોતાનું સ્થાન ખબર હતું.” જ્યારે તેમણે નાનીને આવી વ્યવસ્થાના તર્ક વિશે પૂછ્યું તો તેમનો જવાબ વ્યવહારુ હતો: શારીરિક અને ભાવનાત્મક બંને રીતે કામ કરવા વધુ હાથ. તે એક ખુલ્લો સંબંધ હતો.

ન્યાથી સમજાવે છે, “પ્રાણીસંગ્રહાલયમાં, બધાને કોણ કોણ છે એ ખબર હોય છે.”

ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકામાં જો આ વ્યવસ્થા અમુક ચોક્કસ સ્થાપિત રિવાજો પ્રમાણે અનુસરાય તો બહુપત્નીત્વને ત્યાં કાયદેસર રીતે માન્ય ગણવામાં આવે છે, પરંતુ 2001માં, ન્યાથીને હરારેમાં એક યુવાન પ્રોફેશનલ તરીકે કામ કરતી વખતે એક સંપૂર્ણપણે અલગ જ અનુભવ થવા લાગ્યો.

આ સમાજમાં એક પત્ની ધરાવતા પુરુષો ગુપ્ત ઘરોમાં અન્ય મહિલાઓ સાથે બહુપત્નીત્વ અનુસરતા હોવાનું મનાય છે. લેખિકાની નવલકથામાં આ બહુપત્નીત્વ છે, જેને તેઓ સંમતિને બદલે છેતરપિંડી પર આધારિત એવું પ્રથાનું “આધુનિક અથવા વિકૃત સંસ્કરણ” કહે છે.

ન્યાથી ભારપૂર્વક કહે છે, “હું બહુપત્નીત્વનો વિરોધ નથી કરતી. હું જેનો વિરોધ કરું છું એ દેખરેખનો અભાવ છે. રમત શરૂ થઈ ગયા પછી તેના નિયમો બદલવા એ યોગ્ય નથી.”

નવલકથામાં, નાયિકા, જોયસ, માને છે કે તેઓ એક પુરુષ અને એક જ મહિલાવાળાં લગ્નજીવનનો ભાગ બન્યાં છે. પરંતુ તેમના પતિ, જોનાસી, તેમની પીઠ પાછળ ત્રણ અન્ય સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે અને સંસાર માંડે છે. કોઈ કબૂલાત કે જાહેરાત થતી નથી; જોયસને ફક્ત ત્યારે આ વાતનો ખ્યાલ આવે છે કે એકપત્નીત્વવાળાં લગ્નમાં હોવાનો પોતાનો વિચાર પહેલાંથી બનાવટી હતો, જ્યારે એક પછી એક રહસ્યો ખૂલતાં જાય છે અને મહિલાઓના જીવન એકબીજા સાથે ભળતાં જાય છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sue Nyathi family

વાટાઘાટો કરવાની સત્તા કોની પાસે છે અને કોની પાસે નહીં તે પ્રશ્ન વાર્તાના કેન્દ્રમાં છે. જોનાસી એક શ્રીમંત, જાતમેહનતે બનેલા ઉદ્યોગપતિ છે, અને પિતૃસત્તાક સમાજમાં, તેઓ જ બધા નિર્ણયો લે છે.

જોયસે તેમને પોતાનું સામ્રાજ્ય બનાવવામાં મદદ કરી હોવા છતાં, તેમની આર્થિક સ્થિતિ પતિ પર જ નિર્ભર છે. આ જ વાત તેમની બીજી પત્ની, માટીપા માટે પણ ખરી પડે છે, જેઓ જોનાસી માટે કામ પણ કરે છે.

પરિણામે સ્ત્રીઓની સ્વાયત્તતામાં ઘટાડો થાય છે, જેથી તેઓ સંવેદનશીલ બને છે. ન્યાથી જણાવે છે કે, સૌથી ઘનિષ્ઠ વાટાઘાટોમાં પણ ઉંમરનો તફાવત અસંતુલનને વધારે છે.

તેઓ કહે છે, અહીં એચઆઈવી પણ એક પાસું છે, જો “તમે સુરક્ષિત સેક્સના આગ્રહી હો તો આ પ્રકારના ગતિશીલતાવાળા સંબંધમાં તમારો કોઈ મત નથી.”

આ પુસ્તક અને નેટફ્લિક્સ સિરીઝ વચ્ચે થોડો તફાવત છે; સ્ક્રીન પર, વાર્તા દક્ષિણ આફ્રિકા ખસેડવામાં આવી છે, ઝુલુ ભાષામાં સબટાઇટલ સાથે ફિલ્માવવામાં આવી છે, અને જોનાસીની પત્નીઓની સંખ્યા ઓછી છે. તેમજ ટેલિવિઝન સંસ્કરણથી વિપરીત, નવલકથા સંપૂર્ણપણે જોનાસીની પત્નીઓ દ્વારા વર્ણવવામાં આવી છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Netflix/Iconic Digital

ન્યાથી કહે છે, “હું સ્ત્રીઓના અવાજોને ઉજાગર કરવા માગતી હતી, જેથી દરેક સ્ત્રીને એ સમજાવવાની તક આપી શકાય કે તેમણે એવા પુરુષ સાથે સંબંધ બનાવ્યો, જે તેમના પ્રત્યે વફાદાર ન રહી શકે.”

તેઓ નોંધે છે કે આ થીમ્સ તેના ઘણા વાચકો સાથે સુસંગત છે. સ્ત્રીઓ તેમને લખે છે કે તેઓ જોયસ અને જોનાસીની બીજી પત્નીઓમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. કેટલાક ઉમેરે છે કે તેઓ જોનાસી જેવી વ્યક્તિ સાથે લગ્ન કરી ચૂક્યાં છે અને આ સંબંધનો અંત લાવવા માગે છે.

સિરીઝ પ્રસારિત થયા પછી, એમ્નેસ્ટી સાઉથ આફ્રિકાએ સ્વપ્રેમી દુર્વ્યવહાર અને તેના પ્રતિભાવમાં મહિલાઓ શું પગલાં લઈ શકે તે અંગે માર્ગદર્શિકા સરક્યુલેટ કરી.

ન્યાથી કહે છે, “કેટલાક લોકો માટે, આ ફક્ત એક ટીવી સિરીઝ નથી. તે તેમના જીવનની વાસ્તવિકતા છે. એ સમાજનું પ્રતિબિંબ છે.”

જોકે, દરેક વ્યક્તિને તે પ્રતિબિંબ સમાન મંજૂરી સાથે મળ્યું નથી.

કેન્યાના સિવિલ સેવક, જ્યોફ્રી મોસિરિયાએ તેમના દેશમાં આ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી, અને દાવો કર્યો હતો કે તે બહુપત્નીત્વને છેતરપિંડી અને દુર્વ્યવહાર સાથે સાંકળે છે. ન્યાથી શાંત રહે છે. તેઓ કહે છે કે સંસ્કૃતિ વિકસિત થાય છે, અને પ્રથાઓ પાતળી અથવા ભ્રષ્ટ થઈ શકે છે, અને તે તેનાં પરિણામો બતાવી રહી છે.

તેઓ દલીલ કરે છે કે ફક્ત મુખ્ય પાત્રોને ધનિક આફ્રિકનો બનાવીને, તેમણે ઘણા લોકોની આંખો ખોલી છે. તેઓ એક યુરોપિયન વાચકને યાદ કરે છે, જેમણે સ્વીકાર્યું હતું કે તેઓ જાણતા નહોતા કે અશ્વેત આફ્રિકનોનું અસ્તિત્વ છે.

તેઓ કહે છે, “આફ્રિકન હોવાનો અર્થ શું છે, તેની આપણી પાસે હંમેશાં આ રૂઢિગત છબિ રહી છે, અને તે હંમેશાં ગરીબી સાથે સંકળાયેલી છે.”

તેણી દલીલ કરે છે, આ સિરીઝ આનાથી ઊલટી વાત સાબિત કરે છે, અને તે ઝુલુમાં ફિલ્માવવામાં આવી છે, તે હકીકત તેને વધુ સમૃદ્ધ બનાવે છે.

“અંગ્રેજીમાં આપણી ભાષાઓ જેટલી સાંસ્કૃતિક સમૃદ્ધિ નથી.”

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Netflix/Iconic Digital

તેઓ લખવાનો અધિકાર કોની પાસે છે એ સવાલ સામે થોડી હતાશા વ્યક્ત કરે છે. ન્યાથી બાળપણથી જ લેખિકા બનવા માગતાં હતાં; પરંતુ તેમનાં માતાપિતાએ તેમને વધુ પરંપરાગત વ્યવસાય તરફ જવા દબાણ કર્યું.

તેમણે લગભગ બે દાયકા સુધી ફાઇનાન્સમાં કામ કર્યું. તેઓ કહે છે કે રોકાણ વિશ્લેષક તરીકેના તેમના સમયમાં તેમણે લેખનને એક કળા અને વ્યવસાય બંને તરીકે જોવાનું શીખવ્યું.

એક તરફ જ્યારે તેમનું ઇન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટનું કામ તેમને પૈસા રળવામાં મદદરૂપ થતું તો બીજી તરફ લેખન તેમના શોખ તરીકે રહ્યું, અને તેમણે કામ પછી સાંજે “ધ પોલિગેમિસ્ટ” નવલકથા લખી નાખી. તેમણે પોતાની પ્રથમ નવલકથા પ્રકાશિત કર્યાનાં થોડાં વર્ષ પછી, લેખન ક્ષેત્રે પોતાની જાતને સંપૂર્ણપણે સમર્પિત કરવા માટે 40 વર્ષની ઉંમરે કૉર્પોરેટ જીવન છોડી દીધું. હાલ તેઓ 48 વર્ષનાં છે.

તેઓ કહે છે, “લોકો કહે છે, ‘ઓહ, તમને તો અચાનક સફળતા સાંપડી છે.’ બિલકુલ નહીં. ખ્યાતિ અચાનક મળી છે, પરંતુ આ કામ પાછળ ઘણાં વર્ષ લાગ્યાં છે, અને મેં ઘણાં બલિદાન આપ્યાં છે.”

તેઓ કહે છે કે મોટા ભાગના લેખકો તેમનાં પુસ્તકોથી થતી કમાણી પર આધાર રાખી શકતા નથી, ખાસ કરીને આફ્રિકામાં. તેઓ ઈશારો કરતાં કહે છે કે ઘણી સફળ મહિલા લેખિકાઓને ધનિક પતિ, ગ્રાન્ટ અથવા શૈક્ષણિક રેસિડન્સી દ્વારા ટેકો મળે છે. પરંતુ તે વિકલ્પો તેમના માટે ઉપલબ્ધ નહોતા; એક સિંગલ માતા જે પોતાના પુત્રના શિક્ષણનો ખર્ચ ઉઠાવતી હતી, તેના માટે તેમણે લખવાનું ચાલુ રાખવા માટે ઘણી નોકરીઓ કરવી પડી છે.

તેઓ કહે છે, “તમે પુસ્તક શરૂ કરો છો ત્યારથી માંડીને તેને પૂરું કરો છો ત્યાં સુધીનો સમયગાળો ખૂબ લાંબો હોય છે. તે બે વર્ષ હોઈ શકે છે, આઠ વર્ષ પણ હોઈ શકે છે. તમે કેવી રીતે ટકી શકો? વ્યવહારમાં, તમારે હજુ પણ બિલ ચૂકવવાં પડે છે.”

“હું તે પ્રક્રિયામાંથી પસાર થઈ છું, અને તે અનિયમિત છે… તમારે ચોક્કસપણે તમારી રોજિંદી નોકરી ચાલુ રાખવી પડશે.”

તેઓ કહે છે, “લેખન એ એક એવી લક્ઝરી છે જે બહુ ઓછા લોકોને પરવડી શકે છે,” અને ઉમેરે છે કે આ કિંમત એવા અવાજોમાં ગણવામાં આવે છે જેને ભાગ્યે જ સાંભળવામાં આવે છે.

તેમને એવું પણ લાગે છે કે આફ્રિકન લેખનનો પ્રસાર કેવી રીતે થાય છે, તેમાં અસમાનતા પ્રવર્તે છે.

“જો કોઈ આફ્રિકન લેખક વિદેશમાં પ્રકાશિત થાય તો તેના પર ધ્યાન આકર્ષિત કરવું સરળ બને છે. પરંપરાગત રીતે પુસ્તકો ઉપરથી આપણી પાસે આવે છે. આનાથી વિરુદ્ધ દિશામાં જવું એ અમારા કામ માટે મુશ્કેલીભર્યું છે.”

“નેટફ્લિક્સ ઇફેક્ટ” એ તેમને જે આપ્યું છે તે બરાબર એ વિઝિબિલિટી છે જે તેમણે ચાર નવલકથાઓ અને એક દાયકાથી વધુ સમય સુધી અવારનવાર રાજકીય રીતે ચાર્જ્ડ વિષયો પર લેખન કર્યા પછી પણ ક્યારેય માણી નહોતી.

ન્યાથી હાલમાં એક ઐતિહાસિક નવલકથાનો પહેલો ડ્રાફ્ટ પૂર્ણ કરી રહ્યાં છે, જેના પર તેઓ છેલ્લાં બે વર્ષથી કામ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે આ થીમ ઘણા લોકોને ગમશે.

લેખનની કળા વિશે, તે ઈશારો કરતાં કહે છે કે “બધું એક વાર્તાથી શરૂ થાય છે,” જે સ્ત્રીને લાગે છે કે તેના મગજમાં એક પુસ્તક છે, પણ પૈસા નથી, તે પેન અને કાગળથી શરૂઆત કરે અને પ્રેમથી કરે તેવી તેઓ સલાહ આપે છે.

“પૈસા ક્યારેય પ્રેરણાનો સ્રોત ન બનવા જોઈએ. જ્યારે પરિસ્થિતિ મુશ્કેલ હોય ત્યારે પ્રેમ જ તમને ગતિ આપશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS