Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 9 મિનિટ
ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં મહિલાઓ પર સામાન્ય રીતે પરિવાર અને સમાજ તરફથી આકર્ષક દેખાવા માટે અસાધારણ દબાણ રહેતું હોય છે. જ્યારે મનોરંજન જગતની હસ્તીઓની વાત આવે છે, ત્યારે આ દબાણ અનેક ગણું વધી જાય છે.
સોશિયલ મીડિયાના યુગમાં શોબિઝ (શો-બિઝનેસ) સાથે જોડાયેલાં મહિલાઓને માત્ર વિવેચકો જ નહીં, પરંતુ લાખો સોશિયલ મીડિયા યૂઝર્સની ટિપ્પણીઓ અને અભિપ્રાયોનો પણ સામનો કરવો પડતો હોય છે. ઘણી વાર આ ટિપ્પણીઓ તેમના કામ કરતાં તેમની શારીરિક દેખાવ પર વધુ કેન્દ્રિત હોય છે.
તાજેતરમાં આવું જ કંઈક બોલીવૂડ અભિનેત્રી કેટરિના કૈફ સાથે બન્યું છે.
પતિ વિકી કૌશલ સાથે એક કાર્યક્રમમાં હાજરી આપ્યાં બાદ તેમની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં હતાં.
કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘરે ગયા વર્ષે નવેમ્બરમાં એક પુત્રનો જન્મ થયો હતો. હવે, લગભગ નવ મહિના બાદ કેટરિના પ્રથમ વખત જાહેર કાર્યક્રમમાં દેખાયાં હતાં અને માતા બન્યાં પછી તેમના દેખાવમાં આવેલા ફેરફારો પણ સ્પષ્ટપણે નજરે પડતા હતા.
કેટરિનાની તસવીરો પર અનેક યૂઝર્સે ટિપ્પણીઓ કરી હતી, જેમાં તેમના વધેલા વજન અંગે પણ પ્રશ્નો કર્યા છે. જ્યારે કેટલાક લોકોએ તેમની બૉડી શેમિંગ શરૂ કરી, ત્યારે ઘણા લોકોએ તેની ટીકા કરતાં સમજાવ્યું કે ગર્ભાવસ્થા અને પ્રસૂતિ એક મહિલાના શરીર પર કેવી અસર કરે છે.
આ દરમિયાન, એક પાકિસ્તાની સોશિયલ મીડિયા વિશ્લેષકનો એક વીડિયો ચર્ચામાં આવ્યો, જેણે આ સમગ્ર વિવાદને વધુ વેગ આપ્યો.
કેટરિના કૈફ અંગે કરવામાં આવેલી તેમની ટિપ્પણીઓ બાદ તેમને ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં ભારે ટીકા અને વિરોધનો સામનો કરવો પડ્યો.
કેટરિના કૈફ અંગે સોશિયલ મીડિયામાં લોકોની પ્રતિક્રિયા
ઇમેજ સ્રોત, Getty Images
ઘણાં યૂઝર્સ, પત્રકારો અને મનોરંજન જગતના વિશ્લેષકોએ આવી ટિપ્પણીઓને ‘બૉડી શેમિંગ’ ગણાવી છે. તેમનું કહેવું છે કે કોઈ વ્યક્તિનાં શરીર, દેખાવ કે શારીરિક બંધારણની મજાક ઉડાવવી અથવા તેના આધારે તેની ટીકા કરવી ક્યારેય યોગ્ય નથી.
ભારતીય મનોરંજન વિશ્લેષક ફરીદુન શહરયારે લખ્યું હતું કે કેટરિના કૈફ તસવીરોમાં અત્યંત સુંદર અને આકર્ષક દેખાઈ રહી છે.
તેમણે ટીકાકારોને અપીલ કરી હતી કે તેઓ લોકોના જીવનની ખુશીની અને અંગત ક્ષણોને પોતાની નકારાત્મક તથા ઝેરી ટિપ્પણીઓથી બગાડવાનો પ્રયાસ ન કરે.
તેમણે કહ્યું, “આ જ કારણ છે કે ઘણા કલાકારો વજન ઘટાડવા માટે અકુદરતી રીતોનો આશરો લે છે અને તેના કારણે અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.”
ફરીદુન શહરયારે વધુમાં કહ્યું, “કેટરિના કૈફે પોતાના જીવનમાં ઘણું બધું હાંસલ કર્યું છે. હાલમાં તેમના જીવનનો આ સમય ખૂબ મહત્ત્વનો છે અને તેમનું બાળક તેમના માટે અત્યંત કિંમતી છે.”
પાકિસ્તાની અભિનેતા અને ગાયક અલી ઝફરે ભૂતકાળમાં કેટરિના કૈફ સાથે કામ કર્યું છે, તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે તેમણે સોશિયલ મીડિયા પર એવી ઘણી પોસ્ટ્સ અને ટિપ્પણીઓ જોઈ છે, જેમાં લખવામાં આવ્યું હતું: “કેટરિના પહેલાં આવી દેખાતી હતી અને હવે આવી દેખાય છે.”
તેમણે કહ્યું, “પુરુષ તરીકે જો કોઈ મહિલા અંગે આપણી માન્યતા આપણા દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડો સાથે મેળ ન ખાતી હોય તો આપણે તેની ટીકા કરવા લાગીએ છીએ… આ ખોટું છે, યોગ્ય નથી. કોઈ મહિલાને આ રીતે જોવું કે તેની કસોટી કરવી યોગ્ય નથી.”
અલી ઝફરે કહ્યું, “આપણે જાણતા નથી કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. આપણે શક્ય તેટલું સંવેદનશીલ, દયાળુ, સહાનુભૂતિપૂર્ણ અને પ્રશંસાત્મક વર્તન કરવું જોઈએ.”
સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સે આ ચર્ચાને મહિલાઓ પ્રત્યે સમાજના વ્યાપક અભિગમ સાથે પણ જોડી હતી.
પાકિસ્તાની યૂઝર અસ્મા બુખારીએ પોતાની નારાજગી વ્યક્ત કરતાં લખ્યું, “કોઈ પણ મહિલાના શરીરની રચના કે તેના દેખાવની મજાક ઉડાવવી ખોટું છે. કોઈની વ્યક્તિગત પસંદગી પર ટિપ્પણી કરનાર લોકો કોણ છે? તે તાજેતરમાં જ ગર્ભાવસ્થા અને માતૃત્વના સમયગાળામાંથી પસાર થઈ છે, અને આ તેમની પ્રસૂતિ બાદની શારીરિક સ્થિતિ હોઈ શકે છે.”
તેમના મતે, આવા સમયે સહાનુભૂતિ અને સન્માન દર્શાવવું જોઈએ, “તેમના દેખાવના આધારે તેમની ટીકા કરવી નહીં.”
અન્ય એક યૂઝર કનીઝ ફાતિમાએ લખ્યું કે જાણીતી હસ્તીઓ પણ સામાન્ય લોકોની જેમ ઉંમર વધવાની સાથે શરીરમાં થતા વિવિધ ફેરફારોમાંથી પસાર થાય છે. તેથી તેમની પાસેથી અવાસ્તવિક અપેક્ષાઓ રાખવી યોગ્ય નથી.
તેમણે લખ્યું, “લોકો આટલી સામાન્ય બાબતની ટીકા શા માટે કરી રહ્યા છે? અભિનેતાઓ પણ સામાન્ય માણસોની જેમ જ વૃદ્ધ થાય છે અને ઉંમર વધવાની સાથે શરીરમાં આવતા વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે.”
ઇમેજ સ્રોત, ANI
કેટલાંક મહિલા યૂઝર્સે એ વાત પર ભાર મૂક્યો કે માતા બન્યાં પછી મહિલાઓની પ્રાથમિકતા ઘણી વાર બદલાઈ જાય છે અને તેમનું ધ્યાન પોતાના દેખાવ કરતાં બાળકની સંભાળ પર વધુ કેન્દ્રિત થઈ જાય છે. તેમના મતે, આવા ફેરફારોને ટીકાના વિષય તરીકે નહીં, પરંતુ જીવનની એક સ્વાભાવિક પ્રક્રિયા તરીકે જોવામાં આવવું જોઈએ.
આ સંદર્ભમાં ફાતિમાએ લખ્યું, “માતા બન્યાં પછી એક સ્ત્રી સૌથી પહેલા પોતાના બાળક, તેની જરૂરિયાતો, તેની ખુશી અને તેના જીવન વિશે વિચારે છે. તેની સુંદરતા, શરીર અને સ્વાભિમાન જેવી બાબતો ઘણી પાછળ આવે છે. એક માતા પોતાના બાળક માટે ઘણી વખત પોતાને ભૂલી જાય છે, અને આ ત્યાગને કદાચ એ લોકો ક્યારેય સમજી શકતા નથી, જે માત્ર બાહ્ય દેખાવના આધારે કોઈના વિશે નિર્ણય લેવા લાગે છે.”
જાવેરિયા અખ્તરે પણ પોતાની લાંબી પોસ્ટમાં આવું જ કંઈક લખ્યું હતું. તેમણે કહ્યું: “કૃપા કરીને, કેટરિનાને તમારી ફિટનેસ સલાહની જરૂર નથી. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે તેઓ ઇચ્છે ત્યારે પોતાને શ્રેષ્ઠ શારીરિક આકારમાં લાવી શકે છે. કદાચ અત્યારે તેઓ માતૃત્વના આ સુંદર સમયગાળાનો આનંદ માણવા માંગે છે, અને તેમાં કંઈ ખોટું નથી.”
મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવતી સોશિયલ મીડિયા સામગ્રીની ટીકા કરતાં તેમણે વધુમાં કહ્યું, “જો મહિલાઓના શરીર અને તેમનું વ્યક્તિગત જીવન તમારી સામગ્રીનો વિષય છે, તો ઓછામાં ઓછું એટલું સમજવાનો પ્રયાસ કરો કે તમને જોનારી ઘણી વાસ્તવિક મહિલાઓ પણ છે, જે પોતાના શરીર, આત્મસન્માન, ગર્ભાવસ્થા પછી થતા શારીરિક ફેરફારો અને આત્મછબી સંબંધિત પડકારોનો સામનો કરી રહી છે. થોડું સહાનુભૂતિપૂર્ણ વર્તન કરવામાં કંઈ જ ખર્ચ થતો નથી.”
આ ચર્ચા દરમિયાન કેટલાક યૂઝર્સે એવો સવાલ પણ ઉઠાવ્યો કે મહિલાઓનું મૂલ્યાંકન આખરે કયા માપદંડોના આધારે કરાય છે. તેમના મતે, જો કોઈ અભિનેત્રીનું વજન ન વધે તો તેના પર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે અને જો ગર્ભાવસ્થા અથવા પ્રસૂતિ બાદ શરીરમાં ફેરફાર જોવા મળે, તો તે પણ ટીકાનું કારણ બની જાય છે.
ઍક્સ પર એક ભારતીય યૂઝરે લખ્યું, “આ લોકો આખરે ઇચ્છે શું છે? જ્યારે દીપિકા ગર્ભવતી હતી અને તેનું વજન વધુ વધ્યું નહોતું, ત્યારે લોકો કહેતા હતા કે તેનો બેબી બમ્પ નકલી છે. અને હવે કેટરિના કૈફનું ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન વજન વધી ગયું છે, તો અચાનક લોકો કહેવા લાગ્યા છે કે ‘તેની સુંદરતા હવે ખતમ થઈ ગઈ છે.'”
તેમણે વધુમાં લખ્યું, “આ લોકો શું ઇચ્છે છે? શું બાળકને જન્મ આપ્યાના બીજા જ દિવસે તેમને જિમમાં જવું જોઈએ? અને હકીકત તો એ છે કે આ મામલે પુરુષો કરતાં મહિલાઓ જ મહિલાઓની વધુ ટીકા કરી રહી છે. આ ખરેખર દુઃખદ વર્તન છે.”
ઘણા યૂઝર્સનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર મહિલાઓના દેખાવ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોવાથી માત્ર જાણીતી હસ્તીઓ જ નહીં, પરંતુ સામાન્ય મહિલાઓના આત્મસન્માન પર પણ તેની અસર પડે છે.
તેમના મતે, શરીરમાં થતા સ્વાભાવિક ફેરફારો અંગે વધુ જાગૃતિ, સહાનુભૂતિ અને જવાબદાર ચર્ચાની જરૂર આજે પહેલાં કરતાં વધુ છે.
ગર્ભાવસ્થા અને માતૃત્વ
ઇમેજ સ્રોત, Getty Images
ગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરનું વજન સામાન્ય રીતે અનેક કિલોગ્રામ વધી જાય છે. બાળકના જન્મ બાદ આ વજન ધીમે ધીમે ઘટે છે, પરંતુ સ્વાભાવિક રીતે જ આ પ્રક્રિયા થોડા દિવસોમાં પૂર્ણ થતી નથી. તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, શરીરને ફરીથી સામાન્ય સ્થિતિમાં આવવામાં છ મહિનાથી લઈને એક વર્ષ અથવા તેનાથી વધુ સમય લાગી શકે છે.
ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનૅશનલ હૉસ્પિટલ સાથે સંકળાયેલાં સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. નાદિયા ખાને બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનું વજન વધવું એક સંપૂર્ણપણે સ્વાભાવિક પ્રક્રિયા છે. કારણ કે આ સમયગાળા દરમિયાન માત્ર શરીરમાં ચરબી જ વધતી નથી, પરંતુ કુલ વજનમાં ગર્ભમાં રહેલું બાળક, ગર્ભનાળ (પ્લૅસેન્ટા) અને ગર્ભાશયમાં રહેલું પ્રવાહી (ઍમ્નિયોટિક ફ્લૂઇડ) પણ સામેલ હોય છે.
તેમના જણાવ્યા મુજબ, “સામાન્ય વજન ધરાવતી મહિલા માટે ગર્ભાવસ્થા દરમિયાન 10થી 12 કિલોગ્રામ વજન વધવું સામાન્ય બાબત છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીર વધારાનું પાણી પણ સંગ્રહિત કરે છે, જેના કારણે મહિલાનું વજન વધે છે.”
ડૉ. નાદિયા ખાને વધુમાં જણાવ્યું કે, “એ સમજવું પણ મહત્ત્વપૂર્ણ છે કે ગર્ભાવસ્થા પહેલાં મહિલાનું વજન અને શારીરિક બંધારણ કેવું હતું. શું તેનું વજન ઓછું હતું અથવા તેનો બૉડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) 18થી ઓછો હતો? અથવા તેનું વજન સામાન્ય હતું કે તે સ્થૂળતા તરફ ઝુકાવ ધરાવતી હતી?”
તેમણે કહ્યું, “આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ નક્કી કરવું પડે છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાનું કેટલું વજન વધવું યોગ્ય છે, કારણ કે ગર્ભમાં વિકસી રહેલાં બાળક અને માતા બંનેનાં સ્વાસ્થ્ય માટે આ સમયગાળા દરમિયાન યોગ્ય પ્રમાણમાં વજન વધવું અત્યંત જરૂરી છે.”
પ્રસૂતિ પછી શરીરને સામાન્ય સ્થિતિમાં આવવામાં કેટલો સમય લાગે?
ઇમેજ સ્રોત, Getty Images
તો બાળકના જન્મ બાદ મહિલાના શરીરને ફરી સામાન્ય સ્થિતિમાં આવવામાં કેટલો સમય લાગે છે? અને માતા બન્યાં પછી વધારેલું વજન ક્યારે ઘટાડવું જોઈએ?
આ પ્રશ્નના જવાબમાં ડૉ. નાદિયા ખાને જણાવ્યું કે પ્રસૂતિ પછીના પ્રથમ છ અઠવાડિયાંને પ્રસૂતિ પછીની સારસંભાળનો સમયગાળો ગણવામાં આવે છે. આ દરમિયાન માતા અને બાળક બંનેની યોગ્ય સંભાળ ખૂબ જ જરૂરી હોય છે. જોકે, એ માનવું યોગ્ય નથી કે માત્ર 40 દિવસ કે છ અઠવાડિયાંમાં મહિલાનું શરીર ફરી પહેલાંની સ્થિતિમાં આવી જશે. આ પ્રક્રિયામાં સમય લાગે છે.
તેમના જણાવ્યા અનુસાર, “સામાન્ય રીતે મહિલાના વજનને ગર્ભાવસ્થા પહેલાંના સ્તર પર પાછું આવવામાં નવથી બાર મહિના જેટલો સમય લાગી શકે છે અને તે સંપૂર્ણપણે સામાન્ય બાબત છે, કારણ કે શરીરને પ્રસૂતિ માટે તૈયાર થવામાં નવ મહિના લાગ્યા હોય છે અને આ સમયગાળા દરમિયાન શરીરનો આકાર તથા વજન બંને વધે છે. તેથી વધેલા વજનને ઘટાડવામાં પણ સમય લાગે છે.”
ડૉ. નાદિયા ખાને વધુમાં જણાવ્યું કે વજન ઘટાડવા માટે મહિલાઓ હળવી ચાલ અને હળવી કસરત કરી શકે છે. જોકે, તે પહેલાં એ તપાસવું જરૂરી છે કે પ્રસૂતિ સામાન્ય (નૉર્મલ ડિલિવરી) થઈ હતી કે સી-સેક્શન (સિઝેરિયન)થી.
તેમણે સમજાવ્યું, “જો પ્રસૂતિ સામાન્ય રીતે થઈ હોય, તો મહિલા પોતાની અનુકૂળતા પ્રમાણે ધીમે ધીમે રોજિંદી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી શકે છે, પરંતુ તેણે પોતાના શરીર પર બિનજરૂરી દબાણ ન કરવું જોઈએ. પોતાની તબિયત અને ક્ષમતા અનુસાર તે અઠવાડિયામાં અંદાજે 150 મિનિટ સુધી ચાલવા જેવી શારીરિક પ્રવૃત્તિ કરી શકે છે.”
“પરંતુ જો પ્રસૂતિ જટિલ રહી હોય, વધુ પડતો રક્તસ્રાવ થયો હોય, ઑપરેશનના ઘામાં ચેપ લાગ્યો હોય અથવા ઍનિમિયા હોય, તો ડૉક્ટરની સલાહ બાદ જ કસરત અથવા અન્ય શારીરિક પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ. આવી જટિલ પરિસ્થિતિમાં વજન ઘટાડવા કરતાં ડૉક્ટર દ્વારા સૂચવાયેલાં આહાર અને દવાઓને પ્રાથમિકતા આપવી જોઈએ.”
તેમના જણાવ્યા મુજબ, “આવી સ્થિતિમાં અમે કોઈ મહિલાને વજન ઘટાડવા અથવા ક્રૅશ ડાયેટ શરૂ કરવાની સલાહ ક્યારેય આપી શકતા નથી, કારણ કે જટિલ પ્રસૂતિ બાદ કૅલરીની ગણતરી કરવી ક્યારેક નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે જ રીતે, જો કોઈ માતા પોતાના બાળકને સ્તનપાન કરાવતી હોય, તો તેના શરીરમાં દરરોજ અંદાજે 500 કૅલરીનો ખર્ચ થાય છે, જેના કારણે સ્વાભાવિક અને સ્વસ્થ રીતે વજન ઘટવામાં મદદ મળે છે.”
પ્રસૂતિ પછી તરત વજન ઘટાડવાનો પ્રયાસ કરવાથી શું અસર થઈ શકે?
આ પ્રશ્નના જવાબમાં ઇસ્લામાબાદના ગ્રામ્ય આરોગ્ય કેન્દ્ર સાથે સંકળાયેલા ડૉ. સાદિયાએ બીબીસીને જણાવ્યું, “પ્રસૂતિ બાદ તરત જ વજન ઘટાડવાનો પ્રયાસ કરવાથી અનેક આડઅસરો થઈ શકે છે. તેના કારણે બાળકને પૂરતા પ્રમાણમાં માતાનું દૂધ મળતું નથી, જેના કારણે તેના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે. બીજી તરફ માતા પણ નબળી પડી શકે છે.”
જોકે, તેમણે એ પણ જણાવ્યું, “બીજી બાજુ, વધુ ચરબીયુક્ત ખોરાક ગર્ભવતી મહિલા અને માતાના વજનમાં અનાવશ્યક વધારો કરી શકે છે, જેને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે. તેથી સંતુલિત અને યોગ્ય આહાર જ લેવો જોઈએ.”
માતા બન્યાં બાદ શરીરમાં થતા ફેરફાર
ઇમેજ સ્રોત, Shifa Hospital
લાહોરનાં મનોચિકિત્સક ડૉ. મરિયમ સોહેલે અગાઉ બીબીસી ઉર્દૂને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “બાળકના જન્મ પછીના પ્રથમ આઠ મહિના માતા માટે અત્યંત સંવેદનશીલ સમયગાળો હોય છે, કારણ કે પ્રસૂતિની કપરી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ તેના શરીરમાં હોર્મોન્સમાં સતત ફેરફારો થતા રહે છે.”
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રસૂતિ પછી મહિલાઓમાં જોવા મળતા સૌથી મોટા શારીરિક ફેરફારોમાંનું એક વજનમાં વધારો છે. ઘણી મહિલાઓ આ બાબતે લોકો દ્વારા કરવામાં આવતી અસંવેદનશીલ ટિપ્પણીઓ અંગે ફરિયાદ કરતી હોય છે.
ગર્ભાવસ્થા દરમિયાન અને બાદ શરીરમાં થતાં પરિવર્તનોને કારણે શરીર ચરબીના થરને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.
સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. કર્ણિકા તિવારીએ વર્ષ 2024માં બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન શરીરનાં હાડકાંની સ્થિતિમાં પણ ફેરફાર થાય છે અને પ્રસૂતિ પછી આ હાડકાં ધીમે ધીમે ફરી સ્વાભાવિક સ્થિતિમાં આવવા લાગે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આવી સ્થિતિમાં વજન ઘટાડવા માટે શરીર પર કોઈ પણ પ્રકારનું વધારાનું દબાણ લાવવાથી વધુ શારીરિક જટિલતા ઊભી થઈ શકે છે.
તેમના જણાવ્યા મુજબ, ઘણી મહિલાઓ બાળકને જન્મ આપ્યા બાદ તરત જ ગર્ભાવસ્થા પહેલાં જેવું શરીર પાછું મેળવવા માટે કડક ડાયેટિંગ અને ભારે કસરત શરૂ કરી દે છે, પરંતુ આવી પ્રવૃત્તિઓ શરીરની સ્વાભાવિક રીતે સાજું થવાની ક્ષમતાને અસર કરી શકે છે અને તેની નકારાત્મક અસર માતા તેમજ બાળક, બંનેના સ્વાસ્થ્ય પર પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




