Home તાજા સમાચાર gujrati ભજિયાં, ગાંઠિયા કે ફાફડા-જલેબી, છાપાંમાં લપેટેલી આ ચીજવસ્તુઓ ખાવાથી કેટલું જોખમ?

ભજિયાં, ગાંઠિયા કે ફાફડા-જલેબી, છાપાંમાં લપેટેલી આ ચીજવસ્તુઓ ખાવાથી કેટલું જોખમ?

5
0

Source : BBC NEWS

રસ્તા પર વેચાતા ખોરાકને છાપાંમાં લપેટીને આપવાનું સામાન્ય છે

ઘણી વાર આપણે જે ફાફડાં-જલેબી, ખમણ, ભજિયાં, દાળવડાં, સમોસાં ઘરે લાવીએ એ કાગળમાં લપેટેલાં હોય છે.

એક સમયે હોટલોમાં ટિફિન અને ભોજન કાગળની કોથળીમાં કે કાગળમાં લપેટીને આપવામાં આવતું હતું. પાર્સલ લઈ જવાનું હોય ત્યારે પણ તેને કાગળમાં લપેટવામાં આવતું, પરંતુ સમય જતાં કાગળની કોથળીઓની જગ્યાએ અખબાર અને પત્રિકાઓ વપરાવા લાગ્યાં.

ઘણા સમયથી આપણે ટિફિન અને ખાવાનું પ્લાસ્ટિકની થેલીઓ કે છાપેલા કાગળમાં લપેટીને અપાતું જોઈ રહ્યા છીએ.

તેમાં જણાવાયું છે કે વિવિધ પ્રકારનાં ભજિયાં અને સમોસાં જેવી ખાદ્યચીજોને અખબાર કે અન્ય છાપેલા કાગળમાં લપેટીને આપવી કે પીરસવી આરોગ્ય માટે હાનિકારક છે.

કાગળ પર છાપવા માટે વપરાતી શાહીમાં સીસા જેવાં રસાયણો હોય છે. આ શાહી ગરમ ખોરાકના સંપર્કમાં આવતાં તેના પર ચોંટી શકે છે અને ખોરાક સાથે પેટમાં જઈને આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે, એમ જણાવાયું છે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે બીબીસીએ તબીબી નિષ્ણાતો સાથે વાત કરી.

તાજેતરમાં એફએસએસએઆઈએ મુંબઈમાં એક ફેરિયાને છાપાંમાં લપેટીને ખાવાનું વેચતો પકડ્યો હતો.

અગાઉ પણ આ અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હોવા છતાં, એફએસએસએઆઈએ ફરી એક વખત છાપાંમાં ખાવાનું પીરસવા પર પ્રતિબંધ મૂકતો આદેશ બહાર પાડ્યો છે.

એફએસએસએઆઈના ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ (પૅકેજિંગ) રૂલ્સ, 2018માં છાપાં અથવા આવી અન્ય કોઈ સામગ્રીનો ઉપયોગ ખાવાનું રાખવા અને પીરસવા માટે કરવા પર પ્રતિબંધ છે.

કયા કામ માટે કાગળનો ઉપયોગ ન કરવો?

  • વધારાનું તેલ શોષવા માટે
  • ખાદ્યવસ્તુઓ અથવા તેને તૈયાર કરવામાં વપરાતી વસ્તુઓ ઢાંકવા માટે
  • ખાવાનું પીરસવા માટે
  • ખાવાનું પૅક કરવા માટે

તબીબી નિષ્ણાતો શું કહે છે?

છાપાંમાં લપેટેલો ગરમ ખોરાક ખાવાથી થતાં જોખમો અંગે બીબીસીએ કુર્નૂલ મેડિકલ કૉલેજના ડૉ. શ્યામપ્રસાદ સાથે વાત કરી હતી.

શ્યામપ્રસાદ સોનોલૉજિસ્ટ છે. છાપકામમાં વપરાતી શાહી શરીરમાં જાય તો શું થાય છે, તેનાથી કઈ આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે અને શરીરના આંતરિક અવયવો પર તેની કેવી અસર પડે છે, તે અંગેના સવાલોના તેમણે જવાબ આપ્યા.

સવાલ : છાપકામ માટે વપરાતી શાહી શરીરમાં જાય તો શું થાય છે?

જવાબ : છાપકામ માટે વપરાતી શાહીમાં સીસું નામનું ખનિજ હોય છે. તે ખોરાક દ્વારા શરીરમાં જાય છે અને લિવરને નુકસાન પહોંચાડે છે. તે લોહીમાં પણ ભળી શકે છે અને શરીરના અવયવોને નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક કિસ્સામાં મગજને નુકસાન થવાનું જોખમ પણ રહે છે.

સવાલ : ઘરમાં પણ મહિલાઓ રોટલી અને પુરી બનાવતી વખતે તેને જૂનાં છાપાં પર મૂકે છે, ખરુંને? તેની શું અસર થાય છે?

જવાબ : આ ટેવની અસર પુખ્ત વયના લોકો કરતાં બાળકો પર વધુ થાય છે. તેમના માનસિક અને શારીરિક વિકાસ પર તેની ઊંડી અસર પડે છે. બાળકોના શરીરના અવયવો સંપૂર્ણપણે વિકસેલા ન હોવાથી તેમના પર તેની અસર વધુ થાય છે.

સવાલ: સગર્ભા મહિલાઓ પર તેની શું અસર થાય છે?

જવાબ : સગર્ભા મહિલાઓએ છાપેલા કાગળમાં લપેટેલું ખાવાનું બિલકુલ ન ખાવું જોઈએ. તે ખૂબ જોખમી છે. બાળકનો સંપૂર્ણ વિકાસ થયો ન હોય એવા તબક્કે આ રસાયણો શરીરમાં જાય તો ગર્ભપાત, માનસિક અક્ષમતા સાથે બાળકનો જન્મ અને મૃત બાળકના જન્મનું જોખમ રહે છે. તેથી સગર્ભા મહિલાઓએ આ બાબતે વધુ સાવચેત રહેવું જોઈએ.

બીબીસી ગુજરાતી

એફએસએસએઆઈ ખાદ્યવસ્તુઓના વેચાણ અને વિતરણ સાથે સંકળાયેલા વ્યવસાયોને માત્ર સલામત અને સત્તાવાર રીતે મંજૂર થયેલી ફૂડ-ગ્રેડ પૅકેજિંગ સામગ્રીનો ઉપયોગ કરવાની સૂચના આપે છે.

ગ્રાહકોને પણ આ બાબતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ જોગવાઈમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાવાનું પીરસવા માટે વપરાતા કાગળ, કાગળનાં બૉક્સ, પ્લેટ અને કપ બનાવવા માટેની સામગ્રી ફૂડ-ગ્રેડ ધોરણોને અનુરૂપ હોવી જોઈએ અને તેમાં કોઈ દૂષિત તત્ત્વો ન હોવાં જોઈએ.

સ્વાસ્થ્ય માટે કેટલું જોખમ?

બીબીસી ગુજરાતી

છાપાં છાપવા માટે વપરાતી શાહીમાં બાઇન્ડર, રંગ, વિવિધ રસાયણો, મિનરલ ઑઇલ હાઇડ્રોકાર્બન અને ભારે ધાતુઓ હોય છે.

ગરમ ખોરાકને અખબાર પર મૂકવામાં આવે ત્યારે ગરમીને કારણે છાપકામની શાહીમાં રહેલાં રસાયણો ખોરાકમાં ભળી શકે છે.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આવો ખોરાક ખાવાથી આ રસાયણો શરીરમાં જવાનો અને આરોગ્યની વિવિધ સમસ્યાઓ ઊભી થવાનું જોખમ રહે છે.

સાફ-સફાઈ સંબંધિત સવાલ

બીબીસી ગુજરાતી

એ ડૉ. શ્યામપ્રસાદ કહે છે કે છાપાં ઘણા લોકોના હાથમાંથી પસાર થાય છે અને અલગ-અલગ જગ્યાએથી આવે છે.

“આ કારણે તેના પર ધૂળ, બૅક્ટેરિયા અને અન્ય દૂષિત તત્ત્વો જમા થઈ શકે છે, આના કારણે ગ્રાહકો વિવિધ બીમારીઓની ઝપટમાં આવી શકે છે.”

શું તમે ઘરે પણ કાગળનો ઉપયોગ કરો છો?

ઘરે પણ કેટલાક લોકો તેલવાળું ખાવાનું છાપાંમાં લપેટે છે. આમ ન કરવું જોઈએ.

ખાવાનું શેમાં પીરસવું જોઈએ?

નિષ્ણાતો સૂચવે છે કે ખાવાનું સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો, સૂકાં પાન અથવા કાચનાં વાસણોમાં પીરસવું વધુ સારું છે.

ખાવાનું વેચનાર કાગળમાં લપેટીને આપે તો ફરિયાદ ક્યાં કરવી?

બીબીસી ગુજરાતી

કોઈ વેપારી અખબાર કે પત્રિકાના કાગળમાં લપેટીને ખાવાનું વેચે, તો લોકો સંબંધિત સત્તાવાળાઓને ફરિયાદ કરી શકે છે.

  • એફએસએસએઆઈની સત્તાવાર વેબસાઇટ www.fssai.gov.in પર ફરિયાદ નોંધાવી શકાય છે
  • ફૂડ સેફ્ટી કમ્પ્લેઇન્ટ્સ પોર્ટલ (FoSCoS): foscos.fssai.gov.in/consumergrievance
  • મોબાઇલ ઍપ: Google Play Store / Apple App પર ફોટા સહિત સીધી ફરિયાદ નોંધાવી અને તેની સ્થિતિ જાણી શકાય છે. * એફએસએસએઆઈની સત્તાવાર વેબસાઇટ: www.fssai.gov.in
  • ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર: 1800-11-2100 (24 કલાક ઉપલબ્ધ)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS