Home તાજા સમાચાર gujrati પીયૂષ દેસાઈ : 2002નાં રમખાણો વખતે પૂર્વ વડા પ્રધાન વીપી સિંહ સામે...

પીયૂષ દેસાઈ : 2002નાં રમખાણો વખતે પૂર્વ વડા પ્રધાન વીપી સિંહ સામે રડી પડનારા ઉદ્યોગપતિએ અંતિમ વિદાય લીધી

3
0

Source : BBC NEWS

વાઘ બકરી ટી ગ્રૂપ પીયુષ દેસાઈ, બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

  • પ્રકાશિત

  • વાંચવાનો સમય: 7 મિનિટ

વાઘ-બકરી ટી ગ્રૂપના ચૅરમૅન પીયૂષ દેસાઈનું 16 સપ્ટેમ્બરના રોજ 87 વર્ષની વયે અવસાન થયું.

અમદાવાદથી શરૂ થયેલી ‘વાઘ-બકરી’ કંપનીને દેશ અને વિદેશમાં એક જાણીતું નામ બનાવવામાં દેસાઈ પરિવારની ત્રણથી વધુ પેઢીઓની ભૂમિકા રહી છે, જેમાં પીયૂષ દેસાઈનું નામ સન્માનથી લેવામાં આવે છે.

પીયૂષ દેસાઈના દાદા નારણદાસ દેસાઈએ 1919માં ‘ધ ગુજરાત ટી ડેપો’ કંપનીની સ્થાપના કરી હતી, જેના નેજા હેઠળ 1934માં ‘વાઘ-બકરી ટી ગ્રૂપ’ની સ્થાપના કરવામાં આવી હતી. નારણદાસના ત્રણ દીકરાઓએ તેમનો વારસો આગળ વધાર્યો અને તેમના બાદ દેસાઈ પરિવારની ત્રીજી પેઢીના પીયૂષભાઈ પર ગ્રૂપની જવાબદારી આવી હતી.

કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 1934માં ‘વાઘ બકરી’ બ્રાન્ડની નોંધણી કરવામાં આવી હતી. કંપનીના લૉગોમાં ‘વાઘ અને બકરી’ને એક જ કપમાંથી ચા પીતાં જોવા મળે છે. કંપનીની વેબસાઇટ પ્રમાણે ‘વાઘ-બકરી’ ચા એકતા અને સંવાદિતાનું પ્રતીક છે, આ પ્રભાવશાળી પ્રતીક સમાનતા અને મિત્રતાનાં મૂલ્યોને દર્શાવે છે, જેણે એક સદી જૂના વારસાને ઘડ્યો છે.

પીયૂષ દેસાઈને નજીકથી ઓળખનારા લોકો કહે છે કે તેમણે પોતાના જીવનમાં આ પ્રતીકમાં રહેલા વિચારને પોતાના વ્યવસાય અને સામાજિક કામમાં પણ જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો.

ચાની ગુણવત્તા પારખવાની અસાધારણ ક્ષમતા

વાઘ બકરી ટી ગ્રૂપ પીયુષ દેસાઈ, બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, https://www.waghbakritea.com/

વ્યવસાયની દુનિયામાં પીયૂષ દેસાઈની પોતાની અલગ ઓળખ હતી. તેમની સાથે કામ કરનારા લોકોના દાવા પ્રમાણે, તેઓ દેશના ‘શ્રેષ્ઠ ચા ટેસ્ટરોમાંના એક’ હતા.

ચા જીભને સ્પર્શે ત્યારથી જ તેની ગુણવત્તાનું વિશ્લેષણ કરી શકવાની તેમની ક્ષમતા માટે તેઓ જાણીતા હતા. તેમના નેતૃત્વમાં ‘વાઘ-બકરી’એ પૅકેજ્ડ ચાના બજારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી.

કંપનીએ ભારત ઉપરાંત યુરોપના દેશો અને અમેરિકામાં પણ ચાની નિકાસ કરી. અમદાવાદમાં આધારિત કંપનીને રાષ્ટ્રીય અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવામાં દેસાઈના નેતૃત્વની ભૂમિકા રહી.

કંપની આજે વૈશ્વિક હાજરી ધરાવે છે અને તેની સત્તાવાર વેબસાઇટ ‘વાઘ-બકરી’ને 130 વર્ષથી વધુ જૂના વારસાવાળી કંપની તરીકે રજૂ કરે છે. આ વર્ષની શરૂઆતમાં North Eastern Tea Association (NETA)એ તેમને લાઇફ ટાઇમ ઍચીવમેન્ટ એવૉર્ડથી સન્માનીત કર્યા હતા.

પરંતુ દેસાઈને નજીકથી ઓળખનારા લોકો માટે તેમની ઓળખ માત્ર ચાના વ્યવસાયમાં સફળતા સુધી સીમિત નહોતી. તેમના માટે વાઘ અને બકરી માત્ર કંપનીનું ચિહ્ન નહોતું.

ગરીબો માટે આવાસ હોય, રમખાણોથી અસરગ્રસ્ત લોકોનું પુનર્વસન હોય, ભૂકંપ બાદનું કામ હોય, બાળકોનું શિક્ષણ હોય, મહિલાઓ માટેની પ્રવૃત્તિઓ હોય કે પછી સ્વતંત્ર પત્રકારત્વ માટે જગ્યા ઊભી કરવાનો વિચાર—તેમના મિત્રો કહે છે કે પીયૂષ દેસાઈનું મન સતત નવા વિચારો શોધતું રહ્યું.

કદાચ, આ જ કારણ છે કે તેમને યાદ કરનારા લોકો તેમની સૌથી મોટી ઓળખ એક સફળ ઉદ્યોગપતિ તરીકે નહીં, પરંતુ બીજાઓ માટે કંઈક કરવાની સતત ઇચ્છા ધરાવતી વ્યક્તિ તરીકે કરે છે.

સામાજિક જવાબદારી અને પીયૂષ દેસાઈ

વાઘ બકરી ટી ગ્રૂપ પીયુષ દેસાઈ, બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, https://www.waghbakritea.com/

તેમની સાથે કામ કરનારા અને વિવિધ સામાજિક પ્રોજેક્ટ્સમાં જોડાયેલા લોકો તેમને વિચારો, ઊર્જા અને સામાજિક સંવેદનાથી ભરપૂર વ્યક્તિ તરીકે યાદ કરે છે.

તેમના મિત્રો કહે છે કે પીયૂષ દેસાઈના મનમાં સતત નવા વિચારો આવતા રહેતા હતા અને એ વિચારોને અમલમાં મૂકવાની પણ એટલી જ તીવ્રતા હતી. લેખક અને પત્રકાર પ્રકાશ ન. શાહ તો કહે છે કે, તેઓ તરંગી અને ઉમંગી વ્યક્તિ તરીકે ઓળખાય છે.

રમખાણોથી અસરગ્રસ્ત લોકો માટે આવાસ ઊભાં કરાવવાના પ્રયાસોથી માંડીને મહિલા સશક્તીકરણ, બાળકોનું શિક્ષણ અને મધ્યાહન ભોજન જેવાં અનેક સામાજિક કાર્યોમાં તેમણે વર્ષો સુધી રસ લીધો હતો.

કંપનીની સત્તાવાર માહિતીમાં પણ શિક્ષણ, મહિલા સશક્તીકરણ, આરોગ્ય, ભૂખમરો દૂર કરવા અને કૌશલ્યવિકાસ જેવાં ક્ષેત્રોમાં સામાજિક કામગીરીનો ઉલ્લેખ છે. પરંતુ પીયૂષ દેસાઈની સામાજિક પ્રતિબદ્ધતાને યાદ કરતાં તેમના સાથીદારો કહે છે કે આ પ્રવૃત્તિઓ કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી (CSR) કાયદો અમલમાં આવ્યો તે પહેલાંની છે.

‘વી. પી. સિંહ સામે તેઓ રડી પડ્યા હતા’

લેખક અને પત્રકાર પ્રકાશ ન. શાહ પીયૂષ દેસાઈ સાથે અનેક સામાજિક પ્રોજેક્ટ્સમાં જોડાયેલા હતા.

તેઓ પીયૂષ દેસાઈ સાથેની એવી એક મુલાકાતને યાદ કરે છે, જેમાં ગુજરાતનાં 2002નાં રમખાણોથી અસરગ્રસ્ત લોકોની સ્થિતિ અંગે ચર્ચા થઈ રહી હતી.

આ મુલાકાત પૂર્વ વડા પ્રધાન વીપી સિંહ સાથે થઈ હતી. પ્રકાશ ન. શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “હું એ મિટિંગનો સાક્ષી છું. જ્યારે અમે ગુજરાતના રમખાણોના પીડિતોની સ્થિતિ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે પીયૂષ દેસાઈની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તેઓ વીપી સિંહની સામે રડતાં રડતાં લોકોની આપવીતી જણાવી રહ્યાં હતાં.”

શાહના મતે, આ પીયૂષ દેસાઈના વ્યક્તિત્વનું એક એવું પાસું હતું, જે તેમને અન્ય સફળ ઉદ્યોગપતિઓથી અલગ પાડતું હતું. તેઓ માત્ર વાત કરતા નહોતા, પરંતુ રમખાણોથી અસરગ્રસ્ત લોકોના પુનર્વસનનું કામ અસરકારક રીતે થાય તે માટે પણ પ્રયત્નશીલ રહ્યા હતા.

વેજલપુર અને જુહાપુરા વિસ્તારમાં રમખાણોથી અસરગ્રસ્ત લોકો માટે આવાસ બનાવવાનું કામ પણ તેમણે નજીકથી કરાવ્યું હતું. શાહ કહે છે કે પીયૂષ દેસાઈએ આ મુદ્દે પોતાની વાત અધિકારપૂર્વક અને હિંમત સાથે રજૂ કરી હતી, જેના માટે તેમને તકલીફ પણ પડી હશે. પરંતુ તેઓ ગાંધી વિચારો ધરાવતા વ્યક્તિ હતા.

શાહના મતે, ગરીબો અને વંચિત લોકો માટે આટલી સામાજિક સંવેદના ધરાવતા સફળ ઉદ્યોગપતિઓ બહુ ઓછા જોવા મળે છે.

પીયૂષ દેસાઈ રમૂજી હતા

પ્રકાશ શાહ પીયૂષ દેસાઈને એક એવા વ્યક્તિ તરીકે પણ યાદ કરે છે, જેમના મનમાં સતત વિચારો આવતા રહેતા.

શાહ કહે છે કે તેમના ઘણા વિચારોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી શકાયા નહોતા, પરંતુ વિચારો પેદા કરવાની તેમની પ્રક્રિયા ક્યારેય અટકતી નહોતી.

તેઓ પીયૂષ દેસાઈ માટે કહે છે, “તેઓ તરંગી અને ઉમંગી હતા.”

શાહ તેમના રમૂજભર્યા સ્વભાવને પણ યાદ કરે છે. પત્રકાર તરીકેના પોતાના દિવસોમાં જ્યારે પીયૂષ દેસાઈ તેમના ન્યૂઝરૂમમાં તેમને મળવા આવતા ત્યારે ન્યૂઝરૂમની બારીની બહાર લીમડાનું ઝાડ હતું. એક વખત શાહે તેમને કહ્યું કે તેઓ તેમના કામમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. દેસાઈએ મજાકમાં કહ્યું હતું, “તો પછી તમારો રૂમ આ લીમડાના ઝાડ પર કેમ નથી બનાવી લેતા? ત્યાં કોઈ તમને હેરાન નહીં કરે.”

બીજી એક ઘટના શાહને યાદ છે. એક સરકારી એજન્સીએ તેમની કંપનીમાં દરોડો પાડ્યો ત્યારે અધિકારીઓ પીયૂષ દેસાઈની એક એવી બુકલેટ પણ લઈ ગયા હતા, જેમાં તેઓ પોતાના વિચારો અને મુદ્દાઓની નોંધ કરતા હતા. આ ઘટના બાદ દેસાઈએ શાહને મજાકમાં કહ્યું હતું, “એ લોકો મારા ‘બુલેટ પૉઇન્ટ્સ’ પણ લઈ ગયા. મને ખબર નથી કે એનું શું કરશે અને તેમને એમાંથી શું મળશે?”

ગાંધીવાદ તેમના જીવનનો ‘હિસ્સો’ હતો

વાઘ બકરી ટી ગ્રૂપ પીયુષ દેસાઈ, બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, waghbakritea.com

પીયૂષ દેસાઈના નજીકના લોકો તેમને હૃદયથી ગાંધીવાદી ગણાવે છે. પ્રકાશ શાહના જણાવ્યા પ્રમાણે, પીયૂષ દેસાઈ તેમનાં માતા સાથે તેમના જીવનના મોટા ભાગના સમય દરમિયાન દરરોજ પ્રાર્થના કરતા હતા.

તેમના સહયોગીઓના જણાવ્યા પ્રમાણે, તેઓ પોતાના દાદા નારણદાસ દેસાઈના ગાંધીવાદી વારસાને આગળ વધારવા માગતા હતા.

‘વાઘ-બકરી’ની સત્તાવાર વેબસાઇટ મુજબ, નારણદાસ દેસાઈએ 1892માં દક્ષિણ આફ્રિકામાં ચાના વ્યવસાયની શરૂઆત કરી હતી અને બાદમાં ભારતમાં પાછા આવી અમદાવાદમાં ‘ગુજરાત ટી ડેપો કંપની’ની સ્થાપના કરી હતી. કંપનીની વેબસાઇટ તેમના મહાત્મા ગાંધી સાથેના સંબંધ અને ગાંધીજી દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રનો પણ ઉલ્લેખ કરે છે.

પીયૂષ દેસાઈએ આ વારસાને માત્ર પારિવારિક સ્મૃતિ તરીકે નહીં, પરંતુ પોતાના વ્યવસાય અને સામાજિક જીવનના મૂલ્યો સાથે જોડવાનો પ્રયાસ કર્યો હોવાનું તેમના સહયોગીઓ કહે છે.

સમાજને પાછું આપવાની વૃત્તિ

વાઘ બકરી ટી ગ્રૂપ પીયુષ દેસાઈ, બીબીસી ગુજરાતી ગુજરાત અમદાવાદ સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

‘લોક સમિતિ ટ્રસ્ટ’ સંસ્થાના દેસાઈ ટ્રસ્ટી રહી ચૂક્યા હતા.

ટ્રસ્ટનાં અન્ય એક ટ્રસ્ટી નીતાબહેન મહાદેવ કહે છે કે દેસાઈ તેમના જીવનના મોટા ભાગના સમય દરમિયાન ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં નીતાબહેને કહ્યું, “તેઓ CSR કાયદો અમલમાં આવ્યો તે પહેલાંથી જ સમાજને પાછું આપવાની પ્રવૃત્તિ કરતા હતા. તેમને લોકો સાથે, ખાસ કરીને ગરીબ લોકો સાથે રહેવું ગમતું હતું.”

તેમના જણાવ્યા પ્રમાણે, જો કોઈ સામાજિક મુદ્દે તેમની પ્રવૃત્તિ સરકાર કે વ્યવસ્થાની વિરુદ્ધ જતી હોય તો પણ પીયૂષ દેસાઈ મદદ કરવામાં પાછળ હટતા નહોતા, અને સતત લોકોની ફીકર કરતા હતા.

“રમખાણો પછીના દિવસોમાં તેઓ પુનર્વસન શિબિરોમાં જતા હતા અને આ શિબિરો ચાલે તે માટે નાણાકીય મદદ તો કરતા જ હતા, પરંતે તે મદદ યોગ્ય રીતે લોકોને પહોંચી રહી છે, તેનું પણ ધ્યાન રાખતા,” નીતાબહેન મહાદેવ જણાવે છે.

તેમના જણાવ્યા પ્રમાણે, પીયૂષ દેસાઈ પોતાના વ્યવસાય પર તેની અસર કે તેનાં પરિણામોની બહુ ચિંતા કર્યા વિના આ કામ કરતા હતા.

“અમારી પ્રવૃત્તિઓ દરમિયાન ક્યારેય નાણાંની અછત પડતી નહોતી, કારણ કે સમુદાય માટે ઉપયોગી હોય તેવી કોઈ પણ પ્રવૃત્તિમાં મદદ કરવા પીયૂષ દેસાઈ હંમેશાં તૈયાર રહેતા હતા,” તેમણે કહ્યું.

મહાદેવના જણાવ્યા પ્રમાણે, દેસાઈ પોતાના જીવનનાં અંતિમ વર્ષોમાં પણ નવા વિચારો પ્રગટ કરતા રહેતા હતા. “છેલ્લી વખત જ્યારે તેઓ મને મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ એક એવું મીડિયા યુનિટ શરૂ કરવા માગે છે, જ્યાં સ્વતંત્ર સમાચારને જગ્યા મળી શકે,” મહાદેવે કહ્યું.

જોકે, કોરોના મહામારીના સમયગાળા પછી દેસાઈએ જાહેર જીવનથી થોડું અંતર રાખ્યું હતું અને મોટાભાગનો સમય પરિવાર, ખાસ કરીને તેમની દીકરીઓ સાથે પસાર કરવાનું પસંદ કર્યું હતું.

નીતાબહેન મહાદેવને પીયૂષ દેસાઈ સાથે જોડાયેલી એક બીજી ઘટના પણ યાદ છે. એક સ્થાનિક સંસ્થાના કાર્યક્રમમાં દેસાઈ પહોંચવામાં મોડા પડ્યા હતા. તેમના માટે લોકો રાહ જોઈ રહ્યા હતા.

મહાદેવના જણાવ્યા પ્રમાણે, લોકોની રાહ જોવડાવવા બદલ દેસાઈને ખૂબ ખરાબ લાગ્યું. “તેમને એટલું ખરાબ લાગ્યું કે તેમણે સંસ્થાને એક SUV કાર ભેટમાં આપવાની જાહેરાત કરી દીધી,” મહાદેવે કહ્યું.

2001ના ગુજરાત ભૂકંપ પછી તેમણે પુનર્વસનનું કામ સૌથી વધુ જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં થાય તે માટે મદદ કરી હતી. અર્થશાસ્ત્રી હેમંત શાહે ભૂકંપ બાદના પુનર્વસન પર લખેલા પુસ્તકના પ્રકાશનમાં પણ પીયૂષ દેસાઈએ આર્થિક મદદ કરી હતી.

હેમંત શાહ પીયૂષ દેસાઈને લોકોની સમસ્યાઓમાં સતત હાજર રહેતા વ્યક્તિ તરીકે યાદ કરે છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, દેસાઈએ PUCL જેવી સંસ્થાઓને માત્ર સ્થાપિત થવામાં જ નહીં, પરંતુ તેમની ક્ષેત્ર મુલાકાતો અને અહેવાલો માટે પણ નાણાકીય મદદ કરી હતી.

હેમંત શાહને પીયૂષ દેસાઈની ઑફિસમાં મહાત્મા ગાંધીનો ફોટો જોઈને આશ્ચર્ય થયું હતું.

“કોઈ કૉર્પોરેટ બિલ્ડિંગમાં મહાત્મા ગાંધીનો ફોટો હોવો સામાન્ય વાત નથી. મેં તેમના જેવા વ્યક્તિ બહુ ઓછા જોયા છે. તેઓ પાકા ગાંધીવાદી હતા અને જેને તેમની સૌથી વધુ જરૂર હોય એવા લોકોના સંપર્કમાં રહેવા માગતા હતા,” હેમંત શાહે કહ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS