Home તાજા સમાચાર gujrati ‘દેશની સિસ્ટમ પર માત્ર 6 લોકોનો કબજો’, રાહુલ ગાંધીનો ‘છાત્રો કી ગૂંજ’...

‘દેશની સિસ્ટમ પર માત્ર 6 લોકોનો કબજો’, રાહુલ ગાંધીનો ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં આરોપ – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

'દેશની સિસ્ટમ પર 6 લોકોનો કબજો', રાહુલ ગાંધીનો 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમમાં આરોપ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @RahulGandhi

પ્રકાશિત

વાંચવાનો સમય: 6 મિનિટ

કૉંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં શનિવારે કહ્યું કે સિસ્ટમ પર છ લોકોનો કબજો છે.

રાહુલ ગાંધીએ કહ્યું, “દરેક કાર્યક્રમમાં અમે વિદ્યાર્થીઓના મુદ્દાઓ ઉઠાવીએ છીએ… આજે ઇન્દોરમાં અમે નક્કી કર્યું છે કે અમે સિસ્ટમ સામે વિદ્યાર્થીઓના મુદ્દા પર ચર્ચા કરીશું.”

તેમણે પેપર લીક, સંસ્થાઓની નિષ્ફળતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ધ્વંસ, ખાનગીકરણ જેવા મુદ્દાઓ પર વાત કરી અને કેટલીક વીડિયો ક્લિપ પણ બતાવી, જેમાં વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ વિશે વાત કરતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી કેટલાકને રાહુલ ગાંધીએ મંચ પર બોલાવીને તેમની સાથે વાતચીત કરી હતી.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે દેશની સિસ્ટમ પર છ લોકો બેઠા છે.

તેમણે કહ્યું કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન શિક્ષણ બજેટમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે.

તેમણે આરોપ લગાવ્યો કે વર્ષ 2004માં શિક્ષણ માટે બજેટમાં 2.6 ટકા રકમ ફાળવવામાં આવતી હતી, જેને 2014 સુધી વધારીને 4.6 ટકા કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે છેલ્લાં દસ વર્ષમાં આ બજેટને સતત ઘટાડીને તેને ફરી 2.6 ટકા સુધી લાવી દેવામાં આવ્યું છે અને શિક્ષણ ક્ષેત્રમાંથી 7.7 લાખ કરોડ રૂપિયાની કપાત કરવામાં આવી છે.

તેમણે આરોપ લગાવ્યો, “સરકારે 1.5 કરોડ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દીધી છે અને શિક્ષકોનાં 10 લાખ પદો ખાલી પડ્યાં છે.”

દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ ચૂંટણીનાં પરિણામો જાહેર, કોને કેટલી બેઠક મળી?

ડીયુએસયુની ચૂંટણીમાં અધ્યક્ષ પદ માટે એબીવીપીના યશ ડબાસ વિજેતા બન્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (ડીયુએસયુ) ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. આ ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ ચારમાંથી ત્રણ પદો પર જીત મેળવી છે, જ્યારે એક પદ પર અપક્ષ ઉમેદવાર વિજેતા રહ્યા છે.

ડીયુએસયુની ચૂંટણીમાં અધ્યક્ષ પદ માટે એબીવીપીના યશ ડબાસ વિજેતા બન્યા છે. જ્યારે ઉપાધ્યક્ષ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીને જીત મેળવી છે.

આ ઉપરાંત, સચિવ પદ પર એબીવીપીનાં રિયા છાબડી અને સહ-સચિવ પદ પર એબીવીપીના લક્ષ્યરાજસિંહ વિજેતા બન્યા છે.

અધ્યક્ષ પદ પર જીત મેળવ્યા બાદ યશ ડબાસે જણાવ્યું, “પંજાબ યુનિવર્સિટીથી લઈને દિલ્હી યુનિવર્સિટી સુધી વિદ્યાર્થીઓએ અમને જીતાડવા માટે પ્રયાસ કર્યો છે. અમારા માટે સૌથી પહેલો મુદ્દો હૉસ્ટેલ અને પીજી આવાસોનું સૅફ્ટી ઑડિટ કરાવવાનો છે. કારણ કે અમે નથી ઇચ્છતા કે ભવિષ્યમાં સત્ય નિકેતન જેવી ઘટના ફરી બને.”

ઉપાધ્યક્ષ પદે વિજેતા બનેલા દીપાંશુ શૌકીને કહ્યું, “મારો આ સંઘર્ષ દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રહ્યો છે અને હું આગળ પણ વિદ્યાર્થીઓના હિત માટે લડતો રહીશ.”

દિલ્હી યુનિવર્સિટીમાં એબીવીપીને મળેલી જીત પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ અભિનંદન પાઠવ્યાં છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “યુવાઓનો અવાજ સ્પષ્ટ અને મજબૂત છે. દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એબીવીપીના તમામ વિજેતા ઉમેદવારો, કાર્યકરો અને શુભેચ્છકોને હાર્દિક અભિનંદન!”

ઝેલેન્સ્કીએ ટ્રમ્પનો કઈ વાત માટે આભાર વ્યક્ત કર્યો

ઝેલેન્સ્કીએ ટ્રમ્પનો કઈ વાત માટે આભાર વ્યક્ત કર્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર કડક પ્રતિબંધ લાગવવાના અને ઈરાન પર પ્રતિબંધો વધારવાના બિલ પર હસ્તાક્ષર કર્યા હતા.

હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ બિલ પર હસ્તાક્ષર કરવા માટે ટ્રમ્પનો આભાર પ્રગટ કર્યો છે.

આ કાયદાને રિપબ્લિકન સેનેટર લિંડસે ગ્રાહમે તૈયાર કર્યો હતો. સેનેટર ગ્રાહમનું નિધન થઈ ચૂક્યું છે. સેનેટર ગ્રાહમે પોતાના મૃત્યુ પહેલાં યુક્રેનનો પ્રવાસ કર્યો હતો.

ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “લિંડસેની યાદને સન્માન આપવાની સૌથી સારી રીત એ હશે કે આ કાયદાને પૂર્ણ પ્રકારે અને બને તેટલી ઝડપે લાગુ કરવામાં આવે.”

પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર રેકૉર્ડ સ્તરે પહોંચ્યો, પીએમ શહબાઝ શરીફ શું બોલ્યા?

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે એસબીપીના વિદેશી મુદ્રા ભંડાર રેકૉર્ડ સ્તરે પહોંચતા 'અલ્લાહનો આભાર' વ્યક્ત કર્યો (ફાઇલ ફોટો).

ઇમેજ સ્રોત, FAYEZ NURELDINE/AFP via Getty Images

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું છે કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ) રેકૉર્ડ સ્તરે પહોંચી ગયો છે.

પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા નિવેદન અનુસાર, સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાન (SBP)નો વિદેશી મુદ્રા ભંડાર વધીને રેકૉર્ડ 21.4 અબજ ડૉલર થઈ ગયો છે.

પાકિસ્તાનનો લિક્વિડ ફૉરેન રિઝર્વ 11 સપ્ટેમ્બર 2026 સુધી 26.8 અબજ ડૉલર નોંધાયો હતો, જે 10 સપ્ટેમ્બર 2021 પછીનું સૌથી ઊંચું સ્તર છે.

કુલ ફોરેક્સમાંથી 21.4 અબજ ડોલર સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાન પાસે છે અને 5.4 અબજ ડૉલર અન્ય બૅન્કો પાસે છે.

‘દ એક્સપ્રેસ ટ્રિબ્યૂન’ અખબારના અનુસાર, વડા પ્રધાન શહબાઝ શરીફે એસબીપીના વિદેશી મુદ્રા ભંડાર રેકટર્ડ સ્તરે પહોંચવા બદલ ‘અલ્લાહનો આભાર’ વ્યક્ત કર્યો.

તેમણે કહ્યું કે વિદેશી મુદ્રા ભંડારમાં થયેલો આ વધારો આર્થિક ટીમની મહેનત અને યોગ્ય દિશામાં લેવામાં આવેલાં પગલાંઓનું પરિણામ છે.

તેમણે કહ્યું, “રેમિટન્સમાં સુધારો (વિદેશથી આવતી રકમમાં વધારો), નિકાસમાં વધારો, ચાલુ ખાતાની સુધરેલી સ્થિતિ અને સરકારના ખર્ચ પર નિયંત્રણથી દેશનો વિદેશી મુદ્રા ભંડાર વધારવામાં મદદ મળી છે.”

પીએમઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી પ્રવેશ કરવાથી વિશ્વના અન્ય દેશો અને રોકાણકારોનો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો છે.

તમિલનાડુઃ મુખ્યમંત્રી વિજયે બાળકોને સોનાની વીંટી આપવાની યોજના શરૂ કરી

બીબીસી ગુજરાતી તમિલનાડુ વિજય મુખ્યમંત્રી સોનાની વીંટી

ઇમેજ સ્રોત, ANI

તમિલનાડુ સરકારે નવજાત બાળકો માટે ‘મામાની સોનાની વીંટી યોજના’ શરૂ કરવાની તારીખ જાહેર કરી છે.

મુખ્યમંત્રી સી જોસેફ વિજય 28 સપ્ટેમ્બર 2026થી આ યોજના શરૂ કરશે. યોજના હેઠળ સરકારી હૉસ્પિટલોમાં જન્મ લેતા બાળકોને એક ગ્રામ સોનાની વીંટી આપવામાં આવશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સરકારના હવાલે જણાવ્યું કે યોજના હેઠળ પ્રથમ તબક્કામાં વિતરણ માટે 1.28 લાખ સોનાની વીંટીઓ ખરીદવામાં આવી છે. દરેક વીંટી પર એક સીરિયલ નંબર રહેશે.

આ યોજનાનો લાભ લેવા માટે નવજાત શિશુનાં માતા તમિલનાડુમાં સ્થાયી નિવાસ કરતાં હોવા જરૂરી છે. આ ઉપરાંત માતાના પીઆઈસીએમઈ અને આરસીએચ ઓળખપત્રો રજિસ્ટર્ડ હોવા જરૂરી છે. રજિસ્ટ્રેશન પછી સંબંધિત ઓળખપત્ર જારી કરવામાંં આવે છે.

સરકારે જણાવ્યું કે આ યોજના હેઠળ 22 જૂન (મુખ્યમંત્રીના જન્મદિવસ)થી 28 સપ્ટેમ્બર સુધી સરકારી હૉસ્પિટલોમાં જન્મેલાં બાળકોને પણ આનો લાભ આપવામાં આવશે. તેના માટે રાજ્યભરમાં 107 વિતરણ કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. આ કેન્દ્રો પર રોજ 100 બાળકોને સોનાની વીંટી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમેરિકાના 100 ટકા ટેરિફના બિલ વિશે ભારતે કેવી પ્રતિક્રિયા આપી?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ભારત રશિયા ઑઇલ ગેસ ટેરિફ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકન સંસદે રશિયા પાસેથી ઑઇલ અને ગૅસ ખરીદતા દેશો પર 100 ટકા સુધી ટેરિફ નાખવા માટેનું બિલ પસાર કર્યા પછી ભારતે બહુ સંતુલિત પ્રતિક્રિયા આપી છે.

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે ઊર્જા સુરક્ષાના મામલે ભારતના લોકોની પ્રાથમિકતા સૌથી ઉપર છે.

રશિયા પાસેથી ઑઇલ અને ગૅસ ખરીદતા ટોચના દેશોમાં ભારત અને ચીન સૌથી આગળ છે.

ક્વાત્રાએ ઍક્સ પર પોસ્ટ કરી કે “ભારતના લોકો માટે ઊર્જા સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ છે.”

તેમણે કહ્યું કે “અમારા નિર્ણયો ઉપલબ્ધતા, કિફાયત, બજારની સ્થિતિ અને વ્યાવસાયિક વ્યવહારુતાથી નક્કી થાય છે. ભારતે પોતાની ક્રૂડ ઑઇલનો 85 ટકાથી વધુ જથ્થો અને નૅચરલ ગૅસના લગભગ અડધા જથ્થાની આયાત કરવી પડે છે.”

“હાલના સંઘર્ષના કારણે વૈશ્વિક સપ્લાય પર દબાણ આવ્યું ત્યારે ભારતે પોતાના લોકોને ભાવમાં અચાનક વધારાથી બચાવવા માટે નિર્ણાયક પગલાં લીધાં. તેનાથી વૈશ્વિક ઊર્જા બજારોને સ્થિર રાખવામાં અને એક મોટા સંકટને રોકવામાં પણ મદદ મળી.”

ભારત સહિત અન્ય દેશો પર 100 ટકા ટેરિફની જોગવાઈ કરતા બિલ પર ટ્રમ્પના હસ્તાક્ષર

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ભારત રશિયા ઑઇલ ગેસ ટેરિફ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રશિયા પર પ્રતિબંધોને લગતા ખરડા પર હસ્તાક્ષર કર્યા છે.

નવા કાયદા પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિને રશિયા પાસેથી ઑઇલ અને કુદરતી ગૅસ ખરીદતા પાંચ સૌથી મોટા ખરીદદાર દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાનો અધિકાર મળી ગયો છે. તેમાં રશિયાના મુખ્ય ગ્રાહકો ભારત અને ચીન પણ સામેલ છે.

આ બિલ ભારત અથવા ચીન પર સીધે સીધા 100 ટકા ટેરિફ લાગુ નહીં કરે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિને આમ કરવાનો અધિકાર આપે છે. અમેરિકન સંસદમાં આ બિલ પહેલેથી પસાર થઈ ચૂક્યું છે.

બિલનું સત્તાવાર નામ “લિંડ્સે ઓ ગ્રૅહમ સેંક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ ઑફ 2026” છે. તે દિવંગત રિપબ્લિકન સેનેટર લિંડ્સે ગ્રૅહમના નામથી છે.

11 જુલાઈ 2026ના રોજ ગ્રૅહમનું મૃત્યુ થયું હતું. તેઓ યુક્રેનના સમર્થક હતા અને રશિયા પર આકરા પ્રતિબંધોની હિમાયત કરતા હતા.

48 પેજના આ ખરડામાં એવા દેશોને છૂટ અપાઈ છે, જેઓ રશિયા પાસેથી પોતાની જરૂરિયાતના 15 ટકા કરતાં ઓછા નૅચરલ ગૅસની આયાત કરે છે અને રશિયા પર પોતાની નિર્ભરતા ઘટાડવા માટે કામ કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS